રેસિપ્રોકલ ટૅરિફ ૭૫ જેટલા દેશો માટે ૯૦ દિવસ મોકૂફ રાખવાના ટ્રમ્પના નિર્ણયથી પોરસાયેલાં વિશ્વબજાર વળતા દિવસે ઢીલાં પડી ગયાં
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકા-ચાઇના વચ્ચે ટૅરિફ-વૉર ઉગ્ર બનવાનાં એંધાણ, આજથી અમેરિકન ઇમ્પોર્ટ પર ચાઇના ૧૨૫ ટકા ડ્યુટી લેશે : રેસિપ્રોકલ ટૅરિફ ૭૫ જેટલા દેશો માટે ૯૦ દિવસ મોકૂફ રાખવાના ટ્રમ્પના નિર્ણયથી પોરસાયેલાં વિશ્વબજાર વળતા દિવસે ઢીલાં પડી ગયાં : ધારણાં કરતાં નબળા પરિણામ છતાં TCSમાં સામાન્ય નબળાઈ : મેટલ શૅરો તેજીમાં મોખરે રહ્યા, પરંતુ આગળનો સમય મુશ્કેલ : જ્વેલરી કંપની ગોલ્ડિયમ ઇન્ટર તથા કેમિકલ કંપની કેમલિન ફાઇન ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ
ટૅરિફના મામલે ટ્રમ્પની અભૂતપૂર્વ નૌટંકી નૉન-સ્ટૉપ ચાલુ છે જેમાં એક અણધાર્યા ટ્વિસ્ટ તરીકે વિશ્વના ૭૪ જેટલા દેશો માટે રેસિપ્રોકલ ટૅરિફનો અમલ ત્રણ મહિના માટે મોકૂફ રખાયો છે. ચાઇનીઝ ઇમ્પોર્ટ પર કુલ ૧૪૫ ટકાની ડ્યુટી લાગુ પડી છે. વળતા દિવસે વળતા હુમલામાં ચીને પણ શનિવારથી અમલી બને એ રીતે અમેરિકન માલ-સામાનની આયાત પરની જકાત વધારી ૧૨૫ ટકા કરી નાખી છે. ટ્રમ્પ-ટૅરિફના હાઈ-પ્રોફાઇલ સેટ-બૅકના પગલે અર્થાત્, ટૅરિફનો અમલ ૯૦ દિવસ સ્થગિત કરવાની જાહેરાતમાં વિશ્વભરનાં શૅરબજાર સ્થગિત કરવાની જાહેરાતમાં વિશ્વભરનાં શૅરબજાર ચાર ટકાથી માંડી સાત ટકાની તેજીમાં ગુરુવારે બંધ થયાં હતાં. વળતા દિવસે આ ઊભરો શમી ગયો છે. ડાઉ ઇન્ડેક્સ આગલા દિવસની ૭.૯ ટકા કે ૨૯૬૩ પૉઇન્ટની વિક્રમી છલાંગ બાદ વળતા દિવસે અઢી ટકા કે ૧૦૧૫ પૉઇન્ટ ગગડ્યો છે તો ૧૨.૨ ટકાના હનુમાનકૂદકા પછી નૅસ્ડૅક પણ સવાચાર ટકા કે ૭૩૮ પૉઇન્ટ ધોવાયો છે. એશિયન બજારોય ગઈ કાલે બહુધા નરમ હતાં. જપાન ૩ ટકા, સિંગાપોર બે ટકા, સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ અડધો ટકો ડાઉન હતાં. સામે તાઇવાન પોણાત્રણ ટકા, હૉન્કૉન્ગ એક ટકો અને ચાઇના અડધો ટકો પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં સાધારણથી પોણો ટકો ઢીલું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડૉલર તથા નાયમેક્સ ક્રૂડ ૬૦ ડૉલરે ટકેલું હતું. સોનું દોઢ-બે ટકા વધી ૩૨૦૦ ડૉલરની ક્યાંય ઉપર નવા શિખરે મજબૂત દેખાયું છે. ચાઇનાના વળતા હુમલામાં ડૉલર વધુ નબળો પડ્યો છે.
ADVERTISEMENT
ઘરઆંગણે બજાર ગુરુવારની રજાના દિવસે વધેલાં વિશ્વબજારોનું અનુકરણ કરતાં શુક્રવારે ૯૮૮ પૉઇન્ટના ગૅપમાં મજબૂત, ૭૪૮૩૫ ખૂલી ૧૩૧૦ પૉઇન્ટના જુસ્સામાં ૭૫૧૫૭ તથા નિફ્ટી ૪૨૯ પૉઇન્ટની તેજીમાં ૨૨૮૨૮ બંધ રહ્યો છે. શૅરઆંક નીચામાં ૭૪૬૬૩ તથા ઉપરમાં ૭૫૪૬૭ વટાવી ગયો હતો. નવા સપ્તાહમાં સોમવાર તથા શુક્રવારે રજા હોવાથી માર્કેટ માત્ર ત્રણ દિવસ ચાલુ રહેવાનું છે. સેન્સક્સ નિફ્ટીના પોણાબે ટકાના સુધારા સામે સ્મૉલકૅપ પોણાત્રણ ટકા, મિડકૅપ ૧.૬ ટકા અને બ્રૉડર માર્કેટ પોણાબે ટકા પ્લસ હતું. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં હતાં; જેમાં મેટલ ઇન્ડેક્સ ૪.૩ ટકા કે ૧૧૪૧ પૉઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ત્રણેક ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૬ ટકા, યુટિલિટીઝ ૨.૮ ટકા, ઑઇલ-ગૅસ બે ટકા, એનર્જી અઢી ટકા, હેલ્થકૅર ૧.૮ ટકા, નિફ્ટી ફાર્મા અઢી ટકા, ઑટો ઇન્ડેક્સ બે ટકા, બૅન્ક નિફ્ટી દોઢ ટકા કે ૭૬૨ પૉઇન્ટ, નિફ્ટી મીડિયા ૧.૭ ટકા વધ્યા છે. આઇટી બેન્ચમાર્ક પોણા ટકાથી વધુ સુધર્યો છે. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૩૮૧ શૅરની સામે ૪૯૨ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૭.૭૪ લાખ કરોડના ઉમેરામાં ૪૦૧.૫૬ લાખ કરોડ વટાવી ગયું છે. દરમ્યાન ડાઉ ફ્યુચર ચાઇનીઝ ટૅરિફના પગલે ૪૦૨૬૦ના ઉપલા મથાળેથી ગગડી ૩૯૨૧૧ થઈ ૨૭૫ પૉઇન્ટના ઘટાડે ૩૯૫૨૨ દેખાતો હતો. મૂડીઝ તરફથી ભારતના જીડીપી ગ્રોથ ઘટવાની ધારણા જારી થઈ છે. આ સાથે સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ ૨૦૭ પૉઇન્ટ અને નિફ્ટી ૭૬ પૉઇન્ટ ઘટ્યો છે જે ટકાવારીની રીતે ૦.૩ ટકા થવા જાય છે.
ITમાં હેવીવેઇટ સુસ્ત, સાઇડ શૅરો ભારે જોરમાં
IT બેન્ચમાર્ક ૦.૯ ટકા વધ્યો છે, પરંતુ એના ૫૯માંથી બાવન શૅર પ્લસ હતા. ઓરિયન પ્રો સૉલ્યુશન્સ ઉપરમાં ૧૫૭૮ થઈ સાડાબાર ટકા કે ૧૭૦ રૂપિયાની તેજીમાં ૧૫૩૭ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો હતો. ક્વિક હિલ, લૅટન્ટ વ્યુ, જેનેસિસ, સાસ્કેન, ઇન્ટલેક્ટ ડિઝાઇન, એફલી, નેલ્કો, ઝગલ જેવી જાતો પાંચથી આઠ ટકા ઊંચકાઈ છે. આર સિસ્ટમ્સ ૯.૬ ટકા વધી ૩૨૧ હતી. વકરાંગી સાડાત્રણ ટકા બગડી છે. રૂટ મોબાઇલ પોણો ટકો ઘટ્યો હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅરની આગેકૂચમાં સવાબે ટકા રણક્યો છે. સ્ટરલાઇટ ટેક્નૉ ૯ ટકા ઊછળીને અહીં મોખરે હતો. ભારતી હેક્સા ૫.૨ ટકા મજબૂત હતી. ટેક્નૉલૉજી સ્પેસમાં PVR આઇનોક્સ પોણાપાંચ ટકા વધી ૯૧૨ થઈ છે. પૉલિસી બાઝાર પોણાચાર ટકા, તાન્લા સાડાપાંચ ટકા, નેટવર્ક૧૮ પોણાબે ટકા વધી હતી. ગોલ્ડ લોન કંપની મુથૂત ફાઇનૅન્સ નરમાઈને આગળ વધારતાં પોણાછ ટકા ખરડાઈ ૨૦૧૭ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. ગ્રેવિટા ઇન્ડિયા સાતગણા વૉલ્યુમે સાડાસોળ ટકાના જમ્પમાં ૧૮૫૪ બંધ આપી મોખરે હતી. આઇનોક્સ ગ્રીન ૧૪ ટકા, જ્યુબિલન્ટ ફાર્મા ૧૧ ટકા, કાર ટ્રેડ ૧૦.૯ ટકા મજબૂત હતી. રાઇસ કંપની દાવત ફેમ એલટી ફૂડ્સ અઢી ગણા કામકાજમાં ૯.૭ ટકા વધી ૩૫૨ રહી છે. વૉકહાર્ટ સવાયા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૧૯ વટાવી ગઈ હતી.
અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણાચાર ટકા ઊછળી ૨૩૨૨ રહી છે. અદાણી પોર્ટ્સ ૨.૮ ટકા, અદાણી પાવર ૧.૯ ટકા, અદાણી ગ્રીન ૩.૮ ટકા, અદાણી એનર્જી એક ટકાની ઉપર, અદાણી ટોટલ ૨.૨ ટકા, NDTV અઢી ટકા, એસીસી એક ટકા, અંબુજા સિમેન્ટ નહીંવત્ વધ્યો છે. અદાણી વિલ્મર અડધો ટકો સુધરી ૨૭૩ રહ્યો છે.
HDFC બૅન્ક અને રિલાયન્સ બજારને ૪૬૬ પૉઇન્ટ ફળ્યા
સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ ૪.૯ ટકા વધી બેસ્ટ ગેઇનર બન્યો છે. નિફ્ટી ખાતે હિન્દાલ્કો સાડાછ ટકા અને JSW સ્ટીલ ૪.૭ ટકા વધી મોખરે હતા. અન્ય નોંધપાત્ર વધેલી જાતોમાં કોલ ઇન્ડિયા ૪.૭ ટકા, ONGC ૩.૮ ટકા, જિયો ફાઇનૅન્સ ચાર ટકા, ગ્રાસિમ ૩.૭ ટકા, ટ્રેન્ટ ૩.૫ ટકા, સિપ્લા ૩.૪ ટકા, SBI લાઇફ ૨.૭ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા, બજાજ ઑટો ૨.૬ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાબે ટકા, પાવરગ્રિડ ૩.૭ ટકા, NTPC ૩.૩ ટકા, કોટક બૅન્ક ૨.૯ ટકા, બજાજ ફિનસર્વ અઢી ટકા, સનફાર્મા ૨.૨ ટકા, ભારતી ઍરટેલ અઢી ટકા, અદાણી પોર્ટ્સ ૨.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૩ ટકા, ઝોમાટો ૨.૭ ટકા, તાતા મોટર્સ બે ટકા, મહિન્દ્ર ૨.૩ ટકા, ટાઇટન ૧.૯ ટકા, લાર્સન ૧.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા મુખ્ય હતી. HDFC બૅન્કનાં પરિણામ ૧૯મીએ છે. શૅર ૨.૩ ટકા ઊંચકાઈ ૧૮૦૬ના બંધમાં બજારને ૨૬૯ પૉઇન્ટ ફળ્યો છે. રિલાયન્સ ૨.૮ ટકા વધી ૧૨૧૯ બંધ થતાં બજારને ૧૯૭ પૉઇન્ટ મળ્યા હતા.
TCSનાં પરિણામ ધારણાં કરતાં વધુ નબળાં આવ્યાં છે. શૅર સવાયા વૉલ્યુમે નીચામાં ૩૨૦૫ થઈ ૦.૪ ટકા ઘટી ૩૨૩૨ બંધ આવ્યો છે. ઇન્ફી નીચામાં ૧૩૯૭ બતાવી અડધો ટકો વધી ૧૪૧૧ હતો. વિપ્રોનાં રિઝલ્ટ ૧૬મીએ છે. શૅર સવા ટકાના સુધારે ૨૪૦ નજીક હતો. HCL ટેક્નૉ એક ટકો તથા ટેક મહિન્દ્ર પોણા ટકા જેવો વધેલો હતો. એશિયન પેઇન્ટ્સ પોણા ટકાની પીછેહઠમાં ૨૩૯૧ થયો છે. અપોલો હૉસ્પિટલ્સ ૦.૮ ટકા ઘટી નિફ્ટીમાં મોખરે હતી. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૮ તથા નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર પ્લસ હતા. MCX સવાચાર ટકા કે ૨૧૯ના ઉછાળે ૫૪૩૯ થઈ છે. BSE લિમિટેડ પોણાબે ટકા અપ હતી.
સ્પેશ્યલ કેમિકલ્સ તથા જ્વેલરી સેક્ટર લાઇમલાઇટમાં
રેસિપ્રોકલ ટૅરિફના અમલમાં ૯૦ દિવસની રાહત સાથે ચાઇનીઝ આયાત પર ભારે ટૅરિફ ટ્રમ્પે લગાવતાં ગઈ કાલે ઘરઆંગણે કેટલાંક સેક્ટર ખાસ્સાં લાઇમલાઇટમાં હતાં. ઑટો એન્સિલિયરી ઉદ્યોગના ૧૨૩માંથી ૧૦૯ શૅર વધ્યા છે. ફુટવેરમાં તમામ ૯ શૅર પ્લસ હતા. ગારમેન્ટ્સ ક્ષેત્રે ૩૦માંથી ૨૩ શૅર વધ્યા છે. જેમ્સ જ્વેલરી સેક્ટરમાં ૬૫માંથી ફક્ત ૭ શૅર માઇનસ થયા છે. ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૨૭ બંધ રહી છે. ટીબીઝેડ સવાઆઠ ટકા, થંગમયિલ જ્વેલરી ૭.૭ ટકા, વૈભવ ગ્લોબલ પાંચ ટકા, સ્કાય ગોલ્ડ પાંચ ટકા, સેન્કો ગોલ્ડ પાંચ ટકા, RBZ જ્વેલર્સ પાંચ ટકા, રેનેસાં ગ્લોબલ ૪.૮ ટકા, કલ્યાણ જ્વેલર્સ ત્રણેક ટકા ઝળકી હતી. સ્પેશ્યલિટી કેમિકલ્સમાં કેમલિન ફાઇન ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૬૦ વટાવી ગઈ છે. અતુલ લિમિટેડ ૫૩૩ રૂપિયા કે સવાદસ ટકા ઊછળી ૫૭૧૪ થઈ છે. નિઓજેન સાડનવ ટકા, વિષ્ણુ કેમિકલ્સ આઠ ટકા, જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા સવાછ ટકા, આરતી ઇન્ડસ્ટ્રીઝ સાડાસાત ટકા, દીપક નાઇટ્રેક પોણાસાત ટકા, બાલાજી એમાઇન્સ સવાછ ટકા, વિનતી ઑર્ગેનિક પોણાસાત ટકા, દાઇશી કરકિયા સવાછ ટકા, નોસિલ છ ટકા, તત્ત્વચિંતન પોણાછ ટકા ઊંચકાઈ હતી. અહીં ૯૬માંથી ફક્ત ૧૧ શૅર માઇનસ હતા.
બૅન્કિંગના ૪૧માંથી માત્ર ૩ શૅર ઘટ્યા છે. ઇસફ સ્મૉલ બૅન્ક અને આઇઓબી સવા ટકા આસપાસ નરમ હતી. સામે સિટી યુનિયન બૅન્ક સર્વાધિક સવાચાર ટકા, કરુર વૈશ્ય ત્રણ ટકા, કોટક બૅન્ક પોણાત્રણ ટકા, RBL બૅન્ક અઢી ટકા, જન સ્મૉલ બૅન્ક અઢી ટકા વધી મોખરે હતી.

