અડદ જાન્યુઆરી મહિનો ૫૦ પ્રીમિયમમાં હતો, જેમાં વેચવાલીનું દબાણ વધતાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટમાં આવી ગયો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અડદના ભાવમાં હાલના સમયમાં તોફાની વધ-ઘટ જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે ચેન્નઈ અડદના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૭૭૨૫ રૂપિયાની ટોચ જોવા મળી અને સપ્તાહ દરમ્યાન ૨૨૫ રૂપિયા સુધી ઘટી અંતે ૭૫ રૂપિયા ઘટ્યા હતા. અડદમાં તેજી અને મંદી બન્ને પરિબળને લીધે માગમાં પણ ઘણી ઊથલપાથલ જોવા મળી રહી છે.
અડદમાં તેજીકારક પરિબળ જોઈએ તો દેશમાં અડદનો સ્ટૉક ઘણો ઓછો હોવાનું કહેવાય છે, એથી બર્માના અડદ પર નિર્ભર રહેવું પડશે, જ્યારે મંદીકારક પરિબળ જોઈએ તો બર્મામાં અડદ વધુ પ્રમાણમાં છે અને ત્યાંથી વેચવાલીનું દબાણ અવિરત રહેશે એવો અંદાજ છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે અડદમાં ઊથલપાથલનું મુખ્ય કારણ ફૉર્વર્ડના સટ્ટા છે. ઘણા વેપારીઓની ફરિયાદ છે કે પૈસા આપવા છતાં રેડીમાં ડિલિવરી લોડિંગમાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે ફૉર્વર્ડને તોડવામાં આવી રહ્યો છે. અડદ જાન્યુઆરી મહિનો ૫૦ પ્રીમિયમમાં હતો, જેમાં વેચવાલીનું દબાણ વધતાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટમાં આવી ગયો છે. એક વાત સ્પષ્ટ છે કે દેશમાં અડદનું ઉત્પાદન અને સ્ટૉક બન્ને ઓછો છે, પરંતુ બર્માથી સપ્લાય પણ અવિરત થઈ રહી છે અને નવા પાક માટેની ઑફર પણ આવી રહી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ચેન્નઈ અડદ (એસક્યુ) નીચામાં ૭૦૦૦-૭૨૦૦ રૂપિયાની રેન્જમાં લેવાલી થઈ શકે છે, જ્યારે ઉપરમાં ૭૬૦૦ રૂપિયાની રેન્જમાં રેસિસ્ટન્સ સ્તર પ્રૉફિટ બુકિંગ થશે અને તેજી રહે તો ૭૮૦૦ રૂપિયાનું સ્તર પણ પાર થઈ શકે છે.