શૅરબજાર બહુ વધતું નથી, બહુ ઘટતું નથી : ગ્લોબલ અનિશ્ચિતતા પણ એવી ને એવી જ છે : યુએસ માર્કેટ સહિત વિશ્વની મુખ્ય માર્કેટ્સ આર્થિક સમસ્યામાં ઘેરાયેલી હોવાથી બજારની ચંચળતા ચાલુ રહી છે : બજેટ સુધી ટ્રેન્ડ આ જ રહેશે
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શૅરબજારનો વર્તમાન સમય વિશેષ વૉલેટિલિટીનો છે. ભારતીય બજાર બે મોરચે ગતિવિધિ કરી રહી છે. સ્થાનિક મોરચે એનાં ફન્ડામેન્ટલ્સ સુધારાતરફી બની રહ્યાં છે, જ્યારે ગ્લોબલ સ્તરે અનિશ્ચિતતા લટકતી રહી છે અને હજી લાંબો સમય લટકતી રહેવાની ધારણા છે. માર્કેટની ચાલ કે ટ્રેન્ડ આ જ સંકેત આપતા રહ્યા છે. હવે પછીનું ટ્રિગર બજેટ છે. જોકે બજેટ બાદ પણ વૉલેટિલિટીને વહાલ કરવાનું બજાર ચાલુ રાખશે એવું અનુમાન છે. આ સંજોગોમાં નોંધનીય વાત એ છે કે વિદેશી રોકાણકારો તેમના સંજોગોને લીધે સતત વેચી રહ્યા છે, જ્યારે ભારતીય સંસ્થાઓ-ફન્ડ્સ સતત ખરીદી કરી રહ્યાં છે. આમાં બજાર ટકી જાય છે. જો બજેટ માર્કેટની ફેવરમાં રહ્યું તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ બનતા સમય નહીં લાગે.
વધ-ઘટ સામે સાવચેતીનો અભિગમ
ADVERTISEMENT
વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટે વૉલેટિલિટી ચાલુ રાખીને શરૂઆત તો પૉઝિટિવ કરી, પરંતુ અનિશ્ચિતતાના ભયથી તરત પ્રૉફિટ બુકિંગ આવી જતાં અંતે સેન્સેક્સ દોઢસો પૉઇન્ટ નીચે ઊતરી ગયો, પરંતુ ૬૦,૦૦૦ની ઉપર જળવાઈ રહ્યો હતો. જોકે નિફ્ટી ૧૭,૯૦૦ની નીચે આવી ગયો હતો. એફઆઇઆઇની વેચવાલીનું સતત દબાણ અને ગ્લોબલ મેક્રોઇકૉનૉમિક સિનારિયોને ધ્યાનમાં રાખી રોકાણકારો સાવચેતી પસંદ કરી રહ્યા છે. વર્તમાન સંજોગોમાં માર્કેટ કોઈ ચાલ નક્કી કરી શકતું નહીં હોવાનું જણાય છે. બજેટ સુધી આવો જ ટ્રેન્ડ જોવા મળે તો નવાઈ નહીં. સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ ડિસેમ્બરમાં નિકાસ ૧૨ ટકા જેટલી ઘટી હતી. મંગળવારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નીચે આવવાની માર્કેટ પર પૉઝિટિવ અસર હતી તેમ જ સરકારે ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ ટૅક્સમાં કાપ મૂકવાની પણ અસર હતી. કમસે કમ ભારતમાં ફુગાવો કાબૂમાં આવતો જતો હોવાની પ્રતીતિ થાય છે. ગ્લોબલ સંકેત પણ પૉઝિટિવ રહેતાં સેન્સેક્સ ૫૬૨ પૉઇન્ટ ઊછળીને ૬૦,૬૦૦ ઉપર બંધ રહ્યો અને નિફ્ટી ૧૫૮ પૉઇન્ટના સુધારા સાથે ૧૮,૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. બુધવારે માર્કેટે તેજીની ગાડી પાછી આગળ ચલાવી હતી. બજેટના ચોક્કસ સંકેતો બજારને પૉઝિટિવ સિગ્નલ આપી રહ્યા હોવાથી બજાર વધી રહ્યું છે. સેન્સેક્સ ૩૯૦ પૉઇન્ટ વધીને ૬૧,૦૦૦ની સપાટી વટાવી ગયો અને નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ પ્લસ થઈ ૧૮,૧૦૦ ઉપર બંધ રહ્યો હતો.
ચીન અને ભારત
ચીન મોરચે ભારત કયાંક આગળ નીકળી રહ્યું હોવાના અહેવાલ સકારાત્મક પરિબળ બની રહ્યા છે. ચીનનો ગ્રોથ રેટ નીચે ગયો છે તેમ જ ચીન હજી ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે ભારતના હિતમાં કામ કરી શકે. ઍપલ કંપનીના ૧૪ જેટલા સપ્લાયર્સને ભારતમાં કામકાજ કરવાની મંજૂરી અપાઈ છે, જે હાલ ચીનમાં કામ કરી રહ્યા છે. આવો ટ્રેન્ડ વધવાની શક્યતા ખરી. આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓની સતત નેટ ખરીદી રોકાણકારોના સેન્ટિમેન્ટને પ્રોત્સાહિત કરતી રહે છે. ભારતની યુવા વસ્તી અને ટૅલન્ટ લાંબા ગાળાના વિકાસની સંભાવના દર્શાવે છે અને આશા વધારે છે. ઇન શૉર્ટ, માર્કેટમાં નાણાપ્રવાહ વધવાની ધારણા મક્કમ બનતી જાય છે. બજેટ માર્ગે આવકવેરામાં સંભવિત ચોક્કસ રાહતો આ માટે એક કારણ બનશે.
આ પણ વાંચો : વૉલેટિલિટી વચ્ચે માર્કેટ સેન્ટિમેન્ટ બુલિશ
યુએસ બધા માટે મોટું જોખમ
ગુરુવારે બજારે ફરી વૉલેટિલિટીની ચાલ દર્શાવી માઇનસ બંધ આપ્યો હતો. સેન્સેક્સ ૧૮૭ પૉઇન્ટ અને નિફ્ટી ૫૭ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. ગ્લોબલ સંકેતો નેગેટિવ બન્યા હતા. ગુરુવારે રિઝર્વ બૅન્કે એના બુલેટિન મારફત આપેલી એક ચેતવણી ધ્યાનમાં રાખવા જેવી છે. રિઝર્વ બૅન્કના મતે યુએસ મૉનિટરી પૉલિસી અને એના ડૉલરની મૂવમેન્ટ એ ઊભરતાં અર્થતંત્રો માટે મોટામાં મોટું જોખમ છે. અમુક રાષ્ટ્રો એનો કંઈક અંશે સામનો કરી શક્યા છે, જ્યારે કે અમુક એની અસરો ભોગવી રહ્યા છે. નબળા ગ્લોબલ સંજોગો ભારત માટે પણ સમસ્યા સમાન છે. વિશ્વના કેટલાક દેશો ભારે દેવા તેમ જ ઇન્ફ્લેશનનો સામનો કરી રહ્યા હોવાથી ભારતને નિકાસમાં માર પડી શકે છે. રૂપિયો ડૉલર સામે સતત નબળો પડ્યો છે. ૨૦૨૩ માટે પણ આવા નિર્દેશ છે. જોકે રિઝર્વ બૅન્કના ગવર્નર કહે છે કે ડૉલર સામે રૂપિયો અન્ય દેશોની તુલનાએ ઓછો ઘસાયો છે. રિઝર્વ બૅન્ક માટે ફુગાવો એ ચિંતાનો વિષય ચોક્કસ છે. અલબત્ત, રીટેલ ઇન્ફ્લેશન ૬ ટકાની નીચે આવવાની બાબતને ગવર્નર આવકાર્ય ગણાવતાં જણાવે છે કે આને એક સારો સંકેત કહી શકાય. રિઝર્વ બૅન્ક આ વિષયમાં સક્રિય કામ કરી રહી છે.
શૉર્ટથી લૉન્ગ ટર્મ ટ્રેન્ડ
શુક્રવારે માર્કેટે ફ્લૅટ શરૂઆત કરી હતી, ત્યાર બાદ સાધારણ વધ-ઘટ સાથે સેન્સેક્સ ૨૩૬ પૉઇન્ટ ઘટ્યા બાદ ૬૦,૦૦૦ ઉપર તેમ જ નિફ્ટી ૮૦ પૉઇન્ટ ઘટીને પણ ૧૮,૦૦૦ ઉપર બંધ રહ્યા હતા. હવે બજેટના ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજેટ જ માર્કેટનું નવું ટ્રિગર બની રહેશે. એમ છતાં, વૈશ્વિક સંજોગો જોતાં વૉલેટિલિટી માર્કેટનો પીછો છોડે એવું જણાતું નથી. લૉન્ગ ટર્મ માટે રોકાણનો ઉત્તમ સમય છે, મધ્યમ ટર્મ માટે બહેતર સમય છે, જ્યારે કે શૉર્ટ ટર્મ માટે સમય પણ ચંચળ-વૉલેટાઇલ છે. કમાવાનો અને ગુમાવવાનો બન્ને અવકાશ રહેશે. ટ્રેડર્સ વર્ગ આવામાં જ જોખમ લેવા તૈયાર થતા હોય છે. જેની પાસે હોલ્ડિંગ ક્ષમતા સારી-મજબૂત હશે તેમને જોખમ ઓછું રહેશે.
આઇપીઓની કતાર ઢીલી થવા લાગી
શૅરબજારમાં ગ્લોબલ સંજોગોની સતત પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને લીધે છેલ્લા છ મહિનામાં આશરે ૨૭ કંપનીઓએ પોતાના આઇપીઓની નિયમનકારી મંજૂરીને રદ થઈ જવા દીધી છે, આમ વધુ કંપનીઓ પણ કરે તો નવાઈ નહીં. પ્રાઇમ ડેટા બેઝની માહિતી મુજબ આ કંપનીઓ ભંડોળ ઊભું કરવા માટે આ સમયને યોગ્ય માનતી નથી. કહેવાય છે કે બજેટ બાદ માર્કેટ શું મૂડ અને ટ્રેન્ડ બનાવે છે એના આધારે કંપનીઓ આઇપીઓ પ્લાન કરશે. જોકે અદાણી એન્ટરપ્રાઇઝિસે માર્કેટમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા ફૉલોઑન ઑફર લાવી છે. હૉસ્પિટલિટી કંપની ઓયોના ઑફર દસ્તાવેજ સેબીમાં ફરી ફાઇલ થયા છે. બજેટ સાનુકૂળ રહ્યું તો આઇપીઓની કતાર મોટી પણ થઈ શકે. આ સપ્તાહ બજેટના સંકેતોને આધારે ચાલ દર્શાવશે.