Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > હાલ ન બહુ રાજી થવું, ન બહુ નારાજ થવું

હાલ ન બહુ રાજી થવું, ન બહુ નારાજ થવું

Published : 02 February, 2023 07:58 AM | Modified : 02 February, 2023 08:09 AM | IST | Mumbai
Jayesh Chitalia

નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટની એક ખાસિયત એ હોય છે કે એમાં ન બહુ રાજી થઈ અતિવખાણવા જેવું કંઈ હોય અને બહુ નારાજ થઈ અતિદુખી થઈ જવા જેવું કંઈ હોય. આ વખતનું બજેટ ૨૦૨૪ની ચૂંટણી પહેલાંનું હોવાથી હોશિયારીપૂર્વકનું અને સાવચેતીપૂર્વકનું રહ્યું

હાલ ન બહુ રાજી થવું, ન બહુ નારાજ થવું

ઍનૅલિસિસ

હાલ ન બહુ રાજી થવું, ન બહુ નારાજ થવું


નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટની એક ખાસિયત એ હોય છે કે એમાં ન બહુ રાજી થઈ અતિવખાણવા જેવું કંઈ હોય અને બહુ નારાજ થઈ અતિદુખી થઈ જવા જેવું કંઈ હોય. આ વખતનું બજેટ ૨૦૨૪ની ચૂંટણી પહેલાંનું હોવાથી હોશિયારીપૂર્વકનું અને સાવચેતીપૂર્વકનું રહ્યું. એની અસલી તેમ જ લાંબા ગાળાની અસરો બહાર આવતાં થોડો સમય લાગી શકે, પરંતુ અત્યારે તો એકંદરે ન બહુ રાજી થવાનું છે કે ન બહુ નારાજ થવાનું છે. જોકે સરકારે બજેટમાં સર્વસમાવેશ પર મૂકેલો ભાર મહત્ત્વનો ગણી શકાય


સમાજના દરેક વર્ગને કંઈક ને કંઈક આપ્યું હોય અને કોઈની ઉપર બોજ પણ ન નાખ્યો હોય એવા આ વખતના બજેટને સાર્વત્રિક આવકાર મળવો સહજ છે, જેને શૅરબજારે તો આપ્યો જ, ફાઇનૅન્શિયલ માર્કેટના વિવિધ નિષ્ણાતોએ પણ આપ્યો છે. મોટા ભાગના લોકોએ આ બજેટને નાણાપ્રધાનનું અત્યાર સુધીનું ઉત્તમ બજેટ કહ્યું છે. આ માટેનાં વિવિધ કારણો કે પરિબળોને યા જાહેરાતોને સમજવાનો પ્રયાસ કરીએ. જોકે ફેડરલ રિઝર્વની મીટિંગની ચિંતા અને અદાણી પ્રકરણને કારણે આખરે બજારે તો નોંધપાત્ર રિકવરીમાંથી કરેક્શનના શરણે જવું પડ્યું.



આવકવેરામાં ખરેખર રાહત?


પહેલી વાત વ્યક્તિગત આવકવેરા રાહતની કરીએ તો નાણાપ્રધાને સૂચવેલા નવા કર માળખામાં ૭ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણ મુક્તિ આપી છે, જેને લીધે કુલ ૯ લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિને માત્ર ૪૫૦૦૦નો ઇન્કમ ટૅક્સ ભરવાનો આવશે. જ્યારે ૧૫ લાખ રૂપિયાની આવક પર દોઢ લાખ રૂપિયા ભરવાના આવશે. જોકે બજેટે કરદાતાઓને બે વિકલ્પ આપ્યા છે, જેમાં કરદાતા બજેટમાં પ્રસ્તાવિત નવી સિસ્ટમમાં પણ જઈ શકે અથવા જૂની ટૅક્સ સિસ્ટમમાં પણ ચાલુ રહી શકે છે,  જ્યારે આ બન્નેમાં કરદાતાને ખરો લાભ શેમાં મળે છે અને કેટલો મળે છે એની સમજણપૂર્વકની ગણતરી કરવી જરૂરી રહેશે. દરેક કરદાતાએ પોતાના ટૅક્સ કન્સલ્ટન્ટ યા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સલાહ લઈને આગળ વધવાનું બહેતર રહેશે. અલબત્ત, બજેટે આવકવેરા ધારામાં સરળીકરણ પર પણ ભાર મૂક્યો છે તેમ જ વિવાદ નિવારણની વ્યવસ્થા મજબૂત અને બહેતર બનાવવા પર પણ જોર આપ્યું છે.

સિનિયર સિટિઝન્સને રાહત


હાઈ સૅલેરી બ્રેકેટમાં આવતા વર્ગ માટે સરચાર્જ ૩૭.૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરાયો છે. લીવ એન્કૅશમેન્ટ લિમિટ ત્રણ લાખ હતી એ વધારીને ૨૫ લાખ કરવામાં આવી છે. સિનિયર સિટિઝન વર્ગને મોટી રાહતમાં બજેટે સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ પર ૮ ટકા વ્યાજ સાથે ૧૫ લાખ રૂપિયાની રોકાણમર્યાદા ડબલ કરીને ૩૦ લાખ રૂપિયા કરી છે. એ ઉપરાંત મહિલાઓ માટે બજેટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના બહાર પાડીને  ૭.૫ ટકાના વ્યાજદરે રોકાણની તક ઑફર કરી છે.

મન્થ્લી ઇન્કમ સ્કીમમાં  સિંગલ પર્સનની રોકાણમર્યાદા ૪.૫ લાખથી વધારીને ૯ લાખ રૂપિયા કરવામાં આવી છે અને સંયુક્ત એટલે કે જૉઇન્ટ અકાઉન્ટ મર્યાદા વધારીને ૧૫ લાખ કરવામાં આવી છે. આમ બચતને પ્રોત્સાહન આપવા પર સરકારે જબ્બર જોર લગાવ્યું છે. આનાથી બન્ને પક્ષે રાહત થશે. સરકારને પણ અને સિનિયર સિટિઝન્સ વર્ગને પણ.  

કસ્ટમ્સ ડ્યુટી

બીજી વાત, બજેટે નિકાસ વધારવા અને ઉત્પાદન વધારવાના હેતુ સાથે ચોક્કસ આઇટમ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને સ્થાનિક ઉત્પાદકોને રાહત આપી છે તેમ જ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન ચાલુ રાખ્યું છે. આ સાથે મેક ઇન ઇન્ડિયાનું વર્તમાન બૂસ્ટર સમાન પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્સ ચાલુ રહેશે.

ત્રીજી વાત, આર્થિક નીતિઓના સુધારાઓના સાતત્ય પર ભાર અને ફોકસ ચાલુ રહેશે.

ચોથી વાત, બજેટે ચાલુ નાણાકીય વર્ષ માટે બે મોટી બાબત એ જણાવી છે કે એ ફિસ્કલ ડેફિસિટને અંકુશમાં રાખી શકશે અને રેવન્યુ મૅનેજ કરી શકશે. બજેટે ફિસ્કલ ડેફિસિટનું લક્ષ્ય ઘટાડીને ૫.૯ ટકાનું રાખ્યું છે, જેને ૨૦૨૫-’૨૬ સુધીમાં ૪ ટકા નીચે લઈ જવાનું ધ્યેય પણ સરાહનીય છે.

કૅપિટલ ખર્ચમાં નોંધપાત્ર વૃદ્ધિ

પાંચમી વાત, બજેટે જેની આશા રાખી હતી અને જે જરૂરી હતા એવા મૂડીખર્ચ વધારવા બાબતે ઉદારતા દાખવી છે અને આ વર્ષે ૧૦ લાખ કરોડ રૂપિયા મૂડીખર્ચ માટે ફાળવવાનું નક્કી કર્યું છે, જે જીડીપીના ૩.૩ ટકા જેટલું છે. આ ખર્ચવધારો ૩૩ ટકા જેટલો છે અને આને કારણે રોજગાર સર્જનને પણ બૂસ્ટ મળશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

છઠ્ઠી વાત, આ ઉપરાંત ખાનગી રોકાણપ્રવાહ પણ વધે એવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. રેલવે માટે બજેટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે ૯ ગણી વધુ છે. બજેટે ૧૦૦ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૅસિલિટીઝ પણ સ્થાપવાનું નક્કી કર્યું છે. આ સાથે ૫૦ નવાં ઍરપોર્ટ્સ, હેલિપોર્ટ્સ વગેરેનો સમાવેશ થશે.

સાતમી વાત, બજેટે આવતી કાલ માટેના શહેર તરીકેનો કન્સેપ્ટ વિકસાવવા સસ્ટેનેબલ સિટીઝ મિશન મૂક્યું છે, જે અત્યાધુનિક સિટી હશે, જ્યાં નવા યુગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અગાઉ સરકારે સ્માર્ટસિટીઝની જાહેરાત કરી હતી, હવે આ નવું નામ અને નવું કામ પણ બને એવી આશા રાખીએ.

વેપાર કરવામાં સરળતા

આઠમી વાત, ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસના વધુ અમલ માટે બજેટે આ વખતે ૩૯,૦૦૦ કમ્પ્લાયન્સ ઓછાં કર્યાં છે અને ૩૦૦૦ ક્રિમિનલ કમ્પ્લાયન્સ દૂર કરાયાં છે. આ સાથે બિઝનેસ શરૂ કરવા માટે એકમાત્ર પૅન (પીએએન - પર્મનન્ટ અકાઉન્ટ નંબર)ને મુખ્ય દસ્તાવેજ ગણાવ્યું છે. વધુમાં કેવાયસી (નો યૉર કસ્ટમર્સ)ની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી તેમ જ વન સ્ટૉપ સોલ્યુશન સમાન બનાવી છે.

નવમી વાત, એક મહત્ત્વની સરળીકરણની પ્રક્રિયાના ભાગરૂપ બજેટે વિવિધ સરકારી એજન્સીઓને ફાઇલ કરાતા દસ્તાવેજો માત્ર એક અલગ પોર્ટલ પર ફાઇલ કરી શકાય એવી સુવિધા પણ ઑફર કરવાનું નક્કી કર્યું છે.

દસમી વાત, સરકારે નૅશનલ ડેટા પૉલિસી - ડેટા ગવર્નન્સ પૉલિસીની જાહેરાતનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. વ્યક્તિની આઇડેન્ટિટી માટે ડિજિલૉકર અને આધારને મુખ્ય ગણાવ્યાં છે.  

અગિયારમી વાત, ફિનટેક સર્વિસિસમાં વધુ સર્વિસિસને સમાવવાનું નક્કી કર્યું છે. 5G સર્વિસ માટે એક લાખ લૅબ ઓપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગ્રીન ગ્રોથ

બારમી વાત, ગ્રીન ગ્રોથ પર ફોકસના ભાગરૂપ બજેટમાં લાઇફસ્ટાઇલ, પર્યાવરણ, ઝીરો કાર્બન સુધી જવાની બાબતોને આવરી લેવાનું ધ્યેય રાખ્યું છે. એનજી સિક્યૉરિટી માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા અને એનર્જી ટ્રાન્ઝિસન માટે ૧૯,૭૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે.

યુવા વર્ગ પર જોર

તેરમી વાત, યુવા વર્ગ પર ફોકસ કરવા માટે સરકારે વધુ જોર આપવાનું નક્કી કરીને તેમને અમૃત પેઢી ગણાવી છે. તેમને માટે ન્યુએજ કોર્સિસ રજૂ કર્યા છે, જેમાં તેઓ સ્કિલ ઇન્ડિયા ઉપરાંત ગ્લોબલ લેવલે પણ સક્ષમ બની શકે એ માટે કોડિંગ, ડ્રોન્સ, થ્રીડી પ્રિન્ટિંગ વગેરે જેવા કોર્સ પણ ઑફર કરવાનું નક્કી કર્યું છે.

પ્રવાસન ઉદ્યોગ - દેખો અપના દેશ

ચૌદમી વાત, બજેટે આ વખતે પ્રવાસન ઉદ્યોગને નવું ઉત્તેજન આપવા અને નવું સ્વરૂપ આપવાનું વિચાર્યું છે, કેમ કે આ સેક્ટરમાં સરકાર બહોળો અવકાશ જોઈ રહી છે. આ વિષયમાં સ્વદેશ દર્શન નામે ‘દેખો અપના દેશ’ના મેસેજ સાથે મિડલ ક્લાસ માટે તક ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

ગિફટ સિટીમાં સરળીકરણ

પંદરમી વાત, ગાંધીનગરના ગિફ્ટ (જીઆઇએફટી - ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક) સિટીના વધુ વિકાસ અર્થે ત્યાં રેગ્યુલેટર્સને વધુ સત્તા આપવા તેમ જ ઉદારીકરણ અને સરળીકરણના અમલને પ્રોત્સાહન આપવાનું ધ્યેય રાખ્યું છે, જે વિકાસમાં સહભાગી બનશે. વિદેશી રોકાણ આકર્ષવામાં પણ એની ભૂમિકા રહેશે. સરકાર અહીં બેવડાં નિયમન રાખવા માગતી નથી, જેથી આઇએફસીઆઇ રેગ્યુલેશનમાં સુધારા કરવામાં આવશે તેમ જ સેબી અથવા આરબીઆઇ ઍક્ટમાં પણ સુધારા થશે.

ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન-પ્રોટેક્શન

સોળમી વાત, બજેટે બૅન્કિંગ સેક્ટરમાં સુધારા સૂચવ્યા છે તેમ જ શૅર અને ડિવિડન્ડના રીક્લેમ માટે નવી સુવિધા આપીને રાહત પહોંચાડી છે. આ સંબંધી ઇન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેક્શન (આઇઈપીએફ) ઍક્ટમાં સુધારા પણ થશે. સરકારે સેબીને રોકાણકારોમાં ફાઇનૅન્શિયલ જ્ઞાન (ફાઇ. લિટરસી) વધારવાની સૂચના આપી છે. એ માટે વિવિધ સ્તરે ડિગ્રી કોર્સ, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસ દાખલ કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સને બૂસ્ટર

સત્તરમી વાત, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા બજેટે તેમના આવકેવરાના લાભ ૭ વર્ષના સ્થાને વધારીને ૧૦ વર્ષ સુધી કર્યા છે. એ માટે ૨૦૨૩ની ૩૧ માર્ચ સુધીની મુદત રહેશે. આ ઉપરાંત બજેટે કૃષિલક્ષી સાહસિકોને પણ વિશેષ રાહત આપવાનું નક્કી કર્યું છે.

ફિઝિકલ અને ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ

અઢારમી વાત, બજેટે ગોલ્ડ અને સિલ્વરની આઇટમ્સ પર આયાત ડ્યુટી વધારી છે, જે  સરકારનો કરન્સી પરનો બોજ હળવો કરશે એવી આશા છે. જ્યારે ઇલેક્ટ્રૉનિક ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતર પર કોઈ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થશે નહીં. અગાઉ એને વેચાણ ગણીને એના પર ટૅક્સ લાગુ થતો હતો.

રિકવરી અને અંતે કરેક્શન

ઓગણીસમી વાત, શૅરબજારમાં કૅપિટલ ગેઇન ટૅક્સ યા અન્ય કોઈ બોજ વધાર્યો નથી, પરંતુ કોઈ નક્કર રાહત પણ આપી નથી, જેને ‘નો ન્યુઝ ઇઝ ગુડ ન્યુઝ’ માનવામાં આવે છે.

વીસમી વાત, શૅરબજારે બજેટને વિકાસલક્ષી ગણ્યું હોવાનું પ્રતીત થાય છે, કારણ કે બજેટની જાહેરાત સાથે અને ખાસ કરીને નાણાપ્રધાનનું વક્તવ્ય પૂરું થયા બાદ ઇન્ડેક્સે ઊંચાઈ તરફ ગતિ વધારી હતી, પણ બજાર બંધ થતી વખતે પ્રૉફિટ બુકિંગ આવી ગયું અથવા લોકોને બજેટમાં નક્કરતાનો અભાવ લાગતાં તેમ જ યુએસ ફેડરલ રિઝર્વની ચિંતામાં કરેક્શન આવતું ગયું અને સેન્સેક્સ માત્ર ૧૫૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો અને નિફટી તો માઇનસ બંધ રહ્યો. જોકે અદાણીના મોટા ભાગના સ્ટૉક્સના દુઃખના દિવસો બજેટના દિવસે પણ ચાલુ રહ્યા હતા.

બજેટના ફોકસમાં છે આ મુદ્દા

કન્ટિન્યુટી અને કન્વિક્શન

ગ્રોથ ઓરિયેન્ટેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનનું લક્ષ્ય

૨૫ વર્ષની બ્લુપ્રિન્ટ

આવકવેરામાં રાહત અને સરળીકરણ

મહિલાઓ અને યુવા વર્ગને પ્રોત્સાહન

કૃષિ સેક્ટરને ટેક્નૉલૉજીનો લાભ અપાવાનું ધ્યેય

ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન - ફાઇનૅન્શિયલ લિટરસી

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 08:09 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK