આ દરેક ક્ષેત્રે રાજકોષીય શિસ્ત રાખીને ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેથી વિકાસ થઈ શકે. અહીં નોંધવું ઘટે કે વૈશ્વિક રોકાણકારો અને રેટિંગ એજન્સીઓ રાજકોષીય શિસ્તનો આગ્રહ રાખતાં હોય છે
વિકાસ અને રોજગાર પર ભાર મૂકનારું સરળ, સાદું અને સાતત્ય ધરાવતું બજેટ
આ બજેટ વિકાસ અને રોજગાર પર ભાર મૂકનારું સરળ, સાદું અને સાતત્ય ધરાવતું બજેટ છે. સરકારે ધારણા મુજબ જ કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો અને નાગરિકો માટે અનેક પગલાં ભર્યાં છે. આ દરેક ક્ષેત્રે રાજકોષીય શિસ્ત રાખીને ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેથી વિકાસ થઈ શકે. અહીં નોંધવું ઘટે કે વૈશ્વિક રોકાણકારો અને રેટિંગ એજન્સીઓ રાજકોષીય શિસ્તનો આગ્રહ રાખતાં હોય છે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં રાજકોષીય ખાધ ઘટાડીને ૫.૯ ટકા સુધી લાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને વર્ષ ૨૦૨૫-’૨૬ સુધીમાં આ ટકાવારી ઘટાડીને ૪.૫ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. એને લીધે ભારતમાં મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ થશે.
ખેડૂતો-ઉદ્યમીઓને લાભ
ADVERTISEMENT
રોજગારવૃદ્ધિ અને વિકાસ પર ભાર આપવા માટે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને વધુ ધિરાણ આપવાનું નક્કી થયું છે. વળી યુવા ઉદ્યમીઓને આકર્ષવા માટે ઍક્સેલરેટર ફન્ડની સ્થાપના કરવામાં આવવાની છે. કપાસની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતો, સરકાર અને ઉદ્યોગ વચ્ચે ખાનગી-સરકારી સહભાગીતા રાખવામાં આવવાની છે. જાડાં ધાન્યોના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે તથા ૬૩,૦૦૦ પ્રાઇમરી ઍગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટીનું કમ્પ્યુટરાઇઝેશન કરાવવામાં આવવાનું છે જેથી કૃષિમાં ઓછા ખર્ચે ઉત્પાદન વધે અને વિકાસ થાય. મોટા પાયે સ્ટોરેજની સુવિધા પૂરી પાડવાનું નક્કી થયું હોવાથી ખેડૂતોને તેમની ઊપજના વધુ ભાવ મળી શકશે. કૃષિ ક્ષેત્રે રચવામાં આવનારા ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પગલે ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ આવશે, જે ઉદ્યોગ માટે પણ સારું કહેવાશે; કારણ કે દેશની ૬૦ ટકા કરતાં વધુ વસ્તી પાસે ખર્ચ કરવા માટે વધુ આવક ઉપલબ્ધ થશે. આ રીતે ઉદ્યોગોમાં પણ ઉત્પાદન વધશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લક્ષ
સરકારે સામાજિક અને પર્યાવરણ અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર લક્ષ આપ્યું છે. એનાથી ગ્રામીણ ભારત સશક્ત બનશે. આદિવાસી સમૂહનાં રહેણાક, સ્વચ્છ પાણી, સફાઈ, શિક્ષણ અને આરોગ્ય, પોષણ, માર્ગો તથા ટેલિકૉમ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા, ગ્રામીણ હાઉસિંગ માટે ૭૯,૦૦૦ કરોડ રૂપિયા, ગ્રીન હાઇડ્રોજન માટે ૧૯,૭૦૦ કરોડ રૂપિયા તથા લદાખમાં સ્વચ્છ ઊર્જા માટે ૨૦,૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ ઉપરાંત ઈથેનોલ અને નૅચરલ ગૅસનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવા માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર બે લાખ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ થશે, જેનો પરોક્ષ લાભ ઉદ્યોગોને થશે. મારા મતે કૅપિટલ ગુડ્સ, બૅન્કિંગ અને સ્વચ્છ ઊર્જામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવનાર કંપનીઓ આવતા એક દાયકા કે એનાથી પણ વધુ સમય સુધી મોટા પાયે વિકાસ કરી શકશે.
આધુનિક ભારતનું નિર્માણ
આગામી દસ વર્ષમાં ૧૧૦ લાખ કરોડના ખર્ચે આધુનિક ભારત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવવાનું છે. એમાંથી ૨.૪૦ લાખ કરોડ રૂપિયા રેલવેઝમાં વપરાશે. ખાનગી ક્ષેત્રના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સહિત ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ દ્વારા લૉજિસ્ટિક્સનું નિર્માણ કરીને પરિવહનના ૧૦૦ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. એ ઉપરાંત ૫૦ નવાં ઍરપોર્ટ, હેલિપોર્ટ અને વૉટર ઍરોડ્રોમ બનાવવામાં આવશે. આવા મોટા પ્રમાણમાં અર્થતંત્રને વેગ આપવામાં આવવાનો હોવાથી પ્રચંડ પ્રમાણમાં વૈશ્વિક રોકાણ આકર્ષિત કરી શકાશે.
આ કાર્યોને પગલે માગમાં વૃદ્ધિ થવાથી બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ, બિલ્ડિંગ મટીરિયલ, કન્સ્ટ્રક્શન, કૉમોડિટીઝ એ બધાં ક્ષેત્રે લાભ થશે.
ડેટાની સલામતી માટેનું પગલું
વૈશ્વિક કંપનીઓને ગિફ્ટ સિટીના આઇએફએસસીમાં ડેટા એમ્બેસી બનાવવાની પરવાનગી આપવાનું પગલું સમજદારીભર્યું છે. એનાથી ડેટા ભારતની અંદર જ રહેશે. આ રીતે ડેટાની સલામતી જાળવવાની સાથે-સાથે રોકાણ આકર્ષિત કરી શકાશે. કૉમન કેવાયસીને લીધે સરળતા વધશે. એમએસએમઈને ૯૦૦૦ કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગૅરન્ટી તથા કોલૅટરલમુક્ત બે લાખ કરોડ રૂપિયા મળવાથી નાણાકીય કંપનીઓને લાભ થશે.
ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ વધશે
કંપનીઓ માટેના અનુપાલનમાં ૩૯,૦૦૦ કાર્યો રદ કરવામાં આવ્યાં છે તથા ૩૪૦૦ જોગવાઈઓમાં ફોજદારી કલમ કાઢી નાખવામાં આવી છે. આને પગલે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ વધશે. જીવન વીમા કંપનીઓએ બિઝનેસ મૉડલમાં ફેરફાર કરવો પડશે. સરકારે વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુનાં વીમા પ્રીમિયમ (રિન્યુઅલ પ્રીમિયમ સહિત) પર કરવેરો લાદવાનો નિર્ણય લીધો એ પ્રતિકૂળ છે. એને લીધે યુલિપ અને સિંગલ પ્રીમિયમ વીમા પૉલિસીઓ તથા સેવિંગ્સ આધારિત પૉલિસીઓને પણ નુકસાન થશે. આ સ્થિતિમાં જીવન વીમા કંપનીઓએ પોતાના બિઝનેસ મૉડલમાં ફેરફાર કરવો પડશે.
ખરીદીની તક
બજારમાં વિદેશી ટ્રેડરો (વિદેશી રોકાણકારો નહીં)એ વેચવાલી કરી તેથી બજાર વધ્યું નથી. હાલ ઓછા ભાવે અને વૅલ્યુએશને રોકાણકારોને ખરીદીની સારી તક મળી છે.