મ્યુચ્યુઅલ ફન્ડનો સૌથી બહેતર ઉપયોગ આપણા ફાઇનૅન્શિયલ પ્લાનિંગ માટે થઈ શકે છે. દરેક વ્યક્તિના નાણાકીય આયોજન માટે મ્યુચ્યુઅલ ફન્ડ ઉત્તમ માર્ગ કે માધ્યમ છે.
ફન્ડના ફન્ડા
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
બજેટ આવી રહ્યું છે, જેની જાહેરાતો આપણા પર સારી-નરસી અસરો કરી શકે છે, જોકે આપણું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ યોગ્ય હોય તો આપણે એનો સામનો સારી રીતે કરી શકીએ છીએ. મ્યુચ્યુઅલ ફન્ડનો સૌથી બહેતર ઉપયોગ આપણા ફાઇનૅન્શિયલ પ્લાનિંગ માટે થઈ શકે છે. દરેક વ્યક્તિના નાણાકીય આયોજન માટે મ્યુચ્યુઅલ ફન્ડ ઉત્તમ માર્ગ કે માધ્યમ છે.
પહેલી શરત એ કે તમારી પાસે પહેલાં તો સ્પષ્ટ નાણાકીય લક્ષ્ય-ધ્યેય હોવાં જોઈએ, એને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળામાં વિભાજિત કરવાની યોગ્ય સમજ હોવી જોઈએ. ઘણા લોકો હજી પણ બે-ત્રણ વરસને લાંબો ગાળો માને છે. વાસ્તવમાં લાંબો ગાળો સાતથી દસ વરસનો ગણાય, ખાસ કરીને ઇક્વિટી યોજનાઓ માટે. જોકે ઘણા ડિસ્ટ્રિબ્યુટર્સ કે એજન્ટો રોકાણકારોને ત્રણ વરસ કે પાંચ વરસનો સમય લૉન્ગ-ટર્મ કહી સમજાવી લે છે, તેમને જાણ હોય છે કે વધુ લાંબો સમય કહીશું તો રોકાણકારો જલદી તૈયાર થશે નહીં.
ADVERTISEMENT
શૉર્ટ-ટર્મ ગોલ્સ કાર ખરીદવા માટે, શિક્ષણની ફી ભરવા માટે હોઈ શકે. કોઈ વિદેશની ટૂર પર જવા માટે પણ હોઈ શકે, જ્યારે મધ્યમ ગાળાના ગોલ્સમાં ત્રણ-પાંચ વરસ ગણતરીમાં લેવાય છે અને લાંબા ગાળાના ગોલ્સ મોટે ભાગે નિવૃત્તિ માટેના હોય છે. હકીકતમાં દરેક વ્યક્તિના ધ્યેય તેની જરૂરિયાત અને પ્રવાહિતા તેમ જ જોખમ લેવાની ક્ષમતાને આધારે નક્કી થાય છે. આ સાથે મોંઘવારીના પરિબળ અને આકસ્મિક ખર્ચને પણ ગણતરીમાં લેવાં પડે છે. આમ તો ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં આકસ્મિક ખર્ચ માટે અલગ ફન્ડ રાખવાનું હોય છે, જેને ઇમર્જન્સી ફન્ડ કહે છે, જેમાં અચાનક આવી પડેલી મોટી બીમારી, જૉબ-લૉસ, સૅલરી-કટ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોવિડ કાળ દરમ્યાન મોટા ભાગના લોકોને આવા અનુભવ થયા છે.
આ પણ વાંચો : પ્રતીકાત્મક ફાઇલ તસવીર વૉલેટાઇલ માર્કેટનું હવે પછીનું એકમાત્ર ટ્રિગર બજેટ બનશે
શૉર્ટ ટર્મ રોકાણ ક્યારે?
ફાઇનૅન્શિયલ પ્લાનિંગ અને ધ્યેયનો ઉપયોગ કઈ રીતે કરવો એ વિશે સમજીએ. ધારો કે તમારે એકાદ વરસ પછી ફૉરેન ટૂર કરવી છે અને તમારો ખર્ચ પાંચેક લાખ રૂપિયા આવે એમ છે તો એ માટેનાં નાણાં તમે ઇક્વિટીમાં ન રોકો, પરંતુ લિક્વિડ ફન્ડ અથવા અલ્ટ્રા શૉર્ટ-ટર્મ ડેટ ફન્ડમાં રોકો, જેમાં તમારી પ્રવાહિતા જળવાઈ રહેશે અને તમને અંદાજે ૬થી ૭ ટકા વળતર પણ મળશે. ૧૨ મહિના ટૂંકો ગાળો હોવાથી એનું મધ્યમ કે લાંબા ગાળા માટે રોકાણ કરવું હિતાવહ નથી. લૉન્ગ ટર્મ માટે રોકાણ હોય તો બેધડક ઇક્વિટીમાં રોકો. જોખમ ઓછું લેવું હોય તો ઇક્વિટી-ડેટ મિક્સ રાખો. બૅલૅન્સ ફન્ડ પસંદ કરો. ઇક્વિટીમાં સેક્ટરલ ફન્ડથી દૂર રહો, બલકે ડાઇવર્સિફાઇડ સ્કીમ પસંદ કરો.
નાની-નાની રકમ સાથે રોકાણ કરી શકાય એવા સંજોગો હોય તો એસઆઇપી જેવો ઉત્તમ માર્ગ કોઈ નહી; પણ હા, રોકાણ લાંબા ગાળા માટેનું જ હોવું જોઈએ. એસઆઇપી એક-બે વરસની હોવામાં જોખમ ઊંચું રહી શકે. એસઆઇપીનો ખરો લાભ પણ માર્કેટની વધઘટમાં જ મળે છે, કારણ કે એમાં જ ભાવોની ઍવરેજ બને છે. આ જ રીતે એસઆઇપી સમાન યોજના એસટીપી (સિસ્ટેમૅટિક ટ્રાન્સફર પ્લાન) છે, જેમાં એક લમસમ રોકાણ કરી એને ચોકકસ સમયાંતરે ઇક્વિટી યા બૅલૅન્સ સ્કીમમાં ચોક્કસ રકમ ટ્રાન્સફર કરીને પણ ઍવરેજનો લાભ મેળવી શકાય છે.
ટૅક્સની અસર સમજી લેવી
યસ, કોઈ પણ રોકાણ કરતી વખતે ટૅક્સની અસર પણ સમજી લો. ત્રણ વરસથી ઓછા સમય માટે ડેટમાં રોકાણ કરશો તો એનો લાભ શૉર્ટ ટર્મ ગેઇન ગણાશે અને એ મુજબ શૉર્ટ ટર્મ ગેઇન ટૅક્સ લાગુ થશે. જયારે તમારા બાળકના શિક્ષણ માટે લાંબા ગાળાનું રોકાણ કરો તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનનો લાભ મળશે. દાખલા તરીકે તમારું બાળક હાલ ત્રણ વરસનું છે અને તમે તેના શિક્ષણ માટે દર મહિને ૧૦ હજાર રૂપિયાના એસઆઇપી સાથે પંદર વરસનું રોકાણ કરો છો તો સંતાન અઢાર વરસનું થવા પર તેને ૧૨ ટકાના વળતરની ગણતરીએ અંદાજિત ૫૦ લાખ રૂપિયા જેટલું ભંડોળ મળશે.
સવાલ તમારા…
જીવનના નાણાકીય ધ્યેય નક્કી કરવા માટે કયા મુદા ધ્યાનમાં રાખવા જોઈએ?
નાણાકીય ધ્યેય નક્કી કરવા માટે તમારી વાર્ષિક આવક, વાર્ષિક ખર્ચ, તમારી ઉંમર, આર્થિક જવાબદારી, જોખમ લેવાની ક્ષમતા, રોકાણ માટે કેટલા સમય નાણાં ફાળવી શકો છો? માથે કોઈ દેવું છે કે નહીં? ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના અભિગમને ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ સાથે સૌથી પહેલાં ઇમર્જન્સી ફન્ડ અને હેલ્થ વીમાનું આયોજન પણ કરી લેવું જોઈએ.