ખાદ્ય તેલોની સતત વધતી આયાતને રોકવા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તગડું ઑઇલસીડ મિશન લાવવાની માગ : સોનાની તોતિંગ આયાત ડ્યુટીને ઘટાડીને જ્વેલરી નિકાસ વધે એવાં પગલાં લેવાની માગ : ભારતીયની પ્રોટીન ડેફિશ્યન્સી ઘટાડવાના પગલાની જાહેરાત બજેટમાં થવાની ધારણા
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બુધવારે બજેટ રજૂ કરશે. ૨૦૨૪ની ચૂંટણી પહેલાંનું આ પૂર્ણ બજેટ હશે, જેમાં ચૂંટણીલક્ષી અનેક જાહેરાતો સાથે કૉમોડિટી માર્કેટની આશા અને અપેક્ષાને રાજકીય દૃષ્ટિકોણથી તપાસીને પૂરી કરવાની કોશિશ કરવામાં આવશે. ખાસ કરીને કૉમોડિટી માર્કેટમાં સૌથી મોટી ડિમાન્ડ તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરી માર્કેટની છે. આ બે ડિમાન્ડ પૂરી થવા વિશે બન્ને ઇન્ડસ્ટ્રીઝ બહુ આશાવાદી છે અને બજેટ પહેલાં બન્ને ઇન્ડસ્ટ્રીઝના લીડરોએ તમામ પાસાંઓનો અભ્યાસ કરીને સરકારને રજૂઆત પણ કરી દીધી છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદીની સરકારનાં અગાઉ રજૂ થયેલાં તમામ બજેટમાં માર્કેટ અને ઇન્ડસ્ટ્રીઝની અપેક્ષા કરતાં કંઈક નવી જાહેરાત થયાના દાખલા મોટા ભાગે બન્યા છે, એથી બજેટ વિશે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.
ખાદ્ય તેલોની સતત આયાત અને બિલ
ADVERTISEMENT
ભારત વિશ્વમાં ખાદ્ય તેલોની આયાત કરનારો સૌથી મોટો દેશ વર્ષોથી છે. ૧૯૯૨-’૯૩ સુધી ભારત ખાદ્ય તેલોના ઉત્પાદનક્ષેત્રે સ્વાવલંબી હતું, પણ ત્યાર બાદ વર્ષોવર્ષ આયાત વધી રહી છે અને એની સાથે આયાતબિલ પણ વધી રહ્યું હોવાથી તિજોરી પર દબાણ વધ્યું છે. ભારતની હાલ ખાદ્ય તેલોની વાર્ષિક જરૂરિયાત ૨૨૦થી ૨૨૫ લાખ ટનની છે એમાંથી ભારત દર વર્ષે ૧૪૦થી ૧૪૫ લાખ ટન ખાદ્ય તેલોની આયાત કરે છે જેનું વાર્ષિક બિલ ગઈ ખાદ્ય તેલોની સીઝનમાં ૧.૫૨ લાખ કરોડ રૂપિયા આવ્યું હતું, જે ત્રણ-ચાર વર્ષ અગાઉ ૭૦થી ૮૦ હજાર કરોડ રૂપિયા હતું. ખાદ્ય તેલોની સતત વધતી આયાતને ઓછી કરવા માટે સૉલ્વન્ટ એક્સટ્રૅક્શન અસોસિએશન, સોયાબીન પ્રોસેસર્સ અસોસિએશન સહિત અનેક તેલ-તેલીબિયાં માર્કેટનાં સંગઠનો દ્વારા સરકારને તગડું એટલે કે જંગી બજેટ ફાળવણીવાળું ઑઇલસીડ મિશન લાવવાની માગણી થઈ રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારે ખાદ્ય તેલોની આયાત ઘટાડવા અનેક પગલાં લીધાં છે, પણ આ તમામ પગલાંનું કોઈ પરિણામ આવ્યું નથી, ઊલટું ખાદ્ય તેલોની આયાત સતત વધી રહી છે.
સરકારે ૧૧,૪૦૦ કરોડનું પામ ઑઇલ મિશન ત્રણ વર્ષ પહેલાં જાહેર કર્યું હતું, જેમાં પૂર્વીય રાજ્યોમાં પામની ખેતી દ્વારા ભારતમાં પામતેલનું ઉત્પાદન આગામી પાંચથી દસ વર્ષમાં વધારવાની યોજના હતી. આ જાહેરાત કર્યા બાદ સરકારે પામ ઑઇલ મિશનમાં કેટલી પ્રગતિ થઈ એ વિશે કોઈ રિપોર્ટ આજ સુધી જાહેર કર્યો નથી. અહીં એ ઉલ્લેખનીય છે કે ૧૯૮૯માં પણ તત્કાલીન સરકાર દ્વારા ઑઇલસીડ્સ મિશન જાહેર થયું હતું, જેમાં દેશનાં ૭થી વધુ રાજ્યોમાં ૨૮,૦૦૦ હેક્ટર જમીન પર પામની ખેતી થઈ શકે એવા રિપોર્ટના આધારે સરકારે બજેટમાં નાણાફાળવણી કરી હતી, પણ આટલાં વર્ષો પછી ભારત દર વર્ષે ૮૦થી ૯૦ લાખ ટન પામતેલની આયાત કરે છે એની સામે ભારતમાં પામતેલનું વાર્ષિક ઉત્પાદન માંડ બેથી ત્રણ લાખ ટન હાલ થઈ રહ્યું છે.
તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ છે કે ભારતમાં રાયડો, મગફળી, સોયાબીન, સૂર્યમુખી વગેરે તેલીબિયાંના પ્રતિ હેક્ટર ઉતારા વધારવા સરકાર ધ્યાન કેન્દ્રિત કરે અને આ તમામ તેલીબિયાંનો વાવેતરવિસ્તાર પણ વધે એ દિશામાં પ્રયાસ કરવામાં આવે જેથી હાલમાં ખાદ્ય તેલોની જરૂરિયાતનું આપણે ૬૦થી ૬૫ ટકા આયાત કરીએ છીએ એ ઘટાડીને પાંચથી દસ વર્ષમાં ૪૦ ટકા સુધી લાવી શકીએ. ભારતમાં હાલ તેલીબિંયાના પ્રતિ હેક્ટર ઉતારા વૈશ્વિક સરેરાશ કરતાં માત્ર ૪૦ ટકા છે, એથી જો રાયડા અને મગફળીનો વાવેતરવિસ્તાર અને પ્રતિ હેક્ટર ઉત્પાદન વધારવાના પ્રયાસ કરવામાં આવે તો ભારત ખાદ્ય તેલોના ઉત્પાદનક્ષેત્રે સ્વાવલંબી બની શકે છે. રાયડામાં ૪૨ ટકા તેલ મળે છે અને મગફળીમાં ૫૦થી ૫૨ ટકા તેલ મળતું હોવાથી આ બે તેલીબિયાં માટે પાઇલટ પ્રોજેક્ટ બનાવીને મોટી નાણાફાળવણીવાળું ઑઇલસીડ્સ મિશન બનાવવાની ડિમાન્ડ છે. બજેટમાં આ વિશે કોઈ મોટી જાહેરાત થવાની ઇન્ડસ્ટ્રીઝને આશા છે.
આ પણ વાંચો : સોનામાં ઝડપથી આગળ વધતી તેજીઃ ખરીદવા માટેનો યોગ્ય સમય કે રાહ જોવી?
સોનાની આયાત ડ્યુટી ઘટાડવાની માગ
ભારતની ટ્રેડ બૅલૅન્સ નેગેટિવ બનતાં રૂપિયો સતત નબળો પડતાં ગયા જુલાઈ મહિનાથી સરકારે સોનાની આયાત ડ્યુટીમાં ૪.૨૫ ટકાનો વધારો કર્યો હતો, જેને કારણે સોના પરની વાસ્તવિક આયાત ડ્યુટી ૧૪.૦૭ ટકાથી વધીને ૧૮.૪૫ ટકાએ પહોંચી હતી. વાસ્તવિક આયાત ડ્યુટીમાં ૪.૩૮ ટકાનો વધારો થયો હતો, જેમાં ઍગ્રિકલ્ચર ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, સોશ્યલ વેલ્ફેર સરચાર્જ અને જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નો પણ સમાવેશ થાય છે.
સરકારે સોનાની આયાત ડ્યુટી વધાર્યા બાદ સ્મગલિંગ મોટા પાયે વધ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે. સરકારના કૉમર્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ પણ ગોલ્ડ સ્મગલલિંગ વધ્યું હોવાનો એકરાર કરીને બજેટમાં સોનાની આયાત ડ્યુટી ઘટે એવી આશા રાખી રહ્યા છે અને એ માટે કૉમર્સ મિનિસ્ટ્રીએ ફાઇનૅન્સ મિનિસ્ટ્રીને રજૂઆત પણ કરી છે. હાલમાં ગ્રે માર્કેટમાં પ્રતિ ઔંસ ૪૨ ડૉલર ડિસ્કાઉન્ટે સોનું મળી રહ્યું છે એટલે કે લંડનના સોનાના ભાવની સરખામણીમાં હાલમાં ભારતમાં ૪૨ ડૉલર સસ્તું સોનું મળી રહ્યું છે જે બતાવે છે કે સ્મગલિંગ સતત વધી રહ્યું છે. કસ્ટમ અને અન્ય એજન્સીઓએ ૨૦૨૨માં નવેમ્બર સુધી ૩.૦૩ ટન સોનું સ્મગલિંગમાં પકડ્યું હતું, જે છેલ્લાં ત્રણ વર્ષનું સૌથી વધુ હતું.
સોનાની ઊંચી આયાત ડ્યુટીને કારણે જ્વેલરી ઉદ્યોગને પડી રહેલી મુશ્કેલીઓ સરકાર જાણે છે, પણ રૂપિયાની નબળાઈ અને વિશ્વમાં ઝળૂંબતી મહામંદીની અસરને ખાળવા સોનાની આયાત ડ્યુટીમાં સરકાર ધારે તો પણ મોટો ઘટાડો હાલના તબક્કે કરી શકે એમ નથી.
ભારતીયની પ્રોટીન ડેફિશ્યન્સી ઘટાડવાનો પડકાર
૨૦૧૭માં કરાયેલા સર્વે અનુસાર ભારતની ૭૩ ટકા પ્રજા પ્રોટીન ડેફિશ્યન્સીનો સામનો કરી રહી છે. વિશ્વમાં વ્યક્તિગત દરરોજ ૬૮ ગ્રામ પ્રોટીનનો વપરાશ છે એની સામે ભારતમાં વ્યક્તિગત માત્ર ૪૭ ગ્રામ છે. ભારતની પ્રોટીન ડેફિશ્યન્સી ઘટાડવાના પ્રોગ્રામ માટે બજેટમાં મોટી નાણાફાળવણી થવાની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ અનેક વખત પ્રોટીન ડેફિશ્યન્સી ઘટાડવાની વાત કહી છે ત્યારે હવે જ્યારે કોરોનાનો ભય લગભગ ખતમ થયો છે અને દેશમાં કૃષિ ઉત્પાદન સતત વધી રહ્યું છે ત્યારે પ્રોટીન ડેફિશ્યન્સી ઘટાડવા માટે સરકાર ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતાને પગલે બજેટમાં એને માટે કોઈ જાહેરાત થવાની ધારણા છે જેમાં કઠોળનું ઉત્પાદન વધારવાના પગલા ઉપરાંત ગરીબોને પ્રોટીનયુક્ત ધાન્ય અને કઠોળ સબસિડાઇઝ ભાવે મળે એ માટેની યોજનાની જાહેરાત થઈ શકે છે. આવી જાહેરાતથી પણ કૉમોડિટી માર્કેટને ફાયદો થશે.
તાજેતરમાં સરકારે તેલીબિયાં, ખાદ્ય તેલો અને કઠોળ સહિત ૯ ચીજોના સટ્ટા પર એક વર્ષનો પ્રતિબંધ લંબાવ્યો છે જે હવે ડિસેમ્બર ૨૦૨૩ સુધી ચાલશે. સરકાર મોટા ભાગે જીવનજરૂરી ચીજોના સટ્ટા ડિસેમ્બર ૨૦૨૩ પછી પણ એક વર્ષ પ્રતિબંધ મૂકશે, કારણ કે મે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર ચૂંટણી પહેલાં મોંઘવારી ન વધે એ માટે તમામ તકેદારી રાખશે.