નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફોકસ એરિયા મેક્રો પ્લે પર જ રાખ્યો છે. આંતરમાળખું, કૃષિ ઍગ્રી, સ્ટાર્ટ-અપ, સહકાર ક્ષેત્ર જેવી પરંપરાગત ઇકૉનૉમી પર ફોકસ અને ફિનટેક, એનર્જી ટ્રાન્સમિશન, ડિજિટલ ડેટા એમ્બેસી જેવી નૉલેજ ઇકૉનૉમીને પ્રોત્સાહન વડે...
Union Budget 2023
પ્રતીકાત્મક તસવીર
બજેટમાં મૂડીખર્ચમાં ૩૩ ટકા જેવો નોંધપાત્ર વધારો અને વ્યક્તિગત કરવેરામાં થોડી રાહત આપવા છતાં રાજકોષીય ખાધ-ફિસ્કલ કન્સોલિડેશનના લક્ષને હાંસલ કરવાની ખુશીમાં શૅરબજારોમાં થોડા સમય માટે હરખની હેલી આવી હતી, પણ જેમ-જેમ ફાઇન પ્રિન્ટમાં ધ્યાન ગયું અને સેકન્ડ થોટ્સ આવ્યા પછી વધ્યા ભાવથી નોંધપાત્ર ઘટાડો આવ્યો. ટિપિકલી બાય ઑન રૂમર, સેલ ઑન ફેક્ટ જેવી જ પ્રતિક્રિયા જોવા મળી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફોકસ એરિયા મેક્રો પ્લે પર જ રાખ્યો છે. આંતરમાળખું, કૃષિ ઍગ્રી, સ્ટાર્ટ-અપ, સહકાર ક્ષેત્ર જેવી પરંપરાગત ઇકૉનૉમી પર ફોકસ અને ફિનટેક, એનર્જી ટ્રાન્સમિશન, ડિજિટલ ડેટા એમ્બસી જેવી નોલેજ ઇકૉનૉમીને પ્રોત્સાહન વડે એકંદરે બજેટ સમતોલ રહ્યું અને હાલના વૈશ્વિક પડકારો અને તકોને મૅનેજ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો થયા છે. ગ્લોબલ વિઝન ડૉક્યુમેન્ટ જેવું બજેટ દેખાઈ આવે છે.
કરબોજને બદલે બચતો પર ધ્યાન
આમ તો આજના જમાનામાં બજેટ વન-ડે ઇવેન્ટ છે. ઘણાખરા નીતિવિષયક નિર્ણયો ડાયનેમિક હોય છે અને નીડબેઝ્ડ હોય છે. કોરોના પછી સપ્લાય ચેઇન રિલોકેશન, યુક્રેન યુદ્ધ પછી બદલાયેલાં ભૂ-રાજકીય સમીકરણો, વેપારી સમીકરણો અને ખાસ તો ચાઇના સ્લોડાઉન અને સપ્લાય ચેઇન મૅનેજમેન્ટ તેમ જ અમેરિકા અને ચાઇના વચ્ચે મેમરી ચિપ્સ મામલે કોલ્ડવૉરના તનાવને પગલે ઇલેક્ટ્રૉનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ, એનર્જી ટ્રાન્ઝિસન, ગ્રીન ઇકૉનૉમીનો લાભ ભારતને મળે, સ્ટાર્ટ-અપ અને સ્કીલ વર્કરને ધિરાણ, માર્કેટિંગ સપોર્ટ મળે એવા નાનાં-મોટાં અનેક પગલાં આવ્યાં છે. ન્યુએજ ઇકૉનૉમી, ઑન્ટ્રપ્રનર, મોટા મૂડીલક્ષી ઉદ્યોગો માટે સારું બજેટ છે. સરકારે રોકાણની સાઇકલને બૂસ્ટ આપવા બોલ્ડ પગલાં લીધાં છે. સંસાધનો ઊભાં કરવા કરબોજો નાખવાને બદલે નાની બચત યોજનામાં પ્રોત્સાહન આપી ઘરેલુ બચતો ગતિશીલ બનાવવાનું પસંદ કર્યું છે. રાજકોષીય ખાધ ઓવરશૂટ નથી થઈ એ સારી વાત છે. આગામી બે વરસ માટે ફિસ્કલ રોડમૅપમાં આ ખાધ અનુક્રમે ૫.૯ ટકા અને ૪.૫ ટકા રાખવાનો લક્ષાંક આપ્યો છે. વિદેશી બૉન્ડ રોકાણકારો અને વિદેશી ઇક્વિટી રોકાણકારો માટે આ સારો સંકેત છે.
બુલિયન બજારમાં અસર
સોના-ચાંદી પર આયાત જકાત ઘટશે એવી અફવાઓ વચ્ચે બજેટના આગલા દિવસે બજારો ઘટ્યાં હતાં, પણ બજેટમાં ચાંદી પર ડ્યુટી વધતાં અને સોનામાં ડ્યુટી ઘટવા સામે સોનાની વસ્તુઓ પર ડ્યુટી વધતાં બજારમાં થોડો ગૂંચવાડો હતો અને એમસીએક્સ વાયદામાં વેચાણો કપાતાં બજારો ઊછળ્યાં હતાં. હાજર બજારોમાં ઘરાકી નહીંવત્ હતી એ કદાચ હવે સાવ જ ઘટી જાય. ડ્યુટીનો ફેરફાર ગેરકાયદે આયાત માટે સુપર પ્રૉફિટેબલ બની જાય એમ છે. ગોલ્ડ રિફાઇનરી કે સિલ્વર રિફાઇનરી માટે બજેટ નિરાશાજનક છે.
ખાદ્ય તેલોની આયાત જકાત, કૉટન પરની આયાત જકાતમાં કોઈ બદલાવ નથી. સરકારનું ફોકસ મૅન્યુફૅક્ચરિંગ, સહકાર, સૌ માટે અનાજ, એક અર્થમાં મૂડીવાદી ક્લેવર અને સમાજવાદી આત્મા પ્રકારનું હાઇબ્રિડ બજેટ છે. બજેટની અસર આમ પણ ક્ષણજીવી રહેશે. હવે આજે રાતે ફેડની બેઠક માર્કેટના સેન્ટિમેન્ટ પર હાવી થઈ જશે.