બ્લૂમબર્ગના સર્વેમાં ફેડ ૨૦૨૩ના અંતે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવું તારણ આવતાં અમેરિકી ડૉલર ઘટ્યો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં રિસેશન, ઇન્ટરેસ્ટ રેટના ફેરફાર અંગે વધતી અનિશ્ચિતતાથી સોનામાં દિશાવિહીન વધ-ઘટ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ત્રણ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૧૫ રૂપિયા ઘટ્યાં હતાં
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકામાં રિસેશનની શક્યતા અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શક્યતા અંગે અનિશ્ચિતા વધી રહી હોવાથી સોનામાં દિશાવિહીન વધ-ઘટ જોવા મળી હતી. બ્લૂમબર્ગના સર્વેમાં ઇકૉનૉમિસ્ટો ૨૦૨૩ના અંત પહેલાં એક વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવો મત વ્યક્ત કરી રહ્યા છે એની સામે ફેડના તમામ મેમ્બરોની કમેન્ટનો સાર એવો છે કે ફેડ મે મહિનામાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ જૂન કે જુલાઈમાં પણ પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે. આમ અનેક પ્રકારની અનિશ્ચિતતાને કારણે સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. સોનું સોમવારે ઘટીને ૧૯૭૩ ડૉલર થયા બાદ મંગળવારે સાંજે ૧૯૮૮થી ૧૯૮૯ ડૉલરે પહોંચ્યું હતું. સોનું રેન્જબાઉન્ડ રહેતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ રેન્જબાઉન્ડ રહ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૪ ટકા ઘટીને ૧૦૧.૩ના લેવલે પહોંચ્યો હતો. બ્લૂમબર્ગ દ્વારા કરાયેલા ઇકૉનૉમિસ્ટોના સર્વેમાં ફેડ ૨૦૨૩ના અંત પહેલાં એક વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવો મત વ્યક્ત થયો હતો તેમ જ જૂન-જુલાઈની મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવે એવા ૬૦ ટકા ચાન્સ હોવાનું સર્વેમાં તારણ નીકળ્યું હતું. જોકે મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશન બગડશે તો જ ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે અન્યથા ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે અથવા જાળવી રાખશે.
ચીનના ઇકૉનૉમિક ગ્રોથ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ધારણા કરતાં સારો રહેવા છતાં ચાઇનીઝ ગવર્મેન્ટ ઑથોરિટી હજી સ્ટ્રૉન્ગ ગ્રોથ અંગે આશાવાદી નથી. ચાઇનીઝ ગવર્મેન્ટ ઑથોરિટીએ ૨૦૨૩ના ગ્રોથ રેટનો ટાર્ગેટ પાંચ ટકા નક્કી કર્યો છે, જ્યારે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૪.૫ ટકા ગ્રોથ રેટ રહ્યો હતો. રૉઇટર્સે વિશ્વના ટૉપ લેવલના ૭૦ ઇકૉનૉમિસ્ટોનો સર્વે કરાવ્યો હતો એમાં ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ ચાર ટકા રહેવાની ધારણા વ્યક્ત કરાઈ હતી. ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ એકદમ ઊંચો રહેતાં ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ ધારણા કરતાં વધુ રહ્યો હતો. ચીનનું ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૦.૭ ટકા રહ્યું હતું એની સામે ગવર્મેન્ટ ઑથોરિટીએ આખા વર્ષના ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ત્રણ ટકાનો નક્કી કર્યો છે. ઇન્ફ્લેશનનો ઘટાડો ડોમેસ્ટિક ડિમાન્ડની નબળાઈ બતાવે છે. હાઉસહોલ્ડ સેવિંગ્સ ફર્સ્ટ ક્વૉર્ટરમાં મોટા પ્રમાણમાં વધ્યું હતું જે ચાઇનીઝ પબ્લિકમાં ઇન્કમ અને જૉબ અંગેની અનિશ્ચિતતા બતાવે છે. ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ અમેરિકા અને યુરોપિયન દેશોમાં ઘટી રહી છે જે આગામી દિવસોમાં એક્સપોર્ટમાં નેગેટિવ ગ્રોથ બતાવી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક્સપોર્ટ ૬.૮ ટકા ઘટ્યા બાદ માર્ચમાં વધી હતી, પણ આગળ જતાં એક્સપોર્ટનો ગ્રોથ ઘટી શકે છે. ચાઇનીઝ ગ્રોથ અંગે ઇકૉનૉમિસ્ટોનું માનવું છે કે ફર્સ્ટ ક્વૉર્ટરનો સ્ટ્રૉન્ગ ગ્રોથ આગળના ક્વૉર્ટરમાં પણ ચાલુ રહેશે એવું માનવું ભૂલભરેલું બની શકે છે.
બ્રિટનની બજેટ ડેફિસિટ માર્ચમાં વધીને ૨૧.૫૩ અબજ પાઉન્ડ રહી હતી જે એક વર્ષ અગાઉ ૧૬.૩ અબજ પાઉન્ડ હતી. બજેટ ડેફિસિટ ૧૯૯૩માં ડેટા કલેકશન શરૂ થઈ ત્યાર પછીની સેકન્ડ હાઇએસ્ટ હતી. બ્રિટિશ ગવર્મેન્ટની રિસીટ ૨.૩ ટકા વધીને ૮૮.૮ અબજ પાઉન્ડ રહી હતી, જ્યારે સ્પેન્ડિંગ ૧૯.૯ ટકા વધીને ૧૧૦.૩ અબજ પાઉન્ડ રહ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડમાં ગમે ત્યાં જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ એટલે કે જિયોપૉલિટિકલ ટેન્શન ઊભું થાય ત્યારે સોનામાં તેજી જોવા મળી છે. ૨૦૧૩માં રશિયા અને યુક્રેનના યુદ્ધ વખતે સોનામાં તેજી થઈ હતી એવી જ તેજી ૨૦૨૨ના પ્રારંભે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે જોવા મળી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૪ મહિનાથી યુદ્ધ ચાલુ છે ત્યારે સોનું ૨૦૦૦ ડૉલર આસપાસ ચાલી રહ્યું છે. સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે ૨૦૨૨માં વર્લ્ડનું મિલિટરી સ્પેન્ડિંગ ઑલ ટાઇમ હાઈ ૨.૨૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચ્યું હતું જે સતત આઠમા વર્ષે વધ્યું હતું. યુરોપિયન દેશોનું મિલિટરી સ્પેન્ડિંગ ૧૩ ટકા વધીને ૩૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ થયા બાદ અનેક દેશોએ મિલિટરી સ્પેન્ડિંગમાં અનેકગણો વધારો કર્યો છે. ફિનલૅન્ડનું મિલિટરી સ્પેન્ડિંગ ૩૬ ટકા અને લુથિયાનાનું ૨૭ ટકા વધ્યું હતું. યુક્રેનનું મિલિટરી સ્પેન્ડિંગ છ ગણું વધીને ૪૪ અબજ ડૉલરે ૨૦૨૨માં પહોંચ્યું હતું. રશિયાનું મિલિટરી સ્પેન્ડિંગ ૯.૨ ટકા વધીને ૮૬ અબજ ડૉલરે પહોંચ્યું હતું. અમેરિકા હજી પણ મિલિટરી સ્પેન્ડિંગમાં વર્લ્ડમાં સૌથી ઉપરના સ્થાને છે. ૨૦૨૨માં અમેરિકાનું મિલિટરી સ્પેન્ડિંગ ૦.૭ ટકા વધીને ૮૭૭ અબજ ડૉલર રહ્યું હતું. ચીને મિલિટરી સ્પેન્ડિંગમાં ૪.૨ ટકા અને જપાને ૫.૯ ટકાનો વધારો કર્યો હતો. આ બન્ને દેશોનું મિલિટરી સ્પેન્ડિંગ વધતાં ચિંતાઓ વધી છે, કારણ કે લાંબા સમયથી ચીન અને જપાન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. વધી રહેલું મિલિટરી સ્પેન્ડિંગ આગામી દિવસોમાં મોટા યુદ્ધ થવાનાં સિગ્નલ આપે છે જે સોનાની તેજી માટે પૉઝિટિવ છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૦૭૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૮૩૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૦૭૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)