વિવિધ ઍસેટ્સમાં રોકાણને વહેંચીને મૂકવાથી જોખમની સંભાવના ઘટે છે. અમુક રોકાણ ઇક્વિટીમાં, અમુક ડેટમાં, અમુક ગોલ્ડમાં રોકી રાખવામાં સમજદારી
ફન્ડના ફન્ડા
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આપણે ઘણી વાર જીવનના વ્યવહારોમાં બોલતા હોઈએ છીએ કે હું એકલો કેટલી જગ્યાએ પહોંચી વળું? હું એકલો કેટલાં કામ કરું? હું એકલો કેટલી જગ્યાએ ધ્યાન રાખું? હું એકલો કેટલી જવાબદારી સંભાળું? આ જ બાબત રોકાણ-જગતને પણ લાગુ પડે છે, જયારે રોકાણકાર પોતાનાં બચાવેલાં નાણાં ક્યાં મૂકવાં? ક્યાં વધુ સલામત અને ક્યાં સારું વળતર મેળવી શકશે એવું સમજતા ન હોય ત્યારે કામ આવે છે મ્યુચ્યુઅલ ફન્ડ. વળી જયારે જુદી-જુદી ઍસેટ્સમાં કે સાધનોમાં રોકાણ કરવાનું આવે ત્યારે પણ કામ આવે છે મ્યુચ્યુઅલ ફન્ડ, કારણ કે વ્યક્તિને દરેક ઍસેટ્સની સમજ પડે નહીં, દરેકનું તે ધ્યાન રાખી શકે નહીં. દરેકનું તેને જ્ઞાન પણ ન હોય. આવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ; આપણને સાચું લાગે, કારણ કે રોકાણજગતમાં ઍસેટ અલોકેશનનું અર્થાત્ નાણાંનું જુદાં-જુદાં સાધનોમાં રોકાણ કરવાનું અદકેરું મહત્ત્વ હોય છે, જેને મ્યુચ્યુઅલ ફન્ડ સારી રીતે પૂરું પાડી શકે છે.
પહેલાં આપણે ઍસેટ અલોકેશનને સમજીએ. આનું મહત્ત્વ મોટે ભાગે ફાઇનૅન્શિયલ પ્લાનર સમજાવતા હોય છે અને આ કૉમન-સેન્સની પણ વાત છે. જેમ બધાં ઈંડાં એક જ બાસ્કેટમાં ન મુકાય એ કહેવત જાણીતી છે એમ બધા પૈસા એક સાધનમાં ન મુકાય. દાખલા તરીકે તમે બધાં જ નાણાંનું રોકાણ શૅરબજારમાં કરી દો અને બજારમાં મોટી મંદી આવી જાય તો? તમે બધાં જ નાણાં એક જ સ્ટૉકમાં મૂકી દીધાં અને એ જ સ્ટૉક તૂટી જાય તો? જેમ હાલ અદાણી સ્ટૉક્સમાં થયું છે એમ બધા જ અદાણી સ્ટૉક્સમાં ગાબડાં પડ્યાં છે તો એના રોકાણકારોની શું દશા થઈ હશે એ સમજી શકાય છે. અર્થાત્, ઍસેટ અલોકેશનનો અર્થ છે તમારાં નાણાંનું જુદી-જુદી ઍસેટ્સમાં રોકાણ કરવું.
ADVERTISEMENT
મ્યુ. ફન્ડ એટલે માત્ર ઇક્વિટી નહીં
મોટા ભાગના લોકો હજી પણ એમ જ સમજે છે કે મ્યુચ્યુઅલ ફન્ડનું રોકાણ એટલે માત્ર શૅરનું જ રોકાણ, એથી જોખમી રોકાણ, પરંતુ ફન્ડ મારફત વિવિધ ઍસેટ્સમાં રોકાણ થઈ શકે છે. ઇક્વિટી શૅરમાં, ગોલ્ડમાં, ડેટ સાધનોમાં, ફિક્સડ ઇન્કમ ઍસેટ્સમાં. આમ થવાને કારણે જોખમ ઘટે છે, કારણ કે એક સાધનના ભાવ ઘટતા હોય તો બીજાના વધતા હોઈ શકે છે. કયા સાધનમાં કેટલાં ટકા નાણાં રોકવા એ તમારી ઉંમર, જોખમ લેવાની ક્ષમતા, આવકનું ધોરણ અને જવાબદારી વગેરે જેવાં પરિબળોને આધારે નક્કી થાય છે. આ સાથે તમારાં લક્ષ્યો, લાઇફસ્ટાઇલનું પરિબળ પણ આ નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. સાધારણ કે સંકુચિત રોકાણકાર, જે વધુ જોખમ લેવા રાજી કે તૈયાર નથી, તેઓ ૫૦ ટકા રોકાણ ઇક્વિટીમાં કરે, ૪૦ ટકા ડેટ સાધનોમાં કરે અને ૧૦ ટકા સોનામાં કરે છે.
આ પણ વાંચો: માર્કેટ સાથે માઇન્ડ ટ્રેન્ડને પણ સમજવો મહત્ત્વનો
જોખમ લેવાની ક્ષમતા
ફાઇનૅન્શિયલ પ્લાનર અને ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર રોકાણકારના પ્રોફાઇલને આધારે એની રકમ ક્યાં કેટલી મૂકવી એ નક્કી કરે છે યા સલાહ આપે છે. યુવાન અને જોખમ લેવા સજ્જ રોકાણકારને વધુ નાણાં ઇક્વિટીમાં ફાળવવાનું કહેવાય છે, મધ્યમ જોખમ લેનારને ઇક્વિટી અને ડેટનું તેમ જ સોનાનું કૉમ્બિનેશન કરી અપાય છે. ધારો કે કોઈ ઇન્વેસ્ટર ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરવા ધારે છે અને જોખમ માટે રેડી છે તો તેને ૭૦ ટકા સુધી ઇક્વિટીમાં રોકવાનું કહી શકાય, ઘણા તો ૯૦ કે ૧૦૦ ટકા રોકાણ પણ કરે છે. અન્યથા ડેટ સાથે રોકાણ કરાવવા મારફત જોખમને વહેંચાય છે.
સ્કીમ્સની વરાઇટીઝ
વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફન્ડ પાસે વરાઇટીઝ હોવાથી એ વિવિધ ઑફર કરી શકે છે. ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, બૅલૅન્સ, આર્બિટ્રાજ, ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ). આ ઉપરાંત સ્મૉલ કૅપ, મિડ કૅપ કે લાર્જ કૅપ ફન્ડ અને મલ્ટિ કૅપ ફન્ડ પણ હોય છે. ફન્ડ મૅનેજર એના રોકાણ પર સતત નજર રાખતા હોય છે અને સમય-સંજોગ મુજબ એમાં ફેરફાર પણ કરે છે. ઇન શૉર્ટ, ઍસેટ અલોકેશન એટલે સાદી ભાષામાં જોખમને જુદાં-જુદાં રોકાણોમાં વહેંચી દેવું. અર્થતંત્ર અને બજારના બદલાતા સંજોગો સાથે ક્યારે ઇક્વિટી વધશે કે ઘટશે? ક્યારે સોનું વધશે કે ઘટશે? વગેરે બાબતોની પાકી ખાતરી રાખી શકાતી ન હોવાથી જુદી-જુદી ઍસેટ્સમાં રોકાણ મૂકી રાખવામાં સમજદારી હોય છે.
સવાલ તમારા…
સવાલઃ આ રોકાણનું કેટલા સમયાંતરે રિવ્યુ થવું જોઈએ?
જવાબઃ સામાન્ય રીતે દર ક્વૉર્ટર્લી અથવા દર છ મહિને રિવ્યુ કરવું જોઈએ, જેમાં બહુ મૂલ્ય વધી ગયું હોય તો એમાં એક્સપોઝર ઘટાડી શકાય, જેમાં મૂલ્ય ઘટ્યું હોય અને વધવાની શક્યતા જણાતી હોય તો એમાં વધારી શકાય. આમ પોર્ટફોલિયો રીબૅલૅન્સ કરતા રહેવું પડે છે. અલબત્ત સમય-સંજોગો પર નિરીક્ષણ તો હોવું જ જોઈએ, બાકી પાંચ–દસ વરસ લાંબું રોકાણ હોય તો કંઈ ન જુઓ તો પણ ચાલી શકે.