ક્રિપ્ટોકરન્સીના વિનિમય અને ટ્રાન્સફરને આ કરમુક્તિ લાગુ પડશે
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ આરબ અમિરેટસ (UAE)એ ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોને વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વૅટ)માંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. ક્રિપ્ટોકરન્સીના વિનિમય અને ટ્રાન્સફરને આ કરમુક્તિ લાગુ પડશે. નોંધનીય છે કે આ નવો નિયમ પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લાગુ થશે. કરમુક્તિને લીધે UAEની ક્રિપ્ટોકરન્સી ઇકોસિસ્ટમના બિઝનેસ અને રોકાણકારોને ઘણી રાહત થશે. એનું કારણ એ છે કે UAEમાં જુલાઈ ૨૦૨૩થી જૂન ૨૦૨૪ સુધીના ગાળામાં ૩૦ બિલ્યન ડૉલર કરતાં વધુ રકમનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ આવ્યું હતું. આમ મધ્ય પૂર્વના દેશોમાં એનું સ્થાન ક્રિપ્ટોના વ્યવહારોમાં ત્રીજું આવ્યું હતું. આ પ્રદેશમાં ટર્કી સૌથી મોટું છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારાનું વલણ હતું. બિટકૉઇન ૧.૭૭ ટકા સુધરીને ૬૩,૮૦૦ ડૉલર ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૧.૬૧ ટકા, બાઇનૅન્સમાં ૧.૪૪ ટકા, સોલાનામાં ૨.૪૮ ટકા, રિપલમાં ૧.૦૫ ટકા, ડોઝકૉઇનમાં ૦.૭૨, ટ્રોનમાં ૦.૯૭, કાર્ડાનોમાં ૧.૭ અને અવાલાંશમાં ૦.૭૪ ટકા વૃદ્ધિ થઈ હતી.