અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પના પુનરાગમન બાદ ટેસ્લાના સ્થાપક ઈલૉન મસ્કની સાથે-સાથે તેમના પ્રિય ડોઝકૉઇનનો ભાવ પણ વધી ગયો છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પના પુનરાગમન બાદ ટેસ્લાના સ્થાપક ઈલૉન મસ્કની સાથે-સાથે તેમના પ્રિય ડોઝકૉઇનનો ભાવ પણ વધી ગયો છે. આ મીમકૉઇન છેલ્લા સાત દિવસમાં ૧૨૨ ટકા વધીને ૦.૪૨૯૪ ડૉલરના સ્તરે પહોંચ્યો છે. આ લખાઈ રહ્યું છે એની પહેલાંના ૨૪ કલાકના ગાળામાં આ કૉઇન ૧૩ ટકા વધી ગયો છે. નોંધનીય છે કે ટ્રમ્પે જે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ ઍફિશ્યન્સીમાં મસ્કની નિમણૂક કરી છે એની ટૂંકાક્ષરી પણ ડોઝકૉઇનની જેમ ડીઓજીઈ થાય છે. બિલી માર્ક્સ અને જેક્સન પાલ્મેરે ક્રિપ્ટોકરન્સીમાં ચાલી રહેલા ઉતાર-ચડાવની મજાક ઉડાડવા ખાતર આ મીમકૉઇનની રચના કરી હતી, પછીથી એમાં મસ્ક સહિતના રોકાણકારોએ રોકાણ કર્યું છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે બિટકૉઇન ૪.૬૮ ટકા વધીને ૯૧,૨૩૧ ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો. છેલ્લા સાત દિવસમાં એમાં આશરે ૨૪ ટકા વૃદ્ધિ થઈ છે. ઇથેરિયમ એક સપ્તાહમાં ૨૬ ટકા વધીને ૩૩૦૩.૬૭ ડૉલરના સ્તરે પહોંચ્યો છે. સાપ્તાહિક ધોરણે સોલાનામાં ૧૫.૬૬ ટકા, બીએનબીમાં ૮.૫૦ ટકા, એક્સઆરપીમાં ૩૩.૧૮ ટકા, કાર્ડાનોમાં ૬૮.૮૮ ટકા, શિબા ઇનુમાં ૪૩.૩૮ ટકા અને અવાલાંશમાં ૩૧.૩૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.