Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પ-ઇફેક્ટની આગાહી : રૂપિયો ૮-૧૦ ટકા નબળો પડશે, મોંઘવારી વધશે

ટ્રમ્પ-ઇફેક્ટની આગાહી : રૂપિયો ૮-૧૦ ટકા નબળો પડશે, મોંઘવારી વધશે

Published : 02 December, 2024 06:22 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ડોનલ્ડ ટ્રમ્પના અગાઉના ચાર વર્ષના શાસનમાં રૂપિયો ૧૧ ટકા ગગડ્યો હતો : ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પૉલિસી આગળ જતાં ભારતીય ચીજોની નિકાસને પણ ફટકો પહોંચાડી શકે એવી શક્યતા

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


જગતજમાદાર અમેરિકાના પ્રેસિડન્ટપદે હંમેશાં કન્ટ્રોવર્શિયલ પૉલિસી ઘડવામાં માહેર એવા ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ વર્લ્ડમાં ઊથલપાથલ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તમામ ફાઇનૅન્શિયલ માર્કેટોની વધઘટમાં ઊથલપાથલ સાથે વર્લ્ડમાં એકબીજા દેશો વચ્ચેનાં જિયોપૉલિટિકલ રિલેશન અને ઇકૉનૉમિક ક​ન્ડિશનમાં પણ ફેરફારો થવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ડોનલ્ડ ટ્રમ્પની જીત થયા બાદ હજી સત્તાનાં સૂત્રો સંભાળવાનાં બાકી છે છતાં ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યાના પહેલા દિવસથી મેક્સિકો અને કૅનેડાથી આયાત થતી તમામ ચીજો પર પચીસ ટકા વધારાની ટૅરિફ અને ચીનથી આયાત થતી ચીજો પર ૧૦ ટકા વધારાની ટૅરિફ લાદી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી મેક્સિકો અને કૅનેડાના ટ્રેડને મોટો ફટકો પડ્યો છે, કારણ કે મેક્સિકોની કુલ એક્સપોર્ટમાંથી ૮૩ ટકા અને કૅનેડાની કુલ એક્સપોર્ટમાંથી ૭૫ ટકા એક્સપોર્ટ અમેરિકામાં થઈ રહી છે. ટ્રમ્પે શરૂ કરેલા ટૅરિફ-વૉરથી માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વમાં મોંઘવારીની આગ ભભૂકી ઊઠવાનો ભય ઇકૉનૉમિસ્ટો બતાવી રહ્યા છે, કારણ કે અમેરિકન ડૉલર ટ્રમ્પની જીત બાદ સડસડાટ ઊંચે જઈ રહ્યો છે. વર્લ્ડની ટૉપમોસ્ટ છ કરન્સીનો બનેલો ડૉલર ઇન્ડેક્સ ટ્રમ્પની જીત પહેલાં ૧૦૩.૯૯ પૉઇન્ટ હતો એ માત્ર ત્રણ સપ્તાહમાં વધીને ૧૦૭.૫૫ પૉઇન્ટે પહોંચી ગયો હતો. હજી ટ્રમ્પે સત્તાનાં સૂત્રો પણ નથી સંભાળ્યાં ત્યાં ડૉલર ઇન્ડેક્સ ૩.૪ ટકા વધી ગયો હતો. ડૉલરની મજબૂતીની સીધી અસર રૂપિયા પર પડી રહી છે. ટ્રમ્પની જીત બાદ ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે અને હાલ એની ઑલટાઇમ નીચી સપાટી ૮૪.૪૯ના સ્તરે પહોંચ્યો છે. ભારતની ટૉપ લેવલની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ટ્રમ્પની ઇફેક્ટની ભારતીય રૂપિયો અને એને સંલગ્ન ઇફેક્ટની ચોંકાવનારી આગાહી કરી છે જે ભારતીય આમજનતા, નિકાસકારો અને અર્થતંત્ર માટે નિરાશાજનક છે.


સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગાહી



સ્ટેક બૅન્ક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં ‘હાઉ ટ્રમ્પ ઇમ્પેક્ટ્સ ઇન્ડિયા ઍન્ડ ગ્લોબલ ઇકૉનૉમી’ શીર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં સ્ટેટ બૅન્કે નોંધ્યું છે કે બીજી ટર્મમાં ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે ૮થી ૧૦ ટકા નબળો પડે એવી સંભાવના છે. ટ્રમ્પના પ્રથમ સત્તાકાળમાં ભારતીય રૂપિયો ડૉલર સામે ૧૧ ટકા નબળો પડ્યો હતો. ભારતીય રૂપિયો હાલ એના નિમ્નસ્તર ૮૪.૪૯ના સ્તરે છે જે વધુ ઘટીને ૮૭થી ૯૨ના સ્તર સુધી નીચે જઈ શકે છે. ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભારતનાં નિકાસક્ષેત્રો; ખાસ કરીને કાપડ, ઉત્પાદન અને કૃષિને વૈશ્વિક બજારોમાં ભારતીય માલને વધુ સ્પર્ધાત્મક બનાવીને લાભ અપાવી શકે છે, પણ એનાથી વિપરીત મજબૂત ડૉલરથી ટૂંકા ગાળાના મૂડી પ્રવાહને અસર થઈ શકે છે, કારણ કે ડૉલરની મજબૂતીથી રોકાણકારો અમેરિકન કરન્સી ડૉલર તરફ વધુ આકર્ષાઈ શકે છે. ભારતીય રૂપિયાના અવમૂલ્યનથી આયાત-પડતરમાં જંગી વધારો થશે. રૂપિયાના પાંચ ટકા અવમૂલ્યનથી મોંઘવારીમાં પચીસથી ૩૦ બેસિસ પૉઇન્ટનો વધારો થઈ શકે છે. ભારતની ક્રૂડ તેલ અને ખાદ્ય તેલોની આયાત-કૉસ્ટ વધતાં સીધી અસર મોંઘવારી પર પડશે.


રૂપિયાના અવમૂલ્યનની સીધી અસર

રૂપિયાના અવમૂલ્યનનો સીધો ફટકો આમજનતાના ખિસ્સા પર પડી શકે છે, કારણ કે ભારત એની પેટ્રોલ-ડીઝલની કુલ જરૂરિયાતના ૮૦ ટકા હિસ્સાની અને ખાદ્ય તેલોની કુલ જરૂરિયાતના ૭૫ ટકા હિસ્સાની આયાત કરી રહ્યું છે. આ ઉપરાંત કુલ જરૂરિયાતનું પચીસ ટકા કઠોળ પણ ભારત આયાત કરી રહ્યું હોવાથી આ તમામ ચીજોની આયાત રૂપિયાના અવમૂલ્યનથી મોંઘી થશે. ભારત વિશ્વમાં સૌથી વધુ વિકસતું રાષ્ટ્ર બન્યા બાદ સમૃદ્ધિ વધતાં વાહનોનું વેચાણ વધવાની સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા પેટ્રોલ-ડીઝલની પડતર મોંઘી થતાં આમજનતાનું પેટ ભરતી તમામ ચીજવસ્તુઓની હેરફેર પણ મોંઘી બનશે. ગઈ સીઝનમાં ભારતે ખાદ્ય તેલોની વિક્રમી આયાત કરી હતી તેમ જ છેલ્લાં ચાર વર્ષથી ભારતની દાળ-કઠોળની આયાત પણ સતત વધી રહી છે. સ્ટેટ બૅન્કની આગાહી અનુસાર જો રૂપિયો ૮થી ૧૦ ટકા વધુ નબળો પડે તો આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પણ એની સીધી અસર પડી શકે છે. હાલના સમયમાં ગ્લોબલ વૉર્મિંગને કારણે ક્લાયમેટ-ચેન્જના ફેરફારોથી કૃષિઉત્પાદનને દર બે વર્ષે મોટો ફટકો પડી રહ્યો છે એમાં રૂપિયાના અવમૂલ્યનની પણ અસર ભળે તો અધિક માસમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. 


ટ્રમ્પના ટૅરિફ-વૉરની અસર

ટ્રમ્પે હાલ પૂરતું માત્ર મેક્સિકો, કૅનેડા અને ચીનથી અમેરિકામાં આયાત ચીજોની ટૅરિફ વધારી છે જેનાથી ભારતને સંભવિત ફાયદો થઈ શકે છે, પણ અનેક અભ્યાસુઓનું કહેવું છે કે ટ્રમ્પના ટૅરિફ-વૉરમાં ભારતીય ચીજોની નિકાસને પણ અસર થઈ શકે એવી જોગવાઈઓ આવી શકે છે. ટ્રમ્પના અગાઉના શાસન વખતે ૨૦૧૮માં ટ્રમ્પે ભારતને ટૅરિફકિંગ કહીને આકરી ટીકા કરી હતી. હાલ અમેરિકા સાથે વેપાર કરવામાં ભારતનો ક્રમ દસમો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઇકૉનૉમિક્સના પ્રોફેસરે ટૅરિફ-વૉરની ભારત પર પડનારી અસર વિશે જણાવ્યું હતું કે ‘હાલ ટૅરિફ-વધારાના લિસ્ટમાં ભારતનું નામ નથી, પણ ભવિષ્યમાં ભારતથી અમેરિકામાં આયાત થતી ચીજોની ટૅરિફ પણ વધી શકે છે. ટ્રમ્પના અગાઉના સત્તાકાળ દરમ્યાન ટ્રાન્સ પૅસિફિક પાર્ટનરશિપ ટ્રેડ ડીલને ટ્રમ્પે ખતમ કરી હતી. ૨૦૨૨માં બાયડને ઇન્ડો પૅસિફિક ઇકૉનૉમિક ફ્રેમવર્ક તૈયાર કર્યું હતું, જેમાં ભારતીય ચીજોની નિકાસને મોટો ફાયદો થઈ રહ્યો છે, પણ ટ્રમ્પ ચીનને ફાયદો આપતા આ ફ્રેમવર્કને પણ તોડી નાખશે એવી શક્યતા વધુ છે. ઇન્ડો પૅસિફિક ઇકૉનૉમિક ફ્રેમવર્કમાં ૧૩ દેશ સામેલ છે અને આ ફ્રેમવર્કમાં ચીનને ઘણો ફાયદો થઈ રહ્યો હોવાથી ટ્રમ્પ ચીનને ફટકો પાડવા આ ફ્રેમવર્કને તોડી શકે છે. ટ્રમ્પે ચૂંટણીઢંઢેરામાં ભારત અમેરિકાની ચીજો પર હાઈ ટૅરિફ વસૂલે છે એવી વાત કહીને આ બાબતે ફેરફાર કરવાનો પણ સંકેત આપ્યો હતો. આથી ટ્રમ્પના શાસનકાળમાં ભારત-અમેરિકાના ટ્રેડમાં પણ ટૅરિફના ફેરફાર આવી શકે છે.’

આક્રમક કરેક્શન બાદ ખરીદીની તક આવી ગણાય?

ગયા સોમવારે આપણે બજારના એકધારા ઉછાળાના માહોલમાં કરેક્શન ગાયબ હોવાની વાત કરી હતી જે વીતેલા સપ્તાહમાં આક્રમક સ્વરૂપે જોવા મળ્યું. મંગળવારે, ગુરુવાર અને શુક્રવારે કરેક્શને તેજીવાળાઓની બોલતી બંધ કરી દઈ માર્કેટકૅપમાં મોટાં ગાબડાં પાડ્યાં હતાં. લાંબા સમયથી ઓવરહિટ અને ઓવરવૅલ્યુડ રહેલા બજારને નક્કર બ્રેકની જરૂર હતી, જેનાં દર્શન પહેલા નોરતે જ થઈ ગયાં. બજારમાં વ્યાપક જોરદાર વેચવાલીનું એક કારણ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે SEBIનાં નિયંત્રણાત્મક પગલાં પણ  છે. અલબત્ત, કરેક્શનને ગ્લોબલ સિચુએશન, ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો માહોલ, ચીનનાં પગલાં અને ત્યાં ખેંચાયેલા રોકાણના સંકેત જેવાં સૉલિડ કારણો પણ મળ્યાં હતાં. હવે પછી રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી પર નજર રહેશે, જ્યારે કે વર્તમાન સંજોગો વૉલેટિલિટીનાં પણ દર્શન કરાવશે એવું જણાય છે. યોગ્ય કારણ મળતાં જ રિકવરી ચોક્કસ આવશે. દરમ્યાન તૂટેલા ભાવે ખરીદીની તક ઊભી કરી છે. જેમની પાસે કૅશ હશે તે લોકો આ તક છોડશે નહીં. બાય ધ વે, જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં તનાવ છે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા અને અનિ​શ્ચિતતા રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2024 06:22 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK