ટ્રમ્પના આગમનથી આયાત જકાત ૬૦ ટકા થવાની દહેશત વચ્ચે પણ ચાઇનીઝ શૅરબજાર અઢી ટકા ઊંચકાયું
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
ટ્રમ્પની જીતથી બુધવારે વિશ્વના ૧૦ ધનકુબેરોની સંપિત્ત ૬૪ અબજ ડૉલર (આશરે ૫.૪૦ લાખ કરોડ રૂપિયા) વધી ગઈ, ટ્રમ્પના મિત્ર ઇલૉન મસ્કને એક જ દિવસમાં ૨૬ અબજ ડૉલરનો તડાકો પડ્યો : ટ્રમ્પના આગમનથી આયાત જકાત ૬૦ ટકા થવાની દહેશત વચ્ચે પણ ચાઇનીઝ શૅરબજાર અઢી ટકા ઊંચકાયું : ડૉલર સામે રૂપિયો નવા વર્સ્ટ લેવલે : FII ચાલુ મહિને પણ એકધારી વેચવાલ : બિટકૉઇનમાં નવા શિખર : એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ સતત ઉપલી સર્કિટમાં, JSW હોલ્ડિંગ્સ અને નલવા સન્સમાં મોટા ઉછાળા : સ્વિગીમાં પ્રીમિયમ ગગડી બે રૂપિયા થયું, ઍક્મે સોલરમાં પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે : સિજેલિટીનો આઇપીઓ સારી રીતે પાર પડ્યો
ટ્રમ્પને વધામણામાં બુધવારની રાત્રે અમેરિકન શૅરબજાર નવા બેસ્ટ લેવલે ગયું છે. ડાઉ ઇન્ડેક્સ ૪૩,૭૭૯ નજીક નવી સર્વોચ્ચ સપાટી બનાવી સાડાત્રણ ટકા કે ૧૫૦૮ પૉઇન્ટની તેજીમાં ૪૩,૭૩૦ બંધ રહ્યો છે. નૅસ્ડૅક પણ ૧૯,૦૦૦ના શિખરે જઈ ત્રણ ટકા ઊંચકાઈ ૧૮,૯૮૩ વટાવી ગયું છે. પ્રમુખપદે ટ્રમ્પની તાજપોશીના બજારમાં જશનનો સૌથી તગડો લાભ ટ્રમ્પસખા ઇલૉન મસ્કને થયો છે. બુધવારે ટેસ્લાનો શૅર ૨૯૦ ડૉલર નજીકની નવી ટોચે પહોંચી ૧૪.૮ ટકાના ઉછાળે ૨૮૮ ઉપર બંધ થયો છે. એના કારણે એક જ દિવસમાં ઇલૉન મસ્કની નેટવર્થ ૨૬૫૦ કરોડ ડૉલર (અર્થાત આશરે ૨.૨૩ લાખ કરોડ રૂપિયા)ના ઉમેરામાં ૨૯૦ અબજ ડૉલર થઈ ગઈ છે. આ ઉપરાંત ઓરેકલવાળા લેરી એલિસનની નેટવર્થ બુધવારે ૯૮૮ કરોડ ડૉલર, વૉરન બફેટની ૭૫૮ કરોડ ડૉલર, જેફ બેઝોસની નેટવર્થ ૭૧૪ કરોડ ડૉલર, ગૂગલ ફેમ લેરી પેજની સંપિત્ત ૫૫૩ કરોડ ડૉલર, ગૂગલની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટવાળા સર્ગેબ્રેનની નેટવર્થ ૫૧૮ કરોડ ડૉલર, એન્વિડિયા ફેમ જેનસન હુંઆંગની સંપત્તિ ૪૮૬ કરોડ ડૉલર, ડેલ ટેક્નૉલૉઝિસના માઇકલ ડેલની નેટવર્થ ૩૩૧ કરોડ ડૉલર, માઇક્રોસૉફ્ટવાળા સ્ટીવ બામરની સંપત્તિ ૨૯૧ કરોડ ડૉલર, બિલ ગેટ્સની નેટવર્થ ૧૮૨ કરોડ ડૉલર વધી ગઈ છે. મેટાવાળા માર્ક ઝકરબર્ગની નેટવર્થ સામે ૮૦૯ લાખ ડૉલર ઘટી છે. બાય ધ વે, બુધવારે આપણે ત્યાં પણ તેજી હોવાથી ગૌતમબાબુની નેટવર્થ ૩૬૨ કરોડ ડૉલર તો મુકેશ અંબાણીની નેટવર્થ ૧૩૦ કરોડ ડૉલર વધી હતી. જોકે ગુરુવારે આ બન્નેની નેટવર્થનો વધારો ધોવાઈ ગયો છે.
ADVERTISEMENT
બિટકૉઇન ૭૬,૨૦૯ ડૉલરની નવી વિક્રમી સપાટી બનાવી રનિંગમાં સવા ટકો વધી ૭૪,૯૦૦ ડૉલર દેખાતો હતો. ડાઉ ફ્યુચર નજીવા સુધારે રનિંગમાં ૪૩,૯૬૭ હતું. એશિયા ખાતે ગઈ કાલે, ગુરુવારે ઇન્ડોનેશિયા બે ટકા નજીક અને જપાન નહીંવત્ નરમ હતું. સામે ચાઇના અઢી ટકા, હૉન્ગકૉન્ગ બે ટકા, સિંગાપોર બે ટકા નજીક, તાઇવાન પોણા ટકાથી વધુ મજબૂતીમાં બંધ થયાં હતાં. લંડન ફુત્સી ફ્લૅટ હતો, પણ અન્ય યુરોપિયન બજાર રનિંગમાં અડધાથી સવા ટકો ઉપર ચાલતાં હતાં. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં પોણાચારસો પૉઇન્ટની આગેકૂચમાં ૯૨,૫૬૮ દેખાયું છે.
ટ્રમ્પની જીતથી વિશ્વબજારોના તાલમાં ઘરઆંગણે પણ શૉર્ટ ટર્મ રિલીફ-રૅલી જામશે એવી ધારણા અલ્પજીવી નીવડી છે. સેન્સેક્સ ગુરુવારે પોણાબસ્સો પૉઇન્ટ કરતાં વધુના ગૅપમાં ઉપર, ૮૦,૫૬૩ ખૂલી છેવટે ૮૩૬ પૉઇન્ટ ખરડાઈ ૭૯,૫૪૨ની નીચે તથા નિફ્ટી ૨૮૫ પૉઇન્ટ બગડી ૨૪,૧૯૯ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૭૯,૪૧૯ થયો હતો. બજારનું માર્કેટકૅપ ૪.૧૩ લાખ કરોડ રૂપિયા ઘટી ૪૪૮.૪૫ લાખ કરોડ નોંધાયું છે. પીએસયુ બૅન્ક નિફ્ટી જૈસે-થે હતો. એ સિવાય બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ લાલ થયા છે. સેન્સેક્સ નિફ્ટીના એક ટકા પ્લસના ઘટાડા સામે નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા, રિયલ્ટી, પાવર, ઑટો, ટેલિકૉમ, એનર્જી, યુટિલિટીઝ જેવા સેક્ટોરલ સવાથી અઢી ટકા ડાઉન થયા છે. આઇટી ઇન્ડેક્સ અને બૅન્ક નિફ્ટી પોણો ટકો નરમ હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. એનએસઈમાં વધેલા ૯૨૮ શૅર સામે ૧૫૭૯ જાતો માઇનસ હતી. FII એકધારી વેચવાલ છે. ચાલુ મહિને ૬ નવે. સુધી કામકાજના ૪ દિવસમાં તેણે ૧૧,૫૫૭ કરોડની રોકડી કરી છે. ગયા મહિને તેનું નેટ સેલિંગ ૧,૧૪,૪૪૬ કરોડ રૂપિયાનું હતું.
પ્રાઇમરી માર્કેટમાં સિજેલિટી ઇન્ડિયાનો શૅરદીઠ ૩૦ના ભાવનો ૨૧૦૬ કરોડનો ઇશ્યુ કુલ ૩.૨ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૦ પૈસાનું છે. સ્વિગી તથા એકમે સોલરનાં ભરણાં શુક્રવારે બંધ થશે. સ્વિગીનો શૅરદીઠ ૩૯૦ની મારફાડ પ્રાઇસવાળો ૧૧,૩૨૭ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ગગડીને બે રૂપિયા થઈ ગયું છે. ડિસ્કાઉન્ટ ટૂંકમાં બોલાશે એમ લાગે છે. એકમે સોલર ૭૩ ટકા ભરાઈ ગયો છે પણ પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સનો ૧૦ના શૅરદીઠ ૭૪ની અપર બૅન્ડ સાથે ૨૨૦૦ કરોડનો આઇપીઓ ગઈ કાલે પ્રથમ દિવસે ૬૯ ટકા ભરાઈ ગયો છે, પરંતુ ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી.
MSCI ઇન્ડેક્સમાં સામેલગીરી અટકી પડતાં અદાણી એનર્જી તૂટ્યો
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ રિ-લિસ્ટિંગ પછી ઉપલી સર્કિટનો સિલસિલો જાળવી રાખતાં ગઈ કાલે પાંચ ટકા કે ૧૫,૦૭૬ રૂપિયાના ઉછાળે ૩,૧૬,૫૯૭ વટાવી ત્યાં જ બંધ થયો છે. જ્યારે E2E નેટવર્ક્સ પણ તેજીની સર્કિટની હૅટ-ટ્રિકમાં ૫૪૮૮ નજીક નવી વિક્રમી સપાટી બનાવી ત્રણ ટકા ઊચકાઈ ૫૩૯૧ બંધ આવ્યો છે. BSE લિમિટેડનાં પરિણામ ૧૨મીએ છે ત્યારે શૅરને MSCI ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યો હોવાનો અહેવાલ ભાવમાં ચાર ટકા કે ૧૮૭ની તેજી લાવવાનું કારણ બન્યો છે. બીજી તરફ ફ્લૉટિંગ સ્ટૉકના મામલે સ્પષ્ટતા નહીં હોવાના કારણે અદાણી એનર્જીને MSCI ઇન્ડેક્સમાં સામેલ કરવાનો નિર્ણય પડતો મૂકવામાં આવતાં આ શૅર સવાબે ગણા વૉલ્યુમે ૧૦.૪ ટકા કે ૧૧૧ રૂપિયા ખરડાઈ ૯૬૪ બંધ થયો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી ગ્રીન ૪.૫ ટકા, અદાણી પાવર પોણાત્રણ ટકા, NDTV સવાબે ટકા, અંબુજા સિમેન્ટ બે ટકા, એસીસી દોઢ ટકા, સાંધી ઇન્ડ. ૧.૯ ટકા ડાઉન હતા.
વૉકહાર્ટ દ્વારા ૧૨૭૦ના આગલા બંધ સામે શૅરદીઠ ૧૧૦૫ના ભાવથી ૧૦૦૦ કરોડનો QIP રૂટથી પ્રેફરન્શિયલ ઇશ્યુ કરવામાં આવતાં શૅર ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૨૦૬ થઈ ત્યાં જ બંધ હતો. ડેલ્ટા કૉર્પનો નફો ૬૧ ટકા ગગડ્યો છે. માર્જિન ૩૮ ટકાથી તૂટી ૧૮ ટકા રહ્યું છે જેમાં શૅર પ્રારંભિક ખરાબીમાં ૧૧૨ અંદર ગયો હતો. છેલ્લે પોણો ટકો ઘટીને ૧૧૮ રહ્યો છે. કંપની એના હૉસ્પિટલિટી અને રિયલ્ટી બિઝનેસને ડી-મર્જ કરી એનું લિસ્યિંગ કરાવવાની છે. નબળાં રિઝલ્ટમાં આગલા દિવસે ૧૬૦૦ રૂપિયાથી વધુના કડાકા બાદ ન્યુલૅન્ડ નીચામાં ૧૩,૬૦૦ થઈ ૨.૮ ટકાની નબળાઈમાં ૧૩,૮૦૮ હતો. સોલર એનર્જી કૉર્પો. ઑફ ઇન્ડિયા તરફથી બીડિંગના અગાઉના રાઉન્ડમાં બોગસ બૅન્ક ગૅરન્ટી સબમિટ કરવા બદલ રિલાયન્સ પાવર ત્રણ વર્ષ સુધી નવા કોઈ ટેન્ડરમાં બીડ કરવા સામે પ્રતિબંધ મૂકી દેવાયો છે. જોકે રિલાયન્સ પાવરનો શૅર ગઈ કાલે સાધારણ સુધારામાં ૪૪ નજીક બંધ આવ્યો છે.
જેટ ઍરવેઝનો શૅર સસ્તો ગણી લેવા માટે ન દોડતા
સુપ્રીમ કોર્ટ તરફથી જેટ ઍરવેઝને ફડચામાં લઈ જવાનો આદેશ અપાયો છે. કોર્ટના મતે કંપનીના રિવાઇવલ માટે જાલન ફાલરોક કૉન્સોર્ટિયમ તરફથી જે રેઝોલ્યુશન પ્લાન સુપરત કરાયો છે એનો અમલ શક્ય નથી. સુપ્રીમ કોર્ટે રેઝોલ્યુશન પ્લાનમાંથી મૂળ શરતોનું પાલન નહીં કરવા બદલ જાલન ફાલરોક કૉન્સોર્ટિયમને પણ આડા હાથે લીધી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે જેટ ઍરવેઝનો શૅર ઇન્ટ્રા-ડેમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮ નજીક ગયા બાદ તૂટી મંદીની સર્કિટમાં ૩૪ થઈ ગયો હતો. બન્ને બજાર ખાતે છેલ્લે લાખ શૅરના વેચવાલ ઊભા હતા. ૨૦૨૩ની ૧૨ ડિસેમ્બરે શૅર ૬૬ પ્લસની વર્ષની ટોચે હતો. હાલ ભાવ અડધો થઈ ગયો છે અને મંદીની સર્કિટનો સિલસિલો આગળ વધવાનો છે એટલે શૅર ઘણા નીચા ભાવે મળે છે એમ માની ખરીદી ન લેતા, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી શૅરબજારો જેટ ઍરવેઝમાં વહેલા-મોડા સોદા સસ્પેન્ડ કરી દેશે. ભાવ વાસ્તવમાં શૂન્ય થઈ જશે. સ્પાઇસ જેટ ગઈ કાલે સવાબે ટકા તો ઇન્ડિગો દોઢ ટકા નરમ હતી.
એવલોન ટેક્નૉલૉઝિસે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૬૫૪ લાખ સામે ૮૩૪ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. એમાં શૅર ૨૩ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૮ રૂપિયા ઊછળી ૭૦૮ના શિખરે બંધ રહ્યો છે. સરકારની ૯૦ ટકા માલિકીની આઇટીઆઇ, જેની આવક ૪ વર્ષથી સતત ઘટી રહી છે અને છેલ્લાં બે વર્ષમાં ૯૩૦ કરોડની જંગી ખોટ કરી છે એ ગઈ કાલે ૨૬ ગણા જંગી વૉલ્યુમે ૧૪.૮ ટકાની તેજીમાં ૨૬૬ બંધ થયો છે. JSW હોલ્ડિંગ્સ આગલા દિવસની રૅલી આગળ ધપાવતાં ૧૩,૨૫૪ની વિક્રમી સપાટી બતાવીને ૧૫ ટકા કે ૧૬૬૫ રૂપિયાના જમ્પમાં ૧૨,૮૫૫ બંધ રહ્યો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૨૨,૯૧૫ છે. બોનસનું ખાનું ખાલી છે. જિંદલ ગ્રુપની અન્ય ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની નલવા સન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૭૨૦ હતી. ૧૦ના શૅરની સામે એની બુકવૅલ્યુ ૨૪,૫૪૨ રૂપિયાની છે.
અમેરિકન સબસિડિયરીની કામગીરી હિન્દાલ્કોને નડી
સેન્સેક્સ મંગળવારના હિન્દાલ્કોની અમેરિકન સબસિડિયરી નોવેલીસનો ત્રિમાસિક નફો ૧૮ ટકા ઘટીને આવવાના દુઃખમાં અહીં હિન્દાલ્કોનો શૅર ૮.૫ ટકા પીગળી ૬૪૮ બંધ રહ્યો છે. હિન્દાલ્કોનાં પરિણામ ૧૧મીએ છે. તાતાની ટ્રેન્ટ દ્વારા આવકમાં ૩૯ ટકાની વૃદ્ધિ સામે ૪૭ ટકાના વધારામાં ૩૩૫ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે, પરંતુ ક્યુ-ટુ-ક્યુ ધોરણે, અર્થાત જૂન ક્વૉર્ટરના મુકાબલે નફો ૧૨ ટકા ઘટ્યો હોવાના રોદણામાં શૅર પરિણામ બાદ લથડી નીચામાં ૬૩૦૭ થઈ સાડાછ ટકા કે ૪૫૦ રૂપિયાની ખુવારીમાં ૬૫૦૫ બંધ રહ્યો છે. જેના પરિણામ શુક્રવારે છે એ તાતા મોટર્સ ૨.૪ ટકા નરમ હતો. જ્યારે સ્ટેટ બૅન્ક અડધો ટકો વધ્યો છે. સનફાર્મા, ટેક મહિન્દ્ર, JSW સ્ટીલ બેથી સવાબે ટકાના ઘટાડે સેન્સેક્સ ખાતે મોખરે હતા. નિફ્ટીમાં હિન્દાલ્કો અને ટ્રેન્ટ પછી શ્રીરામ ફાઇ. ૩.૭ ટકા તથા ગ્રાસિમ ૩.૨ ટકા ડૂલ થયા હતા. ICICI બૅન્ક ૧.૮ ટકાના ઘટાડામાં સેન્સેક્સને ૧૩૯ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ દોઢ ટકાની નબળાઈમાં ૧૩૦૬ હતો. ઇન્ફી સવા ટકો નરમ તો ટીસીએસ નજીવો પ્લસ હતો. અદાણી એન્ટર, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, JSW સ્ટીલ, તાતા સ્ટીલ, તાતા કન્ઝ્યુમર, અલ્ટ્રાટેક પોણાબેથી અઢી ટકા માઇનસ હતા.
ધારણા કરતાં સારાં રિઝલ્ટના જોશમાં અપોલો હૉસ્પિટલ્સ ૭૪૮૪ની ઑલટાઇમ હાઈ દેખાડી સાડાછ ટકાની તેજીમાં ૭૪૨૫ બંધ આપી નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. મહિન્દ્રનો નફો ૩૫ ટકા વધી ૩૧૭૧ કરોડ આવતાં શૅર ૨૮૫૯ની ઇન્ટ્રા-ડે બૉટમથી વધી ૨૯૭૦ બતાવી છેવટે એક ટકો ઘટીને ૨૯૦૩ રહ્યો છે. ઇન્ડેક્સ બેઝ્ડ અન્ય ઑટો શૅરમાં બજાજ ઑટો ૧.૭ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૬ ટકા, આઇશર એક ટકો નરમ હતા. મારુતિ સુઝુકી પોણા ટકા નજીક ઘટ્યો હતો.