સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ દેશમાંથી ડિસેમ્બરમાં તેલીબિયાં-ખોળની કુલ નિકાસ ૪.૩૩ લાખ ટનની થઈ છે જે ગયા વર્ષે આજ સમયે ૧.૭૦ લાખ ટનની થઈ હતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં તેલીબિયાં-ખોળની નોંધપાત્ર નિકાસ થઈ છે અને ખાસ કરીને રાયડા-ખોળની ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિના દરમ્યાન જ વિક્રમી નિકાસ થઈ ચૂકી છે. ડિસેમ્બરની તેલીબિયાં-ખોળની નિકાસ ગયા વર્ષની તુલનાએ ૧૫૩ ટકા વધી છે, જ્યારે ગયા મહિનાની તુલનાએ છ ટકાનો વધારો જોવા મળ્યો છે. સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ દેશમાંથી ડિસેમ્બરમાં તેલીબિયાં-ખોળની કુલ નિકાસ ૪.૩૩ લાખ ટનની થઈ છે જે ગયા વર્ષે આજ સમયે ૧.૭૦ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં ૧૫૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ એપ્રિલથી ડિસેમ્બરની કુલ નિકાસ ૨૮.૨૫ લાખ ટનની થઈ છે જે ગયા વર્ષે ૧૭.૬૮ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં ૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાંથી રાયડા-ખોળની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિના દરમ્યાન કુલ ૧૬.૭૧ લાખ ટનની થઈ છે જે અત્યાર સુધીનો વાર્ષિક નિકાસનો રેકૉર્ડ છે.
આ અગાઉ વર્ષ ૨૦૧૧-૧૨માં સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૧૨.૪૮ લાખ ટનની નિકાસ થઈ હતી. ભારતીય રાયડા-ખોળની નિકાસ અત્યારે વિશ્વના બીજા દેશોની તુલનાએ નીચા ભાવથી થતી હોવાથી કુલ નિકાસ વધી છે. ખાસ કરીને સાઉથ કોરિયા, વિયેટનામ, ફાર ઈસ્ટ દેશોને ભારતીય રાયડા-ખોળ ૨૫૫ ડૉલર પ્રતિ ટન ફ્રી ઑન બોર્ડના ભાવથી મળે છે, જ્યારે હૅન્બર્ગના ભાવ ૪૦૫ ડૉલર પ્રતિ ટન છે. આમ ભારતીય ખોળ સસ્તો હોવાથી એની નિકાસ વધી છે. સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાએ જણાવ્યં હતું કે રાયડા-ખોળની નિકાસ વધવાને કારણે રાયડા-ખોળના ખેડૂતોને પણ પ્રોત્સાહન મળ્યું છે અને ચાલુ સીઝનમાં વિક્રમી ૯૭ લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થયું છે. દેશમાંથી ડિસેમ્બર મહિનામાં સોયા-ખોળની નિકાસ ૨૬ ટકા ઘટીને ૧.૨૧ લાખ ટનની થઈ છે, જ્યારે રાયડા-ખોળની નિકાસ ગયા મહિનાની તુલનાએ ૪૪ ટકા વધીને ૧.૯૫ લાખ ટનની થઈ છે, જ્યારે સિંગ-ખોળની નિકાસ ૩૯ ટકા ઘટીને ૪૧૫૯ ટનની થઈ છે. રાઇસબ્રાન-ખોળની નિકાસ પણ ગયા મહિનાની તુલનાએ વધી છે.