Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટ માટેનાં હવેનાં ટ્રિગર્સને ધ્યાનમાં રાખી સિલે​ક્ટિવ રહેવામાં જ છે સાર

માર્કેટ માટેનાં હવેનાં ટ્રિગર્સને ધ્યાનમાં રાખી સિલે​ક્ટિવ રહેવામાં જ છે સાર

Published : 10 April, 2023 03:10 PM | IST | Mumbai
Jayesh Chitalia

હવે નવા સપ્તાહમાં અને આગામી દિવસોમાં ભારતીય માર્કેટ માટે ગ્લોબલ બૅન્કિંગ સિચુએશન, ઓપેક પ્રકરણ અને કૉર્પોરેટ પરિણામો અને અલ નીનો ઇફેક્ટ જેવાં પરિબળો સિલેક્ટિવ ટ્રિગર બનશે. બાકી હાલ તો ગ્લોબલ લેવલે ગ્રોથ મામલે ચિંતા બની રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ફેડરલ રિઝર્વ બાદ ગયા સપ્તાહમાં રિઝર્વ બૅન્ક પર નજર મંડાઈ હતી, રિઝર્વ બૅન્કે કોઈ રેટ ફેરફાર નહીં કરતાં અને ઇન્ડિયન ઇકૉનૉમી માટે ઊંચો આશાવાદ દર્શાવતાં માર્કેટે રાહત અનુભવી હતી. આમ બજારમાં રિકવરીનો દોર ચાલુ રહ્યો હતો. હવે નવા સપ્તાહમાં અને આગામી દિવસોમાં ભારતીય માર્કેટ માટે ગ્લોબલ બૅન્કિંગ સિચુએશન, ઓપેક પ્રકરણ અને કૉર્પોરેટ પરિણામો અને અલ નીનો ઇફેક્ટ જેવાં પરિબળો સિલેક્ટિવ ટ્રિગર બનશે. બાકી હાલ તો ગ્લોબલ લેવલે ગ્રોથ મામલે ચિંતા બની રહેશે


વીતેલા સપ્તાહની શરૂઆત રિઝર્વ બૅન્કની પૉલિસીમાં શું આવશે એવા વિચાર સાથે થઈ હતી. વ્યાજદર પા ટકો વધશે એવી ધારણા તો હતી જ, પરંતુ આ સાથે રિઝર્વ બૅન્ક નાણાબજાર-અર્થતંત્રસંબંધી શું નિવેદનો કરે છે કે સંકેતો આપે છે એના પર પણ મીટ હતી. સોમવારનો આરંભ એ માર્કેટ માટે નવા નાણાકીય વરસનો પ્રથમ ટ્રેડિંગ દિવસ પણ હતો, જે પૉઝિટિવ અર્થાત્ પ્લસ રહ્યો, વધઘટ સાથે સેન્સેક્સ ૧૧૫ પૉઇન્ટ અને નિફટી ૩૮ પૉઇન્ટની રિકવરી સાથે બંધ રહ્યા હતા. ૩૧ માર્ચનું વર્ષાન્ત પણ પૉઝિટિવ બંધ રહ્યું હતું. નોંધનીય વાતમાં સોમવારે એફઆઇઆઇ નેટ બાયર્સ રહ્યા હતા, જયારે સ્થાનિક સંસ્થાઓ નેટ-સેલર્સ હતી.



દરમ્યાન સરકારની નાણાકીય વરસ ૨૦૨૨-૨૩માં પ્રત્યક્ષ વેરાની આવક બજેટ અંદાજ કરતાં ૧૬ ટકા વધીને ૨.૪૧ લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. આમ જીએસટીની આવક સાથે સીધા વેરાની રેવન્યુ પણ સતત વધતી હોવાની બાબત અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત આપે છે. મંગળવારે મહાવીર જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. એક અહેવાલ મુજબ વર્લ્ડ બૅન્કે તાજેતરમાં નાણાકીય વરસ ૨૦૨૩-૨૪ માટેનો ભારતનો જીડીપી ગ્રોથરેટ સાધારણ ધીમો પડીને ૬.૩ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. જોકે તેણે ઇન્ફ્લેશન રેટનો અંદાજ ૬.૬ ટકા સામે ઘટાડીને ૫.૫ ટકા મૂકયો છે. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટનો દર ૫.૨ ટકા અંદાજ્યો છે. આવા કેટલાક પૉઝિટિવ સંકેતને પગલે બુધવારે માર્કેટે પણ પૉઝિટિવ શરૂઆત કરીને છેલ્લે સુધી રિકવર થતું રહ્યું, જેમાં સેન્સેક્સ ૫૮૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. 


રિઝર્વ બૅન્કના સમજવા જેવા સંકેત

બીજા દિવસે ગુરુવારે રિઝર્વ બૅન્કની નાણાનીતિની જાહેરાત થવાની હોવાથી માર્કેટની નજર એના પર હતી. જોકે આરબીઆઇ ૨૫ બેસિસ પૉઇન્ટ જેટલો વધારો કરશે એવી ધારણા સામે ગુરુવારે આરબીઆઇએ કોઈ પણ રેટમાં ફેરફાર વિના નીતિ જાહેર કરતાં તેમ જ જીડીપીનો અંદાજ વધારતાં બજાર એને વધાવી લઈ પૉઝિટિવ રહ્યું હતું. જોકે રિઝર્વ બૅન્કે એક સ્પષ્ટતા એ પણ કરી હતી કે જો ઇન્ફલેશન કાબૂમાં નહીં રહે તો એ વચ્ચેના સમયમાં પણ રેટમાં ફેરફાર-વધારો કરી શકે છે. આમ હાલ તો લાંબા સમય બાદ રિઝર્વ બૅન્કે ફેડરલ રિઝર્વથી અલગ સ્ટૅન્ડ લીધું હતું. આરબીઆઇએ ભારતના આર્થિક વિકાસ માટે એ ઊંચો આશાવાદ ધરાવતી અને વિકાસને પણ મહત્ત્વ આપતી હોવાનો સંકેત કર્યો હતો. પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી સહિત માર્કેટે રિકવરી નોંધાવી હતી. સેન્સેક્સ ૧૪૩ પૉઇન્ટ વધીને ૫૯,૮૩૩ અને નિફ્ટી ૪૨ પૉઇન્ટ સુધરીને ૧૭,૫૯૯ બંધ રહ્યો હતો. વીતેલું સપ્તાહ મીનિ વેકેશન જેવું રહેવા સાથે રિકવરીવાળું પણ રહ્યું હતું, શુક્રવારે પણ બજાર ગુડ-ફ્રાઇડે નિમિત્તે બંધ રહ્યું હતું. 


આ એપ્રિલ મહિનો આમ પણ શૅરબજાર માટે સંવેદનશીલ રહેશે, એક તો માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ જાહેર થવાનાં શરૂ થશે. બીજું, દેશમાં અલ-નીનો અસરની શક્યતા ઊભી છે. વરસાદ કૃષિ ક્ષેત્રનો અને બજારનો મૂડ બગાડી શકે. 

ગ્લોબલ ગ્રોથ સામે ઓપેક અવરોધ

કેન્દ્ર સરકારે ઓપેકના ઉત્પાદન કાપના નિર્ણયને પગલે ક્રૂડના ભાવોમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી ક્રૂડ ઑઇલ પ્રોડક્શન પરનો વિન્ડફૉલ ટૅક્સ ટનદીઠ ૩૫૦૦ની સામે મંગળવારથી શૂન્ય કરી દીધો હતો. આની સકારાત્મક અસર જોવા મળી શકે. જોકે યુએસ ટ્રેઝર્સ સેક્રેટરી જૅનેટ યેલને ઓપેકના ઉત્પાદન-કાપના નિર્ણયની ટીકા કરતાં કહ્યું છે કે આવા સમયમાં આ એક કમનસીબ ઘટના ગણાય, જયારે કે ઇન્ફ્લેશન રેટ ઊંચો છે ત્યારે આ પગલું મોંઘવારી વધારશે અને ગ્લોબલ ગ્રોથમાં પણ અવરોધ બનશે. ગ્લોબલ લેવલે હાલ ફરી જૉબકટનો ભય ફેલાઈ રહ્યો છે, જેની નેગેટિવ અસર થવાની શક્યતા રહેશે. બીજી બાજુ બૅન્કિંગ ક્રાઇસિસ વધવાની ચિંતા અને ભય પણ ફેલાતાં રહેવાથી સાવચેતીનો અભિગમ જરૂરી મનાય છે. 

દરમ્યાન આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)એ આગામી પાંચ વરસ સુધી ગ્લોબલ ગ્રોથ રેટ ત્રણ ટકા આસપાસ રહેવાનો અંદાજ મૂકયો છે. આ અંદાજ ૧૯૯૦ બાદ સૌથી નીચો છે. ૨૦૨૩માં ૯૦ ટકા જેટલા વિકસિત દેશોના વિકાસદરમાં ઘટાડો નોંધાશે. હાલ તો ભારત અને ચીન બન્ને દેશો મળીને ગ્લોબલ ગ્રોથમાં પચાસ ટકા હિસ્સો ધરાવે છે. 

અદાણી મોરચે હજી અસમંજસ

અદાણી મોરચેથી મળતા અહેવાલ મુજબ અદાણી ગ્રુપે વિદેશી માર્કેટમાંથી, ખાસ કરીને યુએસના મોટા ગ્રુપ પાસેથી બૉન્ડ્સ મારફત અબજો રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ આદરી દીધો છે. પિમકો અને બ્લૅકસ્ટોન જેવા વિશાળ ગ્રુપ સાથે આ વિષયમાં વાતચીત ચાલી રહી છે.  બીજી બાજુ સેબી આ ગ્રુપના ઓવરસીઝ વ્યવહારોની તપાસ કરી રહ્યું હોવાથી એના સ્ટૉક્સના ભાવો પર અસર હતી. દરમ્યાન અદાણી ગ્રુપ પોતાનું કરજ હળવું કરવા વિવિધ ગ્લોબલ બૅન્કો સાથે વાટાઘાટ કરી રહ્યું છે, જેથી તેના રોકાણકારોનો વિશ્વાસ વધે કે પુનઃ સ્થપાય. 

અસ્બા સેકન્ડરી માર્કેટ માટે સારું, પરંતુ

સેબીએ થોડા દિવસો પહેલાં જ શૅરબજારમાં અસ્બા (ઍપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લૉક્ડ અમાઉન્ટ) સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે જે આઇપીઓની જેમ લાગુ થશે. જોકે આનો અમલ આઇપીઓ માટે જેટલો સરળ છે એટલો સેકન્ડરી માર્કેટમાં સરળ નથી, ઊલટાનું મુશ્કેલ બને એવી સંભાવના છે. આ વિષયમાં નિષ્ણાંત અને માર્કેટ એક્સપર્ટ વર્ગનું કહેવું છે કે પગલાથી ગૂંચવણો સર્જાઈ શકે છે. અત્યારે આ માટેની કોઈ સ્પેસિફિક પેમેન્ટ સિસ્ટમ ન હોવાથી પહેલાં તો આ સિસ્ટમ-માળખું ઘડવું પડશે, એની માટેના વ્યવહારુ નિયમો તૈયાર કરવા પડશે. ઘણા ગ્રાહકો પોતે ઇચ્છતા હોય છે કે તેમનાં નાણાં બ્રોકર પાસે પડ્યાં રહે તો ખરીદીની તકનો તેઓ તરત ઉપયોગ કરી શકે. અન્યથા માર્જિનના કડક નિયમ અને અપફ્રન્ટ પેમેન્ટના નિયમને ધ્યાનમાં રાખતાં કયારેક ગ્રાહકો પણ ગૂંચવાઈ કે ફસાઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2023 03:10 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK