Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય બજાર વિદેશી ઇન્વેસ્ટર્સને વહાલું લાગવાનાં આ રહ્યાં કારણો

ભારતીય બજાર વિદેશી ઇન્વેસ્ટર્સને વહાલું લાગવાનાં આ રહ્યાં કારણો

05 December, 2022 12:44 PM IST | Mumbai
Jayesh Chitalia

માર્કેટ સેન્ટિમેન્ટ તેજીમય બન્યું છે, જેનો યશ વિદેશી રોકાણપ્રવાહને ઘણાખરા અંશે જાય છે તો સામા પક્ષે ભારતીય અર્થતંત્ર પણ એને આકર્ષવાનું મહત્ત્વનું પરિબળ બનતું જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


બજારની ઊંચાઈનો આનંદ પણ અને ભય પણ : સેન્સેક્સ અને નિફ્ટીએ આખરે ૨૦૨૨ના અંત ભાગમાં નવાં હાઈ લેવલ હાંસલ કરી લીધાં છે. માર્કેટ સેન્ટિમેન્ટ તેજીમય બન્યું છે, જેનો યશ વિદેશી રોકાણપ્રવાહને ઘણાખરા અંશે જાય છે તો સામા પક્ષે ભારતીય અર્થતંત્ર પણ એને આકર્ષવાનું મહત્ત્વનું પરિબળ બનતું જાય છે. કરેક્શન આવે તો ખરીદીની તક ઉપાડી શકાય, પરંતુ લગડી પર વધુ ફોકસ રાખવું


ભારતીય ઇક્વિટી શૅર્સ મોંઘા થયા હોવાની ચર્ચા જોરમાં હોવા છતાં ખરીદી આવતી જાય છે, આપણે એની ગયા વખતે ચર્ચા પણ કરી. આ વખતે આ જ વાતને આગળ લઈ જઈ એનાં વધુ કારણો સમજવામાં શાણપણ રહેશે. શા માટે વિદેશી રોકાણકારોમાં ભારતીય ઇક્વિટી શૅર્સનું આકર્ષણ વધી રહ્યું છે? ન્યુઝ-રિસર્ચ એજન્સી બ્લુમબર્ગના અહેવાલ મુજબ ગ્લોબલ ફન્ડ્સે નવેમ્બરમાં ભારતીય માર્કેટમાં આશરે ત્રણ અબજ ડૉલરની નેટ ખરીદી કરી છે. તેમનો લૉન્ગ ટર્મ રસ તેમના ફ્યુચર્સ ઇન્ડેક્સમાંના સોદાઓ પરથી પ્રતીત થાય છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સનો ભારતીય ઇકૉનૉમીમાં વિશ્વાસ સતત વધતો જોવાયો છે. એથી જ તેઓ રિસેશનના સંભવિત રિસ્કને ગણતરીમાં લીધા પછી પણ ભારતીય ઇક્વિટીઝમાં રોકાણ વધારી રહ્યા છે. G-20માં ભારતને લીડરશિપ પ્રાપ્ત થવાથી પણ વિશ્વમાં ભારત પ્રત્યે આશા વધી છે. 



ભારત શા માટે વિશ્વને આકર્ષી રહ્યું છે?


વિશ્વવિખ્યાત નાણાસંસ્થા-ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક મૉર્ગન સ્ટેનલી ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર રિધમ દેસાઈએ તાજેતરમાં એક કૉન્ક્લેવમાં કરેલાં નિવેદનો નોંધપાત્ર હતાં. તેમના કહેવા મુજબ ભારત સામે હાલ ચાર મહત્ત્વનાં પરિબળો કામ કરી રહ્યાં છે. એક, એજિંગ છે, જે ડેમોગ્રાફિક ગણાય, ભારતમાં સૌથી વધુ યુવા વસ્તી છે. બીજું, અહીં ડિગ્લોબલાઇઝેશન અને ડિકપલાઇઝેશનનું પરિબળ કામ કરી રહ્યું છે, ગ્લોબલ સંજોગોમાં મોટા ભાગના દેશો એક યા બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એક માત્ર ભારત જ આમાં અપવાદ છે અને આનો સૌથી વધુ લાભ ભારતને મળી રહ્યો છે. વધુમાં તેમનું કહેવું છે કે ભારતમાં છેલ્લાં પાંચ વરસમાં નીતિવિષયક ધરખમ પરિવર્તન જોવાયાં છે. . ભારતમાં ફૅક્ટરી સ્થાપવામાં, ઑફિસો શરૂ કરવામાં વિદેશી કંપનીઓનો રસ વધી રહ્યો છે. આના પરિણામે ભારતનો જીડીપી આગામી ૧૦ વરસમાં ડબલ થવાની અને વ્યક્તિદીઠ આવક વધવાની આશા છે. ખાસ કરીને આધાર બેઝ્ડ યુનિક ડિજિટાઇઝેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફળતાએ જગતનું ધ્યાન ખેચ્યું છે, કેમ કે આ સફળતા માત્ર ભારત મેળવી શક્યું છે. આવામાં શૅરબજારમાંથી પણ ઊંચા વળતરની ઉમ્મીદ વધી છે. 

ઇન્ડેક્સની નવી ઊંચાઈ - નવી આશા


ગયા સોમવારથી લઈ પાંચ દિવસ દરમ્યાન સેન્સેક્સે અને નિફ્ટીએ એનું અત્યાર સુધીનું નવું હાઈ લેવલ બનાવ્યું. આ તેજી અને આ તેજ ગતિનાં પરિબળો ઘણાં હોઈ શકે, પરંતુ હાલ તો મૂળ કારણો બે જણાય છે. એક, ગ્લોબલ સંજોગોની અનિશ્ચિતતા-વિકટતાને કારણે ભારત તરફ વધતું ધ્યાન અને બીજું, ભારતીય ઇકૉનૉમીની સંગીનતા. ગ્લોબલ સમસ્યાઓનો ભારતને જેટલો ગેરલાભ થાય એમ છે એ લગભગ થઈ ગયો હોવાથી આ ગેરલાભનાં પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ગયેલાં મનાય છે, જ્યારે કે લાભનાં પરિબળો કાર્યરત છે અને હજી વધવાની આશા છે. ચીનની સમસ્યાનો લાભ ભારતને મળતો હોવાનું કે મળવાની શક્યતાનું ગાણું ગવાઈ રહ્યું છે, જે માટે ભારત સરકાર કેટલાં અસરકારક વ્યવહારુ પગલાં ભરે છે એ પણ જોવાનું રહેશે. અલબત્ત, સરકાર આ મામલે સક્રિય જરૂર છે.  

ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ

મંગળવારે બજારે પૉઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખી નવી ઊંચાઈ તરફ યાત્રા ચાલુ રાખી હતી. બુધવારે પણ બજારની ગતિ ન્યારી અને નોખી રહેતાં સેન્સેક્સ ૪૧૮ પૉઇન્ટનો કુદકો મારી ૬૩,૦૦૦ની સપાટી વટાવી ગયો અને નિફ્ટીએ ૧૪૦ પૉઇન્ટ પ્લસ સાથે ૧૮,૭૦૦ ઉપર (નવી ઉચ્ચત્તમ સપાટી) જગ્યા બનાવી હતી. બુધવારે જાહેર થયેલો જીડીપીનો દર ઘટીને ૬.૩ ટકા આવ્યો હતો તેમ જ ડેફિસિટ પણ વધી હતી. જોકે વધતા પૉલિસી રેટ સાથે જીડીપીનો ઘટાડો અપેક્ષિત હતો. અહીં એ નોંધવું રસપ્રદ રહેશે કે એફઆઇઆઇ તરફથી ફરી એક વાર એક જ દિવસમાં ઊંચામાં ઊંચી ખરીદી થઈ હતી, જેમાં તેમણે એક જ દિવસમાં ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુના શૅર્સ ખરીદ્યા હતા. અગાઉ એક જ દિવસની મોટી ખરીદીના બે કિસ્સા હતા, એમાં એક એપ્રિલ ૨૦૧૫માં અને બીજો ફેબ્રુઆરી ૨૦૨૧માં બન્યો હતો.

ગુરુવારે પણ માર્કેટે તેજીનો ટંકરાવ ચાલુ રાખી બન્ને ઇન્ડેક્સને નવી ઊંચાઈ બક્ષી હતી. બજાર સતત વધવાનું કારણ અર્થતંત્રના સુધારાના સંકેત પણ છે. ઉત્પાદન ક્ષેત્રના સુધારા સાથે સર્વિસ સેક્ટર પણ સારી કામગીરી બજાવી રહ્યું છે. બુધવાર-ગુરુવારના સુધારા માટે યુએસ માર્કેટની રિકવરી કારણભૂત બની હતી, જ્યાં યુએસ ફેડે વ્યાજદરનો વધારો ધીમો પડવાના સંકેત બહાર આવતાં તેજીનો કરન્ટ લાગ્યો હતો, જપાન સિવાયની તમામ એશિયન માર્કેટમાં સુધારો નોંધાયો હતો. જોકે ગુરુવારે પછીથી પ્રૉફિટ બુકિંગને પગલે કરેક્શન આવતાં વધ્યાથી ઘટીને સેન્સેક્સ ૧૮૪ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. અલબત્ત, સતત વૃદ્ધિનો આ આઠમો દિવસ હતો. નવી ઊંચાઈ તરફની યાત્રા ચાલુ હતી. દરમ્યાન નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઑક્ટોબર કરતાં સાધારણ ઘટ્યું, પરંતુ ગયા વરસના સમાન ગાળા કરતાં ૧૧ ટકા વધીને ૧.૪૬ લાખ કરોડ રૂપિયા જેટલું ઊંચું રહ્યું. આ ઉપરાંત સરકારે ડીઝલ અને ઑઇલની નિકાસ પરના વિન્ડફોલ ટૅક્સમાં ઘટાડો જાહેર કર્યો હતો. 

કરેક્શન કરેક્ટ - ખરીદીનો ઉત્સાહ

શુક્રવારે માર્કેટે નબળા ગ્લોબલ સંકેત અને પ્રૉફિટ બુકિંગને કારણે બ્રેક લીધો અને આઠ દિવસ બાદ કરેક્શનને અપનાવ્યું. સેન્સેક્સ ૪૧૫ અને નિફ્ટી ૧૧૬ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. આ કરેક્શન આવકાર્ય ગણાય. જોકે સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સમાં સુધારો થયો હતો. નવા સપ્તાહમાં કરેક્શન ચાલુ રહે તો સારું, એવું બજાર માને છે, કેમ કે વર્તમાન ઊંચા ભાવે ખરીદવામાં ક્યાંક ભય અને શંકા છે. શુક્રવારે પણ બજારના ઘટાડા બાદ ખરીદી આવી ગઈ હતી. માર્કેટની નવી ઊંચાઈ સાથે હવે શું કરવું એ વિશે વિચારો પણ શરૂ થઈ ગયા છે.  

મહત્ત્વના સમાચાર સંકેત

ગ્લોબલ બ્રોકરેજ હાઉસ મૉર્ગન સ્ટેનલીના અહેવાલમાં આગામી ૧૨ મહિનામાં સેન્સેક્સ ૮૦,૦૦૦ને સ્પર્શી શકે એવી ૩૦ ટકા શક્યતા અત્યારના સંજોગોને આધારે વ્યક્ત કરાઈ છે. 
ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ (એસઍન્ડપી)એ ભારતનો વિકાસદર ૨૦૨૩માં ૩૦ બેસિસ પૉઇન્ટ ઘટાડીને ૭ ટકા થવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે ૨૦૨૪ માટે આ અંદાજ ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટાડીને ૬ ટકા મૂક્યો છે. 

હાલમાં એફઆઇઆઇ સૌથી વધુ રોકાણ જે સેક્ટરમાં કરી રહ્યા છે, રાધર, નવેમ્બરના પ્રથમ ૧૫ દિવસમાં કર્યું છે એમાં ફાઇનૅન્શિયલ સેક્ટર, એફએમસીજી, આઇટી અને ઑટો સેક્ટરનો સમાવેશ થાય છે.

વિશ્વવિખ્યાત ફન્ડ ફ્રૅન્કલિન ટેમ્પલટનના મત મુજબ યુએસ ફેડની વ્યાજદર વધારાની ભારતીય માર્કેટ પર વધુ અસર થશે નહીં, ભારત પર મોટી અસર ક્રૂડ ઑઇલની થાય છે. યુએસ ફેડ આગામી વરસથી વ્યાજદર વધારવાનું બંધ કરશે અને ઘટાડવાનું શરૂ કરશે એવી બજારની ધારણા સામે ફન્ડ માને છે કે હાલ આવાં કોઈ ચિહ્‍‍ન દેખાતાં નથી, આમ ૨૦૨૪માં થઈ શકે.
દેશનું ફૉરેક્સ રિઝર્વ સતત ત્રણ સપ્તાહમાં વધીને ૫૫૦ અબજ ડૉલર પર પહોંચ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 12:44 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK