કોટક મહિન્દ્ર બૅન્ક શનિવારે આવેલાં પરિણામના જોરે ૯ ટકા અપ, વિપ્રો રનરઅપના રોલમાં, જેફરીઝે અદાણી પોર્ટ્સનો ટાર્ગેટ ઘટાડ્યો, ઝોમાટો પરિણામ પછી ડાઉન, બૅન્કિંગ-ફાઇનૅન્સ શૅરો અપ, એપીએલ અપોલો ટ્યુબ્સ રિઝલ્ટના જોરે સુધરી શકે
માર્કેટ મૂડ
ડોનાલ્ડ ટ્રમ્પ
કોટક મહિન્દ્ર બૅન્કનાં સારાં પર્ફોર્મન્સને પગલે બૅન્કિંગ અને ફાઇનૅન્શ્યલ ઇન્ડેક્સની આગેવાની હેઠળ સોમવારે બજાર સુધર્યાં હતાં. કંપનીએ શનિવારે જાહેર કરેલાં રિઝલ્ટ્સમાં બૅન્કનો કરવેરા પછીનો નફો ડિસેમ્બર 2024 ત્રિમાસિકની તુલનાએ 10 ટકા વધી 3305 કરોડ રૂપિયા થયો હતો. ફાઇનૅન્શ્યલ સર્વિસ ઇન્ડેક્સ 1.41 ટકા વધી 22,926.70ની સપાટીએ અને બૅન્ક નિફ્ટી 1.67 ટકાના ગેઇને 49,350.80ના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 0.08 ટકાના મામૂલી સુધારાએ 63,106.15 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.87 ટકાના ગેઇને 12,356.50 બંધ જોવા મળ્યા હતા. મુખ્ય આંક નિફ્ટી 0.61 ટકા વધી 23,344.75ના સ્તરે વિરમ્યો હતો. જોકે આજનો ખરો ટ્રેન્ડ તો સોમવારે રાત્રે અમેરિકન બજારોના વર્કિંગ અને ટ્રમ્પની ટૅરિફ જાહેરાતો નક્કી કરશે. કોટક બૅન્કના સ્ટ્રૉન્ગ થર્ડ ક્વૉર્ટર પર્ફોર્મન્સના પગલે ૯ ટકાનો હાઈ જમ્પ મારી 1918 રૂપિયા બંધ હતો. વિપ્રો પણ 6.58 ટકા સુધરી 300 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનાં ત્રીજા ત્રિમાસિકનાં પરિણામો પછીના શુક્રવારે સાંજે મુકાયેલ અર્નિંગ કૉલ્સ અને વિડિયોના અભ્યાસ પછી સોમવારે આ લેવાલી નીકળી હતી. કંપનીના રેવન્યુ અને પ્રૉફિટ બજારની ધારણા કરતાં સારાં હતાં. સોમવારે નિફ્ટી બૅન્ક શુક્રવારના 48,540ના બંધ સામે 48,834 ખૂલી શરૂઆતમાં જ ઘટીને 48,683 સુધી ગયા પછી વધીને 49,650નો હાઈ નોંધાવી છેવટે 810 પૉઇન્ટ્સ, 1.67 ટકા વધી 49,350 બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટીના ટૉપ 5 ગેઇનર્સમાં કોટક મહિન્દ્ર બૅન્ક ઉપરાંત કૅનેરા બૅન્ક 3.14 ટકા વધી 100.95 રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા 1.88 ટકા સુધરી 778.5 રૂપિયા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક 1.84 ટકાના ગેઇને 63.71 રૂપિયા અને બૅન્ક ઑફ બરોડા 1.59 ટકા પ્લસ રહી 231 રૂપિયાનો સમાવેશ થતો હતો. હેવીવેઇટ એચડીએફસી બૅન્ક એકાદ ટકો સુધરી 1652 રૂપિયા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધો ટકો વધી 1232 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. સામે ઘટવામાં ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક અને ઍક્સિસ બૅન્કનો ઘટાડો પા ટકાનો હોવા છતાં બન્ને શૅર 52 સપ્તાહના લો ભાવથી માત્ર બે ટકાના અંતરે આવી અનુક્રમે 970 અને 988 રૂપિયા બંધ રહ્યા હતા. આ ઇન્ડેક્સના 12માંથી 10 શૅરો સુધર્યા હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 22,608ના પુરોગામી બંધ સામે 22,697 ખૂલી 23,025 અને 22,638 વચ્ચે રમી છેલ્લે 318 પૉઇન્ટ્સ, 1.41 ટકા વધી 22,926ના સ્તરે બંધ હતો. આ ઇન્ડેક્સને સુધારવામાં કોટક બૅન્ક ઉપરાંત બજાજ ફાઇનૅન્સ અને બજાજ ફિનસર્વ બન્નેના સાડાત્રણ ટકાના સુધારાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બજાજ ફાઇનૅન્સ 7427 રૂપિયા અને બજાજ ફિનસર્વ 1737 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. બજાજ ફાઇનૅન્સે ભારતી ઍરટેલ સાથે ભાગીદારીમાં નવું ડિજિટલ ફાઇનૅન્શ્યલ પ્લૅટફૉર્મ ઊભું કરવાની જાહેરાત કરી એની સારી અસર થઈ હતી. એસબીઆઇ કાર્ડ પણ અઢી ટકા વધી 760 રૂપિયા થઈ ગયો હતો. ઘટવામાં એસબીઆઇ લાઇફ પોણાત્રણ ટકા તૂટી 1497 રૂપિયા અને શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા ઘટી 516 રૂપિયા બોલાતા હતા. એસબીઆઇ લાઇફે 2025 માટેના તેના એન્યુઅલાઇઝ્ડ પ્રીમિયમ સમકક્ષ વિકાસના અંદાજો ઘટાડીને 11 ટકા કર્યાની શૅરના ભાવ પર અસર જોવા મળતી હતી. આ ઇન્ડેક્સના 20માંથી 11 શૅરો વધ્યા હતા. નિફ્ટી ફિફ્ટી 23,203ના પુરોગામી બંધ સામે 23,290 ખૂલી ઘટીને 23,170 અને વધીને 23,391 થયા બાદ 141 પૉઇન્ટ્સ, 0.61 ટકા સુધરી 23,344 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના 29 શૅરો વધ્યા અને 21 શૅરો ઘટ્યા હતા. નિફ્ટીને સુધારવામાં કોટક બૅન્કના ૯ ટકાના ઉછાળા ઉપરાંત વિપ્રોનો 6.58 ટકાનો સુધારો પણ મહત્ત્વનો હતો. વિપ્રો 300.5 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. ઉપરાંત બજાજ ફાઇનૅન્સ અને બજાજ ફિનસર્વ પણ નિફ્ટીના ટૉપ ફાઇવ ગેઇનર્સમાં હતા. પાંચમા સ્થાને એનટીપીસી પોણાત્રણ ટકા વધી 335 રૂપિયાના બંધ સાથે હતો. એનટીપીસીએ ગુજરાતમાં 25 મેગાવૉટની સોલર વીજક્ષમતા કાર્યાન્વિત કરી હતી. ઘટવામાં એસબીઆઇ લાઇફ અને શ્રીરામ ફાઇનૅન્સ ઉપરાંત ટ્રેન્ટ સવાબે ટકા ઘટી 6079 રૂપિયા, એચડીએફસી લાઇફ 1.34 ટકા ઘટી 633 રૂપિયા અને અદાણી પોર્ટ્સ 1.29 ટકાના લોસે 1148 રૂપિયાના લેવલે બંધ હતા. આ શૅરનું જેફરીઝે પ્રાઇસ ટાર્ગેટ 22 ટકા ઘટાડી 1440 રૂપિયા કર્યાની અસર જોવા મળતી હતી. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 12,249વાળો 12,367ના ઓપનિંગ પછી 12,390-12,169ની રેન્જમાં રમી 106 પૉઇન્ટ્સ, 0.87 ટકાના ગેઇને 12,356 રહ્યો હતો. આ ઇન્ડેક્સના 25માંથી 20 શૅરો વધ્યા હતા. ટૉપ ગેઇનર્સમાં 9.22 ટકા સાથે આઇડિયા 9.95 રૂપિયાના સ્તરે બંધ હતો. વોડાફોન આઇડિયાને ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)માં અમુક રકમ જતી કરી રાહત અપાશે એવી અપેક્ષાએ ભાવ વધે છે. જોકે કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે એને 1 લાખ કરોડ રૂપિયાના એજીઆર ડ્યુ વેવ કરવાની જાણ કરતું કોઈ જ કમ્યુનિકેશન સરકાર તરફથી મળ્યું નથી. ઇન્ડ્સ ટાવર 3.12 ટકાના સુધારાએ 374 રૂપિયા અને ટેક શૅર પર્સિસ્ટન્ટ 1.91 ટકા વધી 6075 રૂપિયા બંધ હતા. જોકે મિડકૅપ સિલેક્ટના વૉલ્ટાસ ત્રણ ટકાના ફોલે 1548 રૂપિયા અને ઇન્ડિયન હોટેલ્સ પોણાત્રણ ટકાના નુકસાને 792 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ માત્ર 0.08 ટકા સુધરી 65,106 બંધ આવ્યો એના 50માંથી 27 શૅરો વધ્યા હતા. સુધરવામાં કૅનેરા બૅન્ક ઉપરાંત મેક્રોટેક ડેવલપર્સ (લોઢા) 3 ટકાના ગેઇને 1211 રૂપિયા, યુનિયન બૅન્ક 2.40 ટકા સુધરી 111 રૂપિયા, યુનાઇટેડ સ્પીરિટ્સ 2.31 ટકાના વધારાએ 1460 રૂપિયા અને આઇઓસી બે ટકા અપ રહી 130 રૂપિયા બંધ હતા. ઘટવામાં ઝોમાટો ત્રિમાસિક પરિણામો પછી સવાસાત ટકાના ગાબડાએ 230 રૂપિયા, ગોદરેજ કન્ઝ્યુમર 2.34 ટકા ઘટી 1160 રૂપિયા, અદાણી પાવર દોઢ ટકો ઘટી 542 રૂપિયા બંધ હતા. ઝોમાટોનો નફો અડધો થયો હતો અને એની બ્લીન્કઇટ ખોટમાં જ રહી હોવાનો વસવસો હતો.
ઑબેરૉય રિયલ્ટીનો નફો 73 ટકા વધ્યો, બજાર આજે માન આપી શકે
ADVERTISEMENT
યુનાઇટેડ બ્રુઅરીઝે તેલંગણમાં બિયરની સપ્લાય ફરીથી શરૂ કરી હોવાના અહેવાલે શૅર 5.60 ટકા વધી 2060 રૂપિયા બંધ હતો.
આરબીએલ બૅન્કે 14 ત્રિમાસિકમાં પહેલી વાર કરવેરા પૂર્વે નફાના બદલે ખોટ દેખાડી હતી. શૅરનો ભાવ જોકે પોણાબે ટકા સુધરી 157 રૂપિયા બંધ રહ્યો હતો.
સારાં ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક સવાત્રણ ટકા વધી 52.27 રૂપિયા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા ત્રણ ટકાના ગેઇને 54.29 રૂપિયા, કરૂર વૈશ્ય બૅન્ક 3.41 ટકા સુધરી 225 રૂપિયા બંધ હતા.
એમઆરપીએલે પણ સારાં રિઝલ્ટ જાહેર કર્યાં એના પ્રતિસાદમાં ભાવ 2.42 ટકા વધી 143.50 રૂપિયા બંધ હતો.
ઑબેરૉય રિયલ્ટીનો નેટ પ્રૉફિટ ગત વર્ષના ત્રીજા ત્રિમાસિકની સરખામણીએ આ ડિસેમ્બર ક્વૉર્ટરમાં 73 ટકા વધી 618.4 કરોડ રૂપિયા અને આવક 34 ટકા વધી 1411 કરોડ રૂપિયા થઈ હતી. ઇન્ટરેસ્ટ, ડેપ્રીશીએશન, ટૅક્સ અને અમોર્ટાઇઝેશન પૂર્વેનું એબીડ્ટા માર્જિન પણ 48.4 ટકાથી સુધરી 60.7 ટકા થયું હતું. કંપનીના સંચાલકોએ નાણાકીય વર્ષ 2024-25 માટેનું ત્રીજું ઇન્ટરિમ ડિવિડન્ડ 10ની ફેસ વૅલ્યુના શૅરદીઠ 2 રૂપિયા જાહેર કર્યું છે અને એની ચુકવણી 10મી ફેબ્રુઆરીથી થશે. પરિણામની જાહેરાત બજાર બંધ થયા પછી થઈ હતી એથી પ્રૉપર રિસ્પૉન્સ આજે મંગળવારના ટ્રેડિંગમાં જોવા મળવાની સંભાવના છે. સોમવારે શૅર 0.66 ટકા વધી 2002 રૂપિયા બંધ હતો.
ડિક્સોન ટેક્નૉલૉજીના ક્યુથ્રી રિઝલ્ટમાં ટૉપ લાઇન તેમ જ નેટ પ્રૉફિટ બમણાથી પણ વધુ વધ્યાં હોવા છતાં બજારની અપેક્ષા કરતાં એ ઓછાં હતાં. શૅરનો ભાવ 17,520 રૂપિયા બંધ હતો. પરિણામોની ઘોષણા સાંજે સાડાચારે થઈ હતી.
એપીએલ અપોલો ટ્યુબે બજાર બંધ થયા પછી જાહેર કરેલાં ક્યુથ્રી રિઝલ્ટમાં નેટ પ્રૉફિટમાં 31 અને રેવન્યુમાં 30 ટકાનો વધારો દર્શાવ્યો હતો. શૅર 1.39 ટકા વધી 1592 રૂપિયા બંધ હતો.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં વધારો
0.59 ટકા સુધરી 77,073.44 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 17 શૅરો અને 2.03 ટકા વધી 56,036.23 બંધ આપનાર બૅન્કેક્સના 10માંથી 8 શૅરો વધ્યા હતા. એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને 428.78 (425.54) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 431.60 (428.40) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2949 ટ્રેડેડ શૅરોમાંથી 1809 તથા બીએસઈના 4228 ટ્રેડેડ શૅરોમાંથી 2503 વધીને બંધ થયા હતા. એનએસઈ ખાતે 35 અને બીએસઈમાં 115 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 53 અને 75 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 163 શૅરો ઉપલી સર્કિટે અને 80 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
FIIની નેટ વેચવાલી
ગુરુવારે FIIની 4336 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 4322 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 14 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી.