Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટની ગાડી ધીમી પડી છે કંઈ ન સૂઝે તો હોમવર્ક કરો

માર્કેટની ગાડી ધીમી પડી છે કંઈ ન સૂઝે તો હોમવર્ક કરો

26 August, 2024 08:10 AM IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજાર ધીમી ગતિએ પણ સતત વધતું રહ્યું છે : ગ્લોબલ પરિબળો અચાનક કરેક્શનના આઘાત આપશે એવો ભય રહ્યા કરે છે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજાર ધીમી ગતિએ પણ સતત વધતું રહ્યું છે. ગ્લોબલ પરિબળો અચાનક કરેક્શનના આઘાત આપશે એવો ભય રહ્યા કરે છે. એમ છતાં કરેક્શનની રાહ જોઈને બેઠા રહેવા કરતાં સિલે​ક્ટિવ બની લાર્જકૅપ સ્ટૉક્સ જમા કરવામાં સાર ગણવો. જોકે એ પછી પણ કંઈ ન સૂઝે તો હાલ ઇકૉનૉમી-માર્કેટની ચાલ, પરિબળોનો અભ્યાસ કરતા રહેવું


શૅરબજારમાં હાલ ટ્રેન્ડ તેજીની દિશામાં છે, પરંતુ સેન્ટિમેન્ટ કન્ફ્યુઝ‍્ડ અવસ્થામાં છે. પ્રવાહિતા સારા પ્રમાણમાં છે એમ છતાં બજાર પાસે કોઈ નક્કર ટ્રિગર નથી. દેશમાં વિવિધ મોરચે સમસ્યાઓ પ્રવર્તી રહી છે. ખાસ કરીને સામાજિક મોરચે અશાંતિનો અને રાજકીય મોરચે તનાવનો માહોલ છે. આ બધા વચ્ચે અર્થતંત્ર અને માર્કેટ પોતાની ગતિવિધિ સાથે કામ કરી રહ્યાં છે. જોકે આ માહોલમાં રોકાણકારોને પોતાને હવે તેજીની ગાડી બહુ ઝડપથી દોડે એવું લાગતું નથી, પરિણામે આ સમયમાં હવે શું કરવું એવા સવાલો લઈને બેઠા છે.



હવે સવાલો છે : ઍવરેજ કરવું? ઘટાડે ખરીદી કરવી? બજારથી સાવ દૂર થઈ વેઇટ ઍન્ડ વૉચ કરવું? જેમાં લૉસ છે અને ભાવ રિકવર થતા નથી એમાં લૉસ બુક કરી લેવી? હવે ક્યાં સુધી આમ ચાલશે?


બજારમાં ગમે ત્યારે કડાકા આવી શકે, ગમે ત્યારે બજાર ઉછાળા પણ મારી દે છે. દરેક રોકાણકારની માનસિકતા જુદા-જુદા મિજાજમાં રહે છે. જોકે બજાર ધીમે-ધીમે પણ સુધારા સાથે આગળ વધી રહ્યું છે. બીજી બાજુ આ સમયમાં ગ્લોબલ સ્તરે કેટલીક અનિશ્ચિતતા પણ ખડેપગે જ છે. તો હવે કરવું શું?

સ્ટૉક્સના સ્ટડીમાં શું ધ્યાન રાખવું?


પહેલાં તો વર્તમાન સંજોગોનાં કારણો સમજવાં જોઈએ. આ સલાહ કે સૂચન માત્ર ઇન્વેસ્ટર્સ વર્ગ માટે છે, ટ્રેડર્સ માટે નથી એ યાદ રાખીને વાંચજો-સમજજો. કારણો જેટલાં પણ સમજાય, સમજવાની કોશિશ કરો. આ સમય હોમવર્કનો છે એમ ગણીને ચાલવું. આ હોમવર્કમાં વિવિધ મજબૂત કંપનીઓની કામગીરી અને એના સ્ટૉક્સની વધઘટનો અભ્યાસ કરો. આ સ્ટૉક્સ છેલ્લા બાર મહિનામાં; બે, ત્રણ અને પાંચ વર્ષમાં કેટલા વધ્યા કે ઘટ્યા એ જોઈ જાઓ. આ વર્ષોમાં કેવી-કેવી ઘટનાઓ પસાર થઈ એ પણ જાણી લેવું. આમાંથી તમને રાઇટ સ્ટૉક્સ મળશે જેણે તમામ વધઘટ અને કારણોની ઊથલપાથલ વચ્ચે પોતાની ઊંચાઈ તરફની ગતિ ચાલુ રાખી છે, વિકાસ માટે નવાં કદમ ભર્યાં છે. આવા સ્ટૉક્સને ખરીદતા રહી જમા કરો પણ એકસાથે ન ખરીદો, થોડા-થોડા જમા કરો. સ્થાનિક ઇકૉનૉમી અને સેક્ટર્સ પર વધુ ફોકસ કરો, જેને ગ્લોબલ પરિબળોની અસર ન કે નહીંવત થવાની હોય. યાદ રહે, અપવાદરૂપ કે ગંભીર સમસ્યા સિવાય બજાર તૂટે એવા સંજોગો હાલ તો નથી, અન્ય કારણસર તૂટશે તો રિકવર થતાં બહુ વાર નહીં લાગે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ કૅશ લઈને બેઠાં

છે, જેઓ યોગ્ય સમયે માર્કેટમાં રોકાણ કરશે. અલબત્ત, સ્મૉલ અને મિડકૅપ તેમ જ સ્મૉલ ઍન્ડ મીડિયમ કંપનીઓ (SME)માં સિલે​ક્ટિવ બની સતર્ક રહેવું જોઈશે. 

અમેરિકા ફેડના પૉઝિટિવ સંકેત

શૅરબજાર માટે પૉઝિટિવ સમાચાર એ છે કે અમેરિકા ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં રેટ-કટ આવવાની શક્યતા દર્શાવાઈ છે. અમેરિકામાં ફુગાવાનો દર મંદ પડતાં આ પગલું આવી શકે છે. ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલના નિવેદન મુજબ મોંઘવારી દર નીચે આવવાના વિશ્વાસ સાથે ફેડ આ વર્ષે એકથી વધુ વાર પણ રેટ-કટ લાવી શકે છે. અમેરિકા એનો ઇન્ફ્લેશન રેટ બે ટકા પર લાવવાનો ટાર્ગેટ હાં​સલ કરવા માગે છે. આની અસરરૂપે પણ ભારતીય શૅરબજારમાં સુધારાનો દોર ચાલુ રહ્યો હોવાનું ગણાય છે. 

બજારના એકંદર મૂડનો સંકેત

ગયા સોમવારે બજાર વધઘટ કરતું સાધાણ માઇનસ બંધ રહ્યું, જોકે સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સમાં સુધારો નોંધાયો હતો. મંગળવારે માર્કેટનો સુધારો આગળ વધ્યો અને ઇન્ડેક્સ લેવલ વધુ ઊંચું ગયું હતું. સેન્સેક્સ ૮૧ હજાર તરફ પુનઃ યાત્રા કરવા લાગ્યો હતો. બુધવારે બજાર ૧૦૦ અને ૮૦ પૉઇન્ટ જેવા થોડા સાધારણ સુધારા સાથે આગળ વધ્યું હતું, નોંધનીય એ ગણવું પડે કે બજાર તૂટતું કે ઘટતું નથી. ગુરુવારે બજારનો સુધારો આગળ વધતાં સેન્સેક્સ શરૂમાં જ ૮૧ હજારને પાર કરી ઉપર જ બંધ રહ્યો હતો. BSEમાં માર્કેટકૅપ પ્રથમ વાર ૪૬૦ લાખ કરોડ રૂપિયાને પાર કરી વિક્રમી રહ્યું હતું. શુક્રવારે શરૂઆત ઠંડી રહી, પરંતુ બજાર સાધારણ સુધારા સાથે જ બંધ રહ્યું.

આમ નિફ્ટીની નવી ઊંચી સપાટી જળવાઈ રહી અને સેન્સેક્સ ૮૧,૦૦૦ ઉપર જળવાઈ રહ્યો. આમ સપ્તાહની ચાલ બજારના એકંદર મૂડનો સંકેત આપે છે.

હેવી કરેક્શનની રાહ જોવામાં સાર નથી : રામદેવ અગ્રવાલ

જો હાલ રોકાણકાર વર્ગ હેવી કરેક્શનની રાહ જોતો હોય તો એ ભૂલ કરી રહ્યો છે, આવું વિધાન અગ્રણી બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસવાલ ફાઇનૅ​ન્શિયલ સર્વિસિસના ચૅરમૅન રામદેવ અગ્રવાલે કર્યું છે. તેમના મતે માર્કેટને અત્યારે બે મુખ્ય પરિબળો જોર આપી રહ્યાં છે, એક રાજકીય સ્થિરતા અને બીજું મજબૂત ઇકૉનૉમી. વધુમાં માર્કેટમાં પ્રથમ વાર આટલી ઊંચી રીટેલ રોકાણકારોની સક્રિયતા-સહભાગિતા જોવા મળી રહી છે. માર્કેટ માટે પોતે આશાવાદી હોવાનું જણાવતાં રામદેવ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી પાંચથી દસ વર્ષ તેજીનાં રહેવાની ધારણા રાખે છે તેમ જ ૧૫ ટકાના કમ્પાઉન્ડિંગ રિટર્નની વાજબી અપેક્ષાની ગણતરીએ નિફ્ટી હાલના ચોવીસ હજારથી પાંચ વર્ષમાં ડબલ થઈને ૪૮,૦૦૦ થવાની આશા રાખે છે. માર્કેટમાં લોકો હેવી કરેક્શનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કે એમ થવાની સંભાવના મર્યાદિત છે. કરેક્શન આવશે તો પણ સીમિત હશે અને ત્યારે પણ નોંધપાત્ર ફન્ડ ખરીદી માટે સજ્જ હશે એટલે માર્કેટ ઊંચે જવાની શક્યતા ઘણી મોટી છે અને નીચે જવાની શક્યતા ઘણી ઓછી છે. 

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

બિરલા ગ્રુપની હિન્દાલ્કોએ ૧૦ અબજ ડૉલરનો વિસ્તરણ પ્લાન તૈયાર કર્યો છે.  
રિઝર્વ બૅન્કના સંકેત અનુસાર સારા ચોમાસાને કારણે ફૂડ-ઇન્ફ્લેશન આ વખતે નીચે આવવાની આશા છે જેની અસર રીટેલ મોંઘવારી દર પર પડશે.   
અદાણી ગ્રુપ અદાણી પાવર અને અંબુજા સિમેન્ટ્સમાંથી પાંચ ટકા સુધીનો હિસ્સો વેચવાનું વિચારી રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફન્ડ્સ કન્ઝમ્પ્શન ગ્રોથ સ્ટોરી માટે બુલિશ બનીને આ સ્ટૉક્સ જમા કરી રહ્યાં છે. 

વિશેષ ટિપ

વૉરન બફેટ જેને પોતાના ગુરુ માનતા એ બેન્જામિન ગ્રેહામનું નિવેદન કહે છે કે ઇન્વેસ્ટરનો સૌથી મોટો મિત્ર અને શત્રુ ઇન્વેસ્ટર પોતે જ હોય છે, ઇન્વેસ્ટમેન્ટનું વલણ કે વર્તન કેવું રહે છે એના કરતાં મહત્ત્વનું એ છે કે ઇન્વેસ્ટરનું પોતાનું વલણ અને વર્તન એના તરફ કેવું રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 08:10 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK