Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > દિવસ દરમ્યાન ૧૧૦૦ પૉઇન્ટની બેતરફી વધ-ઘટ દાખવી બજાર નજીવા સુધારે બંધ : આઇટી ડાઉન, ઑટો અપ

દિવસ દરમ્યાન ૧૧૦૦ પૉઇન્ટની બેતરફી વધ-ઘટ દાખવી બજાર નજીવા સુધારે બંધ : આઇટી ડાઉન, ઑટો અપ

14 December, 2023 07:40 AM IST | Mumbai
Anil Patel

આર્જેન્ટિનાની કરન્સીનું ૫૦ ટકા અવમૂલ્યન કરાયું, શૅરબજાર લગભગ સવાદસ લાખ પૉઇન્ટની વિક્રમી સપાટીએ : પાકિસ્તાની માર્કેટ ૬૭,૦૦૦ની ઑલટાઇમ હાઈ બતાવી પીછેહઠમાં :ટીસીએસ અને ઇન્ફોસિસ બન્ને બજારમાં ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૫૫ પૉઇન્ટ નડ્યા

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


આર્જેન્ટિનાના શૅરબજારનો માર્વેલ ઇન્ડેક્સ મંગળવારની મોડી રાત્રે ૧૦,૨૦,૨૨૧ પૉઇન્ટની, બોલે તો લગભગ સવાદસ લાખ પૉઇન્ટની સર્વોચ્ચ સપાટી બનાવી ૩૩,૧૯૯ પૉઇન્ટ કે સાડાત્રણેક ટકાના ઉછાળે ૧૦,૧૦,૦૨૨ પૉઇન્ટના શિખરે બંધ રહ્યો છે. વર્ષ પૂર્વે ૨૦૨૨ની ૧૧ ડિસેમ્બરે ત્યાંનું બજાર ૧,૬૨,૭૩૬ હતું. મતલબ કે વર્ષમાં ૬૨૭ ટકા કે ૮,૫૭,૪૮૫ પૉઇન્ટની તેજી થઈ. જેનું શૅરબજાર આવી જોરદાર તેજીમાં હોય એ દેશની ઇકૉનૉમી કેવી ધમધમતી હશે નહીં? તદ્દન ખોટું... અર્થતંત્ર સાવ ખાડે ગયું છે. નવી સરકારે દેશને બરબાદીમાંથી બચાવવા યુદ્ધના ધોરણે નવાં આર્થિક પગલાં જાહેર કર્યાં છે. એની કરન્સી પિસોનું ૫૦ ટકા અવમૂલ્યન કરી દેવાયું છે. હવે ત્યાં એક ડૉલરનો સત્તા વાર ભાવ ૮૦૦ પિસો થઈ ગયો છે. ત્યાં ફુગાવો દોઢસો ટકાનો છે. ૪૦ ટકા વસતી ભારે ગરીબીમાં છે. વ્યાજદર ૧૩૩ ટકાએ છે. બાય ધ વે, પાકિસ્તાની શૅરબજાર બુધવારે ૬૭,૦૯૪ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી રનિંગમાં ૧.૭ ટકા કે ૧૧૧૭ પૉઇન્ટ ખરડાઈ ૬૫,૩૦૯ દેખાયું છે. આમ છતાં, ત્યાંનું બજાર આ લેવલે પણ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ની ૩૮,૧૩૫ની વર્ષની બૉટમના મુકાબલે હાલ ૭૧ ટકાની તેજી બતાવે છે અને પાકિસ્તાનની આર્થિક સદ્ધરતા કેવી છે એ સૌ જાણે છે. કહાની કા સબક? શૅરબજાર તેજીમાં હોય એટલે ઇકૉનૉમી પણ ધમધમી રહી છે એવો ભ્રમ રાખવો નહીં. 


ઍની વે, સેન્સેક્સ બુધવારે ૯૭ પૉઇન્ટ જેવો પ્લસમાં ૬૯,૬૪૮ ખૂલી છેવટે ૩૩ પૉઇન્ટના નહીંવત સુધારે ૬૯,૫૮૪ તથા નિફ્ટી ૨૦ પૉઇન્ટ વધી ૨૦,૯૨૬ બંધ થયો છે. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ પ્રમાણમાં મોટી હતી. સેન્સેક્સ નીચામાં ૬૯,૧૦૦ અને ઉપરમાં ૬૯,૬૫૮ થયો હતો. દિવસ દરમ્યાન ૧૧૦૦ પૉઇન્ટ જેવી બેતરફી વધ-ઘટ જોવાઈ છે. બજારના બહુમતી સેક્ટોરલ પ્લસમાં હતા. પાવર યુટિલિટીઝ ઇન્ડેક્સ સવા ટકાની આસપાસ, ઑટો અને હેલ્થકૅર બેન્ચમાર્ક એક ટકો, એફએમસીજી તથા રિયલ્ટી ઇન્ડેક્સ પોણા ટકા જેવા અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂત હતો. સામે આઇટી સવા ટકો, ટેક્નૉલૉજીસ એક ટકો ડાઉન હતા. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૧૧૭૮ શૅર વધ્યા હતા, સામે ૯૪૧ જાતો નરમ હતી. 
એશિયા ખાતે ચાઇના અને થાઇલૅન્ડ સવા ટકા નજીક, સાઉથ કોરિયા એક ટકો, હૉન્ગકૉન્ગ ૦.૯ ટકા તો ઇન્ડોનેશિયા પોણો ટકો કટ થયું છે. સામે જપાન, સિંગાપોર તથા તાઇવાન નહીંવતથી સાધારણ સુધારામાં બંધ હતા. યુરોપ રનિંગમાં મામૂલી સુધારો દર્શાવતું હતું. ઘરઆંગણે રોકડામાં મશીનો પ્લાસ્ટિક્સ, સીજે ફાઇ., હોવ સર્વિસિસ, શુભમ પોલિસ્પિન, પેસ ઈ-કૉમર્સ, પ્રોટીન ઈ-ગવર્નન્સ, શ્રૃષ્ટિ ઇન્ફ્રા, સાઇબર મીડિયા, તિરુપતિ ટાયર્સ, ઝુઆરી ઇન્ડ, એમ્ફોર્જ, ગંગા ફાર્મા જેવી જાતો ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતી. 



અદાણી ટોટલ અને અદાણી એનર્જી તગડા કડાકામાં ‘એ’ ગ્રુપમાં લૂઝર 
બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર વધ્યા છે. એનટીપીસી ૨૯૫ના નવા શિખરે જઈ ૩.૭ ટકાના જમ્પમાં ૨૯૪ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. પાવર ગ્રિડ ૨૩૮ નજીકની ટોચે જઈ સવાબે ટકા વધી ૨૩૭ અને બજાજ ઑટો ૬૩૨૯ની ટૉપ બનાવી એક ટકો વધી ૬૩૧૬ બંધ હતા. અન્યમાં મહિન્દ્ર બે ટકા, લાર્સન ૧.૭ ટકા, સનફાર્મા સવા ટકો, સ્ટેટ બૅન્ક ૧.૨ ટકા, ટાઇટન એક ટકો, હીરો મોટોકૉર્પ ૩.૧ ટકા કે ૧૧૬ રૂપિયા, અદાણી પોર્ટ્સ બે ટકા, આઇશર બે ટકા, સિપ્લા દોઢ ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો મજબૂત હતા. રિલાયન્સ સામાન્ય સુધારામાં ૨૪૩૩ હતો. ટીસીએસ અઢી ટકા તથા ઇન્ફી પોણાબે ટકાથી વધુ બંધ રહીને બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની સેન્સેક્સને ૧૫૫ પૉઇન્ટ નડ્યા છે. ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા, બજાજ ફીનસર્વ સવા ટકો, બજાજ ફાઇ. પોણા ટકાથી વધુ, એચડીએફસી લાઇફ સવા ટકો, એસબીઆઇ લાઇફ એક ટકો ડાઉન હતા. અલ્ટ્રાટેક પાંચ આંકડે ૧૦,૦૪૦ની ઑલટાઇમ હાઈ બતાવી પ્રૉફિટ બુર્કિંગમાં સવા ટકો કે ૧૨૪ના ઘટાડામાં ૯૭૪૦ બંધ રહ્યો છે. અદાણી પોર્ટ્સ ઉપરાંત અદાણી એન્ટર અડધા ટકાથી વધુ, અંબુજા સિમેન્ટ્સ ૧.૪ ટકા, એસીસી અને સાંધી ઇન્ડ. નહીંવત સુધર્યા છે. ગ્રુપના બાકીના ૭ શૅર સારા એવા ખરડાયા હતા. અદાણી ટોટલ ૧૦૯ રૂપિયા કે પોણાદસ ટકાથી વધુ અને અદાણી એનર્જી સૉલ્યુ. ૫.૪ ટકા તૂટીને ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યા છે. એનડીટીવી સવાબે ટકા, અદાણી વિલ્મર બે ટકાથી વધુ, અદાણી ગ્રીન અઢી ટકા, અદાણી પાવર બે ટકાથી વધુ ગગડ્યા છે. 


બૅન્ક ઑફ બરોડા નવા બેસ્ટ લેવલે, પેટીએમ આઠ માસના તળિયે ગયો 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારા વચ્ચે પાંચ પૉઇન્ટ જેવો નજીવો ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅર પ્લસમાં આપી પોણો ટકો અપ હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૯માંથી ૧૯ શૅર સુધર્યા હતા. કર્ણાટકા બૅન્ક પોણાત્રણ ગણા કામકાજે ૫.૮ ટકાની તેજીમાં ૨૪૪ નજીક ગયો છે. જેકે બૅન્ક તાજેતરના ઉછાળા બાદ ૨.૨ ટકાની પીછેહઠમાં ૧૩૧ હતો. ફન્ડ રેઇઝિંગની યોજના પાછળ બૅન્ક ઑફ બરોડા ૨૨૩ નજીકના શિખરે જઈ સવાબે ટકા વધીને ૨૨૧ રહી છે. કૅનેરા બૅન્ક એક ટકો તથા સ્ટેટ બૅન્ક સવા ટકો વધી છે. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૩.૨ ટકા ઊંચકાઈ ૧૬૩ હતી. ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકાની નરમાઈમાં ૧૧૧૫ હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી તથા કોટક બૅન્ક નજીવી વધઘટે બંધ હતા. ઇક્સિટાસ બૅન્ક ૧૦૮ની નવી ટોચે જઈ સાધારણ ઘટાડે ૧૦૩ રહી છે. બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૨ ટકા ગગડી છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૮૨ શૅરના સુધારે ૧૬ પૉઇન્ટ જેવો મામૂલી વધ્યો છે. પેટીએમ દોઢા કામકાજે ૫૯૩ની અંદર આઠ મહિનાના તળિયે જઈ અઢી ટકા ગગડી ૬૦૧ બંધ આવ્યો છે. અદાણી સાથે સંબંધ ધરાવતી મોનાર્ક નેટવર્થ પાંચ ટકા ગગડી ૪૪૨ હતી. હોમફર્સ્ટ ફાઇનૅન્સ પોણાચારેક ટકા ખરડાઈ ૯૮૫ થઈ છે. પીટીસી ઇન્ડિયા ફાઇ. સર્વિસિસ ૧૬ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૧.૫૨ના શિખરે ગઈ છે. ૨૯ માર્ચના રોજ અહીં ૧૨ રૂપિયાનું તળિયું બન્યું હતું. ટૂરિઝમ ફાઇ. કૉર્પો. પણ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૩ની ટોચે બંધ હતી. વૉલ્યુમ ૧૨ ગણું હતું. આરઈસી લિમિટેડ ૯.૨ ટકાની છલાંગમાં ૪૪૬ નજીક, પાવર ફાઇનૅન્સ સાડાઆઠ ટકા ઊછળી ૪૨૩ નજીક, ૩૬૦ નવમાન સવાપાંચ ટકા ઊંચકાઈ ૬૭૯ નજીક, એડલવાઇસ ૪.૧ ટકાના જમ્પમાં ૮૧ નજીક નવી ઊંચી સપાટીએ બંધ હતા. 


તાન્લા ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં, જીએમઆર ઍરપોર્ટ નવા શિખરે 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૨ શૅરની નરમાઈમાં ૩૮૨ પૉઇન્ટ કે ૧.૧ ટકા લૉગઆઉટ થયો છે. ઇન્ફોસિસ નીચામાં ૧૪૩૨ થઈ પોણાબે ટકાની વધુ ખરાબીમાં ૧૪૪૯ બંધ આપી બજારને ૮૫ પૉઇન્ટ નડ્યો હતો. તો ટીસીએસે ૨.૧ ટકા ગગડી ૩૫૯૪ બંધ થતાં એમાં બીજા ૭૦ પૉઇન્ટનો ઉમેરો કર્યો હતો. ટેક મહિન્દ્ર ૫૬૨ થઈ પાંચ ટકા ગગડી ત્યાં જ બંધ હતો. સોનાટા સૉફ્ટવેર ૪.૨ ટકા, એક્સેલ્યા ૨.૯ ટકા, ટીવીએસ ઇલે. સવાબે ટકા ઘટ્યા છે. તાતા ઍલેક્સી અડધા ટકાની પીછેહઠમાં ૮૮૬૪ હતો. તાન્લા પ્લૅટફૉર્મ સ્ટ્રૉન્ગ મોમેન્ટમમાં ૪૨ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૧૦ વટાવી ૧૬૬ રૂપિયા કે ૧૮ ટકાના ઉછાળે ૧૦૯૧ થયો છે. વકરાંગી ૪.૬ ટકા, આર. સિસ્ટમ્સ સવાછ ટકા, કેપીઆઇટી ટેક્નૉ ૨.૯ ટકા, સુબેક્સ ૨.૯ ટકા પ્લસ હતા. આઇટીના ભારમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૧ ટકા કપાયો છે. સનટીવી દોઢ ટકો વધી ૬૮૩ હતો. ઝી એન્ટર પોણાબે ટકા ઘટ્યો છે. 
કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨૪માંથી ૧૩ શૅરના સુધારે ૬૫૪ પૉઇન્ટ કે સવા ટકા વધ્યો છે. લાર્સન ૧.૭ ટકા વધી ૩૪૦૦ બંધ થતાં આ ઇન્ડેક્સને ૪૧૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો. જીએમઆર ઍરપોર્ટ્સ ૭૮ની મલ્ટિયર ટૉપ બતાવી ૭.૨ ટકાના જમ્પમાં ૭૭ થયો છે. સિમેન્સ ૧.૭ ટકા વધીને ૩૯૨૩ હતો..  

ગ્રાફિસેડ્સનું નબળું લિસ્ટિંગ, ડોમ્સ અને ઇન્ડિયા શેલ્ટરનાં ભરણાં પ્રથમ દિવસે પાસ 
ગ્રાફિસેડ્સ લિમિટેડનો શૅરદીઠ ૧૧૧ની ઇશ્યુ પ્રાઇસવાળો એસએમઈ આઇપીઓ બુધવારે ૧૧૧ ઉપર ખૂલી ઉપરમાં ૧૧૨ થઈ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૬ નીચે જઈ ત્યાં જ બંધ થતાં અત્રે સાડાચાર ટકાની લિસ્ટિંગ લોસ મળી છે. અહીં ગ્રે માર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નહોતાં. અમદાવાદી એક્સેન્ટ માઇક્રોસેલનો શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસવાળો ૭૮૪૦ લાખના એસએમઈ ઇશ્યુ મંગળવારે કુલ ૩૬૨ ગણાથી વધુ છલકાઈ પૂરો થયો છે. એમાં પ્રીમિયમ ૧૯૫ જેવું છે. હાઈ પ્રોફાઇલ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૭૯૦ની અપર બેન્ડ સાથે ૮૫૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૦૦ કરોડનું ભરણું લઈ બુધવારે મૂડીબજારમાં આવી છે. પ્રથમ દિવસે રીટેલમાં ૨૦.૫ ગણા અને હાઈ નેટવર્થમાં ૮.૪ ગણા પ્રતિસાદના જોરે ભરણું ૬.૧ ગણું ભરાઈ જતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૫૦૫ થઈ ગયું છે. ક્યુઆઇબી પોર્શન છ ટકા ભરાયો છે. ગુરુગ્રામની ઇન્ડિયા શેલ્ટર ફાઇનૅન્સ કૉર્પોરેશનનો પાંચના શૅરદીઠ ૪૯૩ની અપર બેન્ડ સાથે ૪૦૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૦૦ કરોડનો ઇશ્યુ પણ પ્રથમ દિવસે ક્યુઆઇબીમાં ૩૮ ટકા, હાઈ નેટવર્થમાં ૪.૪ ગણો અને રીટેલમાં અઢી ગણો રિસ્પૉન્સ મેળવી કુલ ૨.૩ ગણો ભરાઈ ગયો છે. એના પગલે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૧૫૭ જેવું થયું છે. પવન જૈનવાળા આઇનોક્સ ગ્રુપની બરોડાની આઇનોક્સ ઇન્ડિયા બે રૂપિયાના શૅરદીઠ ૬૬૦ રૂપિયાની અપર બેન્ડ સાથે ૧૪૫૯ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ગુરુવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૨૬૨થી શરૂ થયા પછી રેટ વધતો રહી હાલમાં ૩૭૫ બોલાવા માંડ્યો છે. જયપુરની મોતીસન્સ જ્વેલર્સનો ૧૦ના શૅરદીઠ ૫૫ના ભાવનો ૧૫૧ કરોડ રૂપિયાનો તથા મુંબઈની મુથુટ માઇક્રોફીનનો ૧૦ના શૅરદીઠ ૨૯૧ની અપર બેન્ડ સાથે ૨૦૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૯૬૦ કરોડનો ઇશ્યુ ૧૮મીએ ખૂલશે. મોતીસન્સમાં હાલ ૮૦ રૂપિયા અને મુથુટ માઇક્રોફીનમાં ૧૩૦ રૂપિયાનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2023 07:40 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK