માર્કેટ કૅપ ૧.૪૧ લાખ કરોડના ઉમેરા સાથે ૩૦૮.૩૭ લાખ કરોડ નજીક ઑલટાઇમ હાઈ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
સ્મૉલ કૅપ તથા મિડ કૅપમાં નવી સર્વોચ્ચ સપાટી સાથે નોંધપાત્ર સુધારો : માર્કેટ કૅપ ૧.૪૧ લાખ કરોડના ઉમેરા સાથે ૩૦૮.૩૭ લાખ કરોડ નજીક ઑલટાઇમ હાઈ : ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો ૨૯૯ના લાઇફ ટાઇમ તળિયે ગયો, શૅરબજાર બેઅસર : મલાડ-ઈસ્ટની એફ્લેક્સનો ૩૫૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે જ પોણાસાત ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળીને ૬૭ રૂપિયા : ભેલને ૪૦૦૦ કરોડનો ઑર્ડર મળતાં શૅર સવાછ વર્ષની ટોચે જઈ ૧૦ ટકાની તેજીમાં બંધ : અદાણી એન્ટર નિફ્ટી ખાતે સતત ત્રીજા દિવસે વધેલા શૅરોમાં મોખરે, લિન્ડે ઇન્ડિયામાં ૫૦૫ રૂપિયાની વધુ તેજી : ક્રિસિલ તથા હુડકોમાં નવી ટૉપ, નૅશનલ ઑક્સિજનમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ
બેરિશ ટ્રેન્ડ વચ્ચે ટેક્નિકલ બાઉન્સબૅકમાં એશિયન બજારોનો મંગળવાર સારો ગયો છે. તમામ અગ્રણી બજારો સુધર્યાં છે. થાઇલૅન્ડ સવા ટકો, હૉન્ગકૉન્ગ તથા જપાન એક ટકા નજીક, ચાઇના ૦.૯ ટકા, ઇન્ડોનેશિયા પોણો ટકો તથા અન્યત્ર સાધારણ સુધારો હતો. પાકિસ્તાની રૂપિયો ડૉલરદીઠ ૨૯૯ની વરવી વિક્રમી સપાટીએ પહોંચી જવા છતાં ત્યાંનું શૅરબજાર રનિંગમાં નહીંવત પ્લસ દેખાયું છે. યુરોપ પણ રનિંગમાં અડધાથી સવા ટકાની આસપાસ પ્લસ હતું. સોમવારની મોડી રાત્રે નૅસ્ડૅક ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુની મજબૂતીમાં બંધ થતાં ટેક્નૉલૉજી સેક્ટરના શૅર સર્વત્ર વત્તે-ઓછે અંશે લાઇમલાઇટમાં રહ્યા છે.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૫૬ પૉઇન્ટ જેવો મામૂલી પ્લસમાં, ૬૫,૨૭૨ ખૂલી દિવસભર લથડાતી ચાલમાં ઉપરમાં ૬૫,૩૬૩ અને નીચામાં ૬૫,૧૬૫ થઈ અંતે ચાર પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૬૫,૨૨૦ બંધ થયો છે. નિફ્ટી ૩ પૉઇન્ટ વધી ૧૯,૩૯૬ હતો. મેઇન બેન્ચમાર્ક તેમ જ લાર્જ કૅપની અકળામણ વચ્ચે રોકડું સારું એવું સ્ટ્રૉન્ગ હતું. મિડ કૅપ ઇન્ડેક્સ ૩૦,૮૨૮ની સર્વોચ્ચ સપાટી બનાવી ૨૮૮ પૉઇન્ટ કે ૦.૯ ટકા વધી ૩૦,૮૧૬ તથા સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૩૫,૮૭૩ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૩૧૫ પૉઇન્ટ કે ૦.૯ ટકા વધી ૩૫,૮૫૦ બંધ આવ્યો છે. બ્રૉડર માર્કેટ ૦.૩ ટકા કે ૮૬ પૉઇન્ટ અપ હતું. બીએસઈ ખાતે લગભગ તમામ સેક્ટોરલ પૉઝિટિવ ઝોનમાં બંધ થયાં છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૨.૧ ટકા, યુટિલિટીઝ ૧.૬ ટકા, પાવર ૧.૪ ટકા, કૅપિટલ ગુડ્સ સવા ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭ ટકા, એફએમસીજી આંક પોણો ટકો વધ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૦.૯ ટકા પ્લસ હતો. નિફ્ટી મીડિયા અડધો ટકો સુધર્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો, નિફ્ટી ફાર્મા સાધારણ તો આઇટી અને બૅન્કિંગ નામપૂરતા નરમ હતા. રોકડું, બ્રૉડર માર્કેટ ખાસ્સી પૉઝિટિવ હતી. એનએસઈમાં ૧૩૦૯ શૅર પ્લસ તો ૭૨૯ જાતો ઘટી હતી.
વીર ગ્લોબલ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ૪.૨ ટકા વધી ૧૨૮ બંધ થયો છે. ફોક્સ બિઝનેસ સોલ્યુશન ૫ શૅરદીઠ ૪ બોનસમાં બુધવારે એક્સ બોનસ થવાનો છે. ભાવ ગઈ કાલે ૧૩ ટકા ઊછળી ૧૨૦ના શિખરે ગયો છે. ટીવીએસ ગ્રુપની ટીવીએસ સપ્લાય ચેઇનનો એકના શૅરદીઠ ૧૯૭ના ભાવનો મેઇન બોર્ડનો આઇપીઓ આજે, બુધવારે લિસ્ટેડ થશે. ગ્રે માર્કેટમાં ચાર રૂપિયા જેવું પ્રીમિયમ છે. કોન્કોર્ડ બાયોટેક ૧૦૨૨ની ટૉપ બનાવી ૩.૯ ટકા વધીને ૯૯૩ બંધ રહ્યો છે. શ્રીવારિ સ્પાઇસિસ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા વધીને ૧૧૭ ઉપરના શિખરે પહોંચી ગયો છે.
રિલાયન્સ સાવ નીરસ અને જિયો ફાઇ. સતત નીચલી સર્કિટમાં
ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૭ અને નિફ્ટીના ૫૧માંથી ૨૩ શૅર વધ્યા છે. જિયો ફાઇ. સર્વિસિસ બૅક-ટુ-બૅક પાંચ ટકાની મંદીની સર્કિટમાં બીએસઈ ખાતે ૨૩૯ તથા એનએસઈ ખાતે ૨૩૬ બંધ આપી ટૉપ લૂઝર બન્યો છે. રિલાયન્સ ૭૫ પૈસાના નામજોગ સુધારામાં ૨૫૧૯ હતો. ગ્રુપના અન્ય શૅરમાં નેટવર્ક-૧૮ સાડાછ ટકા નજીક, ટીવી-૧૮ દોઢ ટકો વધી ૪૭.૫૧ની વર્ષની ટોચે, ડેન નેટવર્ક અઢી ટકા, હૅથવે કેબલ પોણાબે ટકા, લોટસ ચૉકલેટ બે ટકા પ્લસ હતા. એનટીપીસી સવા ટકો, મહિન્દ્ર પોણો ટકો, વિપ્રો ૦.૭ ટકા વધ્યા છે. તાતા સ્ટીલ, લાર્સન, ઍક્સિસ બૅન્ક, મારુતિ સુઝુકી અને ભારતી ઍરટેલ અડધા ટકાની આસપાસ અપ હતા. નિફ્ટી ખાતે અદાણી એન્ટર સવાબે ટકાની આગેકૂચમાં ૨૬૯૮ બંધ આપી મોખરે હતો. એચડીએફસી લાઇફ પોણાબે ટકા, આઇટીસી ૧.૪ ટકા, હીરો મોટોકૉર્પ ૦.૯ ટકા, એસબીઆઇ લાઇફ ૦.૬ ટકા સુધર્યા હતા. સામે પક્ષે ભારત પેટ્રો દોઢ ટકો, સિપ્લા એક ટકો, બજાજ ફીનસર્વ અને આઇશર મોટર્સ ૦.૭ ટકા, ટીસીએસ અને સ્ટેટ બૅન્ક અડધો ટકો ડાઉન હતા.
અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીન અડધા ટકા નજીક, અદાણી વિલ્મર એક ટકો, અંબુજા સિમેન્ટ્સ ૦.૪ ટકા અને એનડીટીવી નહીંવત્ નરમ હતા. સામે અદાણી પાવર ૬.૯ ટકા, અદાણી ટ્રાન્સ ચાર ટકા, અદાણી ટોટલ ૧.૧ ટકા મજબૂત હતા. ગ્રુપના ૧૦માંથી ૬ શૅર વધ્યા છે. મોનાર્ક નેટવર્થ સવાબે ટકા બગડીને ૩૨૮ની અંદર ગઈ છે. જયકૉર્પ સતત ત્રીજા દિવસના સુધારામાં પોણો ટકો વધી ૨૩૫ ઉપર નવી ઐતિહાસિક ટોચે બંધ રહી છે.
પિરામિડ ટેક્નૉ પ્લાસ્ટ ૧૮.૩ ગણો ભરાઈને પૂરો થયો, પ્રીમિયમ ડાઉન
સરકારી કંપની ભેલ ૪૦૦૦ કરોડ રૂપિયાના ઑર્ડરના જોશમાં ૧૧૩ નજીક સવાછ વર્ષની ટોચે જઈ દસ ટકા પ્લસની તેજીમાં ૧૧૧ બંધ રહી છે. નવી મુંબઈના પનવેલ ખાતેની ઍરોફ્લેક્સ ઇન્ડ.નો બેના શૅરદીઠ ૧૦૮ની અપર બેન્ડમાં ૩૫૧ કરોડનો ઇશ્યુ મંગળવારે પ્રથમ દિવસે જ કુલ પોણાસાત ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં ૫૮વાળું પ્રીમિયમ વધીને ૬૭ થઈ ગયું છે. એની પેરન્ટ કંપની સેટ ઇન્ડસ્ટ્રીઝ એક ટકો ઘટીને ૧૩૯ બંધ થઈ છે, પણ ગ્રુપ કંપની સાહ પોલિમર્સ ૧૧૭ પ્લસના શિખરે જઈ એક ટકો વધીને ૧૧૫ ઉપર બંધ આવી છે. મુંબઈના મલાડ-ઈસ્ટની પિરામિડ ટેક્નૉ પ્લાસ્ટનો ૧૦ના શૅરદીઠ ૧૬૬ની અપર બેન્ડ સાથે ૧૫૩ કરોડનો ઇશ્યુ કુલ ૧૮.૩ ગણા પ્રતિસાદ સાથે પૂરો થતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૨-૨૩થી ગગડી હાલ ૧૬ રૂપિયે આવી ગયું છે.
રોકડામાં યુકેન ઇન્ડિયા ૨૮ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૧ રૂપિયાની તેજીમાં ૭૨૫ની ટોચે ગયો છે. નૅશનલ ઑક્સિજન એક વધુ ૨૦ ટકાની તેજીની સર્કિટ મારીને ૧૪૭ નજીક પહોંચ્યો છે. ગૅસ ઉત્પાદક અન્ય કંપની લિન્ડે ઇન્ડિયા ૫૮૯૯ની નવી ટૉપ બતાવી ૫૦૫ રૂપિયા કે સાડાનવ ટકાના જમ્પમાં ૫૭૬૩ થઈ છે. એક્સલરેટ બીએસ ઇન્ડિયા ૨૦ ટકાની એક વધુ ઉપલી સર્કિટમાં ૨૦૧ના બેસ્ટ લેવલે બંધ આવી છે. એવરેડી ઇન્ડ. ૧૬ ગણા કામકાજે ૪૨૪ની ટૉપ બનાવી ૧૧.૯ ટકાના ઉછાળે ૪૧૯ નજીકના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતી. આગલા દિવસના વિક્રમી જમ્પ બાદ તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક ગઈ કાલે ૪ ગણા વૉલ્યુમે સવાપાંચ ટકા ગગડી ૫૪૨ રહી છે. મહિન્દ્ર લાઇફ ૫૫૫ના બેસ્ટ લેવલ બાદ ૩.૮ ટકા વધીને ૫૨૮ બંધ હતી.
૬૩ મૂન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટ મારીને નવા શિખરે
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારા વચ્ચે નવ પૉઇન્ટની નજીવી નરમાઈમાં તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે અડધો ટકો ડાઉન હતો. ઉજ્જીવન બૅન્ક, એયુ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક બેથી સવાપાંચ ટકા પ્લસ હતા. જેકે બૅન્ક, તામિલનાડુ બૅન્ક, યુનિયન બૅન્ક બેથી સવાપાંચ ટકા બગડ્યા છે. ફીનો પેમેન્ટ બૅન્ક ૩૭૨ની ટોચે જઈ એક ટકો ઘટી ૩૬૪ થયો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૯માંથી ૮૧ શૅર વધવા છતાં લગભગ ફ્લૅટ રહ્યો છે. ફાઇવ પૈસા કૅપિટલ પોણાસાત ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સાડાપાંચ ટકા, આઇઆઇએફએલ પાંચ ટકા, પૂનાવાલા ફીનકૉર્પ સવાચાર ટકા, મહિન્દ્ર ફાઇ. ૪ ટકા મજબૂત હતા. હુડકો પોણાત્રણ ટકા તથા ક્રિસિલ સવા ટકો વધીને નવી ટોચે બંધ હતા. પેટીએમ સવાબે ટકા વધી ૮૫૭ અને એલઆઇસી પોણાબે ટકા વધી ૬૬૪ થઈ છે.
આઇટી બેન્ચમાર્ક ૫૬માંથી ૩૫ શૅરના સુધારા વચ્ચે નામપૂરતો નરમ હતો. ૬૩ મૂન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૧૪ ઉપર નવી ઐતિહાસિક સપાટીએ ગઈ છે. ન્યુજેન પોણાછ ટકા, ડીજી સ્પાઇસ ૫ ટકા, રેટગેઇન સવાચાર ટકા પ્લસ હતા. ફ્રન્ટલાઇનમાં ટીસીએસ અને ટેક મહિન્દ્ર અડધો ટકો, ઇન્ફી નહીંવત્, લાટિમ સાધારણ ઢીલા હતા. વિપ્રો ૦.૭ ટકા વધ્યો છે. વોડાફોન, આઇટીઆઇ, એમટીએનએલ, રેલટેલ, વિન્દય ટેલિ, તાતા કમ્યુ.ના બેથી સાડાચાર ટકાના અને તાતા ટેલીના ૮.૫ ટકાના ઉછાળે ટેલિકૉમ ઇન્ડેક્સ બે ટકા રણક્યો છે. સનટીવી સવાબે ટકા ઘટીને ૫૪૨ નીચે ગયો છે.
કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્કમાં ૫૧૯ પૉઇન્ટની આગેકૂચ
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૭ શૅરના સથવારે સવા ટકો કે ૫૧૯ પૉઇન્ટ ઊંચકાયો છે. એમાં ભેલની ૧૦ ટકાની તેજીનું પ્રદાન ૮૧ પૉઇન્ટ હતું. લાર્સન અડધો ટકો વધી ૨૬૭૯ના બંધમાં સર્વાધિક ૧૧૭ પૉઇન્ટ ફળ્યો હતો. ભારત ઇલે. ૧૩૪ નજીક નવી ટૉપ બતાવી ત્રણ ટકા વધી ૧૩૩ બંધ હતો. ભારત ફોર્જ ૧૦૧૧ના બેસ્ટ લેવલે જઈ પોણાત્રણ ટકા વધી ૧૦૦૭ થયો છે. સુઝલોન પાંચેક ટકા ઊંચકાઈ ૨૧ નજીક સરક્યો છે. પોલીકૅબ ઇન્ડિયા ૫૦૦૯ના શિખરે જઈ ૧૪૮ રૂપિયા કે ત્રણ ટકાના ઉછાળે ૪૯૯૮ હતો.
હેવીવેઇટ્સ આઇટીસી દોઢ ટકો વધી ૪૫૪ બંધ થતાં પોણો ટકો કે ૧૩૦ પૉઇન્ટ વધેલા એફએમસીજી આંકને ૮૯ પૉઇન્ટ મળી ગયા હતા. એવરેડી ઇન્ડ. ૧૨ ટકા નજીકની તેજીમાં અત્રે બેસ્ટ ગેઇનર હતો. આ ઉપરાંત ટિળકનગર ઇન્ડ પોણાસાત ટકા, એન્ડ્રુયેલ પાંચ ટકા, બીસીએલ ઇન્ડ. પોણાપાંચ ટકા, પરાગ મિલ્ક સાડાત્રણ ટકા મજબૂત હતા. કોલગેટ ૨.૭ ટકા બગડી ૧૯૪૦ની અંદર આવી ગયો છે.
હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૯માંથી ૫૬ શૅરના સુધારે ૩૬ પૉઇન્ટ જેવો મામૂલી વધ્યો છે, પરંતુ પેનેસિયા બાયો ૧૯.૨ ટકાના જમ્પમાં ૧૫૭ ઉપર, શેલ્બી ૧૦.૭ ટકાની તેજીમાં ૨૧૭ ઉપર તો રેઇનબો ચિલ્ડ્રન ૧૧૮૫ના શિખરે જઈ ૬ ટકાના ઉછાળે ૧૧૭૦ બંધ હતા. એનજીએલ ફાઇન કેમ ૫.૫ ટકા કે ૧૧૧ રૂપિયા ઊંચકાઈ ૨૦૯૮ થયો છે. વિનસ રેમેડિઝ પાંચ ટકા ગગડી ૨૨૮ હતી. એનર્જી સેક્ટરમાં સવિતા ઑઇલ ૧૧.૫ ટકાની તેજીમાં ૩૨૭ વટાવી ગયો છે. એજીસ લૉજિ. સાડાપાંચ ટકા વધી ૩૬૯ હતો. પાવર યુટિલિટીઝમાં અદાણીના સંબંધિત શૅર ઉપરાંત રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ પાવર, સતલજ જલ વિદ્યુત, જેપી પાવર, આઇનોક્સ ગ્રીન, ટૉરન્ટ પાવર ચારથી સાડાછ ટકા મજબૂત હતા.