૩૦૦ જેટલા મોટા ટેક્સટાઇલ ઉત્પાદકો અને વિવિંગ ઉદ્યોગ બંધ રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યાર્નના અસ્થિર ભાવ, ઓછો ઉપાડ અને ઊર્જા ખર્ચ વધુ થવાથી તિરુપુર અને કોઇમ્બતુર જિલ્લાના ટેક્સટાઇલ અને ગ્રે ફૅબ્રિક ઉત્પાદકો પર પ્રતિકૂળ અસર પડી રહી છે. એથી નક્કી કરવામાં આવ્યું છે કે ૨૮ નવેમ્બરથી કુલ ૧૪ દિવસ સુધી કામકાજ બંધ રાખવામાં આવશે. આ સમયગાળામાં હજારો પાવરલૂમ એકમો બંધ રહેશે.
તામિલનાડુ ટેક્સટાઇલ ઑન્ટ્રપ્રનર્સ અસોસિએશનના કો-ઑર્ડિનેટર કે. શક્તિવાલે કહ્યું કે ‘કૉટન યાર્નના ભાવ અસ્થિર છે, જેના લીધે ગ્રે ફૅબ્રિક્સ અને ટેક્સટાઇલ્સ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. એવામાં ઉત્તર અને પશ્ચિમ ભારતથી લેવાલી પણ ધીમી પડી છે. ઊર્જા ખર્ચ વધ્યો છે, જેના લીધે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે.
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું કે પાવરલૂમ એકમો પાસેથી ફૅબ્રિક્સની લેવાલી કર્યા બાદ પ્રતિ મીટર ૩-૪ રૂપિયાની ખોટ થઈ રહી છે. અમને આશા હતી કે દિવાળીમાં સારા ઑર્ડર મળશે, પરંતુ અપેક્ષા મુજબનું કામકાજ રહ્યું નથી. અમે હડતાળ પર જઈ રહ્યા નથી, કારણ કે આનાથી અમારા વેપાર અને કામગારો પર પ્રતિકૂળ અસર પડશે તેમ જ ઉત્પાદન આગામી સપ્તાહોમાં ૪૦ ટકા જેટલું ઘટશે. અમે આગામી દિવસોમાં કૉટન યાર્નની ખરીદી કરીશું નહીં. અમારા ઉત્પાદન એકમો ૧૪ દિવસ બંધ રહેશે. ૩૦૦ જેટલા મોટા ટેક્સટાઇલ ઉત્પાદકો અને વિવિંગ ઉદ્યોગ બંધ રહેશે. ફરી કામકાજ કઈ રીતે શરૂ કરવું એ બાબતે એક જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવશે.
પાલાડેમ પાવરલૂમ વિવિંગ યુનિટ્સ ઓનર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ પી. વેલુસામીએ કહ્યું કે આ વર્ષે પાવરલૂમ એકમો માટે સમય સારો રહ્યો નથી. આ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અમે વિવિંગ ચાર્જિસમાં ફેરફાર કરવાની માગ કરી હતી. ત્યાર બાદ કંપનીઓએ ફૅબ્રિક્સની વિવિધ ક્વૉલિટીમાં અમુક ઑફર્સ રજૂ કરી. ત્યાર બાદ યાર્ન ભાવ અને પાવર ટૅરિફનો મુદ્દો સામે આવ્યો. હવે ઉત્પાદકો વેર્પ યાર્ન (પાવુ નુલ)ની સપ્લાય વિવિંગ ટેક્સટાઇલ ગુડ્સ માટે કરવાનું બંધ કરશે. અમારે નાછુટકે મશિનો બંધ કરવા પડશે.
સીઆયટીયુ-પાવરલૂમ વિવિંગ યુનિટ વર્ક્સ અસોસિએશન (તિરુપુર)ના સેક્રેટરી આર. મુથુસ્વામીએ કહ્યું કે ટેક્સટાઇલ કંપનીઓ બે સપ્તાહ માટે કામકાજ બંધ કરશે એ બાબતે અમે ગૂંચવણમાં છીએ અને કામગારોના ભવિષ્ય બાબતે ચિંતિત છીએ. ઘણા મજૂરોનું દૈનિક વેતન ૫૦૦-૭૦૦ રૂપિયા છે. જો ઉદ્યોગમાં આવી જ પરિસ્થિતિ રહેશે તો મજૂરો આ ઉદ્યોગ છોડીને બીજા ઉદ્યોગમાં મજૂરી કરશે.