ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સ ઉપલબ્ધ છે એવા તમામ સ્ટૉક્સને બે તબક્કાને બદલે એક જ બેચમાં જાન્યુઆરી ૨૦૨૩થી ટી+1 સેટલમેન્ટ લાગુ પાડવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશનાં સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ, એનએસઈ સહિત)માં લિસ્ટેડ બધા સ્ટૉક્સના તબક્કાવાર લિસ્ટિંગની સંયુક્તપણે નક્કી થયેલી યોજના પ્રમાણે પાત્ર સ્ટૉક્સ કે જેના ફ્યુચર્સ અને ઑપ્શન્સ ઉપલબ્ધ છે, તેમને ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩ એમ બે તબક્કામાં ટી+1 સેટલમેન્ટ લાગુ કરવામાં આવશે, એમ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બજારની કામગીરીની અસરકારકતા અને બજારના સહભાગીઓ માટે સરળતા રહે એ માટે હવે એમ નક્કી કરવામાં આવ્યું છે કે જેમના ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સ ઉપલબ્ધ છે એવા તમામ સ્ટૉક્સને બે તબક્કાને બદલે એક જ બેચમાં જાન્યુઆરી ૨૦૨૩થી ટી+1 સેટલમેન્ટ લાગુ પાડવામાં આવશે.
આથી, એક્સચેન્જિસ સ્ટૉક્સને ટી+1 સેટલમેન્ટ લાગુ પાડવાના સમયપત્રકમાં સુધારો કરશે અને એ વિશેનો સર્ક્યુલર બહાર પાડી સ્ટૉક્સની યાદી જાહેર કરશે. આ અખબારી યાદી બધી માર્કેટ ઇન્ટરમિડિયરીઝ દ્વારા સંયુક્તપણે બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT
તાજેતરમાં બધી માર્કેટ ઇન્ટરમિડિયરીઝે મળીને સ્ટૉક્સને ટી+1 સેટલમેન્ટ લાગુ કરવા માટેનો રોડમૅપ જાહેર કર્યો હતો એ મુજબ દૈનિક માર્કેટ કૅપિટલાઇઝેશનની ઑક્ટોબર ૨૦૨૧ની સરેરાશ પ્રમાણે બધા સ્ટૉક્સને ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા અને સૌથી નીચેના ક્રમે રહેલા ૧૦૦ સ્ટૉક્સને ટી+1 સેટલમેન્ટ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨થી લાગુ પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ બચેલા સ્ટૉક્સમાંથી સૌથી નીચે રહેલા સ્ટૉક્સને માર્ચ ૨૦૨૨થી પ્રત્યેક મહિનાના છેલ્લા ટ્રેડિંગ ડેએ ટી+1ની યાદીમાં મૂકવામાં આવતા હતા. હવે જાન્યુઆરી ૨૦૨૩થી બધી સ્ક્રિપ્સને ટી+1 સેટલમેન્ટ લાગુ થશે.