હાલના સમયમાં પાક માટેનું હવામાન અનુકૂળ છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં તુવેરના પાકની સ્થિતિ જોઈએ તો કારંજા (વાશિમ), મૂર્તિજાપુર (અકોલા) અને અકોટ (અકોલા)માં એકંદર વાવણી ગયા વર્ષ કરતાં ઓછી થઈ હોવાથી આગામી સમયમાં સપ્લાયખેંચ સર્જાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે એકંદર રાજ્યમાં કેટલું ઉત્પાદન થાય છે એ પછી ચિત્ર સ્પષ્ટ થશે.
કારંજા (વાશિમ)ની વાત કરીએ તો આ ભાગમાં વાવણી ઓછી થઈ છે. અગાઉ વરસાદ પડ્યો હોવાથી તુવેરના પાકને ઘણું નુકસાન થયું છે. હજી તુવેર આવવાની બાકી છે એથી એની ઊપજ (યીલ્ડ) બાબતે કહેવું વહેલું ગણાશે. જો આગામી સમયમાં હવામાન સારું રહે તો જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીમાં તુવેરનો પાક જોવા મળી શકે છે, પરંતુ વાવણીમાં ઘટાડો અને એમાં પણ પાકને નુકસાન થતાં ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ ઓછું રહેશે એમ કહી શકાય.
ADVERTISEMENT
મૂર્તિજાપુર (અકોલા)માં તુવેરની વાવણી આ વર્ષે સારી રહી છે, પરંતુ વરસાદને લીધે પાકને નુકસાન થયું છે. હાલના સમયમાં પાક માટેનું હવામાન અનુકૂળ છે. પાકની પરિસ્થિતિ જોતાં એક મહિનામાં આવક શરૂ થઈ શકે છે. જો હવામાન આગળ જતાં સારું રહે તો પાકની ગુણવત્તા પણ સારી રહેશે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ એકંદર ઉત્પાદન આ વર્ષે ૧૦થી ૧૫ ટકા ઓછું રહેવાનો અંદાજ છે.
અકોટ (અકોલા)માં પણ વાવણી આ વર્ષે ઓછી થઈ છે, પરંતુ પાકની ગુણવત્તા સારી હોવાના અહેવાલો છે. દાણા આવવાનું પણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે પાક મોડો પડ્યો છે અને આવક ૧૫ જાન્યુઆરી બાદ શરૂ થશે એવો અંદાજ છે. જો હવામાન સારું રહે તો ઓછી વાવણી હોવા છતાં ઊપજ સારી રહેશે.