સુરત ડાયમન્ડ બુર્સમાં ઑફિસો ચાલુ કરવાની અપીલ કરવા ભારત ડાયમન્ડ બુર્સમાં યોજાયેલી મીટિંગ બાદ મુંબઈના હીરાના વેપારીઓનું કહેવું છે કે...
સુરત ડાયમન્ડ બુર્સ (SDB)
સુરત ડાયમન્ડ બુર્સ (SDB)ને ધમધમતું કરવાના પ્રયાસરૂપે ગુરુવારે એની કમિટીના ચૅરમૅન, પ્રેસિડન્ટ અને અન્ય પદાધિકારીઓએ મુંબઈના વેપારીઓને SDBમાં ઑફિસ શરૂ કરવાની અપીલ કરવા ભારત ડાયમન્ડ બુર્સ (BDB)માં મીટિંગ લીધી હતી. એને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. આ મીટિંગમાં ૭ જુલાઈનું અષાઢી બીજનું મુરત પણ નક્કી થયું હતું. જોકે આ મીટિંગ પછી ખરેખર માર્કેટનો માહોલ શું છે અને મુંબઈના વેપારીઓ સુરતમાં વેપાર કરવા જવા તૈયાર છે ખરા એ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો ત્યારે જે પિક્ચર સામે આવ્યું એ પ્રમાણે હાલ મુંબઈના વેપારીઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા હોવાનું લાગી રહ્યું છે. જવાની ના નથી, પણ પહેલાં સુરતના વેપારીઓ સ્ટાર્ટ કરે એ પછી અમે તેમની સાથે જોડાવાના જ છીએ એવો તેમનો અભિગમ જણાઈ રહ્યો છે.
વિપુલ નાવડા
ભારત ડાયમન્ડ બુર્સના કાઠિયાવાડી ગ્રુપના વેપારી, સાગર ઇમ્પેક્સ
મીટિંગ બાદ વેપારીઓ પૉઝિટિવ છે. બન્ને માર્કેટ ચાલે એમાં કોઈ વાંધો નથી. બેલ્જિયમમાં ઍન્ટવર્પમાં માર્કેટ છે, ઇઝરાયલમાં છે, હૉન્ગકૉન્ગમાં છે એમ મુંબઈ અને સુરતમાં પણ બુર્સ ખૂલે અને ચાલે પણ ખરું. મુંબઈમાં અને સુરતમાં એમ બન્ને જગ્યાએથી કામ થઈ શકે, પણ ટાઇમ તો લાગશે. બાકી અહીં મુંબઈમાં બંધ કરવું જરૂરી નથી. બન્ને એક જ છે એમ સમજો. સુરતમાં મહિધરપુરા છે, વરાછા મિની બજાર છે ત્યાં પણ સેલ તો થાય જ છે, એક્સપોર્ટ પણ થાય છે. આ બધા SDBમાંથી કામ કરતા થાય. મુંબઈના ઘણા વેપારીઓ ત્યાં ઑફિસો ધરાવે છે તેઓ પણ બુર્સમાંથી કામ કરતા થશે. ફૉરેનના બાયર્સ પણ આવશે, પરંતુ એ માટે ટાઇમ લાગશે. ધીમે-ધીમે ઇન્ટરનૅશનલ ફ્લાઇટો વધશે, ફાઇવસ્ટાર હોટેલો ચાલુ થશે એટલે એ લોકો પણ આવતા થશે. હજી SDBની શરૂઆત છે. કોઈ પણ નવી બાબતમાં ટાઇમ તો લાગે જ.
ADVERTISEMENT
અમિત શાહ
ભારત ડાયમન્ડ બુર્સના ભૂતપૂર્વ કમિટી મેમ્બર, મેઘના ડાયમન્ડ
બૉમ્બેની ઑફિસ બંધ કરીને સુરતમાં ઑફિસ કરવાની ચર્ચા જ નથી. શરૂઆતમાં SDB દ્વારા મુંબઈના વેપારીઓને મુંબઈનો વેપાર બંધ કરીને SDBમાં ઑફિસ ચાલુ કરવા કેટલાક બેનિફિટ્સ ઑફર કરવામાં આવ્યા હતા, પણ જે લોકો અહીંનું કામ બંધ કરીને ત્યાં ગયા હતા એ લોકો પાછા મુંબઈ આવી ગયા છે. એથી હવે મુંબઈનું કામ બંધ કરીને ત્યાં આવો એવી વાત જ નથી. SDBમાં નવા પ્રમુખ (ગોવિંદ ધોળકિયા) આવી ગયા પછી એના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ત્યાં સુરતમાં જેમની ઑલરેડી ઑફિસ છે એ લોકો હવે SDBમાંથી કામ કરશે. હીરાબજારમાં એવું છે કે એક ભાઈ બૉમ્બેથી કામ કરે તો બીજો ભાઈ સુરતથી કામ કરતો હોય છે. બૉમ્બે અને સુરત પણ ભાઈઓ જ છે. બૉમ્બે મોટો ભાઈ છે અને સુરત નાનો ભાઈ છે. બૉમ્બે બૉમ્બે છે, જ્યારે સુરત સુરત છે. મૂળમાં ત્યાંનાં બજારો મહિધરપુરા કે મિનીબજાર SDBમાં શિફ્ટ થશે. વળી માર્કેટ કંઈ એકાદ-બે દિવસમાં શિફ્ટ ન થાય. એમાં પણ લોકો તબક્કાવાર આવતા જાય. SDB ખરેખર બહુ જ સારું બનાવ્યું છે એની ના નહીં. બૉમ્બેવાળાની પણ ઇચ્છા છે કે SDB ધમધમતું થાય, પણ પહેલાં લોકલ માર્કેટો શિફ્ટ થાય.
કિરીટ ભણસાલી
ભારત ડાયમન્ડ બુર્સના કમિટી મેમ્બર
મૂળમાં હાલ માર્કેટમાં મંદી છે એના માટે ઘણાંબધાં ઇન્ટરનૅશનલ કારણો છે. ઇઝરાયલ–ઈરાનનું યુદ્ધ ચાલે છે. રશિયા-યુક્રેનનું યુદ્ધ થયું. વળી અમેરિકા અને ચીનમાં મંદી ચાલી રહી છે એટલે ડાયમન્ડ બજારમાં હાલ સ્લોડાઉન છે. આવા વખતે નવા ખર્ચા કરવા ન પોસાય. હા, સુરતની સ્થાનિક માર્કેટો જેમ કે મહિધરપુરા અથવા મિનીબજારના ૨૫૦૦થી ૩૦૦૦ વેપારીઓ SDBમાં ઑફિસો શરૂ કરે તો માર્કેટ સ્ટાર્ટ થઈ જાય. એ પછી નાના-મોટા વેપારીઓ પણ જોડાશે. SDBએ સુરતના નાના વેપારીઓ માટે નાની જગ્યાઓ તૈયાર કરવી જોઈએ, ભાડાં ઓછાં કરવાં જોઈએ અને તેમના ટ્રાન્સપોર્ટેશન માટે બસની ફૅસિલિટી આપવી જોઈએ. એક વાર એ લોકો ત્યાં કામ કરતા થઈ જથે એટલે ધીમે-ધીમે મોટા વેપારીઓ પણ આવશે. અમને ઑપેરા હાઉસથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં શિફ્ટ થતાં ત્રણ વરસ લાગ્યાં હતાં, જ્યારે આ તો સુરત છે. વળી અહીં મુંબઈમાં હીરાનું ટ્રેડિંગ કરતા અનેક વેપારીઓ સુરતથી હીરાની ખરીદી કરે છે એટલે તેમની ઑફિસો સુરતમાં આવેલી જ છે. એ બધા બુર્સમાંથી ઑપરેટ કરતા થઈ જશે. બુર્સ બન્યું છે તો ઊપડશે તો ખરું જ, પણ ટાઇમ લાગશે.
વીરેન્દ્ર શાહ
ભારત ડાયમન્ડ બુર્સની કમિટીના ભૂતપૂર્વ ઇન્વાઇટી મેમ્બર
SDBના પદાધિકારીઓએ મીટિંગ કરી અને મુંબઈના ૫૦૦ જેટલા વેપારીઓને ત્યાં આવવા અપીલ કરી એ સિવાય કૉન્ક્રીટમાં કશું જ નહીં. અહીંના વેપારીઓ પણ આયખાનું શું? ભવિષ્યનું શું? એવા સવાલ લઈને જ હૉલમાંથી નીકળ્યા. BDBએ SDBને ઊભા થવામાં સપોર્ટ કર્યો જ છે, પણ જ્યારે SDBનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું ત્યારે આપણા BDBના અનુપભાઈ, ભરતભાઈ અને કિરીટભાઈ પણ મંચ પર હતા. તેમને એક શબ્દ પણ બોલવા દેવાયો નહોતો. ભરતભાઈએ માત્ર ઑલ ધ બેસ્ટ કહ્યું હતું. અનુપભાઈ પણ સિનિયર તો ગણાય જ. જો તેમની સાથે આવું વર્તન થાય તો નાના વેપારીઓને તો ક્યાંથી ગણતરીમાં લે? એ લોકોને BDBનો સપોર્ટ જોઈએ છે, પણ ક્રેડિટ નથી આપવી. એવું નથી કે અહીંના વેપારીઓએ ત્યાં ઑફિસો નથી લખાવી. એવા ઘણા વેપારીઓ છે જેમના રૂપિયા લાગ્યા છે. એથી બધા એમ જ ઇચ્છે છે કે SDB ચાલુ થાય, ધમધમતું થાય. જોકે મને લાગે છે કે તેમણે બુર્સ બનાવતાં પહેલાં પ્રૉપર પ્લાનિંગ નથી કર્યું. ત્યાં સુરતમાં લોકો રસ્તા પર બેસીને પણ ધંધો કરી લે છે અને એવા અનેક વેપારીઓ છે. તેમને બુર્સમાં દીવાલો વચ્ચે લાવીને ઍર-કન્ડિશન્ડ કૅબિન આપવી એના કરતાં તેમના માટે મોટા હૉલમાં જો ફક્ત ટેબલ-સ્પેસ ફાળવી દેવાઈ હોત તો એ વધુ યોગ્ય રહેત અને વેપારીઓ આવવા માંડ્યા હોત. અહીંના વેપારીઓએ પણ ઑફિસ લખાવી છે. તેમણે પણ મેઇન્ટેનન્સના ચેક તો આપવા જ પડે છે. વળી SDB ગામથી ૧૭ કિલોમીટર દૂર છે. જો કોઈ નાનો વેપારી સ્કૂટર પરથી રસ્તામાં પડી પણ જાય તો કોઈ ઉપાડવાવાળું મળે એમ નથી. એથી એમ લાગે છે કે બુર્સ બનાવતાં પહેલાં જે પ્રૉપર પ્લાનિંગ કરવું જોઈએ એ નથી થયું. હાલ તો આ પ્રોજેક્ટ ફેલ છે. આગળ જતાં કેવોક વધે છે એ જોઈશું.

