વધારાની રકમ પર દર મહિના દીઠ અથવા મહિનાના ભાગદીઠ અડધા ટકાના સાદા વ્યાજના હિસાબે રીફન્ડ પર વ્યાજની ચુકવણી કરવાની હોય છે
ટૅક્સ રામાયણ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આવકવેરા ખાતામાં ક્યારેક રસપ્રદ અને નોંધપાત્ર કિસ્સાઓ બનતા હોય છે. એમાંથી અમુકમાં કોર્ટ કેસ ચલાવવો પડતો હોય છે. આવો જ એક કેસ આવકવેરા ધારાની કલમ ૨૩૪ડીની જોગવાઈઓ સંબંધે થયો હતો. કરવેરા ખાતાના કમિશનર (અપીલ્સ)ના આદેશને પગલે એક કરદાતાને રીફન્ડ આપવામાં આવ્યું હતું. પછીથી આવકવેરા ટ્રિબ્યુનલે કમિશનરના આદેશને રદ કર્યો એને પગલે રીફન્ડ પાછું લેવાનો પ્રશ્ન ઊભો થયો. આ કિસ્સામાં કલમ ૨૩૪ડીની જોગવાઈઓ લાગુ થાય કે નહીં એવો સવાલ હતો.
કેસની વિગત એવી છે કે કરદાતાને અસેસિંગ ઑફિસરે અમેરિકા અને ભારત વચ્ચેના ડબલ ટૅક્સેસન અવૉઇડન્સ ઍગ્રીમેન્ટના પરિચ્છેદ ૮નો લાભ આપવાનો ઇનકાર કરી દીધો. બીજી બાજુ કમિશનર (અપીલ્સ)નો નિર્ણય એવો હતો કે કરદાતાને પરિચ્છેદ ૮નો લાભ મળવો જોઈએ.
ADVERTISEMENT
આ કેસમાં ટ્રિબ્યુનલે કમિશનરના આદેશને રદ કરી દીધો અને અસેસિંગ ઑફિસરના આદેશને બહાલ રાખ્યો. હવે બન્યું એવું કે રીફન્ડ પાછું લેવાની વાત આવી, પરંતુ કલમ ૨૩૪એ અને ૨૩૪બી હેઠળ રીફન્ડની રકમ પર વ્યાજ લેવું કે નહીં. અસેસિંગ ઑફિસરે વ્યાજ લાગુ કર્યું. આથી આ કેસ મુંબઈ વડી અદાલતમાં પહોંચ્યો.
વડી અદાલતે ચુકાદો આપ્યો કે કલમ ૨૩૪ડી હેઠળ વ્યાજ ત્યારે જ લાગુ થઈ શકે, જ્યારે કલમ ૧૪૩(૧) હેઠળ આવકવેરાના રિટર્નનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોય અને પછીથી એ રીફન્ડ વધારાનું હોવાનું જણાઈ આવે.
ઉક્ત કેસમાં રીફન્ડ ૧૪૩(૧) હેઠળ આપવામાં આવ્યું નહોતું. કલમ ૧૪૭ની સાથે કલમ ૧૪૩(૩)નું વાંચન કરતાં કલમ ૧૪૩(૩) હેઠળ પસાર કરાયેલા અસેસમેન્ટ ઑર્ડર હેઠળ પણ આ રીફન્ડ આવતું નહોતું. એ રીફન્ડ તો કમિશનરના આદેશને પગલે આપવામાં આવ્યું હતું. આથી વડી અદાલતે ટ્રિબ્યુનલના મત સાથે સહમતી દર્શાવીને કહ્યું કે આ કેસમાં કલમ ૨૩૪ડીની જોગવાઈઓ લાગુ થતી નથી.
ઉપર જણાવાયેલી બાબતોના આધારે કહી શકાય કે આ કિસ્સામાં રાબેતા મુજબના અસેસમેન્ટના ભાગરૂપે નહીં, પરંતુ કમિશનરના આદેશને પગલે રીફન્ડ આપવામાં આવ્યું હતું. આથી એને કલમ ૨૩૪ડી હેઠળ વ્યાજ લાગુ નહીં પડે.
અહીં જણાવવું રહ્યું કે રાબેતા મુજબના અસેસમેન્ટને પગલે જ્યારે કોઈ રીફન્ડ આપવામાં આવ્યું હોય અને રીફન્ડની રકમ હોવી જોઈએ એના કરતાં વધારે હોય તો કરદાતાએ રીફન્ડની રકમ પર વ્યાજ ચૂકવવું પડે એવી જોગવાઈ કલમ ૨૩૪ડી(૧)માં કરવામાં આવેલી છે. વધારાની રકમ પર દર મહિના દીઠ અથવા મહિનાના ભાગદીઠ અડધા ટકાના સાદા વ્યાજના હિસાબે રીફન્ડ પર વ્યાજની ચુકવણી કરવાની હોય છે. કરદાતાને રીફન્ડ મળ્યું હોય એ તારીખથી રીફન્ડ પાછું વાળવામાં આવે એ તારીખ સુધી વધારાની રકમ પર વ્યાજની ગણતરી કરવાની હોય છે.