ગૌતમ અદાણીએ કહ્યું કે સત્યની જીત થશે
ફાઇલ તસવીર
અદાણી-હિંડનબર્ગના કેસમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ એ. એમ. સપ્રેની અધ્યક્ષતામાં ૬ સભ્ય સમિતિની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ કમિટી હિંડનબર્ગ રિસર્ચના છેતરપિંડીના આક્ષેપ દ્વારા તાજેતરના અદાણી ગ્રુપના શૅરમાં થયેલા ઘટાડાની પણ તપાસ કશે. બીજી તરફ અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ જણાવ્યું હતુ કે અદાણી ગ્રુપ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે અને સત્યની જીત થશે.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જે. બી. પારડીવાલાની બેંચે જણાવ્યું હતું કે પૅનલ પરિસ્થિતિની એકંદરે આકારણી કરશે, રોકાણકારોને શૅરબજાર માટે હાલનાં નિયમનકારી પગલાંને જાગ્રત કરવા અને મજબૂત બનાવવાનાં પગલાં સૂચવશે.
ADVERTISEMENT
બેન્ચે કેન્દ્ર, નાણાકીય કાનૂની સંસ્થાઓ અને સેબીના અધ્યક્ષને પૅનલને તમામ સહયોગ આપવાનો નિર્દેશ આપ્યો હતો અને બે મહિનાની અંદર પોતાનો અહેવાલ સબમિટ કરવા પણ જણાવ્યું હતું.
ભૂતપૂર્વ ન્યાયાધીશો ઓ. પી. ભટ્ટ અને જે. પી. દેવદત્ત પણ ચકાસણી સમિતિનો ભાગ છે. કોર્ટે નંદન નિલેકણી, કે. વી. કામથ અને સોમશેખરન સુંદરસેનને સમિતિના અન્ય ત્રણ સભ્યો તરીકે નામ આપ્યું હતું.
તેના આદેશને અનામત રાખતી વખતે ૧૭ ફેબ્રુઆરીએ ટોચની અદાલતે નિષ્ણાતોની સૂચિત પૅનલ પર કેન્દ્રના સૂચનને સીલબંધ કવરમાં સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.