ગયા વર્ષે ૧૫ એપ્રિલે ૩૦૫ શુગર મિલો ચાલુ હોવા સામે ચાલુ વર્ષે માત્ર ૧૩૧ શુગર મિલો ચાલુ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ખાંડનું ઉત્પાદન ૧૫મી એપ્રિલ સુધીમાં ૩૧૧ લાખ ટન થયું છે જે ગયા વર્ષે ૧૫મી એપ્રિલે ૩૨૮.૭ લાખ ટન થયું હતું. ખાંડના ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ૧૫મી એપ્રિલ સુધીમાં ૧૨૬.૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું જે ચાલુ વર્ષે ૧૦૫ લાખ ટન થયું છે. મહારાષ્ટ્રમાં હાલ એક પણ શુગર મિલ ચાલુ નથી જે ગયા વર્ષે ૧૫મી એપ્રિલે ૧૫૩ મિલો ચાલુ હતી.
ઉત્તર પ્રદેશમાં ૧૫મી એપ્રિલ સુધીમાં ૯૬.૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જે ગયા વર્ષે આ સમયે ૯૪.૪ લાખ ટન થયું હતું. ઉત્તર પ્રદેશમાં હાલ ૭૭ શુગર મિલો શેરડીનું ક્રશિંગ કરી રહી છે જે ગયા વર્ષે આ સમયે ૬૮ મિલો ચાલુ હતી.
ADVERTISEMENT
કર્ણાટકમાં ૧૫મી એપ્રિલ સુધીમાં ૫૫.૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતુ જે ગયા વર્ષે ૪૯.૮ લાખ ટન થયું હતું. કર્ણાટકમાં હાલ માત્ર બે શુગર મિલો ચાલુ છે જે ગયા વર્ષે આ સમયે છ શુગર મિલો ચાલુ હતી.
તામિલનાડુ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણ, બિહાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઓડિશામાં ૧૫મી એપ્રિલ સુધીમાં ૫૪.૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જે ગયા વર્ષે આ સમયે ૪૯.૮ લાખ ટન થયું હતું.
દેશમાં હાલ કુલ ૧૩૨ શુગર મિલો શેરડીનું ક્રશિંગ કરી રહી છે જે ગયા વર્ષે આ સમયે ૩૦૫ મિલોમાં શેરડીનું ક્રશિંગ થતું હતું. ચાલુ સીઝનના પ્રારંભે કુલ ૫૩૨ શુગર મિલોએ ઑપરેશન ચાલુ કર્યું હતું જે ગયા વર્ષે ૫૧૮ મિલોએ ઑપરેશન ચાલુ કર્યું હતું. ચાલુ વર્ષે ૧૫મી એપ્રિલ સુધીમાં ૪૦૦ મિલો બંધ થઈ ચૂકી છે.