ઇસ્માના મતે હવે ખાંડનું ઉત્પાદન ૩૨૮ લાખ ટન જ થશે : ખાંડની નિકાસછૂટ હવે વધુ મળે એવી સંભાવના પૂરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ખાંડ હવે વધુ મોંઘી બને એવી સંભાવના છે. દેશમાં ખાંડનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતાં હવે ઘટવા લાગ્યું છે. દેશમાં મોટા ભાગની શુગર મિલો વહેલી બંધ થઈ ગઈ હોવાથી સંગઠનોએ હવે પાકનો અંદાજ ઘટાડ્યો છે.
ખાંડ ઉદ્યોગ સંસ્થા ઇસ્મા (ઇન્ડિયન શુગર મિલ અસોસિએશન)એ સપ્ટેમ્બરમાં પૂરા થતા વર્તમાન માર્કેટિંગ વર્ષ માટે દેશના ખાંડ ઉત્પાદનના અંદાજને ૩૪૦ લાખ ટનના અગાઉના અંદાજથી ઘટાડીને ૩૨૮ લાખ ટન કર્યો છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૨૦૨૨-’૨૩ માર્કેટિંગ વર્ષ (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં ઘટીને ૧૦૫ લાખ ટન થવાને કારણે ડાઉનવર્ડ રિવિઝન કરવામાં આવ્યું છે, જે અગાઉના ૧૨૧ લાખ ટનના અંદાજ કરતાં નીચો અંદાજ મુકાયો છે. રાજ્યમાં શેરડી પિલાણની સીઝન પૂરી થઈ ગઈ છે અને ખાંડના ઉત્પાદનના આંકડાઓ આવતાં ઘણો ઘટાડો આવ્યો છે.
અસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇસ્માએ ૨૦૨૨-’૨૩ માટે (ઇથેનૉલમાં ડાયવર્ઝન પછી) એના ભારતીય ખાંડ ઉત્પાદન અંદાજને સુધારીને ૩૨૮ લાખ ટન કર્યો છે, લગભગ ૪૦ લાખ ટન ખાંડને ઇથેનૉલમાં ડાયવર્ઝન કરવા પર વિચારણા કર્યા પછીનો અંદાજ છે.
ઇસ્માએ ગયા જાન્યુઆરીમાં ઇથેનૉલ માટે ૪૫ લાખ ટન ખાંડના વપરાશ બાદ ૩૪૦ લાખ ટનના ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. વીતેલા વર્ષ ૨૦૨૧-’૨૨માં ખાંડનું ઉત્પાદન ઇથેનૉલમાં ખાંડના વપરાશ બાદ ૩૫૮ લાખ ટન હતું.
મહારાષ્ટ્રમાં પિલાણની સીઝન લગભગ ૧૦૫ લાખ ટનના ઉત્પાદન સાથે સમાપ્ત થઈ ગઈ છે, જે અમારા અગાઉના અંદાજ કરતાં ઓછી છે, કારણ કે અણધારી રીતે શેરડીની ઊપજ ઘટતાં અને કમોસમી વરસાદને કારણે પાકને અસર થતાં ઉત્પાદન ઘટ્યું છે એમ ઇસ્માએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨-’૨૩ માટે ખાંડનું ઉત્પાદન અગાઉના અંદાજિત ૧૦૧ લાખ ટનથી વધારીને ૧૦૫ લાખ ટન કરવામાં આવ્યું છે.