સરકાર દ્વારા દરમ્યાનગીરી ન આવે તો જૂનમાં નવા ઊંચા ભાવ જોવાશે : અલ નીનો, મહારાષ્ટ્રના ઉત્પાદનમાં ઘટાડો અને વૈશ્વિક તેજીની અસર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ખાંડના ભાવમાં છેલ્લા ત્રણ સપ્તાહથી એકધારો વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં એ નવી ઊંચાઈએ પહોંચશે એવી શક્યતા છે, કારણ કે ઉનાળાની ટોચની મોસમ દરમ્યાન જથ્થાબંધ ગ્રાહકોની વધતી માગ વચ્ચે ઉત્પાદન ઘટશે એમ બજાર અને ઉદ્યોગના નિષ્ણાતો કહે છે.
ઑલ-ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશને ફેબ્રુઆરીમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ ૩૪૫ લાખ ટનથી ઘટાડીને ૩૩૫ લાખ ટન કર્યો હતો. ગયા અઠવાડિયે ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ ઉત્પાદનમાં ઘટાડાની પુષ્ટિ કરી હતી. તેમણે મહારાષ્ટ્રમાં બેથી ત્રણ લાખ ટનના સંભવિત ઘટાડાની વાત કરી હતી.
ADVERTISEMENT
છેલ્લા ત્રણ સપ્તાહમાં એક્સ-મિલ ખાંડના ભાવ ઉત્તર પ્રદેશમાં પ્રતિ ક્વિન્ટલ ઓછામાં ઓછા ૩૦૦ રૂપિયા અને મહારાષ્ટ્રમાં ૧૫૦થી ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધ્યા છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભાવ આગામી બે અઠવાડિયાંમાં વધુ ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધશે, કારણ કે પૂર્વ અને ઉત્તરપૂર્વીય રાજ્યો તેમની માગને પહોંચી વળવા માટે ઉત્તર પ્રદેશથી આ રાજ્ય તરફ વળશે એમ એક ઉદ્યોગ નિષ્ણાતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જોકે ભાવવધારો સમગ્ર દેશમાં પ્રતિબિંબિત થશે.
અલ નીનોની આગાહીને પગલે પણ દિવસ દરમ્યાન તાપમાન ખૂબ જ ઊંચું રહેવાની ધારણા છે, જેને પગલે પણ ખાંડની માગમાં વધારો જોવા મળશે.
અલ નીનો અંગે અમેરિકન હવામાન વિભાગની ફેબ્રુઆરીની આગાહીને ટાંકીને નૅશનલ ફેડરેશન ઑફ કોઑપરેટિવ શુગર ફૅક્ટરીઝના મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાયકનાવરે જણાવ્યું હતું કે અલ નીનોની આશંકા વચ્ચે ઔદ્યોગિક ખરીદદારોની અચાનક માગ ૬૫ ટકા જેટલી છે. ઔદ્યોગિક ખરીદદારોની ઉનાળાની માગ સામાન્ય રીતે માર્ચથી ઉનાળાની માગને પહોંચી વળવા માટે નાના તબક્કામાં શરૂ થાય છે. જોકે સંભવિત પુરવઠાની ચિંતાએ તેમને જથ્થાબંધ જથ્થામાં કૉમોડિટી ખરીદવા માટે પ્રેરિત કર્યા છે, જેણે ખાંડના ભાવમાં વધારો કર્યો હતો.
સરકાર હસ્તક્ષેપ ન કરે તો જૂન સુધીમાં એક્સ-મિલ ખાંડના ભાવ ૪૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલને સ્પર્શે એવી અપેક્ષા છે. જો ભાવ આ સ્તરે પહોંચે તો છૂટક કિંમતો ૪૩૦૦-૪૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી જતી જોવા મળે છે એમ ઍગ્રિ-ટેક કંપની ઓરિગો કૉમોડિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કૃષિ સંશોધન વડા તરુણ સત્સંગીએ જણાવ્યું હતું. જોકે એ કેવી રીતે થાય છે એના પર નિર્ભર રહેશે. ચોમાસું અને અલ નીનો હવામાનને પ્રભાવિત કરે છે. હાલ ખાંડના ભાવ એક્સ મિલ ૩૪૦૦ રૂપિયાથી ૩૭૫૦ વચ્ચે ગ્રેડ મુજબના છે.
ખાંડના મિલ બેઠાના ભાવમાં વધારો આખરે છૂટક ગ્રાહકોને પસાર કરવામાં આવશે, જ્યારે નવી બેચ સપ્લાય પાઇપલાઇનમાં આવે ત્યારે છૂટક કિંમતોમાં વધારો થવામાં લગભગ ૨૦-૩૦ દિવસ લાગી શકે છે. વપરાશ બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર ગયા વર્ષના સમાન સમયગાળાની ૪૦.૯૦ રૂપિયાની સરખામણીએ હાલ અખિલ ભારતીય સરેરાશ છૂટક ખાંડના ભાવ ૪૧.૧૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા. હાલ મિલ અને છૂટક કિંમતો વચ્ચે ૭ રૂપિયાનો પ્રતિ કિલોનો તફાવત છે, જેમાં પરિવહન ખર્ચ, જીએસટી વગેરેનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે ખાંડની તેજીને રોકવા માટે એપ્રિલ માટે વધારાના બે લાખ ટનના ક્વોટાની મંગળવારે મોડી સાંજે જાહેરાત કરી હતી. ખાદ્ય મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને એપ્રિલમાં વધારાના બે લાખ ટનના ક્વોટાની જાહેરાત કરતાં હવે એપ્રિલનો કુલ ક્વોટા ૨૪ લાખ ટનનો થઈ જશે જે અગાઉ ૨૨ લાખ ટનની જાહેરાત કરી હતી.