અમેરિકી ડૉલર ઇન્ડેક્સ અને બૉન્ડ યીલ્ડ વધતાં સોનામાં વેચવાલીથી ભાવ ત્રણ સપ્તાહના તળિયે પહોંચ્યા : મુંબઈમાં સોનું-ચાંદી સતત ચોથા દિવસે ઘટ્યાં, સોનું ચાર દિવસમાં ૧૪૧૦ રૂપિયા અને ચાંદી ૨૭૪૭ રૂપિયા ઘટી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાથી ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો હવે મે મહિના પહેલાં શરૂ થવાની શક્યતા ન હોવાથી સોના-ચાંદીના ભાવમાં સોમવારે કડાકો બોલી ગયો હતો અને સોનું ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૬૪ રૂપિયાનો ઘટાડો થયો હતો. મુંબઈમાં સોનું-ચાંદી સતત ચોથા દિવસે ઘટ્યાં હતાં. છેલ્લા ચાર દિવસમાં સોનું ૧૪૧૦ રૂપિયા અને ચાંદી ૨૭૪૭ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશ પ્રવાહ
ગયા સપ્તાહે અમેરિકાના જાહેર થયેલા તમામ ઇકૉનૉમિક ડેટા ધારણાથી સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સતત વધી રહ્યાં છે. ગયા સપ્તાહે અમેરિકી ડૉલર એક ટકા વધતાં સોનામાં વેચવાલી વધી હતી. ડૉલરની મજબૂતીને કારણે સોનું સોમવારે વધીને ૨૦૪૬.૬૮ ડૉલર થયા બાદ ઘટીને ૨૦૧૬.૮૨ ડૉલર થયું હતું. સોમવારે સાંજે સોનું ૨૦૧૮થી ૨૦૧૯ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧૫ ટકા વધીને ૧૦૨.૫૬ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો જે ગયા સપ્તાહે એક ટકો વધ્યો હતો. અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા, જૉબ ઓપનિંગ ડેટા, અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટા વગેરે ધારણા કરતાં સ્ટ્રૉન્ગ આવતાં હવે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો ધારણા કરતાં મોડો આવવાની શક્યતાઓ વધતાં ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ સતત વધી રહ્યાં છે, ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ચાર ટકા ઉપર હોવાથી માર્કેટમાં બૉન્ડ ખરીદીનું પણ આકર્ષણ વધ્યું છે. સીએમઈ ફેડ વૉચ અનુસાર હવે મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાના ચાન્સ ૯૧.૮ ટકાથી વધીને ૯૫.૧ ટકા થયા હતા અને માર્ચ મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ ઘટીને ૬૦ ટકા થયા હતા જે દસ દિવસ અગાઉ ૯૩.૩ ટકા હતા.
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ્સ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૫૦.૬ પૉઇન્ટ રહ્યો હતો જે નવેમ્બરમાં ૫૨.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૬ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર, એમ્પ્લૉયમેન્ટ અને સ્ટૉક લેવલ મોટા પાયે ઘટ્યાં હતાં.
અમેરિકામાં લેબર ફોર્સનો પાર્ટિસિપેશન રેટ ડિસેમ્બરમાં ૦.૩ ટકા ઘટીને ૬૨.૫૦ ટકા રહ્યો હતો. પાર્ટિસિપેશન રેટનો ઘટાડો છેલ્લા ૨૩ મહિનાનો સૌથી વધુ રહ્યો હતો અને પાર્ટિસિપેશન રેટ ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા અનુસાર ડિસેમ્બરમાં કુલ ૨.૧૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે નવેમ્બરમાં ૧.૭૩ લાખ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૭૦ લાખની હતી. ખાસ કરીને ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ૫૩ હજાર અને હૉસ્પિટાલિટી બિઝનેસમાં ૪૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આ ઉપરાંત હેલ્થકૅર સેક્ટરમાં ૩૮ હજાર, સોશ્યલ અસિસ્ટન્ટ સેક્ટરમાં ૨૧ હજાર અને કન્સ્ટ્રકન્શ સેક્ટરમાં ૧૭ હજાર નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ રેટ ડિસેમ્બરમાં ૩.૭ ટકા જળવાયેલો હતો, પણ માર્કેટની ૩.૮ ટકાની ધારણા કરતાં નીચો રહ્યો હતો. હાલ અમેરિકામાં કુલ અનએમ્પ્લૉઇડ વર્કરની સંખ્યા ૬૨.૭ લાખ છે, જેમાં છેલ્લા સપ્તાહમાં ૬ હજારનો વધારો થયો હતો.અમેરિકાના એમ્પ્લૉઈને પ્રતિ કલાકનું વેતન ડિસેમ્બરમાં ૦.૪ ટકા એટલે કે ૧૫ સેન્ટ વધીને ૩૪.૨૭ ડૉલર મળ્યું હતું. માર્કેટની ધારણા વેતનમાં ૦.૩ ટકા વધારાની હતી એને બદલે ૦.૪ ટકાનો વધારો થયો હતો.
ચીનની ફૉરેક્સ રિઝર્વ ડિસેમ્બરમાં વધીને ૩.૨૩૮ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે નવેમ્બરમાં ૩.૧૭૨ ટ્રિલ્યન ડૉલર હતી અને માર્કેટની ધારણા ૩.૨૦૦ ટ્રિલ્યન ડૉલરની હતી. હાલની ચીનની ફૉરેક્સ રિઝર્વ છેલ્લાં બે વર્ષની સૌથી વધુ છે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની ધારણાથી ડૉલરના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડાને કારણે ચીનની ફૉરેક્સ રિઝર્વ વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય ૫.૨ ટકા વધ્યું હતું અને કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય બે ટકા ઘટ્યું હતું. ચીનની ગોલ્ડ રિઝર્વ ડિસેમ્બરમાં વધીને ૧૪૮.૨૩ અબજ ડૉલરની હતી જે નવેમ્બરના અંતે ૧૪૫.૭ અબજ ડૉલરની હતી.
ચાલુ સપ્તાહે અમેરિકાના ડિસેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થવાના છે. અમેરિકાનું ઇન્ફ્લેશન નવેમ્બર મહિનામાં સતત બીજે મહિને ઘટીને ૩.૧ ટકા રહ્યું હતું. ડિસેમ્બરનું ઇન્ફ્લેશન ૩.૧ ટકા રહેવાની માર્કેટની ધારણા છે. અમેરિકાનું ઇન્ફલેશન ગયા વર્ષે જુલાઈમાં સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ ૯.૨ ટકાએ પહોંચ્યા બાદ ફેડરલ રિઝર્વે દોઢ વર્ષ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો જેને કારણે ઇન્ફ્લેશન ઘટીને ગયા જૂન મહિનામાં ત્રણ ટકા થયું હતું. જોકે ત્યાર બાદ ઇન્ફ્લેશન જુલાઈ અને ઑગસ્ટમાં ૩.૭ ટકાએ પહોંચ્યા બાદ સતત ઘટી રહ્યું છે. ફેડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકા હોવાથી હજી ઇન્ફ્લેશન ઘટીને બે ટકાની નજીક ન પહોંચે ત્યાં સુધી અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો શરૂ થવાની શક્યતા નથી.
ચાલુ સપ્તાહે અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા ઉપરાંત પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા પણ જાહેર થશે. અમેરિકન ફેડના અનેક ઑફિશ્યલ્સની સ્પીચ ચાલુ સપ્તાહે યોજાઈ હોવાથી ઇન્ટરેસ્ટ રેટના ઘટાડા વિશે કોઈ નિશ્ચિત દિશાનિર્દેશ મળવાની પણ શક્યતા છે. ભારત, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મેક્સિકો અને સ્વિટ્ઝરલૅન્ડના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. ચીનનું પણ કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ચાલુ સપ્તાહે જાહેર થશે. યુરો એરિયાના અનએમ્પ્લૉયમેન્ટ રેટના ડેટા ઉપરાંત બ્રિટનના ગ્રોથરેટ ડેટા અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.

