Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ત્રણ સપ્તાહના તગડા જમ્પ સાથે શૅરબજાર સર્વોચ્ચ સપાટીએ બંધ, માર્કેટ કૅપ પણ ઑલટાઇમ હાઈ થયું

ત્રણ સપ્તાહના તગડા જમ્પ સાથે શૅરબજાર સર્વોચ્ચ સપાટીએ બંધ, માર્કેટ કૅપ પણ ઑલટાઇમ હાઈ થયું

Published : 17 June, 2023 02:05 PM | IST | Mumbai
Anil Patel

વર્ષમાં ૩૫૦ ટકાની મારફાડ તેજી સાથે આર્જે​ન્ટિનાનો માર્વેલ ઇન્ડેક્સ હવે ૪ લાખ પૉઇન્ટ ભણી : ચાઇનીઝ ​સ્ટિમ્યુલસ ડોઝની હવામાં બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૫ ડૉલરની ઉપર : ઘરઆંગણે એફએમસીજી, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડિ​સ્ક્રિશનરી, સ્મૉલ કૅપ, મિડ કૅપ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શુક્રવારે સેન્સેક્સ ૪૬૭ પૉઇન્ટના જમ્પમાં ૬૩,૩૮૪ ઉપર અને નિફ્ટી ૧૩૮ પૉઇન્ટની મજબૂતીમાં ૧૮,૮૨૬ની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૬૩,૫૮૩ની વિક્રમી સપાટીની નજીક, ૬૩,૫૨૦ વટાવી ગયો હતો. નિફ્ટી ૧૮,૮૮૭ની એની લાઇફટાઇમ ટૉપ ભણી ગતિમાન થતાં ૧૮,૮૬૫ થયો હતો. બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહ્યું હતું. છેલ્લો કલાક પ્રમાણમાં શાર્પ જમ્પનો હતો. આ સાથે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૨.૦૭ લાખ કરોડ રૂપિયા વધીને હવે ૨૯૨.૭૮ લાખ કરોડની ઉપર નવા બેસ્ટ લેવલે પહોંચી ગયું છે. માર્કેટ બ્રેડ્થ ઘણી સારી રહી છે. એનએસઈ ખાતે ઘટેલા ૭૮૦ શૅરની સામે ૧૨૮૦ જાતો વધી છે. આઇટીના સાધારણા તથા ટેક્નૉલૉજીઝ, ઑઇલ-ગૅસ અને રિયલ્ટીના નજીવા ઘટાડાને બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રોડર માર્કેટ, કૅપિટલ ગુડ્સ, એફએમસીજી, કન્ઝ્યુમર ડિ​સ્ક્રિશનરી ગુડ્સ સર્વિસિસ ઇન્ડેક્સમાં નવી ઑલટાઇમ હાઈ બની છે. હેલ્થકૅર ઇન્ડેક્સ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ ગયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢેક ટકા, બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ સવા ટકો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક એક ટકો, કન્ઝ્યુમર ગુડ્સ, કન્ઝ્યુમર ડિ​સ્ક્રિશનરી ગુડ્સ તથા એફએમસીજી ઇન્ડેક્સ પોણા ટકા જેવા પ્લસ હતા. સ્મૉલ કૅપ, મિડ કૅપ તથા બીએસઈ૫૦૦ પોણા ટકા જેવા મજબૂત થયા છે. આ સાથે વીકલી ધોરણે પણ સેન્સેક્સ


૧.૨ ટકા કે ૭૫૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧.૪ ટકા કે ૨૬૩ પૉઇન્ટની આગેકૂચ સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યાં છે.  
વિશ્વબજારો માટે પણ વિદાય થયેલું સપ્તાહ માર્ચ પછીના બેસ્ટ ગેઇનર સાથે પૂરું થયું છે. ગુરુવારની મોડી રાતે અમેરિકન શૅરબજાર સવા ટકાની આસપાસ વધીને આવ્યું છે. ચાઇના તરફથી ​​સ્ટિમ્યુલસ ડોઝ નજીકમાં હોવાનો સંકેત અપાયો છે. સરવાળે એશિયા યુરોપનાં બજારો શુક્રવારે મૂડમાં દેખાયાં છે. જૅપનીઝ નિક્કેઈ ૩૩,૭૭૩ની માર્ચ ૯૦ પછીની ટોચે જઈ ૨૨૦ પૉઇન્ટ વધી ૩૩,૭૦૬ બંધ થયો છે. હૉન્ગકૉન્ગ એક ટકો, ચાઇના અને સાઉથ કોરિયા પોણા ટકાની નજીક તો સિંગાપોર અડધો ટકો અપ હતું. તાઇવાન અને ઇન્ડોનેશિયા મામૂલી નરમ હતા. ચાઇનીઝ ​સ્ટિમ્યુલની હવામાં બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૫ ડૉલરને વટાવી ગયું છે. બાય ધ વે ફુગાવો અને વ્યાજદરમાં વધારાના ભારે બોજથી ખાડે ગયેલા આર્જેન્ટિનાનો માર્વેલ ઇન્ડેક્સ ગુરુવારે સાડાત્રણ ટકા કે ૧૩,૧૩૬ પૉઇન્ટના ઉછાળે ૩,૯૧,૮૩૧ની વિક્રમી સપાટીએ બંધ થયો છે. આ શૅરબજાર વર્ષમાં ૩૫૦ ટકા વધી ચૂક્યું છે. 



વિપ્રો બન્ને બજારમાં ટૉપ લૂઝર, પતંજલિ ફૂડ્સ ત્રીજા દિવસે પણ વધ્યો 
શુક્રવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૬ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર વધ્યા છે. સેન્સેક્સ ખાતે બજાજ ફિનસર્વ સવાબે ટકા, ટાઇટન ૧.૭ ટકા, કોટક બૅન્ક તથા એચડીએફસી બૅન્ક ૧.૩ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો, આઇટીસી તથા એચડીએફસી ૧.૨ ટકા અને બજાજ ફાઇનૅન્સ એક ટકાથી વધુ પ્લસ હતા. રિલાયન્સ એક ટકા નજીકના સુધારામાં ૨૫૭૫ વટાવી ગયો છે. નિફ્ટી ખાતે એચડીએફસી લાઇફ ૫.૪ ટકા, એસબીઆઇ લાઇફ સવાત્રણ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૩ ટકા, યુપીએલ દોઢ ટકા, બ્રિટાનિયા ૧.૪ ટકા, અદાણી પોર્ટ્સ એક ટકો મજબૂત હતા. ગઈ કાલે મેઇન બેન્ચ માર્ક ખાતે આઇટીસી, નેસ્લે, અપોલો હૉસ્પિટલ્સ, બ્રિટાનિયા, એનટીપીસી, ટાઇટન, અલ્ટ્રાટેક જેવાં કાઉન્ટર નવા શિખરે ગયાં છે. 
વિપ્રો બે ટકા જેવા ઘટાડે બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. બજાર ઑટો ૧.૭ ટકા, ટીસીએસ સવા ટકો, ભારત પેટ્રો અડધો ટકો નરમ થયા છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી એન્ટર ૦.૯ ટકા, અદાણી ગ્રીન ૧.૪ ટકા, અંબુજા સિમેન્ટ અડધો ટકો તથા અદાણી ટોટલ અને એસીસી સાધારણ સુધર્યા છે. સામે એનડીટીવી દોઢ ટકા, અદાણી વિલ્મર પોણાત્રણ ટકા, અદાણી પાવર એક ટકો અને અદાણી ટ્રાન્સમિશન અડધો ટકો માઇનસ હતા. મોનાર્ક પોણો ટકો વધ્યો છે, પતંજલિ ફૂડ્સ સુધારાની હૅટ-ટ્રિકમાં બે ટકા વધી ૧૧૪૫ નજીક પહોંચ્યો છે. 
દરમ્યાન મેઇન બોર્ડની ૧૦ના શૅરદીઠ ૨૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને આગલા દિવસ ગ્રે-માર્કેટમાં સો રૂપિયાના પ્રીમિયમવાળી આઇકીઓ લાઇટિંગ ગઈ કાલે ૩૯૧ ખૂલી ઉપરમાં ૪૨૭ વટાવી ૪૦૪ નજીક બંધ થતાં અહીં ૪૧.૭ ટકાનો કે શૅરદીઠ ૧૧૯ રૂપિયા નજીકનો લિ​સ્ટિંગ ગેઇન છૂટ્યો છે. કોર ડિજિટલ ૫ ટકા તૂટી ૧૭૨ થઈ ગઈ છે. 
કલ્યાણ જ્વેલર્સમાં ઝમક દેખાઈ, મઝગાવ ડૉક અને ગાર્ડન રીચ નવી ટોચે 
સેન્સેક્સ અગાઉ ૧લી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ૬૩,૨૮૪ તથા નિફ્ટી ૧૮,૮૧૨ની વિક્રમી સપાટીએ બંધ રહ્યા હતા. આ લેવલ શુક્રવારે જૂના થઈ ગયા છે અને બન્ને બજાર નવા શિખરે બંધ આવ્યાં છે. ત્યારે હવે ઇન્ટ્રા-ડેની રીતે પણ માર્કેટ બહુ ઝડપથી નવી ઑલટાઇમ હાઈ બતાવશે એમાં કશી શંકા નથી. વિશ્લેષકો વર્તમાન બુલ-રનનો નજીકનો પડાવ ૧૯,૦૦૦ના નિફ્ટીમાં જુએ છે.


મતલબ કે ૬૫,૦૦૦ આસપાસનો સેન્સેક્સ થયો. 
એ-ગ્રુપ ખાતે કલ્યાણ જ્વેલર્સ ૧૩૫ની ટોચે જઈ ૧૫.૨ ટકાની ઝમકમાં ૧૩૨ નજીક બંધ આપીને ટૉપ ગેઇનર બન્યો છે. ટીબીઝેડ સાડાત્રણ ટકા, પીસી જ્વેલર્સ ૩.૪ ટકા, રાજેશ એક્સ પોર્ટ્સ ૨.૩ ટકા અને સ્ટારલિનેપ્સ બે ટકા વધ્યો છે. ​શિપ બિ​લ્ડિંગ શૅરો તેજીમાં છે. મઝગાવ ૧૨૧૬ની વિક્રમી સપાટી બતાવી ૧૩૨ રૂપિયા કે સાડાબાર ટકાની તેજીમાં ૧૧૮૬ થયો છે. કોચીન શિપયાર્ડ ૪ ટકા ઊંચકાઈ ૫૭૯ અને ગાર્ડન રીચ ૬૦૦ના બેસ્ટ લેવલે જઈ સવાસાત ટકાના જમ્પમાં ૫૯૦ બંધ રહ્યો છે. હિન્દુ. ઍરોનોટિક્સ ૩૮૮૫ની વિક્રમી સપાટી દેખાડી ૧૩૪ રૂપિયા કે સાડાત્રણ ટકા વધીને ૩૮૪૩ હતો. વૉક્હાર્ટ સાત ગણા વૉલ્યુમે ૧૧.૫ ટકાની તેજીમાં ૨૧૫ થયો છે. મૅન્ગલોર રિફાઇનરી નવ ગણા કામકાજે ૭.૪ ટકા ઊછળીને ૭૨ નજીક ગયો છે. કેસી ઇન્ડસ્ટ્રીઝ ૧૪,૬૬૫ની નવી ટોચે જઈ નીચામાં ૧૨,૨૦૦ થઈ ૭ ટકા કે ૯૪૫ના કડાકામાં ૧૨,૩૭૮ હતો. કૅપ્રિ ગ્લોબલ સાડાપાંચ ટકા અને એસ્ટરડીએમ પોણાપાંચ ટકા ગગડી એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. તાતા એલેક્સી બે ટકા કે ૧૫૦ની ખરાબીમાં ૭૬૩૩ રહ્યો છે. 

બૅ​ન્કિંગ ફાઇનૅન્સ શૅરોમાં મજબૂતી, વીમા ક્ષેત્રના શૅરોમાં ઝમક દેખાઈ
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના સથવારે ૪૯૪ પૉઇન્ટ વધી ૪૩,૯૩૮ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં દોઢ ટકો વધ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી માત્ર ૬ શૅર માઇનસ હતા. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અને કરુર વૈશ્ય બૅન્ક નવી ટોચે ગયા છે. કરુર વૈશ્ય સાત ટકા ઊછળી ૧૨૭ થઈ છે. બંધન બૅન્ક, જેકે બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, આરબીએલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, પીએનબી સવાબેથી ચાર ટકા મજબૂત હતી. સ્ટેટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક, કોટક બૅન્ક એકથી સવા ટકો વધ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૧૦૪ શૅરના સહારે સવા ટકો પ્લસ હતો. પેટીએમ ૯૦૯ની વર્ષની નવી ટોચે જઈ નજીવા સુધારે ૮૯૫ થયો છે. એલઆઇસી સવા ટકો વધી ૬૦૪ હતો. એચડીએફસી લાઇફ સાડાપાંચ ટકા, એસબીઆઇ લાઇફ સવાત્રણ ટકા, આઇસીઆઇસીઆઇ પ્રુ સાડાચાર ટકા, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પોણાચાર ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉ. અઢી ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ સાડાચાર ટકા અને સ્ટારહેલ્થ એક ટકો વધ્યા છે. પૉલિસી બાઝાર પોણો ટકો વધીને ૬૫૦ વટાવી ગઈ છે. 
હેલ્થકૅર સેગમેન્ટમાં ગુફિક બાયો સવા૧૪ ટકા ઊછળી ૨૩૨ થયો છે. વૉક્હાર્ટ ૧૧.૫ ટકા, વિન્ડલાસ બાયો સાડાઆઠ ટકા, બજાજ હેલ્થકૅર સાડાસાત ટકા, શેલ્બી સાડાપાંચ ટકા, મેડિકામેન પોણાપાંચ ટકા પ્લસ હતા. નેક્ટર ૬.૭ ટકા કપાયો છે. ડૉ.. રેડ્ડીઝ લૅબ ૧૧૨ રૂપિયા ઊછળી ૪૯૧૭ હતો. સિપ્લા પોણા ટકા જેવા સુધારે ફરી એકવાર ચાર આંકડે ૧૦૦૫ બંધ આવ્યો છે. જેબી કેમિકલ્સ ૨૨૬૯ના શિખરે જઈ પોણાચાર ટકાની મજબૂતીમાં ૨૨૫૧ થયો છે. લુપિન ૮૪૩ની ટૉપ બનાવી અડધો ટકો ઘટીને ૮૨૯ રહ્યો છે. 


ટીવી ૧૮, નેટવર્ક ૧૮, ઑન મોબાઇલ ઝળક્યા, ઓરિયનપ્રોમાં બુલ-રન જારી 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૮ શૅરના સુધારા વચ્ચે ૫૪ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. સાઇડ કાઉન્ટર્સમાં મો​સ્ચિપ ૯.૭ ટકા ઊછળી ૭૪ વટાવી ગઈ છે. ઓરિયનપ્રો ૧૦૨૯ની નવી ટૉપ બનાવી દોઢ ટકો વધી ૧૦૨૧ થયો છે. બ્રાઇટકૉમ ઉપલી સર્કિટ ચાલુ રાખી ૩૦ને આંબી ગયો છે. ૨૮ એપ્રિલે અહીં સવાનવનું બૉટમ બન્યું હતું. ફ્રન્ટલાઇનમાં વિપ્રો બે ટકા, ટીસીએસ સવા ટકો, ટેક મહિન્દ્ર સાધારણ ઘટ્યા છે. ઇન્ફી અને એચસીએલ ટેક્નૉ. અડધા ટકા નજીક તથા લાટિમ પોણો ટકો પ્લસ હતા. ટેલિકૉમમાં ઑનમોબાઇલ છ ટકા રણક્યો છે. ટેક્નૉલૉજી સ્પેસમાં ટીવી૧૮ સવાનવ ટકા, સારેગામા પાંચ ટકા, નેટવર્ક ૧૮ સવાચાર ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ. ૧.૯ ટકા પ્લસ હતા. પીવીઆર સવાત્રણ ટકા, જસ્ટ ડાયલ ૧.૮ ટકા, તાન્લા દોઢ ટકો ડાઉન હતા. એફએમસીજીમાં ઇમામી સાડાપાંચ ટકાની તેજીમાં ૪૦૨ રહ્યો છે. પરાગ મિલ્ક પોણાપાંચ ટકા વધ્યો છે. આઇટીસી સવા ટકાની અને હિન્દુ. યુનિલીવર એક ટકાની નજીક સુધર્યા હતા. કૅપિટલ ગુડ્સમાં સેફલર ઇન્ડિયા પાંચ ટકા કે ૧૫૧ની તેજીમાં ૩૧૮૨ થયો છે. એઆઇએ એ​ન્જિ ૪ ટકા ઊછળી ૩૪૫૭ની ટોચે બંધ આવ્યો છે. લાર્સન ૨૩૬૨ના લેવલે ફ્લૅટ હતો. ઑટોમાં અશોક લેલૅન્ડ સાડાચાર ટકા, ઉનો મિન્ડા દોઢ ટકો, બાલક્રિશ્ના ઇન્ડ ૧.૪ ટકા, ટીવીએસ મોટર્સ સવા ટકો, મહિન્દ્ર એકાદ ટકો વધ્યા છે. બજાજ ઑટો દોઢ ટકો ડાઉન થયો છે. મારુતિ અને તાતા મોટર્સ નજીવા સુધર્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2023 02:05 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK