Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોની હૂંફ વચ્ચે ટેક્નિકલ કરેક્શનમાં બજાર ૭૪૦ પૉઇન્ટ અપ

વિશ્વબજારોની હૂંફ વચ્ચે ટેક્નિકલ કરેક્શનમાં બજાર ૭૪૦ પૉઇન્ટ અપ

Published : 06 March, 2025 07:31 AM | Modified : 07 March, 2025 06:54 AM | IST | Mumbai
Anil Patel

ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ સામે બન્ને બજારનાં તમામ સેક્ટોરલ મજબૂત : BSE લિમિટેડનો શૅર સારા બજારમાં ખરડાઈને સાડાચાર મહિનાના તળિયે

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ સામે બન્ને બજારનાં તમામ સેક્ટોરલ મજબૂત : BSE લિમિટેડનો શૅર સારા બજારમાં ખરડાઈને સાડાચાર મહિનાના તળિયે : અદાણી પોર્ટ્‍સ પાંચ ટકા ઊછળી બન્ને બજારમાં ટૉપ ગેઇનર, ઓરિયેન્ટ સિમેન્ટ અને પીએસપી પ્રોજેક્ટ્સમાં ટેકઓવર માટે અદાણીને CCIની લીલી ઝંડી : લિસ્ટિંગ લૉસની હૅટ-ટ્રિક, શ્રીનાથ પેપરનું નબળું લિસ્ટિંગ, ૨૪ ટકા મૂડી સાફ : બજાજ ઑટો નવું બૉટમ બતાવી સુધારામાં બંધ, બજાજ ફાઇનૅન્સ બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની


અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સેનેટ સમક્ષ ૧૦૦ મિનિટ્સનું ભાષણ કરી તેમના ફેફસાની તાકાતનો પરચો આપી દીધો છે. આ લાંબાલચક ભાષણમાં અમેરિકા ફર્સ્ટની લવરીની સાથે-સાથે કૅનેડા, મેક્સિકો, ચાઇના, બ્રાઝિલ, યુરોપ અને અફકોર્સ ઇન્ડિયાને ટૅરિફના મામલે જોઈ લેવાની ધમકી પણ હતી. ટ્રમ્પના ભાષણ પછી ચાઇનાએ જબરો જવાબ આપ્યો છે. તેના વિદેશ પ્રધાને કહ્યું છે, ટૅરિફ-વૉર હોય કે પછી ગમે એ હોય, અમેરિકાને જે પ્રકારનું યુદ્ધ જોઈતું હોય એ લડી લેવા અમે તૈયાર છીએ. ટ્રમ્પના વાનરવેડા અમેરિકાનેય ભારે પડવાના છે, ફુગાવો વધવાનો છે, અર્થતંત્ર મંદ પડવાનું છે, ડિમાન્ડ અને સપ્લાયનાં સમીકરણ બગડવાનાં છે. એવા આકલનથી ત્યાંનું શૅરબજાર ગગડવા માંડ્યું છે. ડાઉ ઇન્ડેક્સ વધુ ખરડાઈ ૪૨,૩૪૮ થઈ છેવટે ૬૭૦ પૉઇન્ટની ખરાબીમાં ૪૨,૫૨૧ મંગળવારે બંધ થયો છે. મહિનામાં બજાર સવાપાંચ ટકા ડાઉન થયું છે. આ પરિસ્થિતિમાં બગડતી બાજી સુધારી લેવા અમેરિકન વાણિજ્ય મંત્રાલય આગળ આવ્યું છે. તેણે કૅનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા નવા ટૅરિફના મામલે નવી વાટાઘાટ અને ફેરવિચારણાને અવકાશ હોવાની વાત કરી છે. આના પગલે ટૅરિફ રોલબૅક થશે કે પછી ઘટશે એવી અટકળ શરૂ થઈ છે. આના પગલે બજારોનો મૂડ બદલાયો છે. બુધવારે તમામ અગ્રણી શૅરબજાર સારા એવા વધ્યાં છે. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ પોણાત્રણ ટકા, થાઇલૅન્ડ ૨.૪ ટકા, ઇન્ડોનેશિયા સવાબે ટકા, તાઇવાન અને સાઉથ કોરિયા સવા ટકા આસપાસ, ચાઇના અડધો ટકો, ફિલિપીન્સ એક ટકો પ્લસ હતું. યુરોપ ખાતે મજબૂત ઓપનિંગ બાદ રનિંગમાં લંડન ફુત્સી પોણો ટકો, જર્મન ડેક્સ સાડાત્રણ ટકા, ફ્રાન્સ અઢી ટકા, ડેનમાર્ક સવાબે ટકા, સાઉથ આફ્રિકા પોણાબે ટકા, ફિનલૅન્ડ બે ટકા, સ્પેન અને ઇટલી સવાબે ટકા, ઑસ્ટ્રિયા સાડાચાર ટકા, સ્વીડન અઢી ટકા ઉપર દેખાયું છે. બિટકૉઇન રનિંગમાં દોઢ ટકાના સુધારામાં ૮૮,૫૯૮ ડૉલર હતો.



ઘરઆંગણે સેન્સેક્સ પૉઝિટિવ બાયસમાં ૭૩,૦૦૫ ખૂલ્યા બાદ નીચામાં ૭૨,૮૯૪ બતાવી ઝડપી બાઉન્સબૅક સાથે મજબૂત વલણમાં ૭૩,૯૩૩ વટાવી ૭૪૦ પૉઇન્ટ વધી ૭૩,૭૩૦ બંધ થયો છે. નિફ્ટી ૧૦ દિવસની ત્રણેક દાયકાની સૌથી લાંબી મંદી બાદ ઉપરમાં ૨૨,૩૯૫ થઈ ૨૫૫ પૉઇન્ટ જેવા સુધારામાં ૨૨,૩૩૭ હતો. સેન્સેક્સ નિફ્ટીની હૂંફ વચ્ચે ઘરઆંગણે જોવાયેલી તાજેતરની ખરાબી પછીનું એક માત્ર ટેક્નિકલ કરેક્શન છે. એને મંદીનો અંત કે તેજીનો આરંભ માની લેવા ઉતાવળ કરવી નહીં. ગઈ કાલે મિડકૅપ, સ્મૉલકૅપ પોણા ટકા જવા અને બ્રૉડર માર્કેટ પોણાબે ટકા વધ્યું હોવાથી ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૪૬૧ શૅરની સામે માત્ર ૪૩૬ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૭.૯૮ લાખ કરોડ વધીને ૩૯૩.૦૪ લાખ કરોડ રૂપિયા થયું છે.


બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ખાસ્સા વધ્યાં છે. યુટિલિટીઝ  બેન્ચમાર્ક ૪.૪ ટકા, પાવર ઇન્ડેક્સ પોણાચાર ટકા, મેટલ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા, ટેલિકૉમ સવાત્રણ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ત્રણ ટકા, એનર્જી ઇન્ડેક્સ બે ટકા, કૅપિટલ ગુડ્સ સવાબે ટકા, ઑટો તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ અઢી ટકા, આઇટી ઇન્ડેક્સ બે ટકા, રિયલ્ટી સવાબે ટકા, નિફ્ટી મીડિયા ૩.૨ ટકા, નિફ્ટી ફાર્મા દોઢ ટકો, FMCG પોણાબે ટકા મજબૂત હતા. બૅન્ક નિફ્ટી ૨૪૫ પૉઇન્ટ કે અડધો ટકો વધ્યો છે.

અદાણીના તમામ શૅર મજબૂત, અદાણી ગ્રીન બે આંકડાની તેજીમાં


સેન્સેક્સ ખાતે ૩૦માંથી વધેલા ૨૫ શૅર અને નિફ્ટીના ૫૦માંથી પ્લસ થયેલા ૪૬ શૅરમાં અદાણી પોર્ટ્સ લગભગ બમણા વૉલ્યુમે પાંચ ટકાની તેજીમાં ૧૧૧૨ ઉપર બંધ આપી મોખરે હતો. ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝ પણ સાડાચાર ટકા કરતાં વધુ ઊચકાઈ ૨૨૪૫ થયો છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાચાર ટકા, અદાણી એનર્જી સાડાનવ ટકા, અદાણી ગ્રીન સાડાદસ ટકા નજીક, અદાણી ટોટલ પોણાઆઠ ટકા, NDTV સાડાચાર ટકા, એસીસી દોઢ ટકા નજીક, અંબુજા સિમેન્ટ્સ સવાત્રણ ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા નજીક વધ્યા છે. અદાણી વિલ્મર તરફથી વર્ષે ૩૯૦ કરોડ જેવું ટર્નઓવર ધરાવતી ટૉપ બ્રૅન્ડ હેઠળ બિઝનેસ કરતી દિલ્હી ખાતેની જીડી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડને હસ્તગત કરવાની જાહેરાત કરાઈ છે. એના પગલે શૅર બમણા વૉલ્યુમે પોણાઆઠ ટકા ઊછળી ૨૫૮ વટાવી ગયો છે. દરમ્યાન કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ અદાણીની અંબુજા સિમેન્ટ્સને હસ્તગત કરવાની લીલી ઝંડી આપી છે. એના પગલે પ્રમોટર્સ સીકે બિરલા ગ્રુપ તથા અન્ય પાસેથી અદાણી ૮૧૦૦ કરોડ રૂપિયામાં કુલ ૪૬.૮ ટકા હિસ્સો ખરીદશે. એની સાથે જ શૅરદીઠ ૩૯૫ના ભાવે ઓપન ઑફર આવશે. ઓરિયેન્ટ સિમેન્ટનો શૅર ગઈ કાલે સાડાચાર ગણા વૉલ્યુમે બે ટકા વધીને ૩૩૪ બંધ થયો છે. એક અન્ય કંપની અમદાવાદની પીએસપી પ્રોજેક્ટ્સ છે. આ કંપનીમાં અદાણી ગ્રુપની અદાણી ઇન્ફ્રાને ૩૦ ટકા હિસ્સો ખરીદવાની કૉમ્પિટિશન કમિશને મંજૂરી આપી છે. કંપનીમાં પટેલ પરિવાર ૬૦ ટકા હિસ્સો ધરાવે છે એમાંથી મુખ્ય પ્રમોટર પ્રહ્લાદ પટેલે તેમના ૪૭.૮ ટકાના હોલ્ડિંગમાંથી ૩૦ ટકા હિસ્સો અદાણી ઇન્ફ્રાને શૅરદીઠ ૬૭૨ના એ વખતે ચાલતા ભાવ સામે ડિસ્કાઉન્ટમાં, ૫૭૫  વેચવાનો સોદો ગત નેવમ્બરમાં કર્યો હતો. આ ડીલને CCIની મંજૂરી મળી છે. આથી એમાં હવે ઓપન ઑફર આવશે જેમાં શૅરદીઠ ભાવ ૬૪૨નો હશે. ગઈ કાલે આ શૅર એક ટકો સુધરી ૬૨૩ બંધ હતો.

ડેરિવેટિવ્ઝમાં સેટલમેન્ટ ગુરુવારને બદલે સોમવારે થશે

NSE તરફથી ડેરિવેટિવ્ઝમાં સેટલમેન્ટ હાલ સામાન્ય રીતે ગુરુવારના દિવસે થાય છે. હવે ૪ એપ્રિલથી આ પ્રથા બદલાશે. એના લીધે તમામ પ્રકારના ડેરિવેટિવ્ઝનું વીકલી અને મન્થ્લી સેટલમેન્ટ સોમવારે કરાશે. આના કારણે ટૂંકા ગાળામાં અલ્ગો ટ્રેડસ પર વત્તે-ઓછે અંશે માઠી અસર થવાની શક્યતા છે. ટ્રેડર્સે તેમની પોઝિશન ઍડ્જેસ્ટ કરવા નવી વ્યૂહનીતિ અપનાવવી પડશે. NSE ખાતે થતા ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગમાં ૭૦ ટકા હિસ્સો અલ્ગો ટ્રેડસનો છે. BSEના કિસ્સામાં આ પ્રણામ ત્રણ ટકા જેવું જ છે. સેટલમેન્ટ ગુરુવારના બદલે સોમવાર ઉપર જવાના લીધે શુક્રવાર બજાર માટે પ્રમાણમાં હેક્ટિક બની જશે. દરમ્યાન BSE લિમિટેડનો શૅર ગઈ કાલે નીચામાં ૪૦૩૫ની સાડાચાર માસની બૉટમ બનાવી સાડાત્રણ ટકા ગગડી ૪૨૯૯ બંધ થયો છે. ૨૦ જાન્યુઆરીએ ભાવ ૬૧૩૩ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. અનલિસ્ટેડ માર્કેટમાં NSE લિમિટેડનો શૅર ૧૮૭૦ના લેવલે યથાવત્ છે. નવેમ્બરના મધ્યમાં ભાવ ૧૯૭૦ના લેવલે યથાવત્ છે. નવેમ્બરના મધ્યમાં ભાવ ૧૯૫૦ના શિખરે હતો. તાતા કૅપિટલ ૧૦૪૫ આસપાસ છે. મે ૨૦૨૪ના આરંભમાં અત્રે ૧૧૫૦ની ટૉપ બની હતી.

પ્રાઇમરી માર્કેટમાં નેપ્સ ગ્લોબલ ઇન્ડિયાનો શૅરદીઠ ૯૦ના ભાવનો ૧૧૮૮ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલની મહેરબાનીથી ૪૨ ટકા ભરાયો છે, જ્યારે શૅરદીઠ ૪૪ની ઇશ્યુ પ્રાઇસવાળી શ્રીનાથ પેપર ૩૫ ખૂલી નીચલી સર્કિટમાં ૩૩.૪૪ બંધ થતાં અત્રે ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. જ્યારે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયા પછી ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં બિઝાસણ એકસ્પ્લોટેક પાંચ ટકા વધી ૧૬૯ રહી છે તો ન્યુક્લિયસ ઑફિસ સવા ટકો સુધરી ૧૯૯ હતી.

બજાર બગડતાં વિપુલ ઑર્ગેનિક્સે રાઇટનો ભાવ ઘટાડ્યો

મેઇન બેન્ચમાર્ક ખાતે અદાણી પોર્ટ્સ પછી વધેલા અન્ય શૅરમાં તાતા સ્ટીલ પાંચ ટકા નજીક, પાવર ગ્રીડ સવાચાર ટકા, મહિન્દ્ર ૪.૩ ટકા, NTPC ૪ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૩.૯ ટકા, આઇશર અને તાતા મોટર્સ સાડાત્રણ ટકા, ટેક મહિન્દ્ર પોણાચાર ટકા, આઇટીસી ૨.૭ ટકા, ભારતી ઍરટેલ અઢી ટકા, બ્રિટાનિયા સવાત્રણ ટકા, JSW સ્ટીલ ત્રણ ટકા, હિન્દાલ્કો અઢી ટકા, HCL ટેક્નૉ અઢી ટકા નજીક, ભારત પેટ્રો તથા નેસ્લે સવાબે ટકા, ટ્રેન્ટ SBI લાઇફ, સ્ટેટ બૅન્ક તથા હીરો મોટોકૉર્પ બબ્બે ટકા મજબૂત હતા. બજાજ ઑટો આગલા દિવસના ધબડકા બાદ સવા ટકો સુધરી ૭૪૩૭ બંધ આપતાં પૂર્વે ૭૩૦૮ના નવા તળિયે ગયો હતો. રિલાયન્સ સવા ટકા નજીકના સુધારામાં ૧૧૭૬ નજીક ગયો છે. ઇન્ફોસિસ સવા ટકો તથા ટીસીએસ અડધો ટકો પ્લસ હતા.

બજાજ ફાઇનૅન્સ સવાત્રણ ટકા કે ૨૭૯ રૂપિયા ખરડાઈ બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક દોઢ ટકા તો HDFC બૅન્ક સવા ટકો ઘટી હતી. ક્રાફ્ટસમૅન ઑટોમેશન સાડાબાર ટકા કે ૫૭૪ની તેજીમાં ૫૧૧૨ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. ગેબ્રિયલ ઇન્ડિયા સવાબાર ટકા ઊચકાઈ ૪૯૮ થયો છે. સામે જેનસોલ એન્જિનિયરિંગ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૭૨ના નવા તળિયે ગયો છે. ૨૪ જૂનના રોજ આ શૅર ૧૧૨૬ના શિખરે હતો. જિંદલ વર્લ્ડ વાઇડ પોણાસાત ટકા તૂટી ૬૪ થયો છે. આનંદ રાઠી વેલ્થ ત્રણ ગણા વૉલ્યુમે ૭.૭ ટકા કે ૧૩૫ રૂપિયા ગગડી ૧૮૯૫ દેખાયો છે. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ ૭૯ની નવી મલ્ટિયર બૉટમ બાદ ૪ ટકા લથડી ૮૦ રહી છે.

વિપુલ ઑર્ગેનિક્સ દ્વારા બજારની વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં લઈ રાઇટ ઇશ્યુની પ્રાઇસ શૅરદીઠ ૫૪ નક્કી થઈ હતી એ ઘટાડી હવે ૪૬ રૂપિયા કરાઈ છે. રાઇટ માટેની રેકૉર્ડ ડેટ ૧૦ માર્ચ છે. રેશિયો ત્રણ શૅર દીઠ એક રાઇટનો છે. શૅર ગઈ કાલે આઠ ગણા કામકાજે ઉપરમાં ૨૦૪ વટાવ્યા બાદ ભારે વેચવાલી પાછળ ૧૭૦ થઈ બે ટકા ઘટી ૧૮૮ નજીક બંધ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2025 06:54 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK