રેવન્યુ ગ્રોથના વસવસામાં હેક્સાવેર ટેક્નૉલૉજીઝ ખરડાયો, BSE લિમિટેડમાં ઘટાડો આગળ વધ્યો
પ્રતીકાત્મક તસવીર
બાલાજી ફૉસ્ફેટ્સમાં સવાછ ટકાનો લિસ્ટિંગ ગેઇન, સોમવારે નવી મુંબઈની પીડીપી શિપિંગનો SME ઇશ્યુ : ડેટા પૅટર્ન્સ ૨૧૦ની તેજીમાં એ-ગ્રુપમાં ઝળક્યો, ગરવારે હાઈ ટેક વર્સ્ટ પર્ફોર્મર બન્યો : સતત ખોટ કરતો RRP સેમિકન્ડક્ટર્સ ૧૧ માસમાં ૩૦૨૦ ટકા ઊછળી નવા શિખરે : રેવન્યુ ગ્રોથના વસવસામાં હેક્સાવેર ટેક્નૉલૉજીઝ ખરડાયો, BSE લિમિટેડમાં ઘટાડો આગળ વધ્યો : ક્રૂડ સેન્સિટિવ શૅરોમાં આવેલો ઉછાળો બહુધા શમી ગયો : માર્કેટ બ્રેડ્થ મજબૂત : અમેરિકન નૅસ્ડૅક ઇન્ડેક્સ હવે કરેક્શન ઝોનમાં આવ્યો
ટ્રમ્પ કયો માલ ફૂંકે છે એ જ ખબર પડતી નથી. કૅનેડા અને મેક્સિકો ખાતેથી થતી આયાત પર પચીસ ટકા ડ્યુટીની જાહેરાત હજી હવામાં ગુંજે છે, ત્યાં એનો અમલ એક મહિનો સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ માણસ અમેરિકાને ગ્રેટ બનાવશે કે નહીં એની ખબર નથી, પરંતુ એના રંગ-ઢંગ જોતાં અમેરિકામાં માતમની હાલત અવશ્ય થશે એમ લાગે છે. આમેય જીમ રોજસે તો છેક ૧૯૮૦માં ભવિષ્યવાણી કરી દીધી છે કે ૨૧મી સદીમાં જે આજનું અમેરિકા છે એ ત્યાં નહીં હોય. બસો વર્ષથી એનો ભૌગોલિક વિસ્તાર યથાવત્ રહ્યો છે એ હવે રહેવાનો નથી. એની વે, ટ્રમ્પના ટૅરિફના ઉધામાની અસરમાં ત્યાંનું શૅરબજાર ઘસાતું જાય છે. ડાઉ ઇન્ડેક્સ દોઢ ટકો કે ૬૮૧ પૉઇન્ટ વધુ ખરડાઈ ગુરુવારની મોડી રાતે ૪૨,૫૭૯ બંધ થયો છે. સપ્તાહમાં ત્યાંનું માર્કેટ પાંચ ટકા સાફ થયું છે. નૅસ્ડૅક અઢી ટકા ગગડી ૧૮,૦૬૯ બંધ થયો છે જે એની ૨૦,૨૦૪ની પીકના મુકાબલે ૧૦.૬ ટકાનું ગાબડું સૂચવે છે. મતલબ કે નૅસ્ડૅક માર્કેટ હવે રીતસર કરેક્શન ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. દેશ અને આખી દુનિયા માટે ટ્રમ્પ એક મોટું ટેન્શન છે. આજે એક વાત ને કાલે બીજી, આ માણસની વાતનો કોઈ ઘડો જ બંધાતો નથી. આમાં પૉલિસી કે સ્ટ્રૅટેજી ઘડવી તો કેવી રીતે ઘડવી? બધા મૂંઝાય છે. ગઈ કાલે થાઇલૅન્ડના એક ટકાના તથા ઇન્ડોનેશિયાના સાધારણ સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ઢીલાં હતાં. જપાન સવા બે ટકા તો હૉન્ગકૉન્ગ, તાઇવાન અને સાઉથ કોરિયા અડધા ટકા જેવા નરમ હતા. ચાઇના તથા સિંગાપોર નહીંવત્ ઘટ્યા છે. યુરોપ રનિંગમાં અડધા ટકાથી માંડી દોઢ ટકો કપાયું હતું. બ્રૅન્ટ ક્રૂડ ૭૦ ડૉલરે ટકેલું હતું. બિટકૉઇન રનિંગમાં પોણા ટકાના ઘટાડે ૮૯,૨૨૩ ડૉલર દેખાતો હતો. ટ્રમ્પે ક્રિપ્ટો કરન્સીમાં રિઝર્વ ઊભી કરવા માટેનો ઑર્ડર વિધિવત જાહેર કરી દીધો છે, પરંતુ આ ઑર્ડર જાહેર થયા પછી ક્રિપ્ટો કરન્સીમાં સુધારાને બદલે ખરાબી આવી હતી. બિટકૉઇન ૯૨,૭૮૨ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી નીચામાં ૮૫,૫૪૮ ડૉલર થઈ ગયો હતો. અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ આવી જ સ્થિતિ હતી, કારણ કે ટ્રમ્પે જે ઑર્ડર જાહેર કર્યો છે એ હકીકતમાં બહુ ઉપર છલ્લો કે સિમ્બૉલિક છે. ક્રિપ્ટોકરન્સીની સ્ટ્રૅટેજિક રિઝર્વ ઊભી કરવા સરકાર બિટકૉઇન, રિપલ, ઇથર, કાર્ડાનો અને સોલાના જેવા કૉઇન્સમાં એક પણ કૉઇનની નવી ખરીદી કરવાની નથી. સ્ટ્રૅટેજિક રિઝર્વ ઊભી કરવા માટે જરૂરી ફન્ડની કોઈ જોગવાઈ સરકાર કરવાની નથી, તો પછી આ ઑર્ડરનો અર્થ શો?
ADVERTISEMENT
સેન્સેક્સ ગઈ કાલે ફ્લૅટ ઓપનિંગમાં ૭૪,૩૪૭ ખૂલી છેવટે લગભગ ફ્લૅટ, સાડાસાત પૉઇન્ટ ઘટી ૭૪,૩૩૨ તથા નિફ્ટી આઠેક પૉઇન્ટ સુધરી ૨૨,૫૫૨ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૪,૦૩૮ તથા ઉપરમાં ૭૪,૫૮૬ થયો હતો. સ્મૉલ કૅપ બેન્ચમાર્ક પોણો ટકો વધ્યો છે આઇટી, યુટિલિટીઝ, રિયલ્ટી, પાવર, ટેક્નૉલૉજીઝ, બૅન્ક નિફ્ટી જેવાં સેક્ટોરલ અડધાથી એક ટકો નરમ હતાં. નિફ્ટી મીડિયા પોણાબે ટકા પ્લસ હતાં. બન્ને બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસ રેડઝોનમાં ગયા છે, પરંતુ માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૧૮૧૮ શૅર સામે ૧૦૯૩ જાતો ઘટી હતી. બજારનું માર્કેટ કૅપ ૭૧,૦૦૦ કરોડ રૂપિયા વધી ૩૯૮.૨૯ લાખ કરોડ વટાવી ગયું છે.
બાલાજી ફૉસ્ફેટ્સ ૭૦ની ઇશ્યુ-પ્રાઇસ સામે ૭૫ ખૂલી ૭૪.૩૫ બંધ થતાં અત્રે સવાછ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સોમવારે નવી મુંબઈની પીડીપી શિપિંગ ઍન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવથી ૧૨૬૫ લાખનો BSE SME IPO કરવાની છે.
બ્રોકરેજના બુલિશ વ્યુમાં રિલાયન્સ સતત ત્રીજા દિવસે વધ્યો
રિલાયન્સ ઘણા વખતની નબળાઈ બાદ વૅલ્યુ બાઇંગની થીમ પાછળ ઝમકમાં આવવા માંડ્યો છે. બ્રોકરેજ હાઉસ એમ્કે ગ્લોબલ તથા મેક્વાયરે ટાર્ગેટ પ્રાઇસ અપગ્રેડ કરી અનુક્રમે ૧૪૫૦ તથા ૧૫૦૦ના લક્ષ્યાંક સાથે બાયની ભલામણ કરી છે. શૅર સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ગઈ કાલે ઉપરમાં ૧૨૫૪ થઈ સવાત્રણ ટકા વધી ૧૨૪૯ બંધ સાથે બન્ને બજારમાં ટૉપ પર્ફોર્મર બની બજારને ૨૨૫ પૉઇન્ટ ફળ્યો છે. અન્યમાં નેસ્લે, ભારત ઇલેક્ટ્રિક્સ, બજાજ ઑટો, તાતા મોટર્સ, હિન્દાલ્કો, HDFC લાઇફ એકથી પોણાબે ટકા મજબૂત હતા. સેન્સેક્સ ખાતે ઝોમૅટો ૩.૮ ટકા તૂટી બગડી ૨૧૭ હતો. નિફ્ટી ખાતે ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૩.૬ ટકા નરમ રહ્યો હતો. NTPC અઢી ટકા તો શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા ડાઉન હતો. ઇન્ફોસિસ દોઢ ટકાના ઘટાડે ૧૬૮૬ બંધ આપી બજારને સર્વાધિક ૮૫ પૉઇન્ટ નડ્યો છે. સામે ટીસીએસ સામાન્ય સુધારે ૩૬૧૧ હતો. HCL ટેક્નૉ દોઢ ટકા, ટાઇટન સવા ટકો, પાવર ગ્રીડ સવા ટકો, ટ્રેન્ટ દોઢેક ટકા, ભારત પેટ્રો દોઢ ટકા, અપોલો હૉસ્પિટલ્સ એક ટકા ઘટી છે.
ક્રૂડ ઐતિહાસિક તળિયે જવાને પગલે ગુરુવારે ક્રૂડ સેન્સિટિવ શૅરોમાં જે ઝમક આવી હતી એ વળતા દિવસે લગભગ ઓસરી ગઈ છે. મહાનગર ગૅસ ચાર ટકા, કૅસ્ટ્રોલ સવા બે ટકા, ગેઇલ બે ટકા, હિન્દુસ્તાન પેટ્રો પોણાબે ટકા, ગુજરાત ગૅસ ૧.૪ ટકા, ઇન્ડિયન ઑઇલ પોણો ટકો, ભારત પેટ્રો દોઢ ટકા ઘટ્યા છે. પેઇન્ટ્સ ઉદ્યોગમાં જોકે નવમાંથી ૭ શૅર પ્લસ હતા. રેટિના પેઇન્ટ સાડાછ ટકા, કામધેનુ વેન્ચર્સ પાંચ ટકા, ઇન્ડિગો પેઇન્ટ્સ પોણાચાર ટકા, બર્ગર પેઇન્ટ્સ ૧.૮ ટકા, શાલીમાર પેઇન્ટ્સ ત્રણેક ટકા, કન્સાઇ નેરોલેક પોણો ટકા અપ હતો. ટાયર સેગમેન્ટમાં ટીવીએસ શ્રીચક્ર ત્રણેક ટકા, અપોલો ટાયર્સ પોણાબે ટકા, જેકે ટાયર અઢી ટકા, સીએટ ૧.૪ ટકા વધ્યો હતો. બાલક્રિશ્ના ઇન્ડ, MRF, ગુડયર સાધારણથી એકાદ ટકો ઘટ્યા છે.
નુવામાનો બુલિશ વ્યુ ઝી ગ્રુપના શૅરોને જબરો ફળ્યો
ડેટા પૅટર્ન્સ સાત ગણા કામકાજે ૧૬૯૦ વટાવી અંતે ૧૫ ટકા કે ૨૧૦ની તેજીમાં ૧૬૩ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ત્રિવેણી ટર્બાઇન ૧૪ ટકા અને આઇનૉક્સ વિન્ડ સવા અગિયાર ટકા ઊછળ્યો હતો. સામે ગરવારે હાઈ ટેક બમણા વૉલ્યુમે છ ટકા કે ૨૬૯ રૂપિયાના ધબડકામાં ૪૨૨૪ બંધ આપી એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. હિટાચી એનર્જી ૫૬૦ રૂપિયા કે ચાર ટકા તથા કલ્યાણ જ્વેલર્સ અને પૈસાલો ડિજિટલ ૪.૪ ટકા ડાઉન હતા. જિયો ફાઇનૅન્સ એક ટકાના સુધારે ૨૨૨ થયો છે. એલઆઇસી અડધો ટકો નરમ હતો. ક્વેસ કૉર્પમાં ત્રિપાંખિયા ડી-મર્જરને એન-ક્લેટની લીલી ઝંડી મળી છે. શૅર ૧.૪ ટકા વધી ૬૪૪ હતો.
જેના બિઝનેસ મોડલના કશાં ઠેકાણાં નથી, કંપની સતત ખોટમાં છે એવી થાણેની RRP સેમિકન્ડક્ટર ઉપલી સર્કિટની હારમાળા જાળવી રાખતાં બે ટકા વધી ૪૬૮ની સર્વોચ્ચ સપાટીએ ગઈ છે. ૨ એપ્રિલના રોજ શૅર ૧૫ રૂપિયાના તળિયે હતો. છેલ્લાં પાંચ વર્ષમાંથી પ્રથમ ચાર વર્ષમાં કંપનીની રેવન્યુ રીતસર ઝીરો હતી. ગયા વર્ષે આવક ૩૮ લાખ રહી છે, સામે છેલ્લાં પાંચ વર્ષની સતત ખોટ કુલ મળીને ૨૯ લાખ રૂપિયા છે. ઇપીએસ માઇનસ ઝોનમાં છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ સાડાઆઠ રૂપિયા પણ નથી. આવી કંપનીનો શૅર વર્ષથી પણ ઓછા સમયમાં ૩૦૨૦ ટકા વધી જાય, માર્કેટ કૅપ ૬૩૮ કરોડનું થઈ જાય એવું કેવળ સેબી રાજમાં જ શક્ય છે.
ભારતી ઍરટેલમાં બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ૧૮૯૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ અપાયો છે. શૅર નહીંવત્ સુધારે ૧૬૩૧ બંધ રહ્યો છે. બાય ધ વે, રિલાયન્સમાં જેફરીઝવાળા ૧૬૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ બન્યા છે. ઝી એન્ટરમાં નુવામાએ ૧૮૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે લેવાની ભલામણ કરી છે. શૅર દોઢા વોલ્યુમે છ ટકા નજીકની તેજીમાં ૧૦૪ નજીક ગયો છે. ઝી મીડિયા ચાર ટકા તથા ઝી લર્ન નવ ટકા જેવો ઊછળ્યો છે.
જેન્સોલમાં ખરાબી ચાલુ રહી, જય કૉર્પ ઉપલી સર્કિટમાં બંધ
તાજેતરમાં લિસ્ટેડ થયેલી હેક્સાવેર ટેક્નૉલૉજીઝે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૦ ટકાના વધારા સાથે ૩૧૫૪ કરોડની આવક ઉપર ૬૬ ટકાના વૃદ્ધિદરથી ૩૨૧ કરોડ જેવો નેટ નફો કર્યો છે, પરંતુ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ ૩૭૪૦ લાખ ડૉલરની આવક મેળવી હતી એની સામે આ વેળાની ૩૭૪૦ લાખ ડૉલરની આવક અડધા ટકાનો ઘટાડો બતાવે છે. ઉપરાંત તાજેતરના ઘટનાક્રમને જોતાં કંપનીએ ગાઇડન્સિસ પણ ઢીલુ આપ્યું છે. સરવાળે શૅર ગઈ કાલે દોઢા વૉલ્યુમે નીચામાં ૭૫૯ થઈ ૪.૮ ટકા બગડી ૭૮૧ બંધ થયો છે. BSE લિમિટેડમાં માનસ કમજોર બન્યું છે. શૅર ૪૧૬૨ની સાડાચાર માસની નવી બૉટમ બનાવી ૧.૮ ટકા ઘટી ૪૧૭૮ રહ્યો છે. ભાવ સપ્તાહમાં દસેક ટકા અને મહિનામાં ૨૭ ટકા ગગડ્યો છે. ક્રેડીટ રેટિંગ એજન્સી ઇકરા અને કૅર તરફથી ડી-ગ્રેડિંગ સાથે કંપનીએ એની આર્થિક સધ્ધરતાના મામલે ખોટી રજૂઆત કરી હોવાના આક્ષેપના પગલે નીચલી સર્કીર્કિટની હૅટ-ટ્રિકમાં ૪૦ ટકા તૂટી ગયેલી જેન્સોલ એન્જિનિયરિંગ ગઈ કાલે એક વધુ નીચલી સર્કિટમાં ૧૦ ટકા તૂટી ૩૦૩ ખૂલી હતી જે એનું નવું મલ્ટિયર બૉટમ છે. બાદમાં ભાવ ઉપરમાં ૩૫૩ નજીક જઈ છેવટે ૪.૨ ટકા ગગડી ૩૨૧ બંધ થયો છે. વૉલ્યુમ ૨૨ ગણું હતું. સીબીઆઇ તરફથી ૨૪૦૦ કરોડથી વધુના ફ્રૉડ બદલ જયકૉર્પના આનંદ જૈન સામે ફરિયાદ થઈ હોવાના અહેવાલ વચ્ચે શૅર સુધારામાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૮ વટાવી ત્યાં જ બંધ હતો.
સુઝલોન એનર્જી સુધારાની આગેકૂચમાં ગઈ કાલે ૯ ટકાની ૨૦ માસની મોટી છલાંગ મારી ૫૭ નજીક ગયા બાદ સવાબે ગણા કામકાજે ૫.૪ ટકા વધી ૫૫ હતો. ચેન્નઈ ખાતેની પ્રાધીન લિમિટેડ એક શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ બોનસ તથા એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ૪.૬ ટકા વધીને ૬૮ પૈસા બંધ રહ્યો છે. NSEL પેમેન્ટ ક્રાઇસિસ કેસના સેટલમેન્ટના પગલે ૬૩ મૂન્સ સવાયા વૉલ્યુમે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૭૫૯ વટાવી ૭૫૫ બંધ થયો છે. જના સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કને રિઝર્વ બૅન્ક તરફથી ઑથોરાઇઝડ ડીલરનું લાઇસન્સ મળતાં ભાવ ૧૦ ગણા વૉલ્યુમે ૪૯૧ નજીક જઈ છ ટકા ઊંચકાઈ ૪૬૫ રહ્યો છે.

