મારુતિની પીછેહઠ સામે હ્યુન્દાઇ મોટર્સની સતત આગેકૂચ : ટેસ્લાના લોકલ પાર્ટનર થવાની હવા તાતા મોટર્સમાં કામ ન આવી, ઝેન ટેક્નૉલૉજીઝમાં ૧૦ ટકાની તેજીની સર્કિટ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મારુતિની પીછેહઠ સામે હ્યુન્દાઇ મોટર્સની સતત આગેકૂચ : ટેસ્લાના લોકલ પાર્ટનર થવાની હવા તાતા મોટર્સમાં કામ ન આવી, ઝેન ટેક્નૉલૉજીઝમાં ૧૦ ટકાની તેજીની સર્કિટ, બિકાજી ફૂડ્સ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : તાતા ઇન્વેસ્ટમેન્ટ ૭૧૭ રૂપિયા ઊંચકાયો, પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં ૫૩૬નું વધુ ગાબડું : એચ.પી. ટેલિકૉમ અને સ્વસ્થ ફૂડ ટેકના SME ઇશ્યુ આજે ખૂલશેઃ ટીસીએસ અને ઇન્ફીની નરમાઈ બજારને ૨૦૦ પૉઇન્ટ નડી, અદાણીના ૧૧માંથી ૯ શૅર ડાઉન
ઇન્ટ્રા-ડે ઊથલપાથલનો સિલસિલો જાળવી રાખતાં બજાર બુધવારે સતત બીજા દિવસે નહીંવત્ ઘટ્યું છે. સેન્સેક્સ ૨૮ પૉઇન્ટના ઘટાડે ૭૫,૯૩૯ તથા નિફ્ટી ૧૨ પૉઇન્ટની નરમાઈમાં ૨૨,૯૩૩ બંધ થયા છે. શૅર આંક આગલા બંધથી ૧૮૦ પૉઇન્ટ નીચે, ૭૫,૭૮૭ ખુલ્યા પછી નીચામાં ૭૫,૫૮૧ બતાવી સડસડાટ વધી ઉપરમાં ૭૬,૩૩૮ વટાવી ગયો હતો. શરૂઆતના એકાદ કલાકની આ ધમાચકડી બાદ માર્કેટ વધઘટે ઘસાતું ગયું હતું. સેન્સેક્સ-નિફ્ટીની નહીંવત્ નબળાઈ સામે રોકડું અને બ્રૉડર માર્કેટ ખાસ્સું મજબૂત હતું. સ્મૉલકૅપ ઇન્ડેક્સ અઢી ટકા નજીક તો મિડકૅપ બેન્ચમાર્ક સવા ટકો પ્લસ હતો. આઇટી, ટેક્નૉલૉજીઝ, નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર જેવા જૂજ અપવાદ સિવાય બન્ને બજારના તમામ સેક્ટોરલ સુધર્યા છે. મેટલ, પીએસયુ, પીએસયુ બૅન્ક નિફ્ટી, રીયલ્ટી, નિફ્ટી મીડિયા, પાવર જેવા ઇન્ડાઇસિસ એકથી દોઢ ટકા જેવા વધ્યા હતા. બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સથવારે એક ટકો કે ૪૮૩ પૉઇન્ટ અપ હતો. સરવાળે ઘણા દિવસ બાદ માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ બની છે. NSEમાં વધેલા ૨૦૨૫ શૅરની સામે ૮૦૦ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૬૪ લાખ કરોડ વધી ૪૦૧.૭૫ લાખ કરોડને વટાવી ગયું છે. સેન્સેક્સમાં ઝોમાટો ૪.૯ ટકાના ઉછાળે ૨૩૪ બંધ આપી ૩૦માંથી વધેલા ૧૩ શૅરમાં મોખરે હતો. નિફ્ટીમાં ૫૦માંથી ૨૫ શૅર પ્લસ હતા. ભારત ઇલેક્ટ્રિક સાડાત્રણ ટકાના જમ્પમાં ૨૫૩ બંધ આપી અત્રે ટૉપ ગેઇનર બન્યો હતો. અન્યમાં હિન્દાલ્કો અઢી ટકા, આઇશર બે ટકા, લાર્સન તથા ઍક્સિસ બૅન્ક પોણાબે ટકા, ICICI બૅન્ક દોઢ ટકો મજબૂત હતા. તાતા સ્ટીલ, NTPC, કોટક બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, ભારત પેટ્રો, હીરો મોટોકૉર્પ એકથી સવા ટકો વધ્યા છે. રિલાયન્સ પરચૂરણ સુધારામાં ૧૨૨૭ થયો છે. ટેસ્લાએ ભારત-પ્રવેશ માટે તૈયારી શરૂ કરી છે. લોકલ પાર્ટનર તરીકે તાતા મોટર્સની પસંદગી થવાની શક્યતા દર્શાવતા અહેવાલ વહેતા થયા છે, પણ તાતા મોટર્સ ગઈ કાલે નહીંવત્ ઘટી ૬૮૧ હતો. મારુતિ સુઝુકી પોણા ટકાથી વધુ ઘટ્યો છે, પરંતુ હ્યુન્દાઇ મોટર્સ સવાત્રણ ટકા વધી ૧૮૬૭ વટાવી ગયો છે.
ADVERTISEMENT
અદાણીના ૧૧ શૅરમાંથી NDTV સવા ટકો તો અદાણી ટોટલ અડધો ટકો સુધર્યો છે. બાકીના ૯ શૅર નરમ હતા. સાંધી ઇન્ડસ્ટ્રીઝ દોઢ ટકો, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો, અદાણી ગ્રીન પોણાચાર ટકા અને અદાણી એન્ટર પોણાબે ટકા ખરડાયા હતા. ઝોમાટોની હૂંફમાં સ્વિગી સાડાઆઠ ટકા ઊછળી ૩૭૭ વટાવી ગયો છે. ઓલા ૫૮.૫૦ની નવી વર્સ્ટ બૉટમ બનાવી પરચૂરણ સુધારે ૬૦.૫૦ હતો. જિયો ફાઇનૅન્સ સાડાત્રણ ટકા બાઉન્સબૅકમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૬૮ વટાવી ગયો હતો. બે દિવસના હજારી કડાકા બાદ પીટીસી ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની નવી લિમિટમાં મંદીની સર્કિટ મારી ૫૩૬ રૂપિયા તૂટી ૧૦,૧૯૪ બંધ રહી છે.
બચત ખાતાનું વ્યાજ અડધો ટકો ઘટાડી કોટક મહિન્દ્ર બૅન્ક તેજીમાં
પરિણામ પાછળની ખરાબી બાદ બિકાજી ફૂડ્સ છ ગણા કામકાજે ઉપરમાં ૬૭૯ બતાવી ૧૬ ટકાના ઉછાળે ૬૫૮ બંધ આવ્યો છે. આગલા દિવસે ૫૫૭ની મલ્ટિયર બૉટમે જઈ ૫૬૬ બંધ રહેલી જેબીએમ ઑટો ૧૪ ટકાના જમ્પમાં ૬૪૬ બંધ આપી ‘એ’ ગ્રુપમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ પોણાચૌદ ટકા કે ૭૧૭ રૂપિયા, એજીસ લૉજિસ્ટિક્સ ૧૪ ટકા, તાજ જીવીકે ૨૦ ટકા, નીતિન કાસ્ટિંગ્સ ૧૯.૪ ટકા, રેલવિકાસ નિગમ સવાતેર ટકા, કેપ્રી ગ્લોબલ ૧૩.૨ ટકા, માઝગાવ ડૉક સવાઅગિયાર ટકા, ગાર્ડન રિચ સાડાદસ ટકા, ઇન્ફીબીમ નવ ટકા ઊંચકાયા છે.
સેન્કો ગોલ્ડ છ ટકા ઝંખવાઈ ૩૨૨ રહ્યો છે. ૭ ઑક્ટોબરે ભાવ ૭૭૨ના શિખરે હતો. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ સાડાછ ટકા ખરડાઈ ૮૯૩ની અંદર ઊતર્યો છે. જેકે પેપર ૨૯૨ની મલ્ટિયર બૉટમ બનાવી પાંચ ટકા બગડી ૨૯૪ હતો. બીજી જુલાઈએ અહીં ૬૩૯ની ટૉપ બની હતી. ગૉડફ્રે ફિલિપ્સ તાજેતરના ઉછાળાને નૉર્મલ કરવાના મૂડમાં ૨૮૭ રૂપિયા કે ચાર ટકા ઘટી ૬૫૬૦ થયો છે. BSE લિમિટેડ ૪૪૫ રૂપિયા કે સાડાઆઠ ટકાના જમ્પમાં ૫૬૩૧ થયો છે. MCX ચાર ટકા કે ૨૧૪ વધી ૫૬૩૩ હતો. કોટક બૅન્ક ૧૯૯૫ની નવી ટૉપ બનાવી એક ટકો સુધરી ૧૯૮૫ રહ્યો છે. રિઝર્વ બૅન્કે રેપો-રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો તો એના પગલે આ બૅન્કે બચત-ખાતા પરનું વ્યાજ સીધું અડધો ટકો ઘટાડી નાખ્યું છે. નફામાંથી ખોટમાં સરી પડેલી સંદેશ ખરાબીમાં ૧૦૦૦ની નવી બૉટમ બનાવી સવાત્રણ ટકા સુધરી ૧૦૪૧ હતો. તાજેતરમાં લિસ્ટેડ થયેલી એજેક્સ એન્જિનિયરિંગ એક ટકાની નરમાઈમાં ૬૦૧ની અંદર બંધ આવ્યો છે.
હેવીવેઇટ્સના ભારમાં આઇટી અને ફાર્મામાં નબળાઈ
ટ્રમ્પની રેસિપ્રોકલ ટૅરિફ પૉલિસી આઇટી, ફાર્મા, ટેક્સટાઇલ્સ સહિતના નિકાસલક્ષી સેક્ટરને વધુ નડવાની ધારણા વહેતી થઈ છે જેમાં ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ સર્વાધિક સવા ટકો કપાયો છે. અત્રે ૫૬માંથી ૪૪ શૅર પ્લસ હતા, પરંતુ હેવી વેઇટ્સ કે ફ્રન્ટલાઇન આઇટી શૅરમાં ખરાબી હતી. ટીસીએસ તથા ઇન્ફોસિસ સવાબે ટકા બગડી સેન્સેક્સ-નિફ્ટી ખાતે ઘટાડામાં અગ્રક્રમે હતા. આ બન્ને જાતો બજારને ૨૦૦ પૉઇન્ટ નડી છે. HCL ટેક્નૉ તથા ટેક મહિન્દ્ર એક ટકો નરમ હતા. વિપ્રો સાધારણ વધી ૩૧૩ હતો. લાટિમ સાડાત્રણ ટકા ગગડી આઇટી ખાતે ટૉપ લૂઝર હતો. તાતા એલેક્સી અને લાર્સન ટેક્નૉ સવા ટકા જેવા ડાઉન હતા.
નબળાઈની હૅટ-ટ્રિકમાં ગગડેલી નેટવેબ ટેક્નૉલૉજીઝ ૧૦ ટકાના બાઉન્સબૅકમાં ૧૪૭૪ વટાવી ગયો છે. સુબેક્સ પોણાનવ ટકા, રામકો સિસ્ટમ્સ સાડાસાત ટકા, નેલ્કો સાડાપાંચ ટકા, ન્યુજેન સવાપાંચ ટકા, ડાયનાકોન્સ તથા ૬૩ મૂન્સ પાંચ-પાંચ ટકા મજબૂત હતા. આઇટી હેવી વેઇટ્સની સાથે ભારતી ઍરટેલ પોણાબે ટકા નજીક અને પૉલિસી બાઝાર એક ટકો ઘટતાં ટેક્નૉ ઇન્ડેક્સ પણ ૨૭માંથી ૧૮ શૅર વધવા છતાં સવા ટકાથી વધુ ડૂલ થયો છે. અત્રે HFCL અને જસ્ટડાયલ સવાછ ટકા, આઇટીઆઇ પાંચ ટકા, તેજસ નેટ સવાચાર ટકા, તાતા ટેલિ સવાત્રણ ટકા, નેટવર્ક-૧૮ ત્રણ ટકા વધ્યા હતા.
નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૨ શૅરના ઘટાડે પોણો ટકો ડાઉન હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ અઢી ટકાથી વધુની ખરાબીમાં નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૯માંથી ૬૯ શૅરના સુધારા વચ્ચે ૧૨૩ પૉઇન્ટ જેવો સાધારણ ઘટ્યો છે. જ્યુબિલન્ટ ફાર્મા, કોન્કોર્ડ બાયો, સોલરા ઍક્ટિવ અને માર્ક સન્સ ચારથી સાડાપાંચ ટકા ડાઉન હતા. ગુજરાત થેમિસ અઢી ગણા વૉલ્યુમે સાડાઅઢાર ટકા ઊછળી ૨૫૧ના બંધમાં અત્રે ઝળક્યો હતો. સિગાચી ઇન્ડસ્ટ્રીઝ સાડાતેર ટકા, થેમિસ મેડી ૧૦ ટકા, દિશમાન ફાર્મા સવાછ ટકા, યુનિકેમ લૅબ સવાપાંચ ટકા વધ્યા છે. ઝાયડ્સ લાઇફ બે ટકાની નરમાઈમાં ૮૯૪ની વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યો છે.
હેક્સાવેર ટેક્નૉલૉજીઝ આઠેક ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૭૬૪ બંધ
હાઈ-પ્રોફાઇલ હેક્સાવેર ટેક્નૉલૉજીઝ એકના શૅરદીઠ ૭૦૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ગઈ કાલે ૭૩૧ ખૂલી નીચામાં ૭૨૪ તથા ઉપરમાં ૭૮૮ નજીક જઈ ૭૬૪ બંધ થતાં અત્રે ૭.૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં નવી દિલ્હીની મેક્સવૉલ્ટ એનર્જી ૧૦ના શૅરદીઠ ૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવોભાવ, ૧૮૦ ખૂલી નીચામાં ૧૭૧ તથા ઉપરમાં ૧૮૨ થઈ ૧૮૧ બંધ થતાં એમાં નહીંવત્ લિસ્ટિંગ ગેઇન જોવાયો છે. તો હિસ્સારની પીએસ રાજ સ્ટીલ્સ શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૪૫ ખૂલી ઉપરમાં ૧૫૨ વટાવી ૧૫૦ બંધ રહેતાં ૭.૬ ટકાનું રિટર્ન મળ્યું છે. જ્યારે કલકત્તાની વોલેર કાર ૧૦ના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં પાંચના પ્રીમિયમ સામે ભાવોભાવ, ૯૦ ખૂલી ઉપરમાં ૯૩ નજીક અને નીચામાં ૮૫.૫૦નો ભાવ બતાવી ૯૧ બંધ થતાં એમાં દોઢેક ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સાઉથની સન્મુગા હૉસ્પિટલ્સ આજે લિસ્ટિંગમાં જશે. શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ૩ રૂપિયા પ્રીમિયમ સંભળાય છે.
ગુરુવારે બે SME IPO ખૂલવાના છે. એચ.પી. ટેલિકૉમ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવથી ૩૪૨૩ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ તથા સ્વસ્થ ફૂડ ટેક ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવથી ૧૪૯૨ લાખનો BSE SME ઇશ્યુ આજે લાવશે. ગ્રે માર્કેટમાં કોઈના સોદા શરૂ થયા નથી. ગુજરાતના ગાંધીનગરની બિઝાસણ એક્સ્પ્લોટેક ૧૦ના શૅરદીઠ ૧૭૫ રૂપિયાની અપર બૅન્ડ સાથે ૫૯૯૩ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ શુક્રવારે કરવાની છે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની વિવિધ પ્રકારના એક્સ્પ્લોઝિવ્સ તથા એની એસેસરીઝ બનાવે છે. ગત વર્ષે ૧૮૮ કરોડની આવક પર ૪૮૭ લાખ નફો કરનારી આ કંપનીએ ચાલુ વર્ષના છ માસમાં ૧૦૧ કરોડની આવક પર ૮૩૩ લાખ નફો બતાવી દીધો છે. ત્રણ વર્ષની ઍવરેજ EPS પાંચ રૂપિયા જેવી છે. ગત વર્ષની કમાણીના ધોરણે ઇશ્યુ પ્રાઇસ ૪૬થી વધુનો અતિ ઊંચો પીઈ સૂચવે છે. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી.

