૨૦૨૫માં સેન્સેક્સ નીચામાં ૬૯,૦૦૦ તો ઉપરમાં ૯૪,૭૦૦ થવાની ચાર્ટવાળાની વાતો : વીતેલા વર્ષે શ્રીલંકન શૅરબજાર ૪૯ ટકા, ચાઇના ૧૨.૭ ટકા
માર્કેટ મૂડ
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૦૨૫માં સેન્સેક્સ નીચામાં ૬૯,૦૦૦ તો ઉપરમાં ૯૪,૭૦૦ થવાની ચાર્ટવાળાની વાતો : વીતેલા વર્ષે શ્રીલંકન શૅરબજાર ૪૯ ટકા, ચાઇના ૧૨.૭ ટકા, હૉન્ગકૉન્ગ ૧૭.૭ ટકા, જપાન ૧૯.૨ ટકા, પાકિસ્તાની શૅરબજાર ૮૪.૫ ટકા, કૅનેડા ૧૭.૫ ટકા, જર્મની ૧૮.૯ ટકા, ટર્કી ૩૧.૩ ટકા, અમેરિકન ડાઉ ૧૨.૯ ટકા, નૅસ્ડૅક ૨૯.૮ ટકા, આર્જેન્ટિના ૧૭૨ ટકા વધ્યા : મહિન્દ્રએ એના ઇતિહાસમાં સૌથી વધુ ૭૮ ટકાનું રિટર્ન આપ્યું, અદાણી અને અંબાણીના શૅરમાં એકંદર નિરાશા : છેલ્લાં પાંચ વર્ષમાં ચોખ્ખી એક કરોડની આવક પર ૧૨૩ કરોડની ખોટ કરનારી શ્રી અધિકારી બ્રધર્સના શૅરમાં ૫૨,૬૬૯ ટકાનું ગૉડઝિલા રિટર્ન, શૅર સતત ૧૪મા દિવસે મંદીની સર્કિટમાં બંધ
કૅલેન્ડર વર્ષ ૨૦૨૪ના આખરી દિવસે શૅરબજાર સાવ ડલ રહ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૬૬ પૉઇન્ટ નીચે, ૭૭,૯૮૨ ખૂલી ૧૦૯ પૉઇન્ટના ઘટાડે ૭૮,૧૩૯ તો નિફ્ટી ૨૩,૬૪૫ નજીકના આગલા લેવલે યથાવત બંધ થયો છે. શૅર આંક નીચામાં ૭૭,૫૬૧ની અંદર ગયા બાદ ધીમી રિકવરી સાથે ઉપરમાં ૭૮,૩૦૫ વટાવી ગયો હતો. નીચલા મથાળેથી ૬૪૪ પૉઇન્ટની રિકવરી એ ગઈ કાલનું એક મોટું આશ્વાસન ગણાવી શકાય. બજારના મોટા ભાગના બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં હતા એ બીજી રાહત થઈ. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવા ટકો, ઑઇલ અને ગૅસ બેન્ચમાર્ક એક ટકો, નિફ્ટી ફાર્મા પોણો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણા ટકા નજીક, સ્મૉલકૅપ પોણો ટકો મજબૂત હતો. હેલ્થકૅર ઇન્ડેક્સે સામાન્ય સુધારા વચ્ચે નવી ઑલટાઇમ હાઈ બનાવી છે. સામે આઇટી ઇન્ડેક્સ સવા ટકાથી વધુ કપાયો એનો ભાર વરતાઈ આવ્યો છે. બૅન્ક નિફ્ટી ૯૨ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો હતો. માર્કેટ બ્રેડ્થ સારી હતી. NSEમાં વધેલા ૧૭૭૯ શૅર સામે ૧૦૫૦ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૬૫,૦૦૦ કરોડ વધીને ૪૪૧.૯૫ લાખ કરોડને વટાવી ગયું છે.
ADVERTISEMENT
એશિયા ખાતે ચાઇના પોણાબે ટકા નજીક અને તાઇવાન પોણા ટકા નજીક નરમ હતું. ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ અને હૉન્ગકૉન્ગ નજીવું સુધર્યું હતું. જપાન, સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ રજામાં હતાં. યુરોપ ખાતે લંડન અને ફ્રાન્સનાં બજારો રનિંગમાં અડધો-પોણો ટકો અપ હતાં. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ૯૧,૩૭૫ ડૉલરની બૉટમથી વધી રનિંગમાં ૯૩,૯૦૧ ડૉલર દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૫,૨૫૯ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૧૬,૬૪૪ બતાવી રનિંગમાં ૩૧૪ પૉઇન્ટના ઘટાડે ૧,૧૪,૯૪૫ હતું.
વીતેલા વર્ષમાં એશિયા ખાતે જૅપનીઝ માર્કેટ ૧૯.૯ ટકા, હૉન્ગકૉન્ગ ૧૭.૭ ટકા, ચાઇના ૧૨.૭ ટકા, સિંગાપોર ૧૬.૯ ટકા, મલેશિયા ૧૨.૯ ટકા, ન્યુ ઝીલૅન્ડ ૧૧.૪ ટકા, ઑસ્ટ્રેલિયા ૭.૬ ટકા, શ્રીલંકા ૪૯ ટકા અને પાકિસ્તાન ૮૪.૫ ટકા વધ્યું છે. અમેરિકન ડાઉ ૧૨.૯ ટકા તથા નૅસ્ડૅક ૨૯.૮ ટકા ઊચકાયા છે. જર્મન ડેક્સ ૧૮.૯ ટકા, સ્પેન ૧૪.૨ ટકા, ટર્કી ૩૧.૩ ટકા, કૅનેડા ૧૭.૫ ટકા, બેલ્જિયમ ૧૩.૯ ટકા, સાઉથ આફ્રિકા ૯.૩ ટકા, લંડન ફુત્સી ૫.૧ ટકા તો આર્જેન્ટીના ૧૭૨ ટકા પ્લસ થયું છે. સામે સાઉથ કોરિયા (સાડાનવ ટકા), ડેનમાર્ક (આઠ ટકા નજીક), થાઇલૅન્ડ-ઇન્ડોનેશિયા, ફ્રાન્સ (એકથી ત્રણ ટકા) ઘટ્યાં છે.
શ્રી અધિકારી બ્રધર્સ : પ્લૅટિનમના ભાવે ભંગાર વેચાય છે
ખરી વાત કરવી છે, શ્રી અધિકારી બ્રધર્સની મુંબઈના ન્યુ લિન્ક રોડ ખાતેની આ કંપનીનો શૅર ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૫૫૭ નજીક બંધ થયો છે. NSEમાં ભાવ નીચલી સર્કિટમાં ૧૫૭૨ હતો. આ સળંગ ૧૪મી નીચલી સર્કિટ છે. એ પહેલાં ૧૦ ડિસેમ્બરે ભાવ BSEમાં ૨૧૯૮ તથા NSEમાં ૨૨૨૦ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો અને મઝાની વાત તો એ છે કે વર્ષ પૂર્વે શૅર ત્રણ રૂપિયાની અંદર, માત્ર ૨૯૫ પૈસા હતો અર્થાત એક જ વર્ષમાં અહીં ૫૨,૭૭૯ ટકાનું ગૉડઝિલા રિટર્ન છૂટ્યું છે હાલના ભાવે.
શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે. બુકવૅલ્યુ માઇનસ ૩૬૮ રૂપિયાની છે. મતલબ કે કંપની ભયંકર રીતે ખોટના ખાડામાં છે. ગત વર્ષે બે કરોડની આવક પર ૨૧ કરોડની નેટ લૉસ કરી છે. છેલ્લાં પાંચ વર્ષમાં કુલ નેટ આવક ફક્ત એક કરોડ થઈ છે. એની સામે કુલ ચોખ્ખી ખોટ ૧૨૩ કરોડ રૂપિયા વટાવી ગઈ છે. રિટર્ન ઑન ઇક્વિટી માઇનસ ૧૮૯ છે. ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં કંપનીએ ૨૨૭ લાખની આવક પર ૨૪ લાખનો નેટ પ્રૉફિટ કર્યો છે. ઇક્વિટી ૨૫૩૭ લાખની છે. કુલ ૮૨૦૮ શૅરધારક છે જેમાંથી રૂઆની મીડિયા સર્વિસિસ પાસેના ૫૯.૧ ટકા સહિત ૮ પ્રમોટર્સ એન્ટિટી પાસે ૫૯.૩૩ ટકા માલ છે. ૭૯ બૉડી કૉર્પોરેટ પાસે ૩૯.૬ ટકા શૅર છે, જ્યારે ૭૮૦૬ જેટલા નાના શૅરધારકો પાસે માત્ર દોઢ લાખ શૅર કે ૦.૬ ટકા હોલ્ડિંગ છે. બાય ધ વે, આ રૂઆની મીડિયા સર્વિસિસની માલિકી અધિકારી બ્રધર્સની છે. આવી કંપનીનું માર્કેટકૅપ આજે ૩૯૫૦ કરોડનું છે. અગાઉ આ શૅરમાં મહિનાઓ સુધી એકધારી તેજીની સર્કિટ વાગતી રહી હતી જેમાં ભાવ ત્રણ રૂપિયાથી ઊછળી ૨૧૯૮ રૂપિયા થઈ ગયો હતો.
યુનિમેકનું ધારણાથી નબળું લિસ્ટિંગ, ક્રિસિલમાં ૬૯૭ની તેજી
ગઈ કાલે નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રિક ત્રણ ટકા નજીક અને ONGC પોણાત્રણ ટકા વધીને મોખરે હતા. અદાણી એન્ટરપ્રાઇઝ અઢી ટકાના ઘટાડે ટૉપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સમાં કોટક બૅન્ક અઢી ટકા તથા આઇટીસી ૧.૪ ટકા પ્લસ રહી ઝળક્યા હતા. ટેક મહિન્દ્ર ૨.૪ ટકા અને ઝોમાટો પોણાબે ટકા ખરડાયા હતા. TCS દોઢ ટકો, ઇન્ફી સવા ટકો, ICICI બૅન્ક એકાદ ટકો ઘટી છે. ટ્રેન્ટ ૨.૪ ટકા તો કોલ ઇન્ડિયા ૧.૭ ટકા પ્લસ હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ રિલાયન્સના ખાસ સપોર્ટ વિના એક ટકો વધ્યો એ ONGC, ઑઇલ ઇન્ડિયા તથા ઇન્દ્રપ્રસ્થ ગૅસની બેથી અઢી ટકાની મજબૂતીનું પરિણામ છે.
કુદ્રમુખ આયર્ન ઓર અર્થાત KIOCL સવાસોળ ટકાની તેજીમાં ૪૦૦ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ક્રિસિલ ૧૧.૬ ટકા કે ૬૯૭ના ઉછાળે ૬૬૮૪ના બેસ્ટ લેવલે બંધ હતી. અવંતિ ફીડ્સ પોણાચૌદ ટકા તથા રાઇટ્સ નવ ટકા મજબૂત હતા. ગોડફ્રે ફિલિપ્સ ૪૨૫ રૂપિયા કે ૮.૯ ટકા ઊચકાયો છે. સામે ઇઝી ટ્રિપ પ્લાનર્સ જંગી બ્લૉકડીલમાં સાતેક ટકા તૂટી ૧૫.૮૭ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર રહ્યો છે. ગ્રિવ્સ કૉટન ૬.૭ ટકા, અદાણી વિલ્મર સાડાછ ટકા અને બજાર હોલ્ડિંગ્સ ૭૫૬ રૂપિયા કે છ ટકા ખરડાયા હતા.
યુનિમેક ઍરોસ્પેસ પાંચના શૅરદીઠ ૭૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૬૨૫ના છેલ્લા પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૪૯૧ ખૂલી નીચામાં ૧૩૪૨ બતાવી ૧૩૭૩ બંધ થતાં એમાં લગભગ ૭૫ ટકા કે શૅરદીઠ ૫૮૮ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME કંપની અન્ય પોલિટેકનું લિસ્ટિંગ સોમવારે છે. પ્રીમિયમ સુધરતું રહી હાલ ૬ રૂપિયા બોલાય છે.