Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > HDFC બૅન્કના ભારમાં સેન્સેક્સ ૨૦૩ પૉઇન્ટ ડાઉન, રોકડું મજબૂત

HDFC બૅન્કના ભારમાં સેન્સેક્સ ૨૦૩ પૉઇન્ટ ડાઉન, રોકડું મજબૂત

Published : 21 February, 2025 07:40 AM | Modified : 22 February, 2025 06:53 AM | IST | Mumbai
Anil Patel

મારુતિ સુઝુકી સતત ત્રીજા દિવસે ડાઉન, બજાજ ફાઇનૅન્સમાં યુબીએસ બેરિશ : બજારની નબળાઈ વચ્ચે તેજીની ચાલ પકડી રાખતાં એલકેપી ફાઇનૅન્સ નવા શિખરે

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


BSE લિમિટેડ ૧૧ માસમાં ૨૦૦ ટકા વધ્યો, આઇટીસી આઠ માસની બૉટમ બનાવી ઘટાડે બંધ : મારુતિ સુઝુકી સતત ત્રીજા દિવસે ડાઉન, બજાજ ફાઇનૅન્સમાં યુબીએસ બેરિશ : બજારની નબળાઈ વચ્ચે તેજીની ચાલ પકડી રાખતાં એલકેપી ફાઇનૅન્સ નવા શિખરે : વારિ ટેક્નૉલૉજીઝ ૧૦ મહિનામાં ૨૨૦૯ના શિખરથી ૩૩૭ના તળિયે : તાતા ગ્રુપની બનારસ હોટેલ્સ ૧૨,૩૦૦ના બેસ્ટ લેવલે, તાજ જીવીકે નવી ટૉપ બનાવી ફ્લૅટ બંધ રહી : રિલાયન્સની જસ્ટડાયલ તથા સ્ટર્લિંગ-વિલ્સન ઝમકમાં : માર્કેટ બ્રેડ્થ મજબૂત


તમામ અગ્રણી એશિયન બજાર ગુરુવારે ઘટ્યાં છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, થાઇલૅન્ડ અને જપાન સવા ટકો, સાઉથ કોરિયા પોણા ટકા નજીક, તાઇવાન અડધો ટકો કટ થયું છે. યુરોપ રનિંગમાં નહીંવત્થી સાધારણ સુધારામાં હતું. લંડન ફુત્સી અડધા ટકા નજીક નરમ હતો. મૉર્ગન સ્ટૅનલીએ ચાઇનીઝ બજાર માટેનું ટાર્ગેટ બાવીસ ટકા અપગ્રેડ કરવાની સાથે બેરિશ વ્યુ પડતો મૂક્યો છે. રેન્જ બાઉન્ડ ચાલમાં બિટકૉઇન અડધો ટકો વધી ૯૭,૨૪૩ ડૉલર રહ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૬૬ પૉઇન્ટ નરમ, ૭૫,૬૭૩ ખૂલી છેવટે ૨૦૩ પૉઇન્ટ ઘટી ૭૫,૭૩૬ તથા નિફ્ટી ૨૦ પૉઇન્ટ ઘટી ૨૨,૯૧૨ બંધ થયો છે. બજાર નીચામાં ૭૫,૪૬૩ અને ઉપરમાં ૭૫,૭૯૪ દેખાયું હતું. રોકડું અને બ્રેડ્થની મજબૂતી જળવાઈ રહી છે. NSE ખાતે વધેલા ૧૯૯૫ શૅર સામે ૮૩૦ જાતો ઘટી છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ વધુ ૧.૩ ટકા તો મિડકૅપ ૧.૨ ટકો અને બ્રૉડર માર્કેટ અડધો ટકો પ્લસ હતું. સેક્ટોરલ્સમાં પાવર, યુટિલિટીઝ, મેટલ, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પોણાબે ટકાથી માંડી સવાબે ટકા જેવા મજબૂત હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા વધ્યો છે. એના ૧૨માંથી ૧૨ શૅર પ્લસ હતા. રિયલ્ટી, ઑટો, કૅપિટલ ગુડ્સ, એનર્જી જેવા ઇન્ડેક્સ એકથી સવા ટકો વધ્યા હતા. હેવી વેઇટ HDFCના ભારમાં બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅર વધવા છતાં ૨૩૪ પૉઇન્ટ નરમ હતો. બજારનું માર્કેટકૅપ ૩.૧૦ લાખ કરોડના ઉમેરામાં ૪૦૪.૮૫ લાખ કરોડ વટાવી ગયું છે.



HDFC બૅન્ક ૨.૪ ટકા બગડી ૧૬૮૬ બંધમાં બજારને ૨૬૪ પૉઇન્ટ નડી છે. અન્ય હેવી વેઇટ ICICI બૅન્ક એકાદ ટકો માઇનસ હતી. મારુતિ સુઝુકી ૧.૮ ટકા ડૂલ થઈ છે. HCL ટેક્નૉ, તાતા કન્ઝ્યુમર, ટેક મહિન્દ્ર દોઢેક ટકો તો આઇટીસી એક ટકો નરમ હતા. શ્રીરામ ફાઇનૅન્સ ચાર ટકા ઊચકાઈ ૫૮૧ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. NTPC ૩.૩ ટકા વધી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર હતો. મહિન્દ્ર ત્રણ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૯ ટકા, તાતા મોટર્સ સવા ટકો, તાતા સ્ટીલ દોઢ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૨૭ ટકા, ટ્રેન્ટ સવાબે ટકા, હિન્દાલ્કો બે ટકા, બજાજ ઑટો પોણાબે ટકા, આઇશર ૧.૬ ટકો, કોલ ઇન્ડિયા દોઢ ટકા, ONGC દોઢ ટકા, ભારત પેટ્રો સવા ટકો વધ્યા હતા. રિલાયન્સ અડધો ટકો સુધરી ૧૨૩૩ રહ્યો છે. જિયો ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા દોઢ ટકા, જસ્ટડાયલ સાડાછ ટકા, નેટવર્ક દોઢ ટકો, આલોક ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો વધ્યા છે.


તાતા ગ્રુપની બનારસ હોટેલ્સ ૧૨,૩૦૦ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા વધી ૧૧,૭૧૦ બંધ થયો છે. ૯ ઑગસ્ટે ભાવ ૭૪૦૦ના વર્ષના તળિયે હતો. નાટકો ફાર્મા પરિણામ પાછળ ખરડાતી રહી ૭૯૦ની મલ્ટિયર બૉટમ બનાવી અઢી ટકા ઘટી ૭૯૩ હતો. ૧૨ સપ્ટેમ્બરે ભાવ ૧૬૩૮ના શિખરે હતો. વારિ ટેક્નૉલૉજીઝમાં ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ ૨૨૦૯ની સર્વોચ્ચ સપાટી બની હતી. આ શૅર ત્યાંથી ગગડતો રહી ગઈ કાલે બે ટકાની નીચલી સર્કિટમાં ૩૩૭ની અંદર નવા નીચા તળિયે આવી ગયો છે. વારિ રીન્યુએબલ પોણાબે ટકા સુધરી ૮૮૫ હતો. આ શૅર ૨૬ એપ્રિલે ૩૦૩૮ની ટોચે હતો.

સિગારેટ પર જીએસટી વધવાની વાતમાં ગૉડફ્રે ફિલિપ્સ ગગડ્યો


સરકાર સિગારેટ અને ટોબૅકો પ્રોડક્ટ્સ પર GST વધારવા સક્રિય બની હોવાના અહેવાલમાં આઇટીસી ૩૯૬નું આઠ માસનું બૉટમ બતાવી એક ટકો ઘટી ૪૦૨ રહ્યો છે, જ્યારે ગૉડફ્રે ફિલિપ્સ નીચામાં ૫૯૦૫ થઈ સાડાનવ ટકા કે ૬૨૫ રૂપિયા ગગડી ૫૯૩૫ અને વીએસટી ઇન્ડસ્ટ્રીઝ સાડાત્રણ ટકા બગડી ૨૮૯ બંધ રહ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ યુબીએસ તરફથી ૬૮૦૦ની રિવાઇઝ્ડ ટાર્ગેટ પ્રાઇસ સાથે વેચવાની ફરી વાર ભલામણ આવી છે. શૅર ૮૩૧૨ની નીચી સપાટી બનાવી ગઈ કાલે પોણો ટકો ઘટી ૮૩૮૧ બંધ હતો. વેદાન્ત લિમિટેડની ડી-મર્જરની યોજનાને રોકાણકારો તથા લેણિયાતો તરફથી લીલી ઝંડી મળી છે. શૅર ૨.૭ ટકા વધીને ૪૩૫ હતો. મારુતિ સુઝુકી નરમાઈની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે ૧૨,૩૮૫ થયા બાદ પોણાબે ટકા ગગડી ૧૨,૪૫૦ હતો. હ્યુન્દાઇ મોટર્સ સવા ટકો ઘટી છે.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ૯ ગણા વૉલ્યુમે વૅલ્યુ બાઇંગની થિયરીમાં ૨૦ ટકાની તેજીમાં ૧૦૩૨ થઈ ૧૬ ટકા વધી ૯૯૮ બંધ આવ્યો છે. મંગળવારે ૧૨૦૭ની વર્ષની બૉટમ બનાવનાર એમટાર ટેક્નૉલૉજીઝ ટેક્નિકલ બાઉન્સબૅક પાછળ ૧૫ ટકા ઊછળી ૧૪૮૩ રહ્યો છે. વૉલટેમ્પ ૨૮ ઑગસ્ટે ૧૪,૮૦૦ના બેસ્ટ લેવલથી ગગડી બુધવારે ૬૦૫૭ના ઐતિહાસિક તળિયે ગયા પછી ગઈ કાલે ૧૨ ટકા કે ૭૩૨ રૂપિયા ઊચકાઈ ૬૮૩૮ હતો. રિઝલ્ટ પાછળની નબળાઈમાં ૧૧૮ના તળિયે પહોંચી ગયેલી થોમસકુક ચાર ગણા કામકાજ સાથે પોણાતેર ટકાના જમ્પમાં ૧૩૫ થયો છે. બજારની એકંદર નબળી હાલત વચ્ચે તેજીની ચાલ જાળવી રાખતાં એલકેપી ફાઇનૅન્સ ત્રણ ગણા વૉલ્યુમે ૨૦ ટકાના જમ્પમાં ૩૧૫નું શિખર હાંસલ કરી ત્યાં જ બંધ હતો. પાંચમી જૂને ભાવ ૧૨૦ની અંદર વર્ષના તળિયે હતો. ઓલા ઇલેક્ટ્રિક ૧.૭ ટકા પ્લસ તો સ્વિગી દોઢ ટકો નરમ હતો.

BSE લિમિટેડમાં ગોલ્ડમૅન સાક્સનું રોકાણ શૅરને વધુ ફળ્યું

ગોલ્ડમૅન સાક્સ તરફથી શૅરદીઠ સરેરાશ ૫૫૦૪ના ભાવથી ૪૦૧ કરોડ રૂપિયામાં ૭.૨૮ લાખ શૅર ખુલ્લા બજારમાંથી લેવાયા હોવાના અહેવાલ પાછળ BSE લિમિટેડ ૫૯૮૩ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી પોણાછ ટકા કે ૩૨૮ રૂપિયાની તેજીમાં ૫૯૫૯ બંધ થયો છે. ૧૯ માર્ચે આ કાઉન્ટરમાં ૧૯૪૧ની વર્ષની બૉટમ બની હતી. એ જોતાં શૅર ૧૧ માસમાં લગભગ ૨૦૦ ટકા વધી ચૂક્યો છે. અનલિસ્ટેડ માર્કેટમાં NSEનો શૅર હાલ ૧૭૫૦ આસપાસ ક્વોટ થાય છે. ૧૦ નવેમ્બરે એમાં ૧૯૦૦ની સર્વોચ્ચ સપાટી બની હતી, જ્યારે ૩૧ મે ૨૦૧૯માં ભાવ ૧૬૨ના તળિયે ગયો હતો.

NSE દ્વારા માર્ચ સિરીઝથી તાતા ટેક્નૉલૉજીઝ તથા ઇરડાનો ડેરિવેટિવ્સમાં સમાવેશ કરવાની જાહેરાત કરાઈ છે. આના પગલે તાતા ટેક્નૉલૉજીઝ ગઈ કાલે અઢી ગણા વૉલ્યુમે ૭૬૪ નજીક જઈ અંતે સવાબે ટકા વધી ૭૪૭ બંધ થયો છે. ઇરડા ૧૭૫ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી બે ટકા વધી ૧૭૪ હતો. ઇન્ડિયા ગ્લાયકોલને ઇથાનોલની સપ્લાય માટે ૧૨૬૪ કરોડનો ઑર્ડર મળ્યાના ઉત્સાહમાં શૅર ૧૨૨૫ વટાવી ગયો હતો. બાદમાં પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ભાવ નીચામાં ૧૧૬૩ થઈ પોણો ટકો વધી ૧૧૬૯ બંધ રહ્યો છે.

પીટીસી ઇન્ડસ્ટ્રીઝ પરિણામ પાછળ ત્રણ દિવસમાં આશરે ૨૮૦૦ રૂપિયાના ધોવાણમાં ૧૦,૧૯૪ બુધવારે બંધ રહ્યા પછી ગઈ કાલે નીચામાં ૯૭૮૬ થઈ બાઉન્સબૅકમાં ૧૦,૭૦૩ વટાવી અંતે ૩ ટકા વધી ૧૦,૫૦૦ રહ્યો છે. જેબીએમ ઑટોને ૧૦૨૧ જેટલી ઇલેક્ટ્રિક બસ માટે ૫૫૫૦ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર ઉપરમાં ૬૭૫ થયા બાદ ૫.૮ ટકા તૂટી ૬૦૯ બંધ આવ્યો છે. વિન્ડલાસ બાયો બે સપ્તાહમાં ૪૦ ટકાની ખરાબીમાં ૬૭૫ થઈ ગયા પછી બાઉન્સબૅકમાં ગઈ કાલે ૨૦ ટકાની તેજીમાં ૮૧૧ બતાવી ૧૮ ટકા વધીને ૭૯૭ હતો. તાજ જીવીકે હોટેલ્સ આગલા દિવસના ૨૦ ટકાના ઉછાળા બાદ ગઈ કાલે ૪૯૭ની નવી ટૉપ બનાવી છેવટે ૪૬૪ના લેવલે ફ્લૅટ બંધ થયો છે. પાંચમી ઑગસ્ટે શૅર ૨૭૫ના તળિયે હતો.

લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ ક્વૉલિટી પાવર ડિસ્કાઉન્ટમાં

આજે, શુક્રવારે કુલ ૪ નવાં ભરણાંનું લિસ્ટિંગ થવાનું છે. મેઇન બોર્ડમાં સાંગલીની ક્વૉલિટી પાવર તથા SME કંપની સન્મુગા હૉસ્પિટલ, એલકે મહેતા પોલિમર્સ અને રૉયલ આર્ક ઇલેક્ટ્રૉડ્સ એમાં સામેલ છે. હાલ સન્મુગા હૉસ્પિટલમાં ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં ૩ રૂપિયા અને એલ.કે. મહેતા પોલિમર્સમાં ૭૧ની ઇશ્યુ પ્રાઇસ સામે પાંચ રૂપિયા પ્રીમિયમ બોલાય છે, જ્યારે ક્વૉલિટી પાવર ૪૨૫ની ઇશ્યુ પ્રાઇસ સામે પાંચ રૂપિયા ડિસ્કાઉન્ટમાં ચાલે છે.

ગુરુવારે SME સેગમેન્ટમાં એમપી ટેલિકૉમ ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવથી ૩૪૨૩ લાખનો તથા સ્વસ્થ ફૂડટેક ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવથી ૧૪૯૨ લાખનો ઇશ્યુ લઈ મૂડીબજારમાં આવી છે. સ્વસ્થ ફૂડનો ઇશ્યુ પ્રથમ દિવસે સવાબે ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં ૨૪વાળું પ્રીમિયમ અત્યારે ૨૦ ચાલે છે. એચપી ટેલિકૉમ પ્રથમ દિવસે કુલ ૭૦ ટકા જેવો ભરાયો છે. પ્રીમિયમ નથી. ગાંધીનગર, ગુજરાતની બિઝાસણ એક્સ્પ્લોટેક ૧૦ના શૅરદીઠ ૧૭૫ની મારફાડ પ્રાઇસથી આશરે ૬૦ કરોડનો BSE SME IPO આજે કરવાની છે. કંપનીની કામગીરીમાં સાતત્ય નથી. ચાલુ વર્ષના પ્રથમ છ માસના પરિણામમાં ઇશ્યુ પ્રેરિત હિસાબી જાદુગીરી દેખાઈ આવે છે. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી.

એક રૂપિયાના શૅરદીઠ ૭૦૮ની ઇશ્યુ પ્રાઇસવાળી હેક્સાવેર બુધવારે લિસ્ટિંગમાં ૭૬૪ બંધ રહ્યા પછી એ ગઈ કાલે ૮૦૭ ઉપર નવી ટૉપ બતાવી ૪.૩ ટકા ઊચકાઈ ૭૯૬ રહ્યો છે, જ્યારે SME કંપની વોલેર કાર બે ટકા ઘટી ૮૯, મેક્સવૉલ્ટ એનર્જી પોણો ટકો ઘટી ૧૮૦ અને પીએસ રાજ સ્ટીલ્સ એક ટકો સુધરી ૧૫૨ બંધ હતા. એજેક્સ એન્જિનિયરિંગ ૬૧૯ નજીક નવી ટૉપ નોંધાવી ૬૦૧ના લેવલે ફ્લૅટ હતો. ડૉ. અગરવાલ હેલ્થકૅર ૪૩૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટી ૪૧૬ રહ્યો છે. સેકન્ડરી માર્કેટની ખરાબીના પગલે પ્રાઇમરી માર્કેટ હાલમાં સુસ્ત છે. મેઇન બોર્ડમાં નજીકમાં કોઈ ઇશ્યુ અત્યારે દેખાતો નથી.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2025 06:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub