પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફી યથાવત્ અને એચસીએલ ટેક્નૉ ઘટાડે બંધ : જેપી મૉર્ગનના ડાઉન ગ્રેડિંગમાં ભારતી ઍરટેલ ટૉપ લૂઝર, એનો પાર્ટપેઇડ પોણાછ ટકા લથડ્યો : એન્લોન ટેક્નૉ ૧૬૪ ટકાના લિસ્ટિંગ ગેઇન પછી પણ ઉપલી સર્કિટ સાથે નવી ટોચે ગઈ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન એફડીએ તરફથી વૉર્નિંગ જારી થવા છતાં સનફાર્મા સુધારા સાથે ટૉપ ગેઇનર બન્યો : બ્લૂમબર્ગ દ્વારા નફો ઘટવાના વરતારામાં રિલાયન્સ ઘસાયો, અદાણી વિલ્મર સિવાય અદાણીના તમામ શૅર ઘટાડામાં : શુગર શૅરો લાઇમલાઇટમાં, ટી-કૉફી સેગમેન્ટમાં પણ એકંદરે લહેજત જોવા મળી : પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફી યથાવત્ અને એચસીએલ ટેક્નૉ ઘટાડે બંધ : જેપી મૉર્ગનના ડાઉન ગ્રેડિંગમાં ભારતી ઍરટેલ ટૉપ લૂઝર, એનો પાર્ટપેઇડ પોણાછ ટકા લથડ્યો : એન્લોન ટેક્નૉ ૧૬૪ ટકાના લિસ્ટિંગ ગેઇન પછી પણ ઉપલી સર્કિટ સાથે નવી ટોચે ગઈ
બુધવારે એશિયન બજારો સાધારણથી અડધા ટકાની વધ-ઘટે મિશ્ર વલણમાં બંધ થયાં છે. એકમાત્ર જૅપનીઝ નિક્કી એક ટકો વધ્યો હતો. સામે યુરોપ આગલા દિવસની પીછેહઠ બાદ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર દેખાયું છે. જ્યારે ઘરઆંગણે સહેજ નેગેટિવ બાયસ સાથે બજાર ફ્લૅટ બંધ આવ્યું છે. જોકે સેન્સેક્સના દસેક પૉઇન્ટના ઘટાડા સામે નિફ્ટી ૧૮ પૉઇન્ટ ઘટ્યો એ થોડુંક સૂચક છે. નિફ્ટીનો ૧૮ પૉઇન્ટનો ઘટાડો જોતાં પ્રણાલિકાગત રીતે સેન્સેક્સ ૬૦ પૉઇન્ટ આસપાસ નરમ રહેવો જોઈતો હતો અથવા તો સેન્સેક્સના ૧૦ પૉઇન્ટ સામે નિફ્ટી ત્રણેક પૉઇન્ટ જેવો જ પાછો પડવો જોઈતો હતો. મતલબ કે બજારનું માનસ અથડાયેલું છે. આંતરપ્રવાહ અટવાઈ ગયો છે. કૉર્પોરેટ પરિણામની મોસમનો આરંભ અને માથે બજેટ જોતાં બજારનું આ વલણ એક પ્રકારનો કોયડો કહી શકાય. માર્કેટ બ્રેડ્થ રસાકસી સાથે સહેજ પૉઝિટિવ રહી છે. એનએસઈ ખાતે ૧૦૨૬ શૅર પ્લસ તો ૯૬૮ કાઉન્ટર માઇનસ થયાં છે.
ADVERTISEMENT
બજારોના બહુમતી ઇન્ડાઇસિસ સુધર્યા છે, પરંતુ સુધારો કે ઘટાડો બહુધા સાંકડો રહ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સ સર્વાધિક એક ટકો ઘટ્યો છે. એની ૧૫૮ પૉઇન્ટની નરમાઈમાં હિન્દુસ્તાન યુનિલીવરનો ફાળો ૭૧ પૉઇન્ટ હતો. આ કાઉન્ટર બે ટકા બગડી ૨૫૯૪ બંધ થયું છે. આઇટીસી, વરુણ બેવરેજિસ, નેસ્લે, તાતા કન્ઝ્યુમર, મારિકો, ડાબર, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર ઇત્યાદિ જેવી ચલણી જાતો પણ અહીં માઇનસમાં હતી. સનફાર્માને બાદ કરતાં સિપ્લા, ડિવીઝ લૅબ, અપોલો હૉસ્પિટલ્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ, ફોર્ટિસ, બાયોકૉન, ઇપ્કા લૅબ, ડૉ. લાલ પૅથલૅબ્સ ઇત્યાદિ સહિત ૯૬માંથી ૬૩ શૅર નબળા પડતાં હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો ઢીલો પડ્યો છે. તાતા મોટર્સની સવા ટકાની આગેકૂચ અપવાદ હતી. અન્ય તમામ ઑટો શૅર નહીંવત્થી માંડી દોઢ ટકા સુધી ઘટતાં ઑટો બેન્ચમાર્ક પણ અડધો ટકો નરમ રહ્યો છે. હિન્દાલ્કો, નાલ્કો, એપીએલ અપોલો, સેઇલ, જેએસડબ્લ્યુ સ્ટીલ સવાથી ત્રણેક ટકા અને વેદાન્તા તથા જિન્દલ સ્ટીલ પોણો ટકો સુધરતાં મેટલ ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ હતો. તાતા સ્ટીલ ૧૧૯ નજીક યથાત્ દેખાયો છે. દરમ્યાન આગલા દિવસે ૧૬૪ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૨૬૪ નજીક બંધ રહેલો એન્લોન ટેક્નૉલૉજીઝ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭૭ના નવા શિખરે ગયો છે. પૅસિફિક ઇન્ડસ્ટ્રીઝ ૧૩.૪ ટકાના કડાકામાં ૨૬૦ બંધ આવ્યો છે.
રિલાયન્સ નફો ઘટવાની ધારણામાં સવા ટકો ધોવાયો, અદાણી ગ્રુપ ડાઉન
સેન્સેક્સના ૩૦માથી ૧૪ તો નિફ્ટીના ૫૦માંથી ૧૮ શૅર વધ્યા છે. હિન્દાલ્કો ૨.૭ ટકા વધી ૪૯૦ના બંધમાં નિફ્ટી યુએસ એફડીએના સપાટે ચડવા છતાં સનફાર્મા ૧.૭ ટકાના સુધારામાં ૧૦૨૮ બંધ આપી સેન્સેક્સમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. અન્યમાં અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, એચડીએફસી બૅન્ક, લાર્સન, ટીસીએસ, તાતા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ એકથી દોઢેક ટકો અપ હતા. જેપી મૉર્ગનના ડાઉન રેટિંગમાં ભારતી ઍરટેલ ૩.૪ ટકાની વધુ ખરાબીમાં ૭૬૬ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર થયો છે. એનો પાર્ટપેઇડ શૅર તો પોણાછ ટકા કપાયો છે. સિપ્લા પોણાત્રણ ટકા, ડિવીઝ લૅબ તથા અપોલો હૉસ્પિટલ્સ અઢી ટકા, હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા, કોલ ઇન્ડિયા પોણાબે ટકા બગડ્યા છે. આઇશર, બજાજ ફિનસર્વ, ગ્રાસિમ, ઇન્ડસઇન્ડ બૅન્ક, એનટીપીસી, એસબીઆઇ લાઇફ, નેસ્લે, તાતા કન્ઝ્યુમર્સ, ટાઇટન જેવી જાતો એકથી ૧.૪ ટકા જેવી નરમ હતી.
આ પણ વાંચો : બૅન્કિંગ, ફાઇનૅન્સ અને આઇટીના ભારમાં નિફ્ટી ૧૮૭ પૉઇન્ટ બગડી ફરીથી ‘૧૮’ની અંદર
રિલાયન્સનાં પરિણામ આગામી સપ્તાહે અપેક્ષિત છે. કંપની ૨૫.૭ ટકાના વધારામાં ૨.૩૨ લાખ કરોડની આવક પર પોણાદસ ટકાના ઘટાડામાં ૧૬૨૬૦ કરોડ નેટ પ્રૉફિટ કરશે એવી બ્લૂમબર્ગની ગણતરી છે શૅર સવા ટકો ઘસાઈ ૨૫૨૫ના બંધમાં બજારને સર્વાધિક ૯૮ પૉઇન્ટ નડ્યો છે. અદાણી ટ્રાન્સ. ત્રણ ટકા, અંબુજા સિમેન્ટ સવા ટકો, અદાણી પાવર એક ટકો નરમ થયા છે. એસીસી, એનડીટીવી, અદાણી ટોટલ પોણા ટકાથી વધુ માઇનસ હતા. અદાણી ગ્રુપના ૧૦માંથી એકમાત્ર અદાણી વિલ્મર દોઢ ટકો સુધર્યો છે.
ટૂરિઝમ ફાઇનૅન્સ કૉર્પોરેશનમાં તેજી જારી, બૅન્કિંગમાં ધીમો સુધારો જોવાયો
બૅન્કિંગમાં ધીમો સુધારો નોંધાયો છે. ઉદ્યોગના ૩૭માંથી ૨૧ શૅર પ્લસ હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પીએનબી ૨.૩થી ૩.૮ ટકા વધ્યા છે. યુકો બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક દોઢથી પોણાબે ટકા સુધર્યા છે. સામે ફિનો પેમેન્ટ બૅન્ક, યસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, કર્ણાટક બૅન્ક એકથી ચારેક ટકા નરમ હતા. સ્ટેટ બૅન્ક આગલા દિવસના બે ટકાના ધબડકા બાદ સાધારણ વધી ૫૯૬ રહી છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો પ્લસ હતી. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારામાં ૨૧૮ પૉઇન્ટ કે અડધો ટકો તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે ૦.૭ ટકા વધ્યા હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો સુધર્યો છે. એના ૧૩૭માંથી ૭૯ શૅર વધ્યા છે. ટૂરિઝમ ફાઇનૅન્સ કૉર્પો ૯૫ નજીક નવી મલ્ટિયર ટૉપ દેખાડી ૭.૨ ટકાના ઉછાળે ૯૪ બંધ થયો છે. એડલવાઇસ ૫.૯ ટકા, તાતા ઇન્વે. પાંચ ટકા, મેક્સ ફાઇનૅન્શિયલ ત્રણ ટકા મજબૂત હતા.
પીએનબી હાઉસિંગ, જનરલ ઇન્શ્યૉરન્સ, એલઆઇસી હાઉસિંગ, જીઆઇસી હાઉસિંગ, આદિત્ય બિરલા કૅપિટલ, પૂનાવાલા ફિનકૉર્પ જેવાં કાઉન્ટર્સ એક ટકા નરમ તો એચડીએફસી પોણો ટકો પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ નજીવા ઘટાડે ૫૮૯૪ પોણો ટકો પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ નજીવા ઘટાડે ૫૮૯૪ થયો છે. એલઆઇસી ૭૧૫ના લેવલે ફ્લૅટ હતો. પેટીએમ પોણો ટકો, પૉલિસી બાઝાર સામાન્ય, નાયકા ત્રણ ટકા પ્લસ હતા. ઝોમૅટો પોણા ટકાના ઘટાડામાં ૫૪ રહ્યો છે. સ્ટાર હેલ્થકૅર સહેજ સુધરીને ૫૯૩ હતો. રેલ વિકાસ નિગમ અઢી ટકા પ્લસ તો ઇરકોન ૧.૭ ટકા નરમ હતો. રેલટેલ એક ટકાના સુધારે ૧૨૪ થયો છે. આઇઆરએફસી સાધારણ વધીને ૩૨ વટાવી ગયો છે.
પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફી ફ્લૅટ, એચસીએલ ટેક્નૉમાં નરમાઈ
ઇન્ફી અને એચસીએલ ટેક્નૉનાં પરિણામ ગુરુવારે છે. ઇન્ફોસિસ ત્રિમાસિક ગાળામાં ૧૮ ટકાના વધારામાં ૩૭૬૧૩ કરોડની આવક તથા ૧૦ ટકાના વૃદ્ધિદરથી ૬૪૧૮ કરોડ જેવો નેટ પ્રૉફિટ દર્શાવી ગાઇડન્સિસ જાળવી રાખે એવી ધારણા રખાય છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૯૪ થઈ ૧૪૭૧ના લેવલે ફ્લૅટ બંધ થયો છે, જ્યારે એચસીએલ ટેક્નૉલૉજીઝ અડધો ટકો ઘટી ૧૦૫૯ થયો છે. કામકાજ સરેરાશ કરતાં બમણાં હતાં. અન્ય હેવીવેઇટ્સમાં ટીસીએસ સવા ટકાના સુધારામાં ૩૩૨૯ ટેક મહિન્દ્ર ૦.૪ ટકા વધી ૧૦૦૬ તથા વિપ્રો નજીવો વધી ૩૯૪ બંધ હતા. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૨ શૅરના સુધારામાં ડીલિન્ક, એમ્ફાસિસ, સિગ્નેટી, બિરલા સૉફ્ટ, સાસ્કેન દોઢથી અઢી ટકા અપ હતા. ક્વિકહિલ સાત ટકાની મજબૂતીમાં ૧૮૪ વટાવી ગયો છે. ભારતી ઍરટેલમાં સીએલએસએના ૧૦૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ પછી જેપી મૉર્ગને ૮૬૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૭૧૦ કરીને બેરિશ વ્યુ જાહેર કર્યો છે, જેમાં શૅર ૬ ગણા કામકાજે નીચામાં ૭૫૨ થઈ ૩.૫ ટકા બગડી ૭૬૫ બંધ આવ્યો છે અને એનો પાર્ટપેઇડ તો ૫.૮ ટકાના કટમાં ૩૯૪ થઈ ગયો છે. વોડાફોન ૭.૧૫ના નવા તળિયે જઈ ૨.૯ ટકા વધી ૭.૪૬ હતો. તેજસ નેટ ૪.૫ ટકા ઘટ્યો છે. સ્ટરલાઇટ ટેક્નૉ દોઢ ટકા, રેલટેલ એક ટકા, તાતા કમ્યુ. ૪.૩ ટકા પ્લસ હતા. પીવીઆર બે ટકા અને આઇનોક્સ લિઝર દોઢ ટકો વધ્યા છે. ટીવી૧૮માં સવા ટકાથી વધુના સુધારા સામે નેટવર્ક૧૮ પોણો ટકો માઇનસ થયો છે.
શ્રીરામ ઍસેટ્સને નવા એમડી ફળ્યા, ૨૦ ટકાની તેજીની સર્કિટે શૅર બંધ
હાલોલ પ્લાન્ટમાં ખામીભરી ઉત્પાદન-વ્યવસ્થાને લઈને અમેરિકન એફડીએ તરફથી વૉર્નિંગ લેટર પાઠવી સનફાર્માને સપાટામાં લેવામાં આવી છે છતાં શૅર ૧.૭ ટકાના સુધારે ૧૦૨૮ બંધ થયો છે. સિગાચી ઇન્ડ. તરફથી પ્રમોટર્સની તરફેણમાં ૨૮૫ના ભાવદીઠ ૧૧૦ લાખ કન્વર્ટિબલ ઇક્વિટી વૉરન્ટ્સ ઇશ્યુ કરવાનું નક્કી થયું છે. શૅર નીચામાં ૩૨૩ થઈ ૪.૮ ટકા તૂટી ૩૨૩ થયો છે. ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સમાં સ્ટ્રૉન્ગ આઉટલુક વહેતો થતાં ભાવ પાંચ ગણા કામકાજે ૭૨ નજીક વર્ષની ટૉપ બતાવી ૧૦.૮ ટકાના જમ્પમાં ૭૧ રહ્યો છે. શ્રીરામ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના એમડી તથા સીઈઓ તરીકે કાર્તિક જૈનની વરણી થયા પછી શૅર મજબૂત વલણમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૪ વટાવી ત્યાં જ બંધ રહ્યો છે.
દરમ્યાન ગઈ કાલે શુગર શૅર લાઇમલાઇટમાં જોવા મળ્યા છે. ઉદ્યોગના ૩૮માંથી ૩૩ જાતો પ્લસ હતી. પોની ઇરોડ દસ ટકા, કેસીપી શુગર ૬.૬ ટકા, રાજશ્રી શુગર પાંચ ટકા, રિગા શુગર પાંચ ટકા મજબૂત હતા. અવધ શુગર, દાલમિયા શુગર, દાવણગિરિ, રેણુકા શુગર, ઉગર શુગર, સિમ્ભોલી શુગર, રાવળગાંવ, બજાજ હિન્દુસ્તાન અઢીથી પોણાપાંચ ટકા વધ્યા છે. એસબીઈસી શુગર પાંચ ટકા ગગડી ૪૮ હતી. શુગરની સાથે ટી-કૉફી અને પ્લાન્ટેશન સેગમેન્ટના ૨૨માંથી ૧૭ શૅર વધ્યા છે. ડાયના ટી ૧૦ ટકાના ઉછાળે ૩૨ થઈ છે. જયશ્રી ટી, બંગાલ ઍન્ડ આસામ લિમિટેડ, લોની ટી, ઑક્ટાવિયસ પ્લાન્ટેશન ૫થી ૬ ટકા અપ હતા. હેરિસન મલયાલમ, કેન્કોટી, ગુડરિક, તરાઈ ટી દોઢથી બે ટકા વધ્યા છે. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટસ સવા ટકાના ઘટાડે ૭૫૯ થઈ છે. તાતા કૉફીમાં અડધા ટકાનો ઘટાડો હતો.