કૅબિનેટમાં ફેરફારની ચર્ચા વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરિષદની મીટિંગ યોજાઈ
માર્કેટ મૂડ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બાયબૅક માટે ૬ જુલાઈએ બોર્ડ મીટિંગમાં બીએસઈનો શૅર નવ મહિનાનો મોટો જમ્પ દેખાડી ૬૬૯ બંધ : કાનસાઈ નેરોલૅક એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ મજબૂત, એડીએફ ફૂડ્સ તગડા ઉછાળે ઑલટાઇમ હાઈ : જેટ ઍરવેઝ તથા નીટ લિમિટેડમાં નવાં નીચાં બૉટમ બન્યાં, એલઆઇસી સારા બજારમાં પણ ઘટાડે બંધ : મિડ કૅપ, સ્મૉલ કૅપ, બ્રૉડર માર્કેટ, બૅન્ક નિફ્ટી, એફએમસીજી, ફાઇનૅન્સ, હેલ્થકૅર, નિફ્ટી ફાર્મા, ઑટો, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સેગમેન્ટના ઇન્ડેક્સ નવા શિખરે : પાકિસ્તાની શૅરબજારમાં વિક્રમી ઉછાળો, બજાર ઉપલી સર્કિટે હિટ થતાં કામકાજ પ્રથમ વાર થંભાવી દેવાયું
શૅરબજારમાં આખલા-દોડનો નવો રાઉન્ડ આગળ વધી રહ્યો છે. ૨૮ જૂન બુધવારે પ્રથમ વાર ૬૪,૦૦૦ થયેલો સેન્સેક્સ કામકાજના બે જ દિવસમાં ૩ જુલાઈના સોમવારે ૬૫,૦૦૦ થઈ ગયો છે. શુક્રવારનું રી-રન હોય એમ સેન્સેક્સ ગઈ કાલે સાધારણ પ્લસમાં ૬૪,૮૩૬ ખૂલી, એને જ ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૪૮૬ પૉઇન્ટની આગેકૂચમાં ૬૫,૨૦૫ બંધ થયો છે. નિફ્ટી ૧૩૩ પૉઇન્ટની મજબૂતીમાં ૧૯,૩૨૨ રહ્યો છે. ક્લોઝિંગની સાથે-સાથે ઇન્ટ્રા-ડેમાં શૅર આંક ૬૫,૩૦૦ તથા નિફ્ટી ૧૯,૩૪૫ની સર્વોચ્ચ સપાટીએ ગયા હતા. બજારનું માર્કેટ કૅપ ૧.૭૩ લાખ કરોડના વધુ ઉમેરામાં હવે ૨૯૮.૨૧ લાખ કરોડના શિખરે પહોંચી ગયું છે. સેન્સેક્સ અને નિફ્ટીના પોણા ટકા જેવા વધારા સામે પીએસયુ બૅન્ક નિફ્ટી સાડાત્રણ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવાબે ટકા, એનર્જી બેન્ચમાર્ક બે ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૧ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકા મજબૂત હતા. સામે નિફ્ટી ફાર્મા ૧.૧ ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધો ટકો, નિફ્ટી આઇટી અડધો ટકો નરમ થયા છે. ઇન્ટ્રા-ડેમાં સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, હેલ્થકૅર, બૅન્કિંગ ફાઇનૅન્સ, ઑટો, એફએમસીજી, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જેવા સેગમેન્ટને લગતાં ઇન્ડાઇસિસ નવા શિખરે ગયાં હતાં. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. એનએસઈ ખાતે વધેલા ૧૧૩૫ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા ૯૫૧ નોંધાઈ છે.
જુલાઈ મહિનાનો આરંભ વિશ્વબજારો માટે પણ સારા એવા સુધારા સાથે થયો છે. સોમવારે તમામ અગ્રણી એશિયન બજારો પ્લસ હતાં. હૉન્ગકૉન્ગ બે ટકા, નિક્કી પોણાબે ટકા નજીક, ચાઇના સવા ટકાથી વધુ, સાઉથ કોરિયા દોઢ ટકો, તાઇવાન એક ટકો, ઇન્ડોનેશિયા અડધો ટકો વધ્યાં છે. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ રનિંગમાં સાધારણ સુધારો દાખવતું હતું. આઇએમએફ તરફથી ત્રણ અબજ ડૉલરની લોન મંજૂર થતાં પાકિસ્તાની શૅરબજાર ખૂલતાંની સાથે જ પાંચ ટકાની ઉપલી સર્કિટને હિટ થતાં કામકાજ એક કલાક માટે થંભાવી દેવાની ફરજ પડી હતી અને કામકાજ ફરી શરૂ થતાં તેજી આગળ વધી હતી, જેમાં રનિંગમાં ત્યાંનું બજાર ૨૪૪૩ પૉઇન્ટ કે ૫.૯ ટકાના જમ્પમાં ૪૩,૭૬૯ દેખાયું છે. ૨૪૪૩ પૉઇન્ટની આ તેજી એક નવો વિક્રમ છે. એપ્રિલ ૨૦૨૨માં ૧૭૦૦ પૉઇન્ટની તેજી થઈ હતી. ટકાવારીની રીતે પણ ગઈ કાલે ત્યાં માર્ચ ૨૦૦૯ પછીનો સૌથી મોટો જમ્પ છે.
ADVERTISEMENT
રિલાયન્સ અને એચડીએફસી ટ્વિન્સની તેજી સેન્સેક્સને ૩૫૦ પૉઇન્ટ ફળી
આરંભથી અંત સુધી મજબૂત રહેલા બજારમાં સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા. ગઈ કાલે અત્રે ડૉ. રેડ્ડીઝ લૅબ, એચડીએફસી ટ્વિન્સ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, આઇટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, લાર્સન, મહિન્દ્ર, એનટીપીસી, તાતા મોટર્સ, એચસીએલ ટેક્નૉ, ઍક્સિસ બૅન્ક અલ્ટ્રાટેકમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં હતાં. આઇટીસી ૪૬૬ની નવી ટૉપ બતાવી ૩.૧ ટકાના જમ્પમાં ૪૬૬ નજીક હતો. રિલાયન્સ સારા વૉલ્યુમ સાથે ઉપરમાં ૨૬૨૨ થઈ અઢી ટકા ઊંચકાઈ ૨૬૧૫ બંધમાં બજારને સર્વાધિક ૧૯૫ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. બજાજ ફાઇ. ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૨ ટકા, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, મહિન્દ્ર ૧.૨ ટકા, તાતા સ્ટીલ ૧.૧ ટકા તો આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકા નજીક પ્લસ હતા. નવા શિખર સાથે એચડીએફસી ૧.૮ ટકા અને એચડીએફસી બૅન્ક ૧.૧ ટકા વધતાં બજારને કુલ મળીને ૧૫૫ પૉઇન્ટ મળી ગયા હતા. નિફ્ટી ખાતે ગ્રાસિમ ૩.૪ ટકાની તેજીમાં ૧૭૯૪ થયો છે. ભારત પેટ્રો ૨.૯ ટકા, ઓએનજીસી ૧.૬ ટકા, આઇશર ૧.૪ ટકા, હિન્દાલ્કો અને એનટીપીસી એક ટકાથી વધુ પ્લસ હતા.
પાવરગ્રીડ ૧.૮ ટકાથી વધુ ખરાબીમાં ૨૫૦ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. સનફાર્મા પોણાબે ટકાથી વધુ, મારુતિ એક ટકાથી વધુ, લાર્સન એક ટકા નજીક, બજાજ ઑટો ૧.૭ ટકા, સિપ્લા સવા ટકો, હૉ. રેડ્ડીઝ લૅબ ૧.૨ ટકા, નેસ્લે તથા યુપીએલ ૧.૧ ટકા બગડ્યા છે. શૅરના બાયબૅક માટે ૬ જુલાઈએ બોર્ડ મીટિંગ જાહેર થતાં બીએસઈ લિમિટેડનો શૅર ભારે કામકાજ સાથે ઉપરમાં ૬૭૫ બતાવી ૧૦ ટકાના નવ માસના મોટા ઉછાળે ૬૬૯ બંધ આવ્યો છે. બાયબૅક ૭૦૦ આસપાસના ભાવે આવવાની વાતો છે.
અદાણીના શૅરોમાં સુસ્તી, મોનાર્ક ૧૦ ટકા ઊછળ્યો, એલઆઇસીમાં નરમાઈ
સારા બજારમાં પણ બિઝનેસ કા ભાઈનું નવું છોગું લગાવીને ફરતા ગૌતમભાઈના શૅર એકંદર ડલ રહ્યા છે. ગ્રુપના ૧૦માંથી ૫ શૅર ઘટ્યા છે. અદાણી વિલ્મર એક ટકો, અદાણી ગ્રીન ૦.૪ ટકા, અદાણી પાવર ૦.૬ ટકા, અદાણી પોર્ટ્સ અને એનડીટીવી સાધારણ નરમ હતા. સામે અદાણી ટ્રાન્સ. ૦.૭ ટકા, અદાણી ટોટલ અડધો ટકો, એસીસી અડધો ટકો, અંબુજા સિમેન્ટ્સ સવાબે ટકા પ્લસ હતા. ફ્લેગશિપ અદાણી એન્ટર માંડ આઠ આનાના પરચૂરણ સુધારામાં ૨૩૮૪ થઈ છે. મોનાર્ક નેટવર્થ ઉપરમાં ૨૮૧ નજીક જઈ દસ ટકાના ઉછાળે ૨૬૬ હતી. ક્વિન્ટ ડિજિટલ એક ટકો ઘટી છે. પતંજલિ ફૂડ્સ ૧૧૮૬ના લેવલે ફ્લૅટ હતી. એલઆઇસી અડધા ટકાથી વધુના ઘટાડામાં ૬૨૯ની અંદર આવી ગઈ છે. એમસીએક્સ આગલા દિવસના ધોવાણ બાદ પાંચેક રૂપિયાના મામૂલી સુધારામાં ૧૫૦૫ નજીક ગઈ છે.
કાનસાઇ નેરોલૅક બે શૅરદીઠ એક બોનસમાં મંગળવારે એક્સ-બોન્સ થશે. વધુમાં કંપનીએ કાવેસર ખાતેની જમીન ૬૫૫ કરોડમાં વેચવાનું નક્કી કર્યું છે. શૅર અઢી ટકા વધીને ૪૬૧ વટાવી ગયો હતો. જેટ ઍરવેઝ ૪૭ નીચે ઐતિહાસિક બૉટમ બનાવી સવાબે ટકા બગડીને ૪૭ ઉપર તો નીટ લિમિટેડ ૮૩.૫૦ના નવા તળિયે જઈ અડધો ટકો ઘટી ૮૪ ઉપર બંધ થયો છે. સ્પાઇસ જેટ સાડાપાંચ ગણા કામકાજે સાડાબાર ટકાના ઉછાળે ૩૧ નજીક સરક્યો છે. ઇન્ડીગો ફેમ ઇન્ટર લોબ ૨૬૬૧ની નવી ટોચે જઈને અડધા ટકાના સુધારામાં ૨૬૪૧ હતો.
સરકારી બૅન્કોમાં તેજીની આગેકૂચ, અબાન હોલ્ડિંગ્સ ૧૪.૪ ટકા તૂટ્યો
બૅન્ક નિફ્ટી ૪૫,૩૫૩ની વિક્રમી સપાટી બતાવી ૧૨માંથી ૯ શૅરના સથવારે ૪૧૧ પૉઇન્ટ કે ૦.૯ ટકા વધી ૪૫,૧૫૮ બંધ થયો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં ૩.૬ ટકા ઊછળ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૩૧ શૅર પ્લસ હતા. બૅન્ક ઑફ બરોડા, ઇક્વિટાસ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, જેકે બૅન્ક, કર્ણાટક બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્કમાં નવી ઊંચી સપાટી જોવાઈ છે. કૅનેરા બૅન્ક ૫.૫ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા પાંચ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૬ ટકા, પીએનબી ૪.૨ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાછ ટકા, ધનલક્ષ્મી બૅન્ક સાડાત્રણ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પોણાચાર ટકા, યુનિયન બૅન્ક ૩.૬ ટકા ઊછળ્યા હતા. સૂર્યોદય બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, બંધન બૅન્ક પોણાબેથી પોણાત્રણ ટકા ખરડાઈ છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૯૬૩૮ની ટોચે જઈ એક ટકો વધી ૯૫૯૨ થયો છે. અત્રે ૧૪૧માંથી ૮૮ શૅર વધ્યા હતા. લાર્સન ફાઇ સાડાસાત ટકા, આઇડીએફસી સવાછ ટકા, ઇકરા ત્રણ ટકા, મહિન્દ્ર ફાઇ. સવાબે ટકા, ચોલા મંડલમ ઇન્વે. અઢી ટકા, એમડીએફસી પોણાબે ટકા, મેક્સ ઇન્ડિયા પાંચ ટકા, મુથૂટ ફાઇ. ૦.૯ ટકા, પાવર ફાઇનૅન્સ બે ટકા, સુંદરમ ફાઇ. એક ટકો વધી નવા શિખરે પહોંચ્યો છે. અબાન હોલ્ડિંગ્સ ૧૯ ગણા કામકાજે ૧૪.૪ ટકાના કડાકામાં ૨૭૩ હતો. ઑટો ઇન્ડેક્સ ૩૫,૨૩૯ની ટૉપ બનાવી અડધો ટકો ઘટીને ૩૪,૭૬૭ થયો છે. અત્રે તાતા મોટર્સ ૬૦૨ની મલ્ટિયર ટૉપ બનાવી પોણો ટકો ઘટી ૫૯૧ તથા એનો ડીવીઆર દોઢ ટકા ઘટી ૩૦૭ બંધ હતો. બજાજ ઑટો ૧.૭ ટકા, મારુતિ ૧.૧ ટકા, એમઆરએફ ૧.૬ ટકા, અપોલો ટાયર્સ ૨.૪ ટકા, ક્યુમિન્સ ૨.૭ ટકા, હીરો મોટોકૉર્પ અડધો ટકો નરમ હતા. મહિન્દ્ર એક ટકો તથા આઇશર સવા ટકો સુધર્યા છે.
ટીસીએસનાં ૧૨ જુલાઈએ પરિણામ, ૬૩ મૂન્સ કરેક્શનમાં ૮.૨ ટકા ડાઉન
આઇટી બેન્ચમાર્ક ૫૬માંથી ૩૧ શૅરના ઘટાડે ૧૨૯ પૉઇન્ટ ઘટ્યો છે. રેટગેઇન તથા લેટેટન્ટ વ્યુ સાત ટકાની તેજીમાં હતા. બ્લૅક બૉક્સ સાડાપાંચ ટકા વધ્યો છે. તાજેતરના ઉછાળા બાદ ૬૩ મૂન્સ સવાઆઠ ટકા ગગડી ૨૨૪ની અંદર ગયો છે. ઓરિઅનપ્રો તથા ઈ-મુદ્રા સાડાત્રણ ટકા કપાયા હતા. ટીસીએસનાં પરિણામ ૧૨મીએ છે. શૅર ૦.૯ ટકા ઘટીને ૩૨૭૧ થયો છે. વિપ્રો ૦.૭ ટકા વધી ૩૯૧ વટાવી ગયો છે. ઇન્ફી નહીંવત્ નરમ હતો. ટેલિકૉમમાં ભારતી સામાન્ય ઘટી ૮૭૫ રહ્યો છે. એનો પાર્ટપેઇડ ૪૯૨ની નવી ટોચે જઈ ૪૮૫ના લેવલે ફ્લૅટ હતો. એચએફસીએલ સવાપાંચ ટકા તો સ્ટરલાઇટ ટેક્નૉ પાંચ ટકા મજબૂત હતા. નેટવર્ક-૧૮ દોઢ ટકા તથા સારેગામા પોણાબે ટકા ડાઉન હતા. પર્સિસ્ટન્ટ સવાત્રણ ટકા કે ૧૬૦ની ખરાબીમાં ૪૮૫૦ બંધ હતો. ઝી એન્ટર બે ટકા જેવા સુધારે ૧૮૧ થયો છે.
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૪૦,૯૬૯ના શિખરે જઈ અડધો ટકો ઘટી ૪૦,૫૪૦ હતો. સુઝલોન બમણા વૉલ્યુમે દસ ટકાના ઉછાળે ૧૭ નજીક સરક્યો છે. લક્ષ્મી મશીન ૭૯૬ રૂપિયા કે સવાછ ટકાના ઉછાળે ૧૩,૪૭૪ વટાવી ગયો હતો. લાર્સન નવી ટોચે જઈ એકાદ ટકો ઘટી ૨૪૫૨ રહ્યો છે. એફએમસીજી આંક ૧૮,૯૪૮ની વિક્રમી સપાટી બનાવીને એક ટકો વધી ૧૮,૮૯૫ હતો. અમેરિકન ડ્રાયફ્રૂટ્સ ઉર્ફે એડીએફ ફૂડ્સ ૨૦ ટકાની તેજીમાં ૧૧૨૧ની ઑલટાઇમ હાઈ બાદ ૧૯ ટકા કે ૧૭૮ પૉઇન્ટની તેજીમાં ૧૧૧૩ થયો છે.
હિન્દ. ફૂડ્સ પોણાદસ ટકા ઉછળી ૫૬૭ હતો. પરાગ મિલ્ક ૫.૭ ટકા બગડી ૧૩૯ નીચે ગયો છે. હેલ્થકૅર ઑલટાઇમ હાઈ નજીક નવી ટૉપ બનાવી પોણો ટકો ઘટ્યો છે. શેલ્બી અને સ્ટાર હેલ્થ પોણાનવ ટકાની તેજીમાં રહ્યા છે.