Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગના ભારમાં શૅરબજાર વધુ ૫૦૨ પૉઇન્ટ બગડ્યું, માર્કેટ બ્રેડ્થમાં ખરાબી

બૅન્કિંગના ભારમાં શૅરબજાર વધુ ૫૦૨ પૉઇન્ટ બગડ્યું, માર્કેટ બ્રેડ્થમાં ખરાબી

Published : 19 December, 2024 09:00 AM | IST | Mumbai
Anil Patel

સનાતન ટેક્સટાઇલ અને ડીએએમ કૅપિટલનાં મોંઘાં ભરણાં આજે ખૂલશે : વાટેક વાબૅગમાં ૨૧૦ રૂપિયાનો કડાકો, ક્રાફ્ટ્સમૅન ઑટોમેશનમાં ૫૫૮ રૂપિયાની તેજી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઝોમાટોનું માર્કેટકૅપ તાતા મોટર્સ કરતાંય વધી ગયું : બારેબાર શૅરના બગાડમાં પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા બગડ્યો : વિશાલ મેગા માર્ટમાં ધારણાથી સારું લિસ્ટિંગ, ૪૩ ટકા પ્લસનો લિસ્ટિંગ ગેઇન : સનાતન ટેક્સટાઇલ અને ડીએએમ કૅપિટલનાં મોંઘાં ભરણાં આજે ખૂલશે : વાટેક વાબૅગમાં ૨૧૦ રૂપિયાનો કડાકો, ક્રાફ્ટ્સમૅન ઑટોમેશનમાં ૫૫૮ રૂપિયાની તેજી : સ્ટ્રૉન્ગ બિઝનેસ આઉટલુકની થીમમાં ભારતી હેક્સાકૉમ ઑલટાઇમ હા


ફેડની પૉલિસી મીટિંગ પૂર્વે બુધવારે અગ્રણી વિશ્વબજારો બહુધા સુધર્યાં છે. એશિયા ખાતે સાઉથ કોરિયા એક ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો, તાઇવાન તથા ચાઇના અડધા ટકાથી વધુ પ્લસ હતાં. જપાન તથા ઇન્ડોનેશિયા પોણા ટકા નજીક તો સિંગાપોર અડધો ટકો નરમ હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી લઈ અડધા ટકા સુધી ઉપર જણાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૧,૦૮,૨૪૦ ડૉલરના બેસ્ટ લેવલે જઈ રનિંગમાં પોણાત્રણ ટકાના ઘટાડે ૧,૦૪,૧૧૩ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાનનું શૅરબજાર ઑલટાઇમ હાઈના સિલસિલામાં વિરામ લેવાના મૂડમાં રનિંગમાં પોણાત્રણ ટકા કે ૩૨૦૦ પૉઇન્ટ ગગડી ૧,૧૧,૬૬૦ દેખાયું છે.



નવેમ્બર મહિનામાં ભારતની વેપારખાધ ૩૭૮૪ કરોડ ડૉલરની વિક્રમી સપાટીએ નોંધાઈ છે. આર્થિક પંડિતોની એકંદર ધારણા ૨૩૯૦ કરોડ ડૉલરની હતી. નિકાસ ઑક્ટોબરના ૩૯ અબજ ડૉલરથી સાતેક અબજ ડૉલર ઘટી ૩૨ અબજ ડૉલર રહી છે. આવામાં ટ્રમ્પ તરફથી ભારતને ટૅરિફ કિંગ ગણાવી જકાત બેરિયર નહીં ઘટાડે તો ભારતીય ચીજવસ્તુઓની આયાત પર ડ્યુટી લાદવાની ધમકી અપાઈ છે. ચાઇના આજે એક જબરી આર્થિક મહાસત્તા બની ગયું છે. ટ્રમ્પ ગમે એટલા ધમપછાડા કરે પણ એનાથી ચીનને બહુ મોટો ફરક પડવાનો નથી. બાકી રહ્યું ભારત... ગરીબ કી જોરુ સબકી ભાભી. વન નેશન, વન ઇલેક્શન બિલ સરકારે રજૂ તો કરી દીધું, પરંતુ બંધારણીય જોગવાઈને લઈ એ પાસ થઈ શકે એમ નથી. મામલો JPCમાં જવાનો છે અને અટવાયેલો જ રહેવાનો છે.


મંગળવારના હજારી ધબડકા બાદ સેન્સેક્સ ગઈ કાલે નહીંવત નરમ, ૮૦,૬૬૬ ખૂલી ૫૦૨ પૉઇન્ટના વધુ ધોવાણમાં ૮૦,૧૮૨ તથા નિફ્ટી ૧૩૭ પૉઇન્ટ ખરડાઈ ૨૪,૧૯૯ બંધ થયો છે. શૅર આંક ઉપરમાં ૮૦,૮૬૮ થયા બાદ નીચામાં ૮૦,૦૫૦ દેખાયો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થને લઈ NSE ખાતે વધેલા ૮૭૮ શૅર સામે બમણા, ૧૯૨૨ શૅર ઘટ્યા છે. ફાર્મા હેલ્થકૅરને બાદ કરતાં બજારના બાકીના સેકટોરલ નરમ હતા. આઇટી સાધારણ સુધર્યા છે. નિફ્ટી મીડિયા સવાબે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા નજીક, મેટલ ફાઇનૅન્સ અને બૅન્ક નિફ્ટી સવા ટકા આસપાસ ડૂલ થયા હતા. બજારનું માર્કેટકૅપ ૨.૫૪ લાખ કરોડ ઘટીને હવે ૪૫૨.૬૦ લાખ કરોડ રહ્યું છે.

નિફ્ટી ખાતે ટ્રેન્ટ અઢી ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સવાબે ટકા, સિપ્લા દોઢ ટકો અને વિપ્રો સવા ટકો અપ હતા. સેન્સેક્સ ખાતે ૦.૬ ટકાના સુધારામાં રિલાયન્સ, સનફાર્મા તથા ટીસીએસ મોખરે હતા. તાતા મોટર્સ ત્રણ ટકા ગગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. પાવર ગ્રિડ અઢી ટકા તો ભારત ઇલેક્ટ્રિક સવાબે ટકા ડાઉન હતા. NTPC, JSE સ્ટીલ, અદાણી પોર્ટ‍્સ, ICICI બૅન્ક, સ્ટેટ બૅન્ક, લાર્સન, કોલ ઇન્ડિયા, ભારત પેટ્રો, શ્રીરામ ફાઇનૅન્સ, સ્ટેટ બૅન્ક, ONGC સવાથી બે ટકા માઇનસ થયા છે. HDFC બૅન્ક સવા ટકા નજીકના ઘટાડામાં ૧૮૧૧ બંધ આપી બજારને ૧૪૧ પૉઇન્ટ તો ICICI બૅન્ક દોઢ ટકાની નરમાઈમાં ૧૧૯ પૉઇન્ટ નડ્યો છે. ઍક્સિસ તથા ઇન્ડ્સઇન્ડ બૅન્ક એક ટકા આસપાસ ઢીલા હતા.


મર્જરનો રેશિયો ખરાબ આવતાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ગગડ્યો

અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ્સ તરફથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝને મર્જ કરવાની જાહેરાત થઈ છે જેમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝના શૅરધારકોને ૧૦૦ શૅર બદલ અંબુજા સિમેન્ટ્સના ૧૨ શૅર મળશે. મંગળવારે અંબુજા સિમેન્ટ ૫૭૧ અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ૭૭ જેવો બંધ હતો. આ ધોરણે મર્જરનો રેશિયો બેશક સાંઘી ઇન્ડસ્ટ્રીઝની વિરુદ્ધ કહી શકાય. આની અસરમાં શૅર ગઈ કાલે ૧૪ ગણા વૉલ્યુમે નીચામાં ૬૭ થઈ બાર ટકા તૂટી ૬૮ નજીક બંધ થયો છે. અંબુજા સિમેન્ટ્સ ૫૭૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટી ૫૬૫ હતો. અદાણી ગ્રુપની અન્ય સિમેન્ટ કંપની એસીસી પોણાત્રણ ટકા ગગડી ૨૧૩૯ રહી છે. બાય ધ વે, અદાણીના ૧૧માંથી ૧૧ શૅર ગઈ કાલે ઘટ્યા હતા. અદાણી ગ્રીન ૩.૩ ટકા, અદાણી એનર્જી અઢી ટકા, અદાણી પોર્ટ‍્સ પોણાબે ટકા, અદાણી એન્ટર સવા ટકા, NDTV સવાબે ટકા, અદાણી ટોટલ બે ટકા, અદાણી વિલ્મર સવા ટકો કટ થયા છે.

વાટેક વાબૅગને મળેલો ૨૭૦૦ કરોડનો ઑર્ડર સાઉદી અરેબિયાની વૉટર ઑથોરિટીએ કૅન્સલ કર્યો છે. આથી શૅર ૨૦ ગણા કામકાજે નીચામાં ૧૫૨૨ થઈ અંતે ૧૧.૨ ટકા ગગડી ૧૬૭૨ બંધ થયો હતો. ૯ ડિસેમ્બરે તાજેતરમાં ભાવ ૧૯૪૪ના શિખરે ગયો હતો. સરકારની ૬૦.૮ ટકા માલિકીની NMDCએ એક શૅરદીઠ બે બોનસ માટે ૨૭ ડિસેમ્બરની રેકૉર્ડ ડેટ નક્કી કરી છે, પરંતુ એની સામે કર્ણાટક રાજ્ય સરકાર આયર્નઓર પરની ડ્યુટી વધારવા સક્રિય બની હોવાના અહેવાલ આવતાં શૅર બમણા વૉલ્યુમે નીચામાં ૨૧૧ થઈ ૬ ટકા બગડી ૨૧૩ બંધ થયો છે. જિંદલ સૉ તરફથી રિન્યુ ગ્રીન એનર્જી નામની પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ૩૧ ટકા હિસ્સો હસ્તગત કરાયો હોવાના સમચારે શૅર પ્રારંભિક તેજીમાં ૩૩૩ વટાવી છેવટે સવા ટકો ઘટી ૩૦૫ રહ્યો છે. બે ગ્રુપ કંપનીઓ પરનો પ્રતિબંધ રિઝર્વ બૅન્કે હટાવી લેતાં એડલવીસ ફાઇ સર્વિસિસ પણ પ્રારંભિક જોશમાં ૧૪૩ ઉપર ગયો હતો પછીથી નીચામાં ૧૩૨ થઈ ત્રણ ટકા ગગડી ૧૩૪ બંધ આવ્યો છે. કૅર તરફથી લૉન્ગ ટર્મ ડેટ રેટિંગ અપગ્રેડ કરવામાં આવતાં MTNL ઉપરમાં ૫૮ વટાવી છેવટે સવા ટકો વધ્યો હતો. ભારતી હેક્સાકૉમ સ્ટ્રૉન્ગ બિઝનેસ આઉટલુકની થીમમાં ૧૦ ગણા કામકાજમાં ૧૬૦૬ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી પોણાસાત ટકાની મજબૂતીમાં ૧૫૪૮ થયો છે.

મોબિક્વિકમાં ૯૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન, સુપ્રીમ ડિસ્કાઉન્ટમાં

બુધવારે કુલ પાંચ ભરણાં લિસ્ટેડ થયાં. મેઇન બોર્ડમાં વિશાલ મેગા માર્ટ શૅરદીઠ ૭૮ની પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં છેલ્લે બોલાતા બાવીસના પ્રીમિયમ સામે ૧૧૦ ખૂલી ૧૧૨ બંધ થતાં ૪૩.૫ ટકાનો, સાંઈ લાઇફ સાયન્સિસ ૫૪૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૭૨ના પ્રીમિયમ સામે ૬૬૦ ખૂલી ઉપરમાં ૭૬૫ બતાવી ત્યાં જ બંધ રહેતાં ૩૯ ટકાનો તથા મોબિક્વિક ૨૭૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૬૦ના પ્રીમિયમ સામે ૪૪૨ ખૂલી ૫૩૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૫૩૦ બંધ થતાં અત્રે ૯૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. SME કંપની પર્પલ યુનાઇટેડ ૧૨૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૮૦ના પ્રીમિયમ સામે ૧૯૯ ખૂલી ૨૦૯ બંધ થતાં એમાં ૬૬ ટકા ગેઇન તેમ જ સુપ્રીમ ફૅસિલિટી ૭૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૪ના પ્રીમિયમ સામે ૭૫ ખૂલી ૭૧ બંધ આવતાં સવાછ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. મંગળવારે ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન આપનારી ટૉસ ધ કૉઇન પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૮૧ના શિખરે જઈ ત્યાં જ તથા જંગલ કૅમ્પસ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૨૩ થઈ ત્યાં જ હતી.

ગુરુવારે આરઝેડની ઇન્વેન્યર્સ નૉલેજ અને બરોડાની યશ હાઈ વૉલ્ટેજનું લિસ્ટિંગ છે. ઇન્વેન્યર્સમાં ૪૦૭ તથા યશમાં બાવન પ્રીમિયમ ચાલે છે. મુંબઈના ઓશિવરા ખાતેની આઇડેન્ટિકલ બ્રેઇન્સનો શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૯૯૬ લાખ રૂપિયાનો SME IPO પ્રથમ દિવસે ૨૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૩૮ જેવું છે. નેકડાક ઇન્ફ્રાનો ઇશ્યુ બીજા દિવસના અંતે ૪૭૪ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૪૦ છે.

૬૩ મૂન્સ તેજીની આગેકૂચમાં ચાર આંકડે થવાની તૈયારીમાં

પિરામલ એન્ટરપ્રાઇઝમાં જેફરીઝ તરફથી ૮૨૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જારી થતાં ભાવ નીચામાં ૧૧૪૩ બતાવી સવાછ ટકા ખરડાઈ ૧૧૪૭ બંધ થયો છે. ડીએલએફમાં ૯૭૫ની ટાર્ગેટ પ્રાઇસથી CLSA દ્વારા બાયની ભલામણ વચ્ચે શૅર નજીવી નરમાઈમાં ૮૭૧ બંધ હતો. શૉપર્સ સ્ટૉપ લાર્જ બ્લૉકડીલ પાછળ ૬૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૨.૨ ટકા વધી ૬૪૦ રહ્યો છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ દ્વારા ઓઇલસર ખાતે ૧૦૪ કરોડમાં આશરે ૭૧ એકર જમીન ખરીદવામાં આવી છે. શૅર ઉપરમાં ૨૭૯૦ થયા બાદ એક ટકાની કમજોરીમાં ૨૬૯૦ હતો. ક્રાફ્ટ્સમૅન ઑટોમેશન ૫૯૦૦ નજીક જઈ ૧૧ ટકા કે ૫૫૮ની તેજીમાં ૫૬૬૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. એક્ઝોનોબલ સાતેક ટકા તથા ગ્રેવિટા ઇન્ડિયા ૬.૯ ટકા ઊચકાયા છે.

શુક્રવારથી ઝોમાટો સેન્સેક્સમાં JSW સ્ટીલના સ્થાને સામેલ થવાનો છે. શૅર ઉપરમાં ૨૯૮ નજીક જઈ દોઢ ટકો ઘટી ૨૯૨ બંધ થયો છે. એનું માર્કેટકૅપ હાલ ૨.૮૨ લાખ કરોડ છે જે તાતા મોટર્સના ૨.૭૮ લાખ કરોડ કરતાંય વધુ છે. તાતા મોટર્સ ગઈ કાલે ત્રણ ટકા બગડી ૭૫૬ બંધ હતો. સ્વિગી દોઢ ટકાની નરમાઈમાં ૫૭૭ હતો. ૬૩ મૂન્સ ચાર આંકડે જવાની ઉતાવળમાં છે. ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૯૦ની મલ્ટિયર ટૉપ બનાવી સાડાચાર ગણા વૉલ્યુમે સવાચાર ટકાની આગેકૂચમાં ૯૮૩ થયો છે.

આજે મેઇન બોર્ડનાં પાંચ સહિત કુલ ૬ ભરણાં એકસાથે મૂડીબજારમાં

આજે ગુરુવારે મેઇન બોર્ડમાં પાંચ સહિત કુલ છ ભરણાં એકસાથે ખૂલવાનાં છે. સેલવાસ ખાતેની સનાતન ટેક્સટાઇલ ૧૦ના શૅરદીઠ ૩૨૧ની અપર બૅન્ડમાં ૧૫૦ કરોડના OFS સહિત કુલ ૫૫૦ કરોડનો ઇશ્યુ કરશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પચીસ જેવું બોલાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી કંપનીની ટૉપ લાઇન નેગેટિવ બાયસમાં છે અને નફો ૨૦૨૧-’૨૨ના ૩૫૫ કરોડથી ગગડી ગયા વર્ષે ૧૩૪ કરોડની અંદર આવી ગયો છે. સામે દેવું જૂન ૨૦૨૪ના અંતે ૬૪૫ કરોડે પહોંચ્યું છે. ઑફર ફૉર સેલના ૧૫૦ કરોડ પ્રમોટર્સના ઘરમાં જશે. બંગલાદેશની અશાંતિના લીધે ટેક્સટાઇલ શૅર હાલમાં વત્તેઓછે અંશે ડિમાન્ડમાં છે એનો પૂરો લાભ ખાટવા ખોટા પ્રીમિયમથી કંપની મૂડીબજારમાં આવી રહી હોય એમ લાગે છે. આ કંપની એક લીડ મૅનેજર ડૅમ (DAM) કૅપિટલ ઍડ્વાઇઝર્સ પણ બે રૂપિયાના શૅરદીઠ ૨૮૩ની અપર બૅન્ડમાં ૮૪૦ કરોડ પ્લસનો ઇશ્યુ આજે કરવાની છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૦૮થી શરૂ થયા બાદ હાલમાં ૧૩૫ આસપાસ છે. અગાઉ આ કંપની આઇડીએફસી સિક્યૉરિટીઝ તરીકે ઓળખાતી હતી. વર્ષ ૨૦૨૨-’૨૩માં ૮૫ કરોડની આવક પર માંડ પોણાનવ કરોડ નફો કરનારી ડૅમ કૅપિટલ ઍડ્વાઇઝર્સે ગયા વર્ષે ૧૮૨ કરોડની આવક પર ૭૦૫૨ લાખનો ચોખ્ખો નફો બતાવી દીધો છે. કંપનીની ઍસેટ્સ જે અગાઉના વર્ષે ૧૨૦૧ કરોડ હતી એ ગયા વર્ષે ગગડી ૨૧૫ કરોડ પણ નથી રહી. આ ખરેખર નવાઈની વાત છે. ટ્રૅક રેકૉર્ડ અને ફન્ડામેન્ટલ્સ શંકાસ્પદ છે. ઇશ્યુ ઘણો જ મોંઘો છે. બાય ધ વે, કંપનીના પ્રમોટર ડી.એ. મહેતા છે. આના પગલે કંપનીનું નામ DAM રખાયું છે. મુંબઈના ફોર્ટ એરિયાની કંપની છે.

મુંબઈના બાંદરા ખાતેની ટ્રાન્સરેલ લાઇટિંગ બેના શૅરદીઠ ૪૩૨ની અપર બૅન્ડમાં આશરે ૮૩૯ કરોડનો ઇશ્યુ આજે કરશે. એમાંથી ઑફર ફૉર સેલ લગભગ ૪૩૯ની છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ ૧૩૦ જેવું છે. કંપનીએ ગયા વર્ષે ૪૧૩૦ કરોડની આવક પર ૨૩૩ કરોડ નફો કર્યો છે. અગાઉના વર્ષે આવક ૩૧૭૨ કરોડ અને નફો ૧૦૭ કરોડ હતો. દેવું ૬૦૩ કરોડનું છે. ગુજરાતના સાણંદની મમતા મશીનરી ૧૦ના શૅરદીઠ ૨૪૩ની અપર બૅન્ડમાં ૧૭૯ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ગુરુવારે કરશે. પ્રીમિયમ ૭૫થી શરૂ થયું હતું એ ખેંચીને હાલ ૧૫૦ કરી દેવાયું છે. મુંબઈના બાંદરા ખાતેની એક વધુ કંપની કોન્ફોર્ડ એન્વીરો સિસ્ટમ્સ પાંચના શૅરદીઠ ૭૦૧ની અપર બૅન્ડમાં ૩૨૫ કરોડની OFS સહિત કુલ ૫૦૦ કરોડ પ્લસનો ઇશ્યુ આજે લાવશે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી. વર્ષે ૫-૧૫ કરોડનો નફો કરતી આ કંપનીએ ગયા વર્ષે ૫૧૨ કરોડની આવક પર ૪૧ કરોડનો નફો બતાવ્યો છે. દેવું ૧૬૭ કરોડ છે. ચાલુ વર્ષે પાંચ માસમાં ૨૦૮ કરોડની આવક પર માત્ર બાવન લાખ ચોખ્ખો નફો કર્યો છે. SME સેગમેન્ટમાં કેરલાની ન્યુ મલયાલમ સ્ટીલ ૧૦ના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડમાં ૪૧૭૬ લાખનો NSE SME IPO ૧૯મીએ કરશે. ગ્રે માર્કેટમાં કંપની આવક અને નફાનો સંતોષજનક ટ્રૅક રેકૉર્ડ ધરાવે છે પણ માર્જિન બહુ નાનું છે. ગત વર્ષે ૩૦૩ કરોડની આવક પર ૪૨૭ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. સામે ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં ૧૫૫ કરોડની આવક પર ૫૧૯ લાખનો નેટ નફો બતાવી દીધો છે. દેવું ૩૯ કરોડથી વધુનું છે. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2024 09:00 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK