Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડમાં ભડકા વચ્ચે ઑટો, બૅ​ન્કિંગ અને ફાઇનૅન્સના જોરમાં શૅરબજારે સુધારાને આગળ ધપાવ્યો

ક્રૂડમાં ભડકા વચ્ચે ઑટો, બૅ​ન્કિંગ અને ફાઇનૅન્સના જોરમાં શૅરબજારે સુધારાને આગળ ધપાવ્યો

Published : 04 April, 2023 01:16 PM | IST | Mumbai
Anil Patel

પાકિસ્તાનમાં ફુગાવો ૩૫ ટકાની ૫૦ વર્ષની ટોચે ગયો, પણ શૅરબજાર માત્ર ૧૦૦ પૉઇન્ટ ઘટ્યું : ક્રૂડની તેજીથી ઓએનજીસી અને ઑઇલ ઇન્ડિયામાં સુધારો, ઑઇલ અને ગૅસ માર્કેટિંગ કંપનીઓ ડૂલ : ભ્રામક જાહેરાતો બદલ પતંજલિ પર સરકારની નજરના અહેવાલ વચ્ચે ૧૧૫ રૂપિયા તૂટ્યો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ફુગાવાના મોરચે હમણાંથી રાહત અનુભવાતી હતી ત્યાં ઓપેકની મોંકાણ ઊભી થઈ છે. ઓપેક-પ્લસ તરફથી ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ૧૧૬ લાખ બૅરલનો કાપ મૂકવાનો અણધાર્યો નિર્ણય લેવાયો છે. એની પાછળ નાયમેક્સ ક્રૂડ એક જ દિવસમાં ૮ ટકાના વર્ષના વિક્રમી વધારા બાદ રનિંગમાં ૮૦ ડૉલર નજીક તો બ્રેન્ટ ક્રૂડ સાતેક ટકા ઊછળી ૮૫ ડૉલર ભણી દેખાયું છે.


ગોલ્ડમાન સાશવાળાએ બ્રેન્ટક્રૂડમાં અપેક્ષિત ટાર્ગેટ વધારી ૯૫ ડૉલરનું કર્યું છે. સપ્લાય ટાઇટ થાય તો ૧૦૦ ડૉલરનું ક્રૂડ પણ શક્ય છે. વૈશ્વિક શૅરબજારો ઉપર તાત્કાલિક ખાસ માઠી અસર દેખાઈ નથી, પણ ક્રૂડ ગમે ત્યારે બાજી બગાડી શકે છે. સોમવારે એશિયન બજારો સાંકડી વધઘટે મિશ્ર હતાં. જપાન, સિંગાપોર અને ચાઇના અડધો-પોણો ટકો સુધર્યા છે. થાઇલૅન્ડ પોણો ટકો તો હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા નહીંવત્ નરમ હતા. તાઇવાન રજામાં હતું. યુરોપ રનિંગમાં નહીંવતથી અડધા ટકાની આસપાસ પ્લસ દેખાયું છે. બાય ધ વે, પાકિસ્તાન ખાતે છેલ્લા આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં ફુગાવાનો દર વધીને ૩૫.૪ ટકા થઈ ગયો છે, જે છેલ્લા ૫ દાયકા કે ૫૦ વર્ષની વરવી ટોચ છે. જોકે ત્યાંનું શૅરબજાર રનિંગમાં ૧૧૧ પૉઇન્ટના મામૂલી ઘટાડે ૩૯,૮૯૦ જોવાયું છે. આપણે ત્યાં વ્યાજદરની સમીક્ષા કરવા રિઝર્વ બૅન્કની ત્રણ દિવસની બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ છે. પરિણામ ૬ એપ્રિલે આવશે, જેમાં રેપોરેટમાં ૦.૨૫ ટકાનો નવો વધારો થવાની વ્યાપક ધારણા છે. શુક્રવારના હજારી ઉછાળા બાદ સોમવારે સેન્સેક્સ ૧૪૦ પૉઇન્ટ પ્લસમાં ખૂલી અંતે ૧૧૫ પૉઇન્ટ વધી ૫૯,૧૦૬ બંધ થયો છે. નિફ્ટી ૩૮ પૉઇન્ટ સુધરી ૧૭,૩૯૮ હતો. બજાર ઉપરમાં ૫૯,૨૦૫ અને નીચામાં ૫૮,૭૯૩ થયું હતું. બજારના બહુમતી સેક્ટોરલ પ્લસમાં હતાં. ઑટો ઇન્ડેક્સ ૧.૪, પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકો, ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૮ ટકા મજબૂત હતા. આઇટી ઇન્ડેક્સ ૦.૩ ટકા અને એફએમસીજી બેન્ચમાર્ક ટકા ૦.૩ નરમ હતા. ક્રૂડની તેજીમાં ઓએનજીસી ઉપરમાં ૧૫૮ નજીક ગયા બાદ ૧.૮ ટકા વધી ૧૫૪ તથા ઑઇલ ઇન્ડિયા ૨૬૭ થઈ ૩.૬ ટકાની મજબૂતીમાં ૨૬૧ બંધ આવ્યો છે. હિન્દુ. પેટ્રો ૪.૭ ટકા, ભારત પેટ્રો ૪.૧ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૧.૯ ટકા, મહાનગર ગૅસ ૬.૪ ટકા, ઇન્ડિયન ઑઇલ સાધારણ ડાઉન હતા. હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૭.૩ ટકાની તેજીમાં ૧૨૯ થયો છે. જિંદાલ ડ્રિલિંગ ૨.૮ ટકા પ્લસ હતો. 



મારુતિ અને હીરો મોટોકૉર્પ ટૉપ ગેઇનર બન્યા, અદાણીના ૧૦માંથી ૮ ડાઉન


નવા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના આરંભે સેન્સેક્સના ૩૦માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર વધ્યા છે. વેચાણના આંકડા ઝમકવિહોણા હોવા છતાં મારુતિ સુઝુકી ૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૮૫૭૫ થઈ અઢી ટકા કે ૨૦૭ રૂપિયાના જમ્પમાં ૮૫૦૦ બંધ આવ્યો છે. ભારતી ઍરટેલ ૧.૬ ટકા વધીને ૭૬૧ હતો. એનટીપીસી, બજાજ ટ્વિન્સ, મહિન્દ્ર એચસીએલ ટેક્નૉ એકથી પોણા બે ટકા સુધર્યા છે. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ ૩.૬ ટકા ઊંચકાઈ ૨૪૩૧ના બંધમાં મોખરે હતો. કોલ ઇન્ડિયા ત્રણ ટકા વધી ૨૨૦ થયો છે. રિલાયન્સમાં નોમુરા પછી જેફરીઝવાળા બુલિશ બન્યા છે. ૩૧૦૦ની ટાર્ગેટ-પ્રાઇસ આપી છે. શૅર ઉપરમાં ૨૩૪૯ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૨૩૧૫ થઈ અંતે ૨૩૩૨માં ફ્લૅટ બંધ આવ્યો છે. સેબી તરફથી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝૅક્શન્સ અંગેનાં ધારા-ધોરણોના ભંગ બદલ અદાણી ગ્રુપ કંપનીઓની તપાસ શરૂ થવાનો રૉઇટરનો અહેવાલ છે. ખાસ કરીને વિનોદ અદાણી સાથે સંબંધિત ત્રણ ઑફ્ફશોર એ​ન્ટિટીઝ સાથેના વ્યવહાર રડારમાં છે. અદાણીના ૧૦માંથી ૮ શૅર ઘટ્યા છે. અદાણી એન્ટર ૧.૯ ટકા ઘટી ૧૭૧૮, અદાણી પોર્ટ્સ ૦.૬ ટકા ઘટીને ૬૨૮, અદાણી પાવર અડધા ટકો ઘટી ૧૯૦, અદાણી ટ્રાન્સ ૫ ટકા તૂટી ૯૪૮, અદાણી ગ્રીન પાંચ ટકા તૂટી ૮૩૮, અદાણી ટોટલ ૨.૪ ટકા ગગડી ૮૪૭, અદાણી વિલ્મર અઢી ટકા ઘટી ૩૯૫, એસીસી અઢી ટકાના સુધારે ૧૭૦૮, અંબુજા સિમેન્ટ ૨.૬ ટકા ઊંચકાઈ ૩૭૫ તથા એનડીટીવી સવાબે ટકા ઘટી ૧૮૮ બંધ રહી છે. પતંજલિ તરફથી એની વિવિધ પ્રોડક્ટસના કિસ્સામાં ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરાઈ હોય એવા ૫૩ કેસ સરકારના ધ્યાને આવ્યા હોવાના અહેવાલ પાછળ પતંજલિ ફૂડ્સ ૯૭૫ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૯૩૫ થઈ બાઉન્સબૅકમાં ૧૦૦૨ બતાવી દોઢ ટકાના સુધારામાં ૮૭૪ રહ્યો છે. 

ઉદય શિવકુમારનું નબળું લિ​સ્ટિંગ, રૉયલ ઑર્કિડમાં સેબી ત્રાટકી


મેઇન બોર્ડની ઉદય શિવકુમાર ઇન્ફ્રાનો ૧૦ના શૅરદીઠ ૩૫ના ભાવવાળો શૅર ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં ૩૦ રૂપિયા એનએસઈ ખાતે ખૂલ્યા પછી ૧૦ ટકાની લિ​સ્ટિંગ લૉસમાં ૩૧.૫૦ બંધ થયો છે, પણ બીએસઈ ખાતે ભાવ ૩૫ ખૂલ્યા પછી પાંચ ટકાની નીચલી સર્કિટે ૩૩ ઉપર બંધ થતાં અહીં ૪.૬ ટકાનો લિસ્ટિંગ લૉસ મળ્યો છે. બન્ને બજાર વચ્ચે લિસ્ટિંગમાં આવો ભાવફરક સમજની બહાર છે. કન્સોલિડેટેડ પરિણામની જાહેરાતમાં ગેરરીતિ આચરવાના આક્ષેપ સાથે સેબીએ રૉયલ ઑર્કિડ હોટેલ્સ, એના મૅનેજિંગ ડિરેક્ટર તથા અન્ય લાગતાવળગતા સામે ઇન્ટરિમ ઑર્ડર સાથે શોકોઝ જારી કરી છે. એના પગલે શૅર સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૨૩૨ થઈ દસ ટકાના ધબડકામાં ૨૪૪ બંધ થયો છે. કેપીઆઇટી ટેક્નૉલૉજીઝ શુક્રવારે ૯૪૬ની વિક્રમી સપાટી બતાવી ૯૨૫ બંધ થયો હતો. હેવી શૉર્ટસેલ કામે લાગતાં ભાવ ગઈ કાલે ૭૬૦ની અંદર જઈ ૧૨.૫ ટકાના કડાકામાં ૮૦૯ બંધ થયો છે. પંજાબ કેમિકલ્સ ૮૧૯ નીચે વર્ષની બૉટમ બનાવી બાઉન્સબૅકમાં ૮૬૨ થઈ ૩.૨ ટકાના સુધારામાં ૮૫૪ હતો. ટીમલીઝ પણ ૨૧૨૧ની નવી ​મલ્ટિયર બૉટમ દેખાડી ૧.૭ ટકાના ઘટાડે ૨૧૯૮ રહ્યો છે. આ શૅર વર્ષ પહેલાં ૪૩૦૦ આસપાસ હતો. 

ઑટો શૅર જોરમાં, એસએમએલ ઇસુઝુ ૨૦ ટકા, અતુલ ઑટો ૧૮ ટકા ઊછળ્યા 

માર્ચ મહિનામાં વાહનોના વેચાણના આંકડા એકંદર સાચા આવ્યા છે. અતુલ ઑટોનું વેચાણ ૧૧૫ ટકા જેવું વધી ૩૧૫૪ નંગ નોંધાતાં શૅર બમણા વૉલ્યુમે ઉપરમાં ૩૭૫ વટાવી ૧૮.૪ ટકાની તેજીમાં ૩૯૦ થયો છે. મહિન્દ્રએ ૩૦ ટકાના વિક્રમી વૃદ્ધિદરમાં ૩૫,૯૯૭ નંગ પૅસેન્જર વાહનોનું વેચાણ મેળવ્યું છે. ટ્રૅક્ટર્સનું વેચાણ ૧૮ ટકા અને થ્રી-વ્હીલર્સનું વેચાણ ૪૧ ટકા વધ્યું છે. શૅર ઉપરમાં ૧૧૮૦ નજીક જઈ સવા ટકો વધી ૧૧૭૨ રહ્યો છે. અશોક લેલૅન્ડ કુલ ૧૯ ટકાની વેચાણવૃદ્ધિ પાછળ ૧૪૩ થઈ સવા ટકો વધી ૧૪૧ હતો. આઇશર ૩૯ ટકાના વેચાણ-વધારામાં ઉપરમાં ૩૦૩૯ થઈ પોણા બે ટકા વધીને ૩૦૦૩ હતો. મારુતિ સુઝુકીનું સ્થાનિક વેચાણ ૨.૭ ટકા ઘટ્યું છે, પણ શૅર ૮૫૭૫ વટાવી અઢી ટકા કે ૨૦૭ રૂપિયા ઊંચકાઈ ૮૫૦૦ રહ્યો છે. તાતા મટોર્સે પૅસેન્જર વાહનના વેચાણમાં ૪ ટકાનો વધારો મેળવ્યો છે. વેપારી વાહનોનું વેચાણ ફલૅટ રહ્યું છે. શૅર પોણો ટકો વધી ૪૨૪ હતો. હીરો મોટોકૉર્પ મોટરસાઇકલમાં ૧૪.૩ ટકા અને સ્કૂટર્સમાં ૩૭ ટકાની વૃદ્ધિ હાંસલ કરતાં શૅર ઉપરમાં ૨૪૩૮ થઈ ૩.૭ ટકાની મજબૂતીમાં ૨૪૩૪ હતો. ટીવીએસ મોટર્સની નિકાસ ૩૨ ટકા ઘટી છે. સ્થાનિક વેચાણ ૨૨ ટકા વધ્યું છે. શૅર ૦.૭ ટકા સુધરી ૧૦૮૫ થયો છે. બજાજ ઑટો તરફથી પરિણામ માટે ૨૫મીએ બોર્ડ-મીટિંગ નક્કી થઈ છે. શૅર ૨.૮ ટકા વધીને ૩૯૯૪ હતો. ટાયર શૅરોમાં ટીવીએસ શ્રીચક્ર ૭.૩ ટકા, મોદી રબર ૨.૯ ટકા, અપોલો ટાયર્સ એક ટકા પ્લસ હતા. એસએમએલ ઇસુઝુ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૪૭ રૂપિયા ઊછળી ૮૮૪ બંધ થયો છે. ફોર્સ મોટર્સ સાડાછ ટકા ઊંચકાઈને ૧૨૪૨ હતો. 

બૅ​ન્કિંગ-ફાઇનૅન્સમાં સાઇડ કાઉન્ટર્સ ખાસ્સાં ઝળક્યાં

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં અડધો ટકો કે ૨૦૪ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅર પ્લસમાં આપી એક ટકો વધ્યો છે. યુકો બૅન્કના મૅને​જિંગ ડિરેક્ટર સોમ શંકર પ્રસાદ તરફથી અદાણી ગ્રુપને ધિરાણ આપવાનું ચાલુ રાખવાની હિમાયત કરવામાં આવી છે. શૅર બમણા કામકાજે ૬.૭ ટકા ઊંચકાઈ ૨૬ બંધ આવ્યો છે. કર્ણાટકા બૅન્કમાં ઍક્સિસ સિક્યુ. દ્વારા ૧૭૦ની ટાર્ગેટ-પ્રાઇસ સાથે બાયની ભલામણ આવી છે. શૅર જોકે ૫.૩ ટકા ગગડી ૧૨૯ બંધ થયો છે. સીએસબી બૅન્કની થાપણવૃદ્ધિ ૨૦ ટકા રહેતાં શૅર ૨૫૬ વટાવી ૩.૪ ટકા વધી ૨૫૪ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૩૩ શૅર ગઈ કાલે વધ્યા છે. સૂર્યોદય બૅન્ક, ઉજજીવન બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, બંધન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, મહારાષ્ટ્ર બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક સાડાત્રણથી છ ટકા મજબૂત હતા. સામે એયુ બૅન્ક ૨.૩ ટકા અને કરૂર વૈશ્ય બૅન્ક ૪.૨ ટકા બગડ્યા હતા. ઍ​ક્સિસ બૅન્ક, કોટક બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, સ્ટેટ બૅન્ક અડધો-પોણો ટકા સુધર્યા છે. એચડીએફસી બૅન્ક ૧૬૧૦ ઉપર ફ્લૅટ હતો.

આઇટી અને એફએમસીજી ફ્રન્ટલાઇન વસવસામાં સાધારણ નરમ 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૫૦ શૅરના સુધારા વચ્ચે ૯૩ પૉઇન્ટ ઘટ્યો છે. સાઇડ કાઉન્ટર્સ ઘણાં જોરમાં હતાં. થ્રી-આઇ ઇન્ફોટેક ૧૮.૮ ટકા, બ્રાઇટ કૉમ ૧૦ ટકા, સિગ્નેટી ૭.૭ ટકા, તાન્લા પ્લૅટફૉર્મ ૬.૪ ટકા, ઓરિએન પ્રો ૫.૯ ટકા, બ્લૅકબૉક્સ ૮.૯ ટકા કોલ્ટોન ટેક્નૉ પાંચ ટકા, ઇ-મુદ્રા ૪.૯ ટકા, ક્વીકહીલ ૫.૧ ટકા મજબૂત હતા. ઇન્ફી ૧.૨ ટકો ઘટી ૧૪૧૧ હતો. વિપ્રો પોણો ટકો પ્લસ તો ટીસીએસ નહીંવત્ ઘટ્યો છે. સોનાટા ૮૯૦ના નવા શિખરે જઈ ૨.૭ ટકા વધીને ૮૬૦ તો ન્યુ​ક્લિયસ ૬૯૫ની નવી ટોચ બાદ છ ટકાના જમ્પમાં ૬૭૬ રહ્યો છે. ૬૩ મૂન્સ ૩.૯ ટકા અપ હતો. ભારતી, એમટીએનએલ, રેલટેલ, ઑ​​​​​પ્ટિમસ, તેજસનેટ, તાતા ટેલિ, ઑનમોબાઇલ, સ્ટરલાઇટ ટેક્નૉ, વોડાફોન દોઢથી ૫.૭ ટકા વધતાં ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૮ ટકા રણક્યો છે. આઇટીસી સવા ટકા નજીક, હિન્દુ. યુનિલીવર એક ટકાની નજીક, બ્રિટાનિયા અડધા ટકાથી વધુ, યુનાઇરેડ ​સ્પિરિટ પોણો ટકો નરમ રહેતાં એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૬૪ શૅર વધવા છતાં ૦.૩ ટકા ઢીલો પડ્યો છે. હેરિટેજ ફૂડ્સ ૮ ટકા, બેક્ટર ફૂડ્સ સવાસાત ટકા, પરાગ મિલ્ક પોણાસાત ટકા, પ્રોક્ટર-ગેમ્બલ હાયજીન ૫.૯ ટકા કે ૭૮૯ રૂપિયા, દાલમિયા શુગર સાડાપાંચ ટકા, હિન્દુ. પાંચ ટકા મજબૂત હતા. વાડીલાલ ઇન્ડ. પાંચ ટકા ગગડી ૨૦૯૪ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 01:16 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK