Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર પણ શિક્ષક છે, સંપત્તિસર્જક પણ છે; એને લાંબો સમય આપો

શૅરબજાર પણ શિક્ષક છે, સંપત્તિસર્જક પણ છે; એને લાંબો સમય આપો

Published : 11 September, 2023 01:15 PM | IST | Mumbai
Jayesh Chitalia

ગયા સપ્તાહમાં શિક્ષકદિન ઊજવાયો, આ દરમ્યાન માર્કેટ તંદુરસ્તી સાથે આગળ વધ્યું, ગ્લોબલ પરિબળો એકંદરે નબળાં રહેવા છતાં એની ઉપેક્ષા કરીને ભારતીય માર્કેટ નવા શિખર તરફ ઊંચું ગયું છે ત્યારે શૅરબજાર નામના શિક્ષક પાસેથી લાંબા ગાળા માટે શું શીખી શકાય એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


ગયા સપ્તાહમાં ટીચર્સ ડે (શિક્ષકદિન) ઊજવાયો, એનો સંદર્ભ લઈ આપણે શૅરબજાર પણ કઈ રીતે રોકાણજગતમાં ઉત્તમ શિક્ષક છે એને સમજીએ. આ સમજણમાં સ્ટૉક માર્કેટની જાણીતી એક્સપર્ટ હસ્તી અમીષા વોરા (પ્રભુદાસ લીલાધર હાઉસના ચૅરપર્સન)એ પાંચ સાચી અને સચોટ ટિપ્સ વ્યક્ત કરી છે. અમીષા વોરા કહે છે, ૧) શૅરબજારમાં સારો સમય અને ખરાબ સમય બન્ને આવે છે, સારા સમયમાં અર્ન (કમાણી) કરો અને ખરાબ સમયમાં લર્ન (શીખો). ૨) શૅરબજારમાં કાયમ ધીરજ રાખો, સંપત્તિસર્જન એ મૅરેથૉન દોડ છે, સતત અને લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવાનું ખાસ મહત્ત્વ હોય છે. ૩) માર્કેટનાં પરિબળો સતત યા સમયાંતરે બદલાતાં રહે છે, એનાથી જાગ્રત અને માહિતગાર રહો, માર્કેટની નવી વાસ્તવિકતાનો સ્વીકાર કરો, ૪) શિસ્ત પણ માર્કેટની સફળતાનો મોટો આધાર છે, તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે વ્યૂહરચનાને જાળવી રાખો, આ મામલે ઇગો કે ઇમોશન્સને વચ્ચે લાવશો નહીં, શિસ્ત એ પ્રોસેસ નથી, એને આદત બનાવો, એનું જતન-પાલન કરો. ૫) તમારા પૂર્વગ્રહોને ટાળો, તમારા બિહેવને ઓળખો, જે તમને ખોટના નિર્ણય લેવડાવી શકે છે. તમારા પોતાના નિયમો બનાવો, રિસર્ચ કરો, ડેટા પર કામ કરો અને હેતુલક્ષી નિર્ણયો લેવાનું રાખો. આ પાંચ ટિપ્સ કે શીખ કાયમ યાદ રાખવી અને અમલમાં મૂકવા જેવી છે, જે સફળતા અપાવી શકે અને નિષ્ફળતાને ટાળવામાં સહાયરૂપ થઈ શકે.


સપ્તાહની ગતિવિધિ



ગયા સોમવારે માર્કેટે એના આગલા શુક્રવારે જાહેર થયેલા પૉઝિટિવ આર્થિક આંકડા, સારા ગ્લોબલ સંકેત, ફૉરેન ફન્ડ્સનો પ્રવાહ વગેરેની અસરરૂપે સકારાત્મક ખૂલ્યું. જોકે થોડી જ વારમાં સેન્સેક્સમાં કરેક્શન અને ફરી થોડી વારમાં સેન્સેક્સમાં રિકવરી જોવાઈ, પરંતુ સ્મૉલ-મિડ કૅપનું જોર ચાલુ રહ્યું હતું. માર્કેટનો મૂડ બુલિશ જણાતો હતો. નક્કર આંકડા સાથે સેન્ટિમેન્ટ અને ઊંચા આશાવાદનો સંગમ પણ બજાર પર કામ કરી રહ્યો છે. દિવસના અંતે સેન્સેક્સ ૨૪૧ પૉઇન્ટ અને નિફ્ટી ૯૩ પૉઇન્ટ સાથે આગળ વધ્યા હતા. મંગળવારની શરૂઆત પણ મંગળ થઈ હતી. પૉઝિટિવ પરિબળોની અસર ચાલુ હોવાથી બજારને બૂસ્ટ મળી રહ્યું. સેન્સેક્સ ૧૫૨ પૉઇન્ટ અને નિફ્ટી ૪૬ પૉઇન્ટના વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી ૧૯,૫૫૦ની ઉપર પહોંચ્યો હતો. યુએસ માર્કેટ બંધ રહી હતી, અહીં સિલેક્ટિવ ખરીદી હતી. રૂપિયામાં સતત વધઘટ હોવાથી એફઆઇઆઇની ખરીદી પર અસર થવાની શક્યતા વ્યક્ત થતી હતી. મહત્ત્વની બાબત એ હતી કે બેન્ચમાર્ક ઇન્ડેક્સની વધઘટ વચ્ચે સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સ સતત વૃદ્ધિ નોંધાવતા રહ્યા. બુધવારે પણ માર્કેટ વધઘટ કરતું આખરે તો પ્લસ રહ્યું હતું. સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા.


ક્વૉલિટી સ્ટૉક્સ પસંદ કરો

ગુરુવારની શરૂઆત નરમ રહી, પરંતુ સ્મૉલ અને મિડ કૅપ શરૂથી જોરમાં હતા. લાર્જ કૅપ યા બેન્ચમાર્ક સ્ટૉક્સમાં જાણે વૅલ્યુએશન હવે ઊંચા લાગતા હોય એમ મોટો વધારો થયો નહોતો અને કયાંક પ્રૉફિટ બુકિંગ થયા કરતું હોવાનું અનુમાન મુકાયું હતું. જોકે પાછળથી બજારે ઝડપ પકડી અને સેન્સેક્સ ૩૮૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યા. શુક્રવારે પુનઃ માર્કેટ ગ્લોબલ પરિબળોની ઉપેક્ષા કરીને પૉઝિટિવ શરૂ થયું હતું. સેન્સેક્સ સતત આઠમા દિવસે સુધારા સાથે ૩૨૩ પૉઇન્ટ અને નિફ્ટી ૯૩ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. ક્રૂડના ભાવ ૯૦ ડૉલર પર પહોંચ્યા છે. જો એ હજી વધતા રહે તો માર્કેટ માટે ચિંતા ઊભી થઈ શકે. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ વધારાની શક્યતા પણ ચિંતાનું કારણ છે જ. આ સમયમાં માર્કેટને શૉર્ટ ટર્મ અસર થઈ શકે. જોકે માર્કેટમાં મોટા ઘટાડા આવે તો પણ પેનિક થવાને બદલે સિલેક્ટેડ ક્વૉલિટી સ્ટૉક્સ જમા કરી શકાય.


જયાં સુધી ભારતમાં મોંઘવારીના દરની ચિંતા છે ત્યાં રિઝર્વ બૅન્ક પોતાનાં પગલાં-ઍક્શન સાથે સતત જાગ્રત અને સજ્જ રહે છે, ફુગાવાને અંકુશમાં રાખવાની એની શિસ્ત શાણપણભરી છે.  ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં જ આ મામલે વિશ્વાસ અને લક્ષ્ય વ્યક્ત કર્યાં હતાં. રિઝર્વ બૅન્કનું લક્ષ્ય ફુગાવાના દરને ચાર ટકાએ લઈ જવાનું છે.

માર્કેટ કૅપની બોલબાલા

આ વખતે માર્કેટ કૅપની બોલબાલા પણ વધી છે, ભારતીય સ્ટૉક માર્કેટનું કૅપિટલાઇઝેશન ૪ સપ્ટેમ્બરે ૩.૭૫ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું હતું, જેમાં સ્થાનિક અને વિદેશી રોકાણપ્રવાહનો ફાળો હતો તેમ જ નવા લિસ્ટિંગ પામેલા સ્ટૉક્સ પણ સામેલ હતા. ભારતીય ઇક્વિટીઝ હાલ વિશ્વમાં માર્કેટ કૅપની દૃષ્ટિએ પાંચમા સ્થાને પહોંચી છે. આગલા ચાર ક્રમમાં યુએસ, ચીન, જપાન અને હૉન્ગકૉન્ગ છે. જોકે માર્કેટ કૅપની વૃદ્ધિને વળતર સાથે સરખાવી શકાય નહીં, જેમ કે ચીનનું માર્કેટ કૅપ છેલ્લાં પાંચ વરસમાં ૬૭ ટકા વધ્યું છે, પરંતુ શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ માત્ર ૧૫ ટકા જેટલો વધ્યો છે. બીજી બાજુ ભારતનું માર્કેટ કૅપ ૭૧ ટકા વધ્યું છે, જ્યારે નિફટી-૫૦ ઇન્ડેક્સ ૬૯ ટકા વૃદ્ધિ પામ્યો છે. નવા લિસ્ટિંગથી પણ માર્કેટ કૅપ વધે છે, પણ એનાથી રોકાણકારોને લાભ થાય એ જરૂરી નથી. વૅલ્યુએશન વધવાથી વળતર વધે જ, એમ કાયમ માની શકાય નહીં.

વડા પ્રધાનનાં નિવેદનોને સમજો

દરમ્યાન દેશમાં એક મોટો મુદો ચર્ચાના ચકડોળે ચડ્યો છે, ઇન્ડિયા અને ભારત. ખેર, આ મુદાને આપણે અહીં ચર્ચામાં લેતા નથી, પરંતુ ધ્યાન દોરવાનું યા ઉલ્લેખનું કારણ એ છે કે આ મુદો રાજકીય-સામાજિક અને આર્થિક રીતે પણ મહત્ત્વનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમયમાં પોતાના એક દીર્ઘ ઇન્ટરવ્યુમાં ભારતના ઊંચા વિકાસ વિશે અતિ ઊંચો આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેમાંથી આગામી ઇલેક્શન અને એ પહેલાં કે દરમ્યાન આવનારા પૉલિસી નિર્ણયોના સંકેત મળે છે. આ સંકેત માર્કેટે સમજવા જરૂરી છે. મોદીએ કહ્યું છે કે ભારત વિજ્ઞાન, ટેક્નાૅલૉજી, વેપાર, સર્વિસ, ઇકૉનૉમી, ઇકૉલૉજી વગેરે ક્ષેત્રે હાલ ઝડપી પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે, ગ્લોબલ ઇકૉનૉમીમાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવવા સજ્જ થયું છે. તેમના આ નિવેદનની માર્કેટે ગંભીર નોંધ લેવી જોઈએ, કારણ કે આમાંથી ઘણા સારા અર્થઘટન નીકળી શકે છે. આ સંદર્ભમાં તેમણે માત્ર ભારત માટે જ નહીં, બલકે વિશ્વ માટે પણ એક નોંધપાત્ર સ્ટેટમેન્ટ કર્યું છે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ.

બાય ધ વે, છેલ્લે પુનઃ શિક્ષકદિનની વાત સાથે અંત કરીએ. શૅરબજાર એક કડક શિક્ષક પણ છે, જે લાલચુ અને ગભરુ વિદ્યાર્થીઓને સજા કરે છે અને શિસ્તબદ્ધ તથા ધીરજવાન વિદ્યાર્થીઓને ઇનામ પણ આપે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2023 01:15 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK