શૅરબજારમાં કરેક્શનનો કુંભમેળો ચાલી રહ્યો છે કે શું?
સ્ટૉક ટ્રેન્ડ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
છેલ્લા ચારેક મહિનાથી બજાર ઘટતું-ઘટતું ક્યાં પહોંચી ગયું : હવે પછીની એની દિશા નક્કી કરવા માટે વૈશ્વિક સ્તરે અમેરિકન પરિબળો અને સ્થાનિક સ્તરે બજેટનાં પરિબળો કામ કરશે, પરંતુ આમાંથી કયાં પરિબળોનું પ્રભુત્વ કેટલું અને કેવું રહેશે એ સવાલ છે : આવા સમયમાં રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ ?
આજકાલ શૅરબજાર શા માટે અને કેટલું ઘટી કે તૂટી રહ્યું છે એની ચર્ચા જોરમાં ચાલી રહી છે. આ ચર્ચા માટેનાં કારણો કે મુદાઓ પણ સતત મળતાં રહ્યાં છે. નિરાશાવાદ કેન્દ્રમાં આવી બેઠો છે. ગ્લોબલ અને લોકલ પરિબળો પોતાનું કામ કરી રહ્યાં છે. મૂડીધોવાણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે રોકાણકારોમાં એક સવાલ સતત ભમતો હોય છે કે હાલ ખરીદીનો સમય ગણાય? જો ગણાય તો કયા સ્ટૉક્સ લેવાય? ક્યારે-ક્યારે લેવાય? આ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
ADVERTISEMENT
વાત જાણે એમ છે કે હાલમાં શૅરબજાર પર સૌથી વધુ ગ્લોબલ અસરો છવાયેલી છે, જેમાં લોકલ અસરો પણ ઉમેરાઈ છે. ગ્લોબલ સ્તરે અમેરિકાના વ્યાજરદરનો મામલો, ઇન્ફ્લેશન, જૉબ-ડેટા, રશિયા પરનાં નિયંત્રણોને લીધે એનર્જીના ઊંચા ભાવો વગેરે જેવાં પરિબળો છવાયેલાં છે, જ્યારે ભારતમાં મંદ પડેલી આર્થિક ગતિ અને કૉર્પોરેટ પરિણામો લટકતી તલવારની જેમ ઊભાં છે. વધારામાં ટ્રમ્પશાસન સત્તાવાર રીતે ૨૦ જાન્યુઆરીથી કાર્યરત બની રહ્યું હોવાથી એનાં સંભવિત પગલાં સાવ જ સામે આવી ઊભાં છે, જેમાં આયાત-જકાતના વધારાની શક્યતા તેમ જ એ પછી વિવિધ દેશો સાથે ટૅરિફસંબંધી વાટાઘાટ જેવા મુદાનો સમાવેશ થાય છે. ટ્રમ્પે ચૂંટણીમાં જે-જે વચનો આપ્યાં હતાં એને પૂર્ણ કરવા જે પગલાં લેશે, એના પર ઇક્વિટી અને બૉન્ડ-માર્કેટ નજર રાખીને બેઠાં છે.
વધ-ઘટમાં ઘટનું જોર ઊંચું
ભારતીય શૅરબજારમાં હાલ રિઝલ્ટની મોસમ ચાલી રહી છે, જેમાં કંપનીઓનાં પરિણામો પર ઇકૉનૉમિક ઍક્ટિવિટીઝની અસર જોવાઈ રહી છે અને જોવાશે. અગાઉના લાંબા સમય સુધી માર્કેટે ઓવર-વૅલ્યુએશનની મજા માણી, હવે કંઈક અંશે એની સજા પણ સહેવી પડી રહી છે અને હજી આ સજા ભોગવવી પડી શકે. આ બધા વચ્ચે રૂપિયાના મૂલ્ય-ઘસારા સાથે વિદેશી રોકાણપ્રવાહ સતત પાછો ખેંચાઈ રહ્યો છે જે ઇક્વિટી માર્કેટને નોંધપાત્ર નીચે લાવી બેઠો છે. અત્યારે તો સૌથી મોટી અને મહત્ત્વની આશા માત્ર અને માત્ર બજેટ છે. આ બજેટ શું આપે છે એ મુજબ બજાર રોકાણકારોને શું આપી શકશે એના સંકેત મળશે. બાકી અત્યારે બજારનો પતંગ ઉમંગ અને તરંગ વિનાનો છે.
મૂડીધોવાણ જોરમાં
ગયા સોમવારે બજારે બતાવેલા ભારે કડાકાએ કંઈક અંશે ગભરાટ ઊભો કર્યો હતો, જેમાં એક જ દિવસમાં ૧૩ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું. એ દિવસે ભારતીય જ નહીં, વિવિધ વિદેશી માર્કેટમાં કરેક્શન નોંધાયું હતું. ફિલિપીન્સ, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા, હૉન્ગકૉન્ગ, ચીન, તાઇવાન અને કોરિયાનાં માર્કેટ પણ નેગેટિવ રહ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૧.૫ ટકા સુધી અને બ્રૉડર માર્કેટ ચાર ટકા જેટલાં તૂટ્યાં હતાં. જોકે આ સંજોગો વચ્ચે સારા ખબર એ હતા કે અમેરિકામાં જૉબ-ડેટા મજબૂત આવતાં વ્યાજદર ઘટવાની આશા વધી અને ભારતમાં રીટેલ ઇન્ફ્લેશન-રેટ ચાર મહિનાની નીચી સપાટીએ ગયો હતો.
કયા સ્ટૉક્સ પર નજર રાખવી જોઈએ?
આ વખતે બજારની ચાલ, એના ઢંગ અને એના વિશેની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નોંધવા જેવી વાત એ છે કે કેટલાંક જાહેર ક્ષેત્રોની કંપનીઓના શૅરના ભાવ, જે ગયા ઑગસ્ટમાં ઊંચે ગયા હતા એમાં અત્યારના કરેક્શન દરમ્યાન ભારે મૂડીધોવાણ થયું છે, જેને ખરીદીની તક માની શકાય. આવા સ્ટૉક્સમાં કોચીન શિપયાર્ડ, ગાર્ડન રીચ, ચેન્નઈ પેટ્રોલિયમ, મહાનગર ટેલિફોન નિગમ, શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, મિનરલ્સ ઍન્ડ મેટલ ટ્રેડિંગ કૉર્પોરેશન લિમિટેડ (MMTC), રેલ વિકાસ નિગમ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) વગેરેનો સમાવેશ થાય છે. આ સ્ટૉક્સના ભાવોમાં ૧ ઑગસ્ટથી અત્યાર સુધીમાં ૩૫થી ૪૫ ટકાની રેન્જમાં કરેક્શન થયું છે. એક અંદાજ મુજબ આ સ્ટૉક્સમાં ૧૬ લાખ કરોડ રૂપિયાથી વધુ મૂડીધોવાણ થયું છે. આ ઉપરાંત પણ જેમાં ૩૦થી ૩૫ ટકા ભાવઘટાડો થયો છે એવા સ્ટૉક્સમાં મિશ્ર ધાતુ નિગમ, એન્જિનિયર ઇન્ડિયા, ઇરકોન ઇન્ટરનૅશનલ, ડ્રેજિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન, બાલ્મેર લોરી ઇન્વેસ્ટમેન્ટ્સ, કોલ ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ, લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન વગેરે પણ સામેલ છે.
આ જ રીતે ખાનગી ક્ષેત્રના અન્ય લાર્જકૅપ સ્ટૉક્સના ભાવોમાં પણ નોંધપાત્ર કરેક્શન જોવાયું છે, જેને પણ તક બનાવી શકાય. અમારો આ કહેવાનો આશય અને તર્ક એ છે કે જેમણે શૅરબજારમાં રોકાણ કરવું છે તેમણે આવા સ્ટૉક્સ શોધીને અલગ તારવવા જોઈએ અને એનો યોગ્ય અભ્યાસ કરી આ શૅરો લાંબા ગાળા માટે જમા કરવાનો વ્યૂહ બનાવવો જોઈએ. આવી ખરીદી ક્યારેય એકસાથે તરત કરવાને બદલે દરેક મોટા ઘટાડામાં કરવામાં સાર રહે છે. અલબત્ત, આ ઘટાડાનાં કારણો સમજી લેવાં પણ જરૂરી હોય છે અને કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સ પણ જોઈ લેવાં જોઈએ. આવા સ્ટૉક્સની બાવન સપ્તાહની પ્રાઇસ-વધઘટ પણ જોઈ જવી જોઈએ.
ફૉરેન ઇન્વેસ્ટર્સનો મિડકૅપ સ્ટૉક્સમાં રસ
એક નોંધવા જેવી ખાસ વાત એ કે ફૉરેન ઇન્વેસ્ટર્સ છેલ્લા અમુક મહિનાથી સતત વેચવાલ રહ્યા અને ૨૦૨૪માં તેમને ૧.૩૦ લાખ કરોડ રૂપિયાના સ્ટૉક્સ વેચ્યા પણ ખરા, એમ છતાં આ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા ચોક્કસ મિડકૅપ સ્ટૉક્સમાં પોતાનો હિસ્સો વધારાયો પણ છે; જેમાં કલ્યાણ જ્વેલર્સ, દેલ્હીવેરી, માર્કસન્સ ફાર્મા, ટિમકેન ઇન્ડિયા, હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન, ન્યુજન સૉફ્ટવેર, ટિપ્સ મ્યુઝિક, ટેક્નો ઇલેક્ટ્રિક, હોમ ફર્સ્ટ ફાઇનૅન્સ, ડેટા પૅટર્ન્સ ઇન્ડિયા, ગોકલદાસ એક્સપોર્ટ્સ, જ્યુપિટર લાઇફલાઇન હૉસ્પિટલ, સાનસેરા એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરીના પ્રથમ આઠ દિવસ
હવે આગળ બજારની ચાલનું શું થશે? ફેબ્રુઆરીની મહત્ત્વની ઘટના પર નજર કરીએ તો સમજાઈ જશે કે શૅરબજારની ચાલ પર કોની કેટલી અસરની સંભાવના છે. એક ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ છે, પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચૂંટણી છે, સાતમી ફેબ્રુઆરીએ રિઝર્વ બૅન્કની પૉલિસી જાહેર થવાની છે અને ૮ ફેબ્રુઆરીએ દિલ્હી ઇલેક્શનનાં પરિણામ જાહેર થશે. આ સપ્તાહ દરમ્યાન માર્કેટ બજેટ-સંકેતોની અસરમાંથી પસાર થશે તેમ જ ટ્રમ્પનાં નિવેદનો પર ધ્યાન આપશે અને એની સંભવિત અસરોને આધારે વધઘટ કરશે. અત્યારે ટૂંકા ગાળામાં વૉલેટિલિટી અને અનિશ્ચિતતા રહેશે એમ લાગે છે, જેથી ટ્રેડર્સ વર્ગ માટે જોખમ વધુ રહેશે અને રોકાણકારો સમજી શકશે તો તક વધુ રહેશે.