ઍક્સિસ, આઇસીઆઇસીઆઇ અને કોટક બૅન્કની મજબૂતીથી સેન્સેક્સને ૩૪૫ પૉઇન્ટનો લાભ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
સેન્સેક્સ ૧૦૪ પૉઇન્ટ વધ્યો, ઍક્સિસ બૅન્કે ૯ ટકાની તેજીમાં ૧૮૦ પૉઇન્ટ બજારને આપ્યા : રિલાયન્સમાં પ્રી-રિઝલ્ટ રૅલીનો પરિણામ પૂર્વે અંત, શૅર સવા ટકા જેવો ડાઉન : પેસ ઈ-કૉમર્સ સાધારણ પ્રીમિયમે લિસ્ટેડ થયો, ટ્રૅક્શન ટેક્નૉ ઘટ્યો : ઍક્સિસ, આઇસીઆઇસીઆઇ અને કોટક બૅન્કની મજબૂતીથી સેન્સેક્સને ૩૪૫ પૉઇન્ટનો લાભ : બજાજ ટ્વિન્સ ટૉપ લૂઝર બન્યા, ટિપ્સ ફિલ્મ્સ વધુ એક ૨૦ ટકાની સર્કિટે નવા શિખરે બંધ : બજારની માર્કેટ બ્રેડ્થ ખરાબ, માર્કેટકૅપ પણ ડાઉન
ફુગાવા સામે ફન્ડની જેહાદ ઉગ્ર બનવાના અણસારમાં અમેરિકા ખાતે બૉન્ડનું યીલ્ડ વધતું રહી ૧૫ વર્ષની નવી ટોચે ૪.૧૭ ટકા થયું છે. બૉન્ડના ભાવમાં ઘટાડો આગળ વધ્યો છે. ૧૯૮૪ પછી બૉન્ડ રેટ્સમાં આટલી લાંબી નબળાઈ પ્રથમ વાર દેખાઈ છે. ડૉલર મજબૂતીમાં છે. સોનું બે વર્ષના બૉટમ ભણી ગતિમાન થયું છે. બ્રિટન ખાતે લિઝ ટ્રસે એકાએક રાજીનામું ધરી દઈ ત્યાં સૌથી ટૂંકી મુદતના વડા પ્રધાન બનવાનો રેકૉર્ડ બનાવ્યો છે. હવે જૂના જોગી બૉરિસ જૉનસન અને રિશી સુનક વચ્ચે વડા પ્રધાનપદનો જંગ ખેલાશે એમ મનાય છે. આ બધામાં બ્રિટિશ પાઉન્ડની અસ્થિરતા કે ખરાબી વધવા માંડી છે. એશિયા ખાતે સિંગાપોર દોઢ ટકાથી વધુ, તાઇવાન એક ટકો હૉન્ગકૉન્ગ અડધો ટકો અને સાઉથ કોરિયા સાધારણ ઘટીને બંધ થતાં ત્યાં નરમાઈની હૅટ-ટ્રિક નોંધાઈ છે. સામે ઇન્ડોનેશિયા સતત પાંચમા દિવસના સુધારામાં અડધો ટકો અપ હતું. ચાઇના નહીંવત્ પ્લસ તો જપાન અડધો ટકો માઇનસ જોવા મળ્યું છે. યુરોપ ગુરુવારના ધીમા સુધારા પછી શુક્રવારે રનિંગમાં પોણાથી પોણાબે ટકા ડાઉન હતું. બ્રેન્ટ ક્રૂડ સામાન્ય ઘટાડે ૯૨ ડૉલર દેખાડતું હતું.
ADVERTISEMENT
ઘરઆંગણે શૅરબજાર પાંચ દિવસ પ્લસમાં રહ્યા પછી ગઈ કાલે પણ પૉઝિટિવ ઓપનનિંગમાં પોણાબસો પૉઇન્ટ ઉપર ખૂલ્યું હતું અને ક્રમશઃ ધીમા સુધારામાં ૫૯૫૯૧ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી હતી. પ્રથમ સત્રની આ કહાની બીજા સત્રના આરંભ સાથે જ બદલાઈ જતાં શૅર નીચામાં ૫૯૧૩૩ થયો હતો અને છેલ્લે બજાર ૧૦૪ પૉઇન્ટ વધી ૫૯૩૦૭ બંધ થયું છે. નિફ્ટી ૧૨ પૉઇન્ટ જેવો સુધર્યો છે. બન્ને બજારોનાં મોટા ભાગનાં સેક્ટોરલ ઘટ્યાં છે. બૅન્કિંગ અને ફાઇનૅન્સ સામા પ્રવાહે હતું. માર્કેટ બ્રેડ્થ નબળી રહી છે. એનએસઈમાં વધેલા ૬૧૩ શૅરની સામે બમણાથીય વધુ ૧૩૩૮ જાતો માઇનસ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૩૩૧૩ના શિખરે જઈ ૧.૯ ટકા વધી ૩૨૭૩ બંધ થયો છે. પ્રોવિઝનલ ફિગરમાં માર્કેટકૅપ ૧.૧૮ લાખ કરોડ ઘટ્યું છે.
બજાજ ટ્વિન્સ ટૉપ લૂઝર રહ્યા, ઍક્સિસ બૅન્ક શિખર સાથે ટૉપ ગેઇનર
સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર ઘટ્યા છે. બજાજ ફાઇનૅન્સ ૩.૩ ટકા તથા બજાજ ફિન સર્વ અઢી ટકા ડૂલ થયા છે. અન્યમાં ડિવીઝ લૅબ, અદાણી પોર્ટ્સ યુપીએલ, એશિયન પેઇન્ટ્સ, તાતા કન્ઝ્યુમર્સ, અદાણી એન્ટર, જેએસડબ્લ્યુ સ્ટીલ, લાર્સન સવાથી અઢી ટકા ડાઉન હતા. ઍક્સિસ બૅન્ક વૉલ્યુમ સાથે નવા શિખરે જઈ ૯ ટકાની તેજીમાં ૯૦૦ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. કોટક બૅન્ક ૨.૨ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૪ ટકા, હિન્દુ. યુનિલીવર બે ટકા, ઓએનજીસી દોઢ ટકા અપ હતા. નેસ્લે ૨૦૩૪૫ની નવી ઊંચાઈએ જઈ ૧.૪ ટકા વધી ૨૦૩૪૧ રહ્યો છે. આઇટીસીએ ૨૩ ટકાના વધારામાં ૪૬૨૦ કરોડના નફા સાથે અપેક્ષાથી સારો દેખાવ કરતાં શૅર ૩૫૪ની નવી ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી પ્રૉફિટ બુકિંગમાં સવા ટકો ઘટી ૩૪૫ રહ્યો છે. પરિણામ પૂર્વેની રૅલીમાં ચાર દિવસમાં ૧૩૦ રૂપિયા વધી ગયેલો રિલાયન્સ શુક્રવારે ઉપરમાં ૨૫૧૬ અને નીચામાં ૨૪૬૭ થઈ ૧.૨ ટકા ઘટી ૨૪૭૨ બંધ આવ્યો છે. એનાં રિઝલ્ટ બંધ બજારે આવવાનાં હતાં.
ટિપ્સ ફિલ્મ્સ ૨૦ ટકાની વધુ ઉપલી સર્કિટે ૫૨૮ની નવી ટોચે ગયો છે. અસલ બિલ્ડવેલ ૨૦ ટકા ઊછળી ૧૦૩ હતો. ફિનોલેક્સ કેબલ્સ ૧૦ ટકા ઊંચકાઈને ૪૯૪ થયો છે. રાજરતન ગ્લોબલ નબળા રિઝલ્ટમાં પાંચ ગણા કામકાજે ૧૨૫૦ની ટોચથી ૯૮૫ થઈ ૨૦ ટકાની ખુવારીમાં ત્યાં જ રહ્યો છે. લૉરસ લૅબ પણ આવા જ કારણસર ૫૩૦થી તૂટી ૪૭૬ થઈ સવાનવ ટકાની ખુવારીમાં ૪૭૭ બંધ આપી એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. કોલતે પાટીલ ડેવલપર્સ ૯ ટકાના કડાકામાં ૩૪૬ હતો. સનફાર્મા ૯૯૨ના બેસ્ટ લેવલ બાદ નહીંવત્ ઘટાડે ૯૭૯ રહ્યો છે.
વિશ્વબજારમાં સોનામાં નરમાઈ છતાં જ્વેલરી શૅરોની ઝંખવાની ચમક
આજે શનિવારે ધનતેરસ છે. વિશ્વબજારમાં સોનું બે વર્ષના બૉટમ નજીક સરક્યું છે. જોકે ઘરઆંગણે ડૉલર સામે રૂપિયાની નબળાઈને લઈને ભાવ ઘટવા જોઈએ એટલા ઘટ્યા નથી. ફુગાવાની ફિકર વધી છે. પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિને કારણે આ વખતે દેશમાં દિવાળીના તહેવારોમાં સોનાનું વેચાણ ઝમકવિહોણું રહેવાની ધારણા છે. આની અસર જ્વેલરી શૅરો પર પણ દેખાઈ રહી છે. ગઈ કાલે રાજેશ એક્સપોર્ટ્સ પોણાચાર ટકા, ગોલ્ડિયમ અઢી ટકા, આશાપુરા ગોલ્ડ પાંચ ટકા, એશિયન સ્ટાર સવા ટકો, એસએમ ગોલ્ડ બે ટકા ડાઉન હતા. સ્વર્ણ સરિતા, રાધિકા જ્વેલ, ટીબીઝેડ, પીસી જ્વેલર્સ, રેનેસાં રાધિકા જ્વેલ, પીસી જ્વેલર્સ, રેનેસાં ગ્લોબલ અડધાથી એક ટકો, તો કલ્યાણ જ્વેલર્સ સાડાચાર ટકા નજીક ઝંખવાયા છે.
આઇટી સ્પેસમાં ઇન્ફી ફ્લૅટ, ટીસીએસ અડધો ટકો નરમ અને વિપ્રો સાધારણ સુધર્યા છે. કેપીઆઇટી ટેક્નૉ ૯ ટકાના જમ્પમાં ૭૧૨ થયો છે. એમ્ફાસિસ પાંચ ટકા નજીક અને તાન્લા સાડાચાર ટકા નરમ હતા. ટેક્નૉલૉજી ઇન્ડેક્સમાં રાઉટ મોબાઇલ સવાછ ટકા, સારેગામા સવાચાર ટકા, સનટીવી ૩ ટકા, જસ્ટ ડાયલ સવાબે ટકા ડાઉન થયા છે. લાર્સન દોઢ ટકો ઘટી ૧૮૭૫ બંધ રહેતાં એના ભારમાં કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૩૬૦ પૉઇન્ટ કે એક ટકાથી વધુ ખરડાયો છે. વેદાન્તા, કોલ ઇન્ડિયા, જિન્દલ સ્ટીલ, એનએમડીસી, સેઇલના એકથી સવાબે ટકાના ઘટાડા સાથે મેટલ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની નરમાઈમાં ૦.૯ ટકા ઘટ્યો છે.
પીએસયુ બૅન્ક નિફ્ટી ૩૩૧૩ના શિખરે ગયો, અડધા ડઝનથી વધુ બૅન્કમાં નવી ટૉપ બની
બૅન્કિંગ ડિમાન્ડમાં રહ્યું છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૧.૭ ટકા કે ૬૮૪ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૧.૯ ટકા પ્લસ થયા છે. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં બૅન્ક ઑફ બરોડા, ઍક્સિસ બૅન્ક, ફેડરલ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, કર્ણાટક બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક જેવી જાતો નવા ઐતિહાસિક શિખરે ગઈ હતી. સમગ્ર ઉદ્યોગના ૩૭માંથી ૨૩ શૅર વધ્યા છે. જેકે બૅન્ક દ્વારા બમણાથી વધુનો ૨૪૩ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ દર્શાવી બહેતર પરિણામ જારી થતાં શૅર ૯ ગણા કામકાજે ઉપરમાં ૩૫ વટાવી સવાસાત ટકાની તેજીમાં ૩૪ બંધ આવ્યો છે. ઍક્સિસ બૅન્કે ધારણાથી સારો, ૭૦ ટકાના વધારામાં ૫૩૩૦ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૯૦૫ના બેસ્ટ લેવલે જઈ નવ ટકાના જમ્પમાં ૯૦૦ હતો. કોટક બૅન્ક બે ટકા, સ્ટેટ બૅન્ક એક ટકો અપ હતા. ઇન્ડિયન બૅન્ક બે ટકા વધી છે. કરુર વૈશ્ય દોઢ ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક ૨.૧ ટકા, એયુબૅન્ક બે ટકા, ઇન્ડસઇન્ડ ૧.૬ ટકા નરમ હતા.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૯માંથી ૬૦ શૅરના સુધારામાં બાવન પૉઇન્ટ પ્લસ હતો. પૈસા લો ડિજિટલ ૫.૬ ટકા, હોમફર્સ્ટ ૫.૨ ટકા, પીએનબી હાઉસિંગ ચાર ટકા, એનર્જી એક્સચેન્જ ૪.૪ ટકા, આવાસ ફાઇ. ત્રણ ટકા, યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ ૪.૭ ટકા બગડ્યા છે. બજાજ ફાઇ રિઝલ્ટની અસરમાં પ્રારંભિક સુધારે ૭૪૯૫ બતાવી પ્રૉફિટ બુકિંગમાં ૭૧૫૭ થઈ ૩.૨ ટકા ખરડાઈ ૭૧૯૨ બંધ થયો છે. બજાજ ફિનસર્વ ૨.૪ ટકા નરમ હતા.
એલઆઇસી, પૉલિસી બાઝાર તથા દિલ્હીવરીમાં નવાં ઑલટાઇમ તળિયાં
પુણેની પેસ ઈ-કૉમર્સનું લિસ્ટિંગ એકંદર સુખદ થયું છે. શૅરદીઠ ૧૦૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવ ૧૧૫ ખૂલી ત્યાં જ બંધ થયો છે. જે પાંચ ટકાનો લિસ્ટિંગ ગેઇન બતાવે છે, તો આગલા દિવસે ૧૬.૭ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં બંધ રહેલો ટ્રૅક્શન ટેક્નૉલૉજીઝ શુક્રવારે ઉપરમાં ૧૦૨ પ્લસના નવા શિખરે જઈ બે ટકા ઘટી ૯૧ બંધ હતો. દરમ્યાન નજીકના ભૂતકાળના પબ્લિક ઇશ્યુ, ખાસ કરીને હાઈ-પ્રોફાઇલ આઇપીઓની વાત કરીએ તો એલઆઇસી સતત નવા તળિયાની શોધમાં છે. ભાવ ૫૮૮ના વર્સ્ટ લેવલે જઈ બે ટકા ગગડી ૫૮૯ બંધ થયો છે. તેની ઇશ્યુ પ્રાઇસ ૯૪૯ની હતી. શૅરદીઠ ૪૫ ડિસ્કાઉન્ટને કારણે રીટેલ ઇન્વેસ્ટર્સની પડતર ૯૦૪ રહી હતી. તો પૉલિસી બાઝાર કે પીબી ફિનટેક જેની ઇશ્યુ પ્રાઇસ ૯૮૦ હતી એ પણ ગઈ કાલે ૩૭૩નું ઑલટાઇમ તળિયું દેખાડી ૫.૬ ટકા તૂટીને ૩૭૮ બંધ થયો છે. દિલ્હીવરીનો શૅર ૩૭૭નો સૌથી નીચો ભાવ નોંધાવી ૧૮ ટકા તૂટી ૩૮૬ બંધ થયો છે. આ શૅર ગુરુવારે પણ ૧૫ ટકાથી વધુ તૂટ્યો હતો. એનો ઇશ્યુ એકના શૅરદીઠ ૪૭૮ના ભાવે આવ્યો હતો. કંપની સતત ખોટમાં છે. ભુજ કચ્છની વિનસ પાઇપ્સનો ઇશ્યુ શૅરદીઠ ૩૨૬ના ભાવે હતો. આ કાઉન્ટર ગઈ કાલે ૭૪૧ નજીક નવી ટૉપ બનાવી ૩.૭ ટકાના સુધારામાં ૭૩૫ હતું. મુમ્બૈયા કાર્ગો સોલ લૉજિસ્ટિક્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૯ નજીક ગયો છે. એની ઇશ્યુ પ્રાઇસ ૨૮ની હતી. કૉન્કૉર્ડ કન્ટ્રોલ ૫૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ઉપલી સર્કિટમાંપાંચ ટકા વધી ૧૭૯ના શિખરે અને ઇન્સોલેશન એનર્જી ૩૮ની ઇશ્યુ પ્રાઇસ સામે તેજીની સર્કિટમાં ૧૨૪ નજીકના બેસ્ટ લેવલે જોવાયા છે.