Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સતત આઠમા દિવસની આગેકૂચમાં શૅરબજાર સાત સપ્તાહની ટોચે, આઇટીમાં સુધારો દેખાયો

સતત આઠમા દિવસની આગેકૂચમાં શૅરબજાર સાત સપ્તાહની ટોચે, આઇટીમાં સુધારો દેખાયો

Published : 13 April, 2023 04:04 PM | IST | Mumbai
Anil Patel

સુલાવાઇન તથા જીએમ બ્રુઅરીઝમાં તગડો જમ્પ, તામિલનાડુ મર્કે. બૅન્ક ઑલટાઇમ તળિયે જઈ નજીવા સુધારે બંધ : શ્રીગણેશ રેમેડીઝ અને આરતી સર્ફક્ટન્ટ્સના પાર્ટપેઇડ જોરમાં 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બજાજ ઑટો અને ડૉ. રેડ્ડીઝ લૅબ નવા બેસ્ટ લેવલે, ડિવીઝ લૅબ નિફ્ટીમાં ટૉપ ગેઇનર : નિફ્ટી ફાર્મા અને બીએસઈ હેલ્થકૅર ઇન્ડેક્સ સવાબે ટકા મજબૂત : લોઢા ગ્રુપની નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ બે દિવસમાં ૧૧૦૦ રૂપિયા વધી ગઈ : રશીલ ડેકોર અને સોમ ડિસ્ટિલરીઝ એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ સુધર્યા : સુલાવાઇન તથા જીએમ બ્રુઅરીઝમાં તગડો જમ્પ, તામિલનાડુ મર્કે. બૅન્ક ઑલટાઇમ તળિયે જઈ નજીવા સુધારે બંધ : શ્રીગણેશ રેમેડીઝ અને આરતી સર્ફક્ટન્ટ્સના પાર્ટપેઇડ જોરમાં 

એશિયન બજારોમાં સાંકડી રેન્જ સાથે મિશ્ર વલણની સામે ઘરઆંગણે સેન્સેક્સ બુધવારે ૨૩૫ પૉઇન્ટની આગેકૂચમાં ૬૦,૩૯૩ અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ વધી ૧૭,૮૧૨ બંધ થયો છે. આ સળંગ આઠમા દિવસનો સુધારો છે. બજારમાં વધ-ઘટની રેન્જ સંકડાયેલી હતી. શૅરઆંક નીચામાં ૬૦,૦૯૫ અને ઉપરમાં ૬૦,૪૩૮ થયો હતો. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ સર્વાધિક એક ટકો નરમ તો જૅપનીઝ નિક્કી અડધા ટકાથી વધુના સુધારે બંધ આવ્યા છે. સિંગાપોર, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા સામાન્ય ઘટાડામાં તો તાઇવાન, સાઉથ કોરિયા અને ચાઇના નહીંવતથી સાધારણ પ્લસ જોવાયા છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું ઉપર દેખાતું હતું. દરમ્યાન વેલ્સ કાર્ગો તરફથી આગામી ત્રણથી છ માસમાં અમેરિકન શૅરબજાર ૧૦ ટકા નીચે જવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નાયમેક્સ ક્રૂડ વધીને ૮૧.૫૪ તો બ્રેન્ટ ક્રૂડ ૮૫.૭ ડૉલરે મક્કમ હતું. ઘરઆંગણે હેવીવેઇટ ટીસીએસનાં પરિણામ સાથે કૉર્પોરેટ રિઝલ્ટની મોસમ શરૂ થઈ રહી છે. ઇન્ફીનાં પરિણામ ગુરુવારે છે. ૧૫મીએ એચડીએફસી બૅન્ક છે. આઇટીનાં પરિણામ ઝમકવિહોણા હશે એ વાત બજાર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે.



ગઈ કાલે બન્ને બજારોનાં મોટા ભાગનાં સેક્ટોરલ સુધારામાં રહ્યાં છે. હેલ્થકૅર ઇન્ડેક્સ સવાબે ટકા, નિફ્ટી ફાર્મા સવાબે ટકા, ઑટો ઇન્ડેક્સ ૦.૯ ટકા, આઇટી ૧ ટકા જેવો વધ્યો છે. બૅન્ક નિફ્ટી અડધો ટકો પ્લસ સામે પીએસયુ બૅન્ક નિફ્ટી અડધા ટકો ઘટ્યો છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૭૬ પૉઇન્ટ જેવો મામૂલી નરમ હતો. રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં મજબૂત રહ્યું હોવાથી માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ રહી છે. એનએસઈ ખાતે ૧૨૪૦ શૅર પ્લસ તો ૮૧૯ જાતો ઘટી છે. સોમ ડિસ્ટિલિયરીઝમાં ૨૧૧ શૅરદીઠ ૧૦ શૅરનો રાઇટ ઇશ્યુ શૅરદીઠ ૧૪૦ના ભાવે ૨૬ એપ્રિલે ખૂલવાનો છે. શૅર ગુરુવારે એક્સ-રાઇટ થવાનો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૫૯ નજીક જઈ પોણો ટકો વધી ૧૫૬ બંધ આવ્યો છે. રશીલ ડેકોર ત્રણ શૅરદીઠ એક રાઇટમાં ૧૩મીએ એક્સ-રાઇટ થવાનો છે. શૅર એક ટકો સુધરી ૨૯૫ હતો. અહીં રાઇટ શૅરદીઠ ૫૦ના ભાવે છે, જેમાંથી ૨૫ ટકા એટલે કે સાડાબાર રૂપિયા રાઇટની ઍપ્લિકેશન સાથે ભરવાના છે. બાકીની ૭૫ ટકા રકમ ૨૫ ટકા લેખે ત્રણ તબક્કે કંપની કૉલ કરે એટલે ભરવાની છે. 


કંઈક આવવાની હવામાં ડિવીઝ લૅબમાં ૨૮૫ રૂપિયાનો ઉછાળો 

સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૩૪ શૅર વધ્યા છે. એશિયન પેઇન્ટ્સ સવા ટકો, તાતા મોટર્સ ૧.૪ ટકો, ઇન્ફી દોઢ ટકો, એચડીએફસી બૅન્ક ૧.૩ ટકો, ટેક મહિન્દ્ર એક ટકો અપ થયા છે. નિફ્ટી ખાતે ડિવીઝ લૅબ હેવી વૉલ્યુમ સાથે ઉપરમાં ૩૨૨૭ થઈ ૯.૭ ટકા કે ૨૮૫ રૂપિયાની તેજીમાં ૩૨૧૨ હતો. કંપનીમાં બોનસ અગર તો બાયબૅક આવવાની હવા છે. છેલ્લે ૨૦૧૫માં બોનસ આવ્યું હતું. આ ઉપરાંત અત્રે બજાજ ઑટો ૪૩૦૭ના નવા શિખરે જઈ ૨.૬ ટકા ઊંચકાઈને ૪૨૮૬ તો ડૉ. રેડ્ડીઝ લૅબ ૪૯૨૦ નજીક નવી ટોચ બનાવી અઢી ટકા કે ૧૧૮ રૂપિયા વધી ૪૮૮૧ બંધ હતા. અદાણી એન્ટર અઢી ટકા, આઇશર મોટર્સ ૨.૪ ટકા, કોલ ઇન્ડિયા ૧.૮ ટકા પ્લસ હતા. 


રિલાયન્સ ઉપરમાં ૨૩૬૮ વટાવી અંતે ૦.૪ ટકા વધી ૨૩૪૬ બંધ થયો છે. સેન્સેક્સ ખાતે નેસ્લે ૧.૩ ટકો, પાવરગ્રીડ ૧.૬ ટકો, એનટીપીસી સવા ટકો નરમ હતા. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ અડધો ટકો વધી ૬૫૭, અદાણી પાવર પોણો ટકો ઘટીને ૧૯૨, અદાણી ટ્રાન્સ એક ટકો ઘટી ૧૦૪૩, અદાણી ગ્રીન ૯૪૩ના લેવલે ફ્લૅટ, અદાણી ટોટલ દોઢ ટકો ઘટીને ૯૩૮, અદાણી વિલ્મર એક ટકો ઘટીને ૪૧૨, એસીસી સવા ટકો સુધરીને ૧૭૫૮, અંબુજા સિમેન્ટ્સ ત્રણ ટકા ઊંચકાઈને ૩૯૬ અને એનડીટીવી ૨.૮ ટકા ગગડી ૧૮૭ બંધ હતા. મોનાર્ક આગલા દિવસના તગડા ઉછાળા બાદ આઠેક ટકાની તેજીમાં ૨૪૯ ખૂલી નીચામાં ૨૧૮ બતાવી ૪.૩ ટકા ગગડી ૨૨૦ રહ્યો છે. ક્વિન્ટ ડિજિટલ છ ટકા તૂટી ૧૧૫ હતો. 

આઇએફબી ઇન્ડસ્ટ્રીઝ દોઢસો ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૯૦૭ થઈ ૬.૬ ટકાના ઉછાળે ૮૧૨ થયો છે. લોઢા ગ્રુપની મેક્રોટેક ડેવલપર્સની ૭૪ ટકા માલિકીની સબસિડિયરી નૅશનલ સ્ટાન્ડર્ડ્સ બૅક ટુ બૅક ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૮૦ રૂપિયા ઊછળી ૬૩૮૫ વટાવી ગયો છે. અરવિંદ ત્રણ ગણા કામકાજે આઠ ટકાના જમ્પમાં ૯૬ હતો. 

ટીસીએસ પરિણામપૂર્વે સુધર્યો, ઇન્ફોસિસ દોઢ ટકા વધીને બંધ 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૧ શૅરના સુધારામાં એક ટકો વધ્યો છે. ટીસીએસ પરિણામપૂર્વે સવાયા કામકાજે ૩૨૬૦ની ઇન્ટ્રા-ડે હાઈ અને ૩૨૦૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૦.૯ ટકા વધી ૩૨૪૨ બંધ આવ્યો છે. ઇન્ફી નીચામાં ૧૪૦૦ થયા બાદ ઉપરમાં ૧૪૩૧ બતાવી દોઢ ટકા વધીને ૧૪૨૮ રહ્યો છે. ટેક મહિન્દ્ર એક ટકો, એચસીએલ ટેક્નૉ પોણો ટકો, વિપ્રો અડધો ટકો અને લાટિમ સવા ટકો અપ હતા. મોસચિપ ૮.૨ ટકાની તેજીમાં ૬૮ થયો છે. ન્યુક્લીઅસ, ઈમુદ્રા અને બ્રાઇટકોમ દોઢથી પાંચ ટકા ડાઉન હતા. વકરાંગી આગલા દિવસના ધબડકા બાદ વધુ એક ટકો ઘટી ૧૬.૮૨ રહ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૯ શૅરના સુધારા વચ્ચે ફ્લૅટ રહ્યો છે. રાઉટ મોબાઇલ ૪.૬ ટકાની તેજીમાં ૧૨૭૧ થયો છે. તેજસ નેટ એક ટકા અને ઑન મોબાઇલ ૧.૮ ટકા પ્લસ હતા. ભારતી ઍરટેલ ૦.૪ ટકા ઘટી ૭૭૧ હતો. 

બીએસઈ ખાતે ઑટો ઇન્ડેક્સ વધુ ૨૫૮ પૉઇન્ટ કે ૦.૯ ટકા પ્લસ થયો છે. અત્રે બજાજ ઑટો બમણા કામકાજે ૨.૬ ટકા વધી ૪૨૮૫ થયો છે. આઇશર અઢી ટકા, તાતા મોટર્સ ૧.૪ ટકા, મહિન્દ્ર અને ટીવીએસ અડધો ટકો વધ્યા હતા. મારુતિ સુઝુકી ૦.૩ ટકાની નરમાઈમાં ૮૬૨૭ રહ્યો છે. અતુલ ઑટો તાજેતરના બુલરન બાદ ગઈ કાલે ૪.૪ ટકા ગગડીને ૩૮૯ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૩ શૅરની નરમાઈમાં ૭૬ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. લાર્સન અડધો ટકો નરમ હતો. સિમેન્સમાં ૦.૩ ટકાની પીછેહઠ હતી. ગ્રાઇન્ડવેલ નોર્ટન ૧.૯ ટકા વધ્યો છે. એબીબી ઇન્ડિયા ૨.૩ ટકા ગગડી ૩૨૦૨ હતો. આઇટીસી ૦.૭ ટકા ઘટીને ૩૯૩ રહ્યો છે. હિન્દુ. યુનિલીવર ૦.૭ ટકા, નેસ્લે સવા ટકા, ડાબર અડધો ટકા, મારિકો સાધારણ નરમ હતા. સુલાવાઇન યાર્ડ્સ ૯.૩ ટકાની તેજીમાં ૩૮૫ વટાવી ગયો છે. જીએમ બ્રુઅરીઝ ૬.૪ ટકા ઊંચકાઈને ૫૯૮ થયો છે. 

બૅન્કિંગમાં સિલેક્ટિવ બાઇંગ, હેલ્થકૅર ઇન્ડેક્સ ટૉપ ગેઇનર 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની પીછેહઠ વચ્ચે ૧૯૧ પૉઇન્ટ કે અડધો ટકો વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના ઘટાડે ૦.૬ ટકા ડાઉન થયો છે. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૨ શૅર માઇનસ હતા. પંજાબ સિંઘ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇઓબી, ઇક્વિટાસ બૅન્ક એકથી પોણાબે ટકા ઘટ્યા છે. સીએસબી બૅન્ક ૩.૫ ટકા, કરૂર વૈશ્ય ૨.૨ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૩ ટકા પ્લસ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો પ્લસ તો સ્ટેટ બૅન્ક પોણો ટકો નરમ બંધ આવ્યા છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૨ શૅરના સુધારામાં અડધા ટકા જેવો સુધર્યો છે. આદિત્ય બિરલા સનલાઇફ, ચોઇસ ઇન્ટર, અબાન હોલ્ડિંગ્સ, કેફીન ટેક, નિપ્પોન લાઇફ ઇન્ડિયા, દૌલત અલ્ગો, બીએફ ઇન્વેસ્ટમેન્ટ, આવાસ ફાઇ, એપ્ટ્સ વૅલ્યુ જેવી જાતો અઢીથી પોણાછ ટકા મજબૂત હતી. એલઆઇસી નીરસ ચાલ જાળવી રાખતાં સહેજ ઘટી ૫૪૯ રહી છે. પેટીએમ દોઢ ટકો, પૉલિસી બાઝાર પોણો ટકો, નાયકા સવા ટકો નરમ હતા. સ્ટાર હેલ્થ દોઢ ટકો વધી ૫૯૯ થયો છે. એચડીએફસી એક ટકો વધ્યો છે. બજાજ ફાઇનૅન્સ અડધો ટકો પ્લસ હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૬૭ શૅરના સથવારે ૨.૨ ટકા કે ૪૯૭ પૉઇન્ટ મજબૂત હતો, જેમાં ડિવીઝ લૅબનો ફાળો ૧૩૨ પૉઇન્ટનો હતો. સુવેન લાઇફ ૭.૭ ટકા, લૌરસ લૅબ ૬.૮ ટકા, સોલરા ઍક્ટિવ ૬.૮ ટકા, મેટ્રો પોલીસ ૪.૯ ટકા, મેક્સ હેલ્થકૅર ૬.૬ ટકા, ગુજરાત થેમિસ છ ટકા, સુપ્રિયા લાઇફ ૪.૬ ટકા ઊંચકાયા છે. શિલ્પા મેડી ૩.૨ ટકા ગગડી ૨૫૯ હતો. સનફાર્મા ૦.૯ ટકો વધી ૧૦૧૭ થયો છે. સિપ્લા સવા ટકો વધી ૯૧૮ હતો. 

ખાતર શૅરો ડિમાન્ડમાં, ફેક્ટ અને મદ્રાસ ફર્ટિમાં ૨૦-૨૦ ટકાની તેજી 

ચોમાસા વિશે વિરોધાભાસી વરતારા વચ્ચે ખાતર શૅરોમાં ફેન્સી દેખાઈ છે. મદ્રાસ ફર્ટિલાઇઝર્સ ૪૮ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૧ ઉપર, ફેક્ટ લિમિટેડ સાડાછ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીમાં ૨૮૫, નૅશનલ ફર્ટિલાઇઝર્સ ૧૮ ગણા વૉલ્યુમે સવાતેર ટકાના જમ્પમાં ૮૬, એરિસ ઍગ્રો પોણાનવ ટકાના ઉછાળે ૧૭૨ રૂપિયા, સ્પીક સાડાઆઠ ટકા ઊંચકાઈને ૬૬ રૂપિયા, રાષ્ટ્રિય કેમિકલ ૬.૪ ટકાની મજબૂતીમાં ૧૦૭ નજીક બંધ આવ્યા છે. ઈઆઇડી પેરી, ઝુઆરી, પારાદીપ, જીએસએફસી ત્રણથી સાડાત્રણ ટકા અપ હતા. ચંબલ ફર્ટિ બે ટકા વધ્યો છે. ઉદ્યોગના ૨૨માંથી માત્ર ૪ શૅર નરમ હતા. નાગાર્જુના ફર્ટિ. પાંચ ટકા તૂટી સવાઅગિયાર અને રામા ફોસ્ફેટ દોઢ ટકા ઘટી ૨૨૪ હતા. 

અદાણીના શૅરોની પીછેહઠ સાથે એનટીપીસી, પાવરગ્રીડ, એબીબી, રિલાયન્સ પાવર, સીઈએસસી, ટૉરન્ટ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા એકથી ત્રણ ટકા ઘટતાં પાવર-યુટિલિટી ઇન્ડેક્સ એક ટકાની આસપાસ કટ થયા છે. જોકે વારિ રિન્યુએબલ ૯૬૯ના નવા શિખરે જઈ પોણો ટકો વધી ૯૩૫ બંધ હતો. 

શ્રીગણેશ રેમેડીઝ સાડાત્રણ ટકા વધી ૩૦૨ થયો છે, પણ એનો પાર્ટપેઇડ ૧૭૫ની નવી ટોચે જઈ ૧૬.૬ ટકાની તેજીમાં ૧૭૫ નજીક બંધ આવ્યો છે. એસઆરજી હાઉસિંગ ૧૭.૪ ટકાના જમ્પમાં ૨૦૨ વટાવી ગયો છે. આરતી સર્ફક્ટન્ટ્સ ૧.૪ ટકાના ઘટાડે ૬૦૦ની નીચે બંધ હતો. જ્યારે એનો પાર્ટપેઇડ ૩૪૧ની નવી ટૉપ બનાવી સવાતેર ટકા ઊછળી ૩૨૨ રહ્યો છે. સીડબ્લ્યુડી લિમિટેડ ૨૧૧ રૂપિયા કે ૧૩.૨ ટકાની મજબૂતીમાં ૧૮૧૧ થયો છે. તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક ૩૯૬ની ઑલટાઇમ બૉટમ બતાવી નહીંવત સુધારે ૪૦૩ બંધ આવ્યો છે. 
૦૦૦૦૦

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2023 04:04 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK