નફો ૫૦૦ ટકા વધીને આવતાં હિટાચી એનર્જી ૨૦ ટકા કે ૨૦૨૬ રૂપિયાની તેજીમાં : પેરન્ટ્સની સંભવિત એક્ઝિટમાં વ્હર્લપૂલ વૉલ્યુમ સાથે ૨૦ ટકા પટકાયો
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નફો ૫૦૦ ટકા વધીને આવતાં હિટાચી એનર્જી ૨૦ ટકા કે ૨૦૨૬ રૂપિયાની તેજીમાં : પેરન્ટ્સની સંભવિત એક્ઝિટમાં વ્હર્લપૂલ વૉલ્યુમ સાથે ૨૦ ટકા પટકાયો : અગરવાલ હેલ્થકૅરને ૪૧ ટકાનો પ્રતિસાદ, પ્રીમિયમ ગગડી દોઢ રૂપિયે : CLN એનર્જીનું લિસ્ટિંગ સાધારણ નીવડ્યું, જીબી લૉજિસ્ટિક્સ આજે લિસ્ટેડ થશેઃ શૅરવિભાજન પૂર્વે જેબીએમ ઑટોમાં સાડાસાત ટકાનો જમ્પ : તાતા મોટર્સમાં મન્થ્લી ધોરણે સપ્ટેમ્બર ૨૦૧૫ પછીની સૌથી લાંબી મંદી : આઇટીસી હોટેલ્સમાં બૅક-ટુ-બૅક પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી
માથે બજેટ અને ડેરિવેટિવ્સમાં જાન્યુઆરી વલણની પતાવટના કારણે બજાર સતત ત્રીજા દિવસે પૉઝિટિવ ઝોનમાં બંધ થઈ છે. સેન્સેક્સ ૨૨૭ પૉઇન્ટ વધી ૭૬,૭૬૦ નજીક તો નિફ્ટી ૮૬ પૉઇન્ટની આગેકૂચમાં ૨૩,૨૪૯ ઉપર રહ્યો છે. દિવસ દરમ્યાન ચાલ ઊંટના ઢેકા જેવી હતી. છેલ્લો કલાક ઝડપી બાઉન્સબૅકનો હતો જેમાં શૅરઆંક ૭૬,૪૦૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૭૬,૯૬૩ થયો હતો. બજારનું માર્કેટકૅપ ૧.૨૮ લાખ કરોડ વધીને ૪૧૮.૦૪ લાખ કરોડ રૂપિયા થયું છે. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૫૪૯ શૅર સામે ૧૨૫૬ કાઉન્ટર્સ ઘટ્યાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બે ટકા નજીક કે ૧૦૮૮ પૉઇન્ટ, આઇટી બેન્ચમાર્ક એકાદ ટકો, નિફ્ટી મીડિયા સવા ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી, મેટલ તથા ઑટો ઇન્ડેક્સ નહીંવતથી સાધારણ નરમ હતા. બાકીના તમામ સેક્ટોરલ વધ્યા છે. રિયલ્ટી, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ, હેલ્થકૅર, એનર્જી જેવા ઇન્ડાઇસિસ એકથી દોઢ ટકો અપ હતા. બજારમાં સુધારાની હૅટ-ટ્રિક વચ્ચે પણ FII એકધારી નેટ સેલર છે એની ખાસ નોંધ લેવી રહી.
ADVERTISEMENT
દાદરીની CLN એનર્જી ૧૦ના શૅરદીઠ ૨૫૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કટના ઝીરો પ્રીમિયમની સામે ગઈ કાલે ૨૫૬ ખૂલી ઉપરમાં ૨૬૯ નજીક ગયા બાદ ૨૫૨ બંધ થતાં એમાં પોણા ટકાનો પરચૂરણ લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં જીબી લૉજિસ્ટિક્સનું લિસ્ટિંગ આજે થશે. પ્રીમિયમ ૨૭થી ઘટી હાલ ૨૦ ચાલે છે. મેઇન બોર્ડમાં ડૉ. અગરવાલ હેલ્થકૅરનો એકના શૅરદીઠ ૪૦૨ની ઇશ્યુ પ્રાઇસવાળો ૩૦૨૭ કરોડનો ઇશ્યુ શુક્રવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ફક્ત ૪૨ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડતું રહી અત્યારે દોઢ રૂપિયા થઈ ગયું છે. માલપાણી પાઇપ્સનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૩.૮ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ અગાઉના ૨૭થી ઘટી હાલ ૧૯ ચાલે છે.
વ્હર્લપૂલમાં ૫૧ ટકા હોલ્ડિંગ ધરાવતી વિદેશી પેરન્ટ ઋણબોજ ઘટાડવા હિસ્સો ઘટાડીને ૨૦ ટકા કરવા સક્રિય બની હોવાના અહેવાલમાં વ્હર્લપૂલનો શૅર તગડા વૉલ્યુમે ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૩૧૫ રૂપિયા ખરડાઈ ૧૨૬૨ બંધ થયો છે. ત્રણેક મહિના પહેલાં, બાવીસમી ઑક્ટોબરે શૅર ૨૪૫૦ના શિખરે હતો. વૉલ્ટાસ પરિણામ પાછળ ૧૪ ટકા કે ૨૦૮ બગડી ૧૨૬૮ હતો. દીપક ફર્ટિલાઇઝર્સ ૧૭૦ કે ૧૩ ટકા તૂટી ૧૧૨૭ રહ્યો છે.
હિટાચી એનર્જીએ ૪૯૮ ટકાના વૃદ્ધિદરથી ૧૩૭ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૦૨૬ રૂપિયાની છલાંગ લગાવી ૧૨,૧૫૮ બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ બેની છે. થ્રીઆઇ ઇન્ફોટેકે ૨૯ કરોડની નેટ લોસ સામે ૪૦ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૧ વટાવી સાડાબાર ટકા ઊછળી ૨૯ ઉપર બંધ થયો છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ રિઝલ્ટ પાછળ નીચામાં ૧૪૬૬ થઈ સાડાદસ ટકા કે ૧૮૦ની ખરાબીમાં ૧૫૩૦ હતો.
નૌકરી ડૉટકૉમવાળી ઇન્ફો એજની બોર્ડ મીટિંગ પાંચમીએ શૅરવિભાજન માટે મળવાની છે. ભાવ સવાબે ટકા વધી ૭૬૧૦ બંધ થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગૅસમાં શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ ૩૧ જાન્યુઆરી છે. ભાવ ગઈ કાલે સવા ટકો સુધરી ૩૯૬ હતો. મહાનગર ગૅસ પોણાત્રણ ટકા ઊંચકાઈ ૧૩૦૩ વટાવી ગયો છે. આજે શુક્રવારે જેબીએમ ઑટોના બેના શૅરના એકમાં, સેન્કો ગોલ્ડના ૧૦ના શૅરના પાંચમાં, મોહિત ઇન્ડસ્ટ્રીઝના ૧૦ના શૅરના એકમાં તથા કીદુજા ઇન્ડિયાના ૧૦ના શૅરના એકમાં વિભાજનની રેકૉર્ડ ડેટ છે. ગઈ કાલે જેબીએમ ઑટો સાડાસાત ટકા ઊછળી ૧૫૦૪, સેન્કો ગોલ્ડ દોઢ ટકો વધી ૯૦૮, મોહિત ઇન્ડસ્ટ્રીઝ બે ટકા ઘટીને ૫૬ તથા કીદુજા ઇન્ડિયા અઢી ટકા ઘટીને ૪૦૪ બંધ રહ્યા છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસના નફામાં ધબડકો શૅરને બહુ ન નડ્યો
અદાણી ગ્રુપની ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસનો ત્રિમાસિક નફો અગાઉના ૧૮૮૮ કરોડથી ૯૭ ટકા ધોવાઈ ૫૮ કરોડ થયો છે. કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ ૧૯૭૩ કરોડની સામે ૮૮ ટકાના ગાબડામાં ૨૨૮ કરોડ રહ્યો છે. આટલા ભંગાર રિઝલ્ટ છતાં શૅર નીચામાં ૨૨૦૨ થઈ પોણાત્રણ ટકાના ઘટાડે ૨૨૫૩ નજીક બંધ આવ્યો એ નવાઈ કહેવાય. અદાણી પોર્ટ્સ દ્વારા ૧૪ ટકાના વધારામાં ૨૫૨૦ કરોડ દર્શાવાયો છે. ધારણા ૨૫૯૦ કરોડની હતી. શૅર પરિણામ બાદ નીચામાં ૧૦૧૧ થઈ પોણાબે ટકા ઘટી ૧૦૭૭ જેવો બંધ રહ્યો છે. અદાણી પાવર અઢી ટકા, અદાણી ગ્રીન દોઢ ટકા, અદાણી વિલ્મર બે ટકા, અદાણી એનર્જી પોણો ટકો, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકા, એસીસી અડધો ટકો તો સાંધી ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા કપાયા છે. અદાણી ટોટલ સવાત્રણ ટકા વધી ૬૪૪ હતો. ઇન્ડેક્સ બેઝ્ડ અન્ય શૅરમાં શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા બગડ્યો છે. ટ્રેન્ટ દોઢ ટકો ડાઉન હતો. ઇન્ફોસિસ અને વિપ્રો એક ટકાથી વધુ ઢીલા હતા. ટીસીએસ નામપૂરતો સુધરી ૪૦૯૮ થયો છે. લાર્સન પરિણામ પૂર્વે પોણા ટકા જેવી નરમાઈમાં ૩૪૨૦ નજીક બંધ થયો છે. બજાર બંધ થયા પછી કંપનીએ આવકમાં ૧૭ ટકાના વધારા સાથે ૧૪ ટકાના વધારામાં ૩૩૫૯ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. બજારની ધારણા નફામાં ૨૪ ટકાના વધારાની હતી. આવકવૃદ્ધિનો દર પણ અપેક્ષા કરતાં ઓછો છે. કાચા માલના ભાવવધારાને લઈ નફામાર્જિન ઘટ્યું છે. કોટક બૅન્ક એક ટકો નરમ હતી. આગલા દિવસે નબળા લિસ્ટિંગ સામે નીચલી સર્કિટે બંધ રહેલી આઇટીસી હોટેલ્સ ગઈ કાલે એક વધુ મંદીની સર્કિટમાં પાંચ ટકા તૂટી ૧૭૦ની અંદર નવા તળિયે બંધ થયો છે. આઇટીસી પોણો ટકો સુધરી ૪૩૬ હતો.
તાતા મોટર્સ પરિણામ પાછળ બન્ને બજારમાં ટૉપ લૂઝર
ત્રિમાસિક નફામાં ધારણા કરતાં મોટા ઘટાડા સાથે ખરાબ પરિણામના પગલે તાતા મોટર્સમાં ગોલ્ડમૅન સાક્સ, મૉર્ગન સ્ટૅનલી, નુવામા, સિટી સહિતનાં બ્રોકરેજ હાઉસ તરફથી ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડા સાથે ડી-રેટિંગ જારી કરાયું છે. શૅર ગઈ કાલે ચારેક ગણા કામકાજમાં ૬૮૪ની ઐતિહાસિક બૉટમ બનાવી સવાસાત ટકાથી વધુની ખુવારીમાં ૬૯૭ બંધ આવ્યો છે. એના લીધે બજારને ૧૦૦ પૉઇન્ટનો માર પડ્યો છે. ૩૦ જુલાઈએ ભાવ ૧૧૭૯ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ત્યાર પછી શૅર વધઘટે ઘટાડાતરફી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી મન્થ્લી ધોરણે ભાવમાં ઘટાડો નોંધાયો છે, જે સપ્ટેમ્બર ૨૦૧૫ પછીની પ્રથમ ઘટના છે. ગત વર્ષે ૧૯ મેએ તાતા મોટર્સ સાડાનવ ટકા તૂટ્યો હતો. ગઈ કાલની ખરાબી સેકન્ડ લાર્જેસ્ટ ફૉલ છે.
તાતા મોટર્સના ધબડકા વચ્ચે પણ ઑટો ઇન્ડેક્સ માત્ર ૧૩૬ પૉઇન્ટ કે ૦.૩ ટકાથીય ઓછો ઘટ્યો છે. આ શૅર ઘટતાં ઑટો ઇન્ડેક્સને ૫૩૧ પૉઇન્ટનો માર પડ્યો હતો, પરંતુ મહિન્દ્ર દોઢ ટકો, બજાજ ઑટો દોઢ ટકો, હીરો મોટોકૉર્પ અઢી ટકા, અશોક લેલૅન્ડ બે ટકા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ સવાત્રણ ટકા વધતાં મોટા ભાગની ખાધ પુરાઈ ગઈ હતી. મારુતિ નજીવો પ્લસ હતો. ટીવીએસ મોટર્સ સામાન્ય તો આઇશર નહીંવત ઘટ્યો છે. ઑટો ઇન્ડેક્સના ૧૮માંથી ૧૨ શૅર વધ્યા હતા. હ્યુન્દાઇ મોટર પોણાબે ટકા નજીકના ઘટાડામાં ૧૬૨૩ નીચે ગયો છે. ઑટો એન્સિલિયરી સેગમેન્ટમાં ગેબ્રિઅલ, જેપીએમ ઑટો, કેરારો ઇન્ડિયા સવાસાતથી પોણાઆઠ ટકા તો સુંદરમ બ્રેક, એલજીબી બ્રધર્સ, જીએસ ઑટો, કૈરો સૉફ્ટ ૫થી ૬ ટકા મજબૂત હતા. ક્રાફ્ટ્સમેન સાડાપાંચ ટકા અને જીજી ઑટોમૉટિવ પોણાછ ટકા તૂટ્યા છે.
પરિણામ અને રીરેટિંગના જોશમાં બજાજ ફાઇનૅન્સ નવા શિખરે
ભારત ઇલેક્ટ્રૉનિક્સે ત્રિમાસિક નફામાં ૪૭ ટકાના વધારા સાથે બહેતર રિઝલ્ટ આપતાં શૅર સવાચાર ટકાની તેજીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. પાવર ગ્રીડ તથા હીરો મોટોકૉર્પ અત્રે અઢી ટકાથી વધુ મજબૂત હતા. સેન્સેક્સમાં ભારતી ઍરટેલ પોણાત્રણ ટકા ઊછળી ૧૬૪૪ના બંધમાં ઝળક્યો છે. બજાજ ફાઇનૅન્સે ૧૮ ટકાના વધારામાં ૪૩૦૮ કરોડના નફા સાથે સારાં પરિણામ રજૂ કરતાં શૅર ઇન્ટ્રા-ડેમાં ૮૨૫૦ની વિક્રમી સપાટીએ ગયો હતો. અહીં ૧૫ મહિના બાદ ફરી ભાવ ૮૦૦૦ ઉપર દેખાયો છે. શૅર છેલ્લે પોણાબે ટકા વધી ૭૮૯૯ બંધ આવ્યો હતો. સિટી રિસર્ચવાળા ૯૦૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ બન્યા છે. તો નોમુરાને ૯૦૦૦નો અને મૉર્ગન સ્ટૅનલીને ૯૩૦૦નો ભાવ દેખાવા માંડ્યો છે. એની પેરન્ટ્સ બજાજ ફીનસર્વ ઉપરમાં ૧૮૫૬ થયા બાદ પરિણામ પાછળ ઘટી ૧૭૪૦ થઈ બે ટકા બગડી ૧૭૫૧ હતી. બજાજ હાઉસિંગ પણ એકાદ ટકો નરમ પડી છે. મેઇન બેન્ચમાર્ક ખાતેના અન્ય શૅરમાં સિપ્લા સવાબે ટકાથી વધુ અને ONGC બે ટકાથી વધુ પ્લસ હતા. નેસ્લે, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, JSW સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ, હિન્દુસ્તાન યુનિલીવર એકથી પોણાબે ટકા નજીક અપ હતા. હેવીવેઇટ રિલાયન્સ દોઢ ટકા નજીક વધીને ૧૨૫૩ના બંધમાં બજારને સર્વાધિક ૧૦૩ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. એની સબસિડિયરી જિયો ફાઇનૅન્સ દોઢ ટકા ડાઉન હતી. આગલા દિવસનો હીરો ઝોમાટો પોણાબે ટકા નજીક નરમ હતો. એની હરીફ સ્વિગી સવાયા વૉલ્યુમ સાથે સાડાપાંચ ટકા પટકાઈ ૪૦૫ હતી. કંપનીનાં પરિણામ પાંચમી ફેબ્રુઆરીએ છે.

