ફેડરલ રિઝર્વના રેટ નિર્ણય કરતાં બજારની ચાલ ટૅરિફો નક્કી કરશે : ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ઊછળ્યો, ગાર્ડન રિચ શિપબિલ્ડર ૨૦ ટકાની ઉપલી સર્કિટે, શૅરોનો રેકૉર્ડ ડીજી લૉકરમાં રાખી શકાશે, વોડાફોન આઇડિયા પાંચ ટકા અપ, બીએસઈનો શૅર એનએસઈમાં ઝળક્યો
પ્રતીકાત્મક તસવીર
બુધવારે સેન્સેક્સ વધુ 148 પૉઇન્ટ્સ વધીને 75,449ના લેવલે અને નિફ્ટી વધુ 73 પૉઇન્ટ્સના ગેઇને 22,907ના સ્તરે વિરમ્યા હતા. બુધવારે (આપણી મધ્યરાત્રીએ) યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા થનારા વ્યાજ કપાતના નિર્ણયની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ફેડ રેટ વર્તમાન સ્તરે જાળવી રાખી ૨૦૨૫માં વધુ ઘટાડાનો સંકેત આપે એવી બજારની ધારણા છે. પૂર્વે ૨૦૨૫માં 50 બેસિસ પૉઇન્ટ્સના રેટ કટનો અંદાજ હતો એના બદલે હવે 75 બેસિસ પૉઇન્ટ્સના ઘટાડાનો સંકેત આવી શકે છે. હૉલરની થોડી નબળાઈ અને એના કારણે ફુગાવાનું દબાણ પણ થોડું વધી રહ્યું છે ત્યારે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) થોભો અને રાહ જુઓનો માર્ગ અપનાવે એવી સંભાવના વધુ છે. સિટી જૂથે પ્રથમ ક્વૉર્ટરમાં યુએસ અર્થતંત્રમાં 0.1 ટકા સંકોચનની આગાહી કરી છે. મિશ્ર છૂટક વેચાણ ડેટા અને નબળા ગ્રાહક અને વ્યાવસાયિક વિશ્વાસના આંકડા આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યા હોવાનું આ ગ્રુપ માને છે. ટ્રમ્પની નવી ટૅરિફ નીતિઓની અસર સમજાવી સિટી ગ્રુપ જણાવે છે કે જો ટૅરિફ મજબૂત ડૉલરને ટેકો આપે તો વ્યાપક વૈશ્વિક અનિશ્ચિતતાઓ આવી અસરનો સામનો કરી શકે છે. જોકે એથી વિપરિત નબળા ડૉલરથી ઊભરતાં બજારો રોકાણકારોની સંપત્તિ પર વધુ આકર્ષક વળતર મેળવી ફાયદામાં રહે છે. આમ ફેડરલ રિઝર્વના રેટ કટનો નિર્ણય નહીં, પણ બીજી એપ્રિલથી અમલમાં આવનાર ટૅરિફ અને એની ડૉલર પરની અસર બજાર માટે નિર્ણાયક બની રહેશે અને યુએસ રેટ કટ કે નો કટનો નિર્ણય માટો ભાગે નૉન-ઇવેન્ટ બની રહેશે. આજે ગુરુવારે નિફ્ટી વિક્લી ઑપ્શન્સની એક્સપાયરી પણ છે એથી બજારમાં ચંચળતા વધી શકે છે. સેબીએ ડીજી લૉકર સુવિધાનો લાભ શૅરો, મ્યુચ્યુઅલ ફન્ડ હોલ્ડિંગ્સ ઇત્યાદિનો રેકૉર્ડ રાખવા રોકાણકારો લઈ શકે એ માટે મંજૂરી આપી છે. હાલમાં આધાર કાર્ડ જેવા ડૉક્યુમેન્ટ્સ આ રીતે ડીજી લૉકરમાં રાખી શકાય છે અને ફિઝિકલ જેટલી જ માન્યતા ડીજી લૉકરમાં રાખેલ શૅરો વગેરેને મળવાના કારણે દાવો નહીં કરાયેલ શૅરોનું પ્રમાણ ઘટવાની સંભાવના છે. તેજીની આગેકૂચમાં એનએસઈના 124 ઇન્ડેક્સોમાંથી 114 પ્લસમાં બંધ થયા હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ મંગળવારના 2.63 ટકાના વધારા ઉપરાંત બુધવારે વધુ 1.61 ટકા વધી 982 પૉઇન્ટ્સના ગેઇન સાથે 61,953.45 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ પણ મંગળવારના 2.29 ટકાના ગેઇન ઉપરાંત બુધવારે વધુ 1.88 ટકા, 209 પૉઇન્ટ્સ સુધરી 11,352 બંધ હતા. નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિ બૅન્ક નિફ્ટી 0.79 ટકા સુધરી 49,702 અને ફાઇનેન્શ્યલ સર્સિસિસ 0.71 ટકા વધી 24,140ના સ્તરે વિરમ્યા હતા. એનએસઈના ઇન્ડેક્સોમાં નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે 4.85 ટકા ઊછળી 6064, નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ મંગળવારના 3.68 ટકાના ગેઇન ઉપરાંત બુધવારે વધુ 4.02 ટકા સુધરી 3193, નિફ્ટી રિયલ્ટી 2.80 ટકા સુધરી 845, નિફ્ટી ઇન્ડિયા ટૂરિઝમ 2.19 ટકાના ફાયદા સાથે 8535ના સ્તરે બંધ રહ્યા હતા. જોકે મંગળવારના જબરદસ્ત ઉછાળા પછી બુધવારે 42 ઇન્ડેક્સો એકથી બે ટકા પ્લસ થઈ બંધ રહ્યા અને 49 ઇન્ડેક્સો બંધ સમયે 0થી 1 ટકાની રેન્જમાં સુધારો દર્શાવતા હોવાનો ટ્રેન્ડ સહજ ગણાય. માર્કેટ બ્રેડ્થ ઍડ્વાન્સિસની તરફેણમાં હતી. બુધવારની બાજી મિડ, સ્મૉલ, મલ્ટિકૅપ્સના હાથમાં હતી. નિફ્ટીના 50માંથી 31 શૅરો વધીને બંધ રહ્યા એની સામે નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 45 શૅરો અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 21 શૅરો સુધર્યા હોવાની બાબત આ વાતની સાક્ષી પૂરે છે. મૂડીબજારનું પ્રતિનિધિત્વ કરતા કૅપિટલ ઇન્ડેક્સના 15માંથી 14 શૅરો બુધવારે પણ પ્લસમાં હતા. આદિત્ય બિરલા સનલાઇફ એએમસી 6.36 ટકા વધી 633 રૂપિયા, બીએસઈ 5.82 ટકા ઊછળી 4388 રૂપિયા, કમ્પ્યુટર એજ મૅનેજમેન્ટ સર્વિસિસ (કેમ્સ) મંગળવારના 5. 69 ટકાના ઉછાળા ઉપરાંત બુધવારે વધુ 5.77 ટકા સુધરી 3810 રૂપિયાના સ્તરે બંધ થયા હતા.
ઇન્ડિયા ડિફેન્સના સોળેસોળ શૅર સોળે કળાએ
ADVERTISEMENT
નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સના તો સોળેસોળ શૅરો સુધરીને બંધ રહ્યા હતા. ઇન્ડેક્સ 4.85 ટકા વધી 6064 થયો હતો. ઘટક શૅર ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સમાં તો વીસ ટકાની ઉપલી સર્કિટ લાગતાં 273 રૂપિયા વધી 1641 રૂપિયા બંધ હતો. કંપનીને એનએસઈ અને બીએસઈએ સ્વતંત્ર ડિરેક્ટર્સની જાણકારી આપવાની શરતોનો ભંગ કર્યો એથી બીએસઈ ને એનએસઈ બન્નેએ 5.52 લાખ - 5.52 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની જાણ મંગળવારે બજાર બંધ થયા પછી કંપનીએ કરી હતી. આઇડિયા ફોર્જ ટેક્નૉલૉજી 13 ટકાના ઉછાળા સાથે 380 રૂપિયા થઈ ગયો હતો. માઝગાવ ડૉક 10 ટકા વધી 2628 રૂપિયા બંધ હતો. મંગળવારે સબમરીન માટેની ઍર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્ઝન (એઆઇપી) સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. આનો વપરાશ ભારતીય નૌસેનાની સ્કોર્પયન ક્લાસ સબમરીનોમાં થશે. કોચિન શિપયાર્ડ 8.87 ટકા અને મિશ્ર ધાતુ નિગમ 8.37 ટકા ઊછળી અનુક્રમે 1459 રૂપિયા અને 284 રૂપિયાના સ્તરે બંધ હતા. ભારત ડાયનેમિક્સ 6.41 ટકાના ગેઇને 1199 રૂપિયા અને પારસ ડિફેન્સ ઍન્ડ સ્પેસ ટેક્નૉલૉજી 6.20 ટકા વધી 960 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સના છ-સવાછ ટકાના પ્રમાણમાં સુધરનારા શૅરોમાં પ્રેસ્ટિજ એસ્ટેટ 1202 રૂપિયા, લોઢા 1179 રૂપિયા અને મહિન્દ્ર લાઇફસ્પેસ 330 રૂપિયાનો સમાવેશ થતો હતો.
મંગળવારનો સુધારો આગળ વધતાં નિફ્ટી 22,834ના પ્રીવિયસ બંધ સામે 22,874 ખૂલી ઘટીને 22,807નો લો રાખી વધીને 22,940 થઈ છેલ્લે 0.32 ટકા વધી 22,907 બંધ હતો. શ્રીરામ ફાઇનૅન્સ ચાર ટકા વધી 667 રૂપિયા બંધ હતો. એચડીએફસી લાઇફ પોણાત્રણ ટકા વધી 665 રૂપિયાના સ્તરે હતો. નિફ્ટીના અન્ય ગેઇનર્સમાં અપોલો હૉસ્પિટલ 2.93 ટકા સુધરી 6430 રૂપિયા અને તાતા સ્ટીલ અઢી ટકા સુધરી 158 રૂપિયાનો સમાવેશ થતો હતો. સ્ટીલ પર સેફગાર્ડ ડ્યુટી લાદવાની સરકારની દરખાસ્તની સાનુકૂળ અસર થઈ હતી. ટેક મહિન્દ્ર સવાબે ટકાના લોસે 1397 રૂપિયા બોલાતો હતો. આઇટીસી, ટીસીએસ અને ઇન્ફોસિસ સવાથી દોઢ ટકા ઘટી અનુક્રમે 403, 3505 અને 1589 રૂપિયા બંધ હતા.
માર્કેટ કૅપિટલાઇઝેશન પાંચ લાખ કરોડ વધ્યું
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 402.48 (397.28) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 405 (399.85) લાખ કરોડ રૂપિયા થતાં બુધવારે રોકાણકારોની સંપત્તિ પાંચ લાખ કરોડ રૂપિયા વધી હતી. એનએસઈના 2990 (3016) ટ્રેડેડ શૅરોમાંથી 568 (646) તથા બીએસઈના 4166 (4159) ટ્રેડેડ શૅરોમાંથી 1068 (1276) માઇનસમાં બંધ થયા એની સામે એનએસઈના 2345 (2288) અને બીએસઈના 2986 (2766) શૅરો વધીને બંધ રહ્યા હતા. એનએસઈ ખાતે 42 (30) અને બીએસઈમાં 81 (65) શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 89 (220) અને 154 (294) શૅરો બાવન વીક લો પર હતા. એનએસઈના 244 (153) શૅરો ઉપલી સર્કિટે અને 43 (121) શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
સમાચારોમાં આ શૅરો પણ....
હ્યુન્દાઇએ પહેલી એપ્રિલથી કારના ભાવ 3 ટકા વધાર્યાની જાહેરાતના પગલે શૅર સવાબે ટકા વધીને 1615 રૂપિયા બંધ હતો.
વોડાફોન આઇડિયા 5 ટકા વધી 7.46 રૂપિયા બંધ હતો. મુંબઈમાં 5G લૉન્ચ કર્યાની અને સરકાર એજીઆર વેવ કરવા પર વિચારણા કરતી ન હોવાના સમાચારોની મિશ્ર અસર હતી. ઇન્ડિગોનો સમાવેશ નિફ્ટી ફિફ્ટીમાં થવાની સંભાવના વ્યક્ત કરતાં નુવામા ઓલ્ટરનેટિવના અહેવાલના પગલે શૅરનો ભાવ સાડાત્રણ ટકા વધી 4975 રૂપિયા બંધ હતો.
FII-DIIના સામસામા રાહ
બુધવારે FIIની 1096 કરોડ રૂપિયાની નેટ વેચવાલી સામે DIIની નેટ 2140 કરોડ રૂપિયાની લેવાલી રહેતાં કૅશ સેગમેન્ટમાં એકંદરે 1044 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.
અહો આશ્ચર્યમ્
એનએસઈ ખાતે કુલ પાંચ ઇન્ડેક્સો પર એફઍન્ડઓના સોદા થઈ શકે છે. આ પાંચેય ઇન્ડેક્સોનું પ્રતિનિધિત્વ કરતા 130 શૅરો પર વાયદો થાય છે. એમાંથી માત્ર બે જ શૅરોમાં બુધવારે 5થી 6 ટકાનો સુધારો જોવાયો હતો. એની સામે વાયદામાં હોય પણ આ પાંચ ઇન્ડેક્સમાં ન હોય એવા 101 શૅરોમાંથી 13 શૅરો 5થી 7 ટકાના પ્રમાણમાં બુધવારે વધ્યા હતા.

