Stock Market Crash: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ટેરિફ નિતિઓથી શૅરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ભારતીય સેન્સેક્સ 1420 પોઈન્ટ અને નિફ્ટી 420 પોઈન્ટ તૂટ્યા, જેના કારણે રોકાણકારોને 7.46 લાખ કરોડનું નુકસાન થયું.
પ્રતીકાત્મક તસવીર
શૅર બજારમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની નાણાકીય નીતિઓના કારણે વૈશ્વિક શૅર બજારોમાં મંદી આવી છે. ટ્રમ્પે ચીનથી આયાત થતાં ઉત્પાદનો પર 10% વધુ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ભારત સહિત અન્ય દેશોના શૅર બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ભારતીય શૅર બજાર પર અસર
શુક્રવારે (28 ફેબ્રુઆરી) ભારતના સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. શરૂઆતમાં જ સેન્સેક્સ 1420 પોઈન્ટ તૂટીને 73,198 સુધી પહોંચ્યું હતું, જ્યારે નિફ્ટી 420 પોઈન્ટ ઘટીને 22,124 સુધી આવી ગયું હતું. આ ઘટાડાને કારણે રોકાણકારોને 7.46 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
ADVERTISEMENT
કયા સ્ટૉકમાં મોટો ઘટાડો થયો?
સેન્સેક્સના ટોપ લુઝર્સમાં ઈન્ડસઇન્ડ બૅન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, HCL ટેક, ઈન્ફૉસિસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બૅન્કના શૅર સેન્સેક્સના લીલા નિશાનમાં રહ્યા. એક્સિસ બૅન્કમાં પણ વધારો જોવા મળ્યો. આ ત્રણ સિવાય, સેન્સેક્સના ટોચના 30 શૅરોના લાલ નિશાનમાં રહ્યા.
વિશ્વભરના બજારોમાં ઘટાડો
સિયોલ, ટોક્યો, શાંઘાઈ અને હૉન્કૉન્ગ સહિત એશિયાની બજારોમાં પણ મંદી જોવા મળી. અમેરિકાની શૅર બજાર પણ મોટા ઘટાડા સાથે બંધ થઈ. આનું કારણ ટ્રમ્પનું `ટ્રેડ વૉર` છે. ટ્રમ્પની આ નીતિને કારણે વિશ્વભરમાં મોંઘવારી વધવાની આશંકા છે.
ટ્રમ્પના ટેરિફ નિર્ણયથી બજાર પર અસર
ચીન પર 10% વધારાની ડ્યુટી લાદવાની જાહેરાતે આ વાતની પુષ્ટિ કરે છે કે ટ્રમ્પ તેમના કાર્યકાળની શરૂઆતમાં જ વિવિધ દેશોને ટેરિફથી ડરાવવા અને અમેરિકાના હિતમાં કામ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. હવે જોવાનું છે કે ચીન આ મુદ્દે કેવી પ્રતિક્રિયા આપે છે. અમેરિકાની શૅરબજારમાં ભારે વેચાણ થવાના કારણે, શુક્રવારે એશિયાઈ બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. Nvidia કંપનીના નબળા પરિણામો, અમેરિકાના ટેરિફ નિયમો અને અલગ-અલગ આર્થિક આંકડાઓને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા જોવા મળી.
શું બજાર વધુ ઘટી શકે છે?
વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે શૅરબજારમાં અસ્થિરતા રહી શકે છે. જો ચીન આનો કડક જવાબ આપશે, તો બજારમાં વધુ દબાણ જોવા મળી શકે છે. જોકે, ભારતીય અર્થતંત્રનો લૉન્ગ-ટર્મ ગ્રોથ મજબૂત છે અને વૈશ્વિક પરિસ્થિતિઓ સામાન્ય થતાં બજાર સુધરવાની શક્યતા છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (Foreign Institutional Investor) ગુરુવારે રૂ. 556.56 કરોડના શૅર વેચ્યા હતા. આ દરમિયાન, વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.47% ઘટીને ડૉલર 73.69 પ્રતિ બૅરલ થયો. ગુરુવારે, સેન્સેક્સ ૧૦.૩૧ પોઈન્ટ (૦.૦૧%) વધીને ૭૪,૬૧૨.૪૩ પર બંધ થયું હતું. ત્યારે જ, સતત સાતમા દિવસના ઘટાડા પર નિફ્ટી 2.50 પોઈન્ટ (0.01%) ઘટીને 22,545.05 પર બંધ થયું.

