હાલ બજારમાં વૅલ્યુએશન બાબતે કન્ફ્યુઝન ચાલે છે, હજી ઊંચાં છે કે હવે નીચાં છે? આ સ્તરે અનિશ્ચિતતાના સંજોગોમાં લાંબા ગાળાના અને નવા રોકાણકારોને ભય હોવો જોઈએ?
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પસાહેબના ટૅરિફના કડાકા-ધડાકા વચ્ચે શૅરબજાર વૉલેટાઇલ ભલે રહ્યું, પરંતુ એની કરેક્શનની ગતિ એકંદરે ધીમી પડી કહી શકાય. હાલ બજારમાં વૅલ્યુએશન બાબતે કન્ફ્યુઝન ચાલે છે, હજી ઊંચાં છે કે હવે નીચાં છે? આ સ્તરે અનિશ્ચિતતાના સંજોગોમાં લાંબા ગાળાના અને નવા રોકાણકારોને ભય હોવો જોઈએ? ચાલો સમજવાનો પ્રયાસ કરીએ
ટ્રમ્પસાહેબના પ્રતાપે વિશ્વમાં ટ્રેડ ટૅરિફ યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે અને ગ્લોબલ સ્તરે તનાવ વધી રહ્યો છે. મોટા ભાગનાં અર્થતંત્રોનાં બ્લડ-પ્રેશર પણ વધી રહ્યાં છે. આવામાં શૅરબજાર ક્યાંથી સ્થિર રહી શકે? સેન્ટિમેન્ટ કઈ રીતે બુલિશ રહી શકે? કયા ઉત્સાહથી રોકાણકારો ખરીદી માટે આગળ આવે કે સક્રિય બને? જ્યારે બજાર રોજેરોજ ઘટતું જતું હોય ત્યારે કઈ રીતે લોકો ખરીદીનો વિચાર કરે? આવા અનેક સવાલો થવા સહજ છે, જેના જવાબો સહજ નથી, કારણ કે સવાલો લૉજિકલ છે અને જવાબો લૉજિકની બહારના હોઈ શકે છે. ખૈર, આ સંજોગોમાં પણ માર્કેટને સમજવાની ખાસ કોશિશ કરવા જેવી છે.
ADVERTISEMENT
ચકડોળમાં તમને વધુ ડર ક્યારે લાગે?
સુવિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર અને મિત્ર ગૌરવ મશરુવાલાએ શૅરબજારના સંદર્ભમાં કહેલી એક વાત કાયમ યાદ રાખવા જેવી છે. તેમના કહેવા મુજબ ચકડોળ (મેરી ગો રાઉન્ડ)માં બેસતી વખતે આપણને વધુ ડર ક્યારે લાગે? જ્યારે આપણે ચકડોળમાં બેઠા હોઈએ એ બેઠક એકદમ ઉપર જાય કે હોય ત્યારે, જ્યારે આપણી બેઠક નીચે આવે કે હોય ત્યારે નહીં, અને ચકડોળ બહુ ઝડપથી ફરતી હોય ત્યારે પણ ભય લાગે. આ જ વાતને શૅરબજારના સંદર્ભમાં જોઈએ તો જ્યારે બજાર નીચે હોય (મંદીમાં હોય-નોંધપાત્ર ઘટી ગયું હોય) ત્યારે રોકાણકારોને ભય ઓછો લાગવો જોઈએ, કેમ કે ભાવ નીચા છે. તેમને ભાવો બહુ ઊંચા હોય ત્યારે ભય લાગવો જોઈએ, કેમ કે આ ભાવોએ ખરીદવામાં તેમનું જોખમ પણ ઊંચું રહી શકે. જોકે બને છે એવું કે લોકો ઊંચા બજારમાં એટલે કે તેજીમાં ખરીદવા દોટ મૂકે છે, જ્યારે નીચા બજારે એટલે કે મંદીમાં વેચવા દોડે છે. આ બન્ને બાબતોનું પ્રમાણભાન ભાગ્યે જ રહે છે. અલબત્ત, આ સાથે ચકડોળ બહુ ઝડપી ફરે એટલે કે માર્કેટ વૉલેટાઇલ રહે ત્યારે પણ ભય તો લાગે જ, પણ એ સમયે આંખ બંધ કરી (સ્થિર રહી) બેઠા રહીએ તો વાંધો આવે નહીં.
માર્કેટમાં નીચા સ્તરે ડર હોવો જોઈએ?
હવે આ જ વાત પરથી આપણે વર્તમાન બજારની સ્થિતિ પર નજર કરીએ તો બજાર નોંધપાત્ર નીચે ઊતરી ગયું છે ત્યારે લોકો બજારથી દૂર થવા લાગ્યા છે, સ્વાભાવિક છે કે તેમને વધુ ઘટવાનો ભય હોય, પરંતુ એક ચોક્કસ તબક્કે ઘટવાની શક્યતા પણ ઘટતી જાય છે, જેમ ચોક્કસ તબક્કે વધવાની સંભાવના ઓછી થતી જાય છે. જોકે મોટા ભાગના રોકાણકારોને એ ખરા સમયે સમજાતું હોતું નથી, કારણ કે તેજીમાં તેઓ તણાઈ જાય છે, જેમ કે સેન્સેક્સ ૭૦,૦૦૦ હજાર પાર કરી ગયો ત્યારે સેન્સેક્સ ૯૦,૦૦૦ અને એક લાખ થવાની અને નિફ્ટી ૩૦,૦૦૦ થવાની વાતો-આગાહી-ધારણા મુકાવા લાગી હતી જે આશાવાદનો સાઇકોલૉજિલ ટ્રેન્ડ ગણાય. અત્યારે સેન્સેક્સ અને નિફ્ટીના સતત કરેક્શન જોઈને બૉટમ ક્યાં બનશે એવી ચર્ચા-ધારણા મુકાઈ રહી છે. જોકે અંદાજ લગાવવો મુશ્કેલ છે, કારણ કે ગ્લોબલ સ્તરે અનિશ્ચિતતા છે.
જે હજી પ્રવેશ્યા જ નથી તેમને શેનો ડર?
માની લઈએ કે જેઓ આ માર્કેટમાં લાંબા સમયથી અથવા છેલ્લાં પાંચેક વર્ષથી ખાસ કરીને કોવિડના સમયથી પ્રવેશ્યા અને સક્રિય થયા છે તેમણે માર્કેટની નવી રેકૉર્ડ ઊંચાઈ જોઈ લીધી, સડસડાટ ઊંચે જતા ભાવો જોયા, કમાણી પણ કરી હશે. જેઓ હવે બહુ ઝડપથી લૉસમાં આવી ગયા છે અથવા તેમના પોર્ટફોલિયોમાં કડાકા બોલાઈ ગયા છે તેઓ હાલ ઍવરેજ કરવામાં પણ ભય પામે છે, પરંતુ કમસે કમ જે રોકાણકારો હજી માર્કેટમાં પ્રવેશ્યા જ નથી તેમના માટે તો બજારમાં પ્રવેશવાનો આ ઉત્તમ સમય ન ગણાય? કારણ કે તેઓ ભારે તૂટી ગયેલા ભાવે શૅરો ખરીદવાની તક મેળવી રહ્યા છે, પણ કમનસીબે આવા સમયમાં ખરી સમજ ગુમ થઈ જાય છે અને ભય વધુ ઘર કરી જાય છે.
ડીમૅટ અકાઉન્ટ્સ વધવાં જોઈએ
મજાની વાત એ છે કે અત્યારના અનિશ્ચિતતા તેમ જ કરેક્શનવાળા બજારમાં પણ ફેબ્રુઆરીમાં બાવીસ લાખ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં છે. જોકે એ છેલ્લા ૨૧ મહિનામાં જે ઝડપે અકાઉન્ટ્સ ખૂલ્યાં એની તુલનાએ ઓછાં છે. જાન્યુઆરીમાં ૨૮ લાખ નવા ડીમૅટ અકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. આ ઘટાડાનું કારણ પણ માર્કેટના બૂરા હાલ છે. વૉલ્યુમ પણ ઘટ્યું છે અને ઉત્સાહ પણ. આ બાબત એ દર્શાવે છે કે નવા રોકાણકારોનો પ્રવાહ ઘટ્યો છે, જ્યારે કે આ સંજોગોમાં એ વધવો જોઈએ, કેમ કે ખરેખર તો નવા લોકો માટે માર્કેટ-પ્રવેશનો આ રાઇટ ટાઇમ કહેવાય.
સ્ટૉક પિકર્સ માર્કેટ
વર્તમાન સમયમાં જ્યારે મહત્તમ સ્તરે અનિશ્ચિતતા વ્યક્ત થઈ રહી છે ત્યારે ગ્લોબલ નાણાસંસ્થા મૉર્ગન સ્ટૅનલીના ભારતના ચીફ રિધમ દેસાઈ આ બજારને સ્ટૉક પિકર્સ માર્કેટ માને છે અને કહે છે કે આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ભાગમાં માર્કેટ રિવાઇવ થશે, સંભવિત પૉઝિટિવ ફન્ડામેન્ટલ્સ હજી સ્ટૉક્સના ભાવોમાં પ્રતિબિંબિત થયા નથી, જે આગામી સમયમાં રિકવરીનો સંકેત આપે છે. દેસાઈના મતે હાલ ભારતીય સ્ટૉક્સનાં વૅલ્યુએશન અતિ આકર્ષક છે. મૉર્ગન સ્ટૅનલી ભારતીય કંપનીઓનાં અર્નિગ્સ બાબતે આશાવાદી છે. અત્યારના અનિશ્ચિતતાના માહોલમાં ભારતનું બજાર આદર્શ છે.
ચીનનો લાભ ભારતને
તાજતેરમાં બિયૉન્ડ ચાઇના ફન્ડ લૉન્ચ કરનાર કંપનીએ એવું જાહેર કર્યું છે કે આ ફન્ડ ચાઇનાના પગલાંથી જેમને લાભ થવાની શક્યતા છે એવા દેશોમાં રોકાણ કરશે. એમાં ભારતનો સમાવેશ થાય છે, કારણ કે ભારતને આ લાભ થવાનો છે. આ એક ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણ માટેનું ફન્ડ છે. જોકે આ ફન્ડનું હાલ ભારતમાં કંઈ રોકાણ નથી, પરંતુ હવે પછી રોકાણ માટે ભારત પણ એક મુખ્ય માર્કેટ હશે.
મ્યુચ્યુઅલ ફન્ડ્સનો પ્રવાહ શું સૂચવે છે?
શૅરબજારની અસર મ્યુચ્યુઅલ ફન્ડ્સ પર થયા વિના રહે નહીં એટલે આ ફેબ્રુઆરીમાં ઇક્વિટી સ્કીમ્સમાં નાણાપ્રવાહ ઘટ્યો છે. સેન્સેક્સ ૫.૫૫ ટકા અને નિફ્ટી ૫.૮૯ ટકા ઘટ્યો હોય ત્યારે ફન્ડ્સનો રોકાણપ્રવાહ ન ઘટે તો જ નવાઈ. એમ છતાં એ પૉઝિટિવ રહ્યો હોવાની બાબત મહત્ત્વની ગણી શકાય. અર્થાત્, લોકોનો લાંબા ગાળાનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. જોકે સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો રોકાણપ્રવાહ પણ નીચે ગયો છે. ખાસ કરીને રોકાણકારો સ્મૉલ કૅપના કડાકા અને ઊંચા જોખમને લીધે આ ફન્ડ્સ પ્રત્યે વધુ સાવચેત બન્યા છે, પરંતુ લાર્જ કૅપ ફન્ડ્સમાં મોટો ઘટાડો થયો નથી જે સારા-ફન્ડામેન્ટલી મજબૂત સ્ટૉક્સમાં રહેલા વિશ્વાસની સાક્ષી પૂરે છે.
વર્તમાન ટ્રેન્ડ અને સંકેતમાંથી સમજો
વીતેલા સપ્તાહમાં સોમવારે ફરી બજારે કરેક્શન તરફનો રાહ લીધો હતો. જોકે કરેક્શન હેવી નહોતું, જે દર્શાવતું હતું કે આક્રમક વેચવાલી અટકી છે. બજાર ક્યાંક સ્થિરતા શોધી રહ્યું છે, પરંતુ ગ્લોબલ સંજોગોનો સહયોગ મળી રહ્યો નથી. મંગળવારે કરેક્શન પુનઃ આગળ વધ્યું, પરંતુ પાછું પણ ફરી ગયું. સેન્સેક્સ નજીવો માઇનસ રહ્યો અને નિફ્ટી સાધારણ પ્લસ રહ્યો. બુધવારે પણ માર્કેટ સામાન્ય માઇનસ બંધ રહ્યું. ગુરુવારે બજાર વધઘટ કરતું આખરે સેન્સેક્સ ૨૦૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો. આમ એકંદરે બજાર સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું કહી શકાય, કેમ કે તેણે ભારે કડાકા અટકાવી દીધા છે, જ્યારે કે ટ્રમ્પસાહેબના કડાકા-ભડાકા ચાલુ છે; પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે ટ્રમ્પસાહેબનું પરિબળ વહેલું-મોડું ડિસ્કાઉન્ટ થશે. દરમ્યાન અર્થતંત્ર માટે એક સારા અહેવાલ એ હતા કે રીટેલ ઇન્ફ્લેશન રેટ આ ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૬૧ ટકા રહ્યો હતો. આને પગલે વ્યાજદરમાં એપ્રિલમાં એક કટ આવે એવી શક્યતા નિર્માણ પામી છે જે ઇકૉનૉમીને વેગ આપવામાં સહાયક બનશે.
હવે જંગી મૂડીધોવાણ બાદ આ નીચા બજારમાં ખરીદીનો ડર કોને હોવો જોઈએ? કેવો હોવો જોઈએ અને કોને ન હોવો જોઈએ એ દરેક વ્યક્તિગત ઇન્વેસ્ટરે વિચારવાનો મુદો છે. આ માટે તેમણે સ્ટૉક્સના ભાવોની વધઘટનો બેઝિક અભ્યાસ કરી આ ભાવ કેટલા લેવલ સુધી નીચે ગયા છે અને એ કંપનીઓમાં કેવાં ફન્ડામેન્ટલ્સ છે એ જોઈ જવાં જોઈએ, જેમાંથી તેમને સાચી દિશા અને સંકેત મળી શકે. આ સમયમાં કરેલા અભ્યાસનાં ઉત્તમ ફળ સારા વળતરરૂપે મળી શકે છે.
અબજોપતિનું પણ મૂડીધોવાણ
આ વખતના શૅરબજારના જબ્બર મૂડીધોવાણમાં જે અબજોપતિઓની નેટવર્થમાં પણ મોટું ધોવાણ થયું છે તેવા બિલિયનર્સમાં જેમનાં નામો છે એ જાણવાં રસપ્રદ રહેશે. આ નામોમાં ગૌતમ અદાણી, દિલીપ સંઘવી (સન ફાર્મા), પંકજ પટેલ (કેડિલા), મંગલ પ્રભાત લોઢા, શાપુરજી મિસ્ત્રી ઍન્ડ ફૅમિલી, રાધાક્રિષ્ન દામાણી, કે. પી. સિંહ, શિવ નાદાર, સાવિત્રી જિંદલ, રવિ જયપુરિયાનો સમાવેશ થાય છે.

