Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર સતત ત્રીજા દિવસે ૬૫,૦૦૦ ઉપર ખૂલ્યા પછી ત્યાંથી ઘટાડે બંધ, રિયલ્ટી અને હેલ્થકૅર લાઇમલાઇટમાં

શૅરબજાર સતત ત્રીજા દિવસે ૬૫,૦૦૦ ઉપર ખૂલ્યા પછી ત્યાંથી ઘટાડે બંધ, રિયલ્ટી અને હેલ્થકૅર લાઇમલાઇટમાં

10 November, 2023 06:28 PM IST | Mumbai
Anil Patel

એમસીએક્સ નફામાંથી ખોટમાં સરી પડતાં ૧૪૫ રૂપિયા ગગડી, પતંજલિ બમણા નફામાં નવી ટોચે જઈ માઇનસ થયો ઃ બાયોકૉન સાથેની ડીલમાં એરિસ લાઇફ મજબૂત, લુપિન તગડા નફામાં નવી ટૉપ બનાવી ઢીલો પડ્યો, વેલસ્પન ગ્રુપના તમામ શૅર વધ્યા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


મોટા ભાગના અગ્રણી એશિયન શૅરબજાર ગુરુવારે પૉઝિટિવ રહ્યાં છે. જૅપનીઝ નિક્કી દોઢ ટકો તથા ઇન્ડોનેશિયા અડધો ટકો પ્લસ હતું. ચાઇના, સિંગાપોર, તાઇવાન અને સાઉથ કોરિયા નહીંવતથી સામાન્ય સુધર્યાં છે. થાઇલૅન્ડ અડધા ટકા જેવું તથા હૉન્ગકૉન્ગ સાધારણ નરમ હતું. યુરોપ રનિંગમાં મામૂલી વધઘટે મિશ્ર જણાયું છે. બ્રેન્ટ ક્રૂડ ત્રણ માસની બૉટમે ગયા પછી બેરલદીઠ ૮૦ ડૉલરે ટકેલું હતું. પાકિસ્તાની શૅરબજાર રજામાં હતું.


ઘરઆંગણે સેન્સેક્સ સતત ત્રીજા દિવસે ૬૫,૦૦૦ ઉપર ખૂલી ત્યાં બંધ રહેવામાં નિષ્ફળ નીવડ્યો છે. શૅરઆંક આગલા બંધથી ૫૦ પૉઇન્ટના મામૂલી સુધારા સાથે ૬૫,૦૨૫ ખૂલી અંતે ૧૪૩ પૉઇન્ટ ઘટી ૬૪,૮૩૨ તથા નિફ્ટી ૪૮ પૉઇન્ટની કમજોરીમાં ૧૯,૩૯૫ બંધ આવ્યો છે. બજારમાં પ્રથમ સત્ર દરમ્યાન બહુધા અતિ સાંકડી રેન્જ સાથે મિશ્ર વલણમાં રહેલું બજાર બીજા સત્રમાં ક્રમશઃ ઘસાતું ગયું હતું. સેન્સેક્સ ૬૫,૦૪૬ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૬૪,૭૬૯ થયો હતો. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ નેગેટિવ થયાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૫ વર્ષની નવી ટોચે જઈને સવા ટકા તો હેલ્થકૅર બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટી બનાવી અડધો ટકો વધ્યા છે. ઑટો ઇન્ડેક્સ ૩૫૦ પૉઇન્ટ કે એક ટકા પ્લસ થયો છે. સામે નિફ્ટી એફએમસીજી, આઇટી ટેક્નૉલૉજીસ, ઑઇલ-ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ઇન્ડાઇસિસ અડધાથી ૦.૯ ટકો ડાઉન હતા. માર્કેટ બ્રેડ્થ નબળી પડી છે. એનએસઈ ખાતે વધેલા ૮૨૧ શૅરની સામે ૧૨૭૯ જાતો ઘટી છે.



હાઇપના જોરમાં હાઈ પ્રોફાઇલ બની ગયેલી મામા અર્થ ફેમ હોનાસા કન્ઝ્યુમર ૨૯૮ના નવા તળિયે જઈ સવાછ ટકા ગગડી ૩૦૨ બંધ થઈ છે. ઇશ્યુ પ્રાઇસ ૩૨૪ની હતી. મિશ ડિઝાઇન્સ એક વધુ નીચલી સર્કિટે પાંચ ટકા તૂટીને ૧૩૭ રહી છે. આગલા દિવસે ૧૦૦ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૦ બંધ રહેલી સર ટેલિવેન્ચર પણ ૫ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૫ નીચે બંધ આવી છે. સેલો વર્લ્ડ ૧.૮ ટકા બગડીને ૭૮૫ હતી.


મહિન્દ્ર પરિણામ પૂર્વે ચાર ટકા ઊછળ્યો, અપોલો હૉસ્પિટલ ૧૮૭ રૂપિયા મજબૂત

સેન્સેક્સના ૩૦માંથી ૧૩ અને નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર વધ્યા છે. મહિન્દ્ર પરિણામ પૂર્વે ચાર ટકાની તેજીમાં ૧૫૪૮ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો, એના કારણે સેન્સેક્સને સર્વાધિક ૫૧ પૉઇન્ટનો લાભ થયો છે. પાવર ગ્રીડ સારાં રિઝલ્ટ પાછળ ૨૧૧ની ટોચે જઈ દોઢ ટકા વધી ૨૧૦ રહી છે. ઇન્ડસઇન્ડ બૅન્ક નવી વિક્રમી સપાટી બનાવી ૧.૩ ટકો વધી ૧૫૦૮ હતી. તાતા મોટર્સ ૧.૧ ટકા, લાર્સન એક ટકા, મારુતિ પોણો ટકા અપ હતા.  


રિલાયન્સ એક ટકો ઘટી ૨૩૧૧ના બંધમાં બજારને ૭૮ પૉઇન્ટ નડ્યો છે. હિન્દુ. યુનિલીવર દોઢ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકા, ઇન્ફોસિસ એક ટકો, બજાજ ફાઇ. એક ટકા નજીક, ટીસીએસ ૦.૯ ટકા, ટાઇટન અને અલ્ટ્રાટેક પોણા ટકાથી વધુ તો જેએસડબ્લ્યુ સ્ટીલ, આઇટીસી તથા એશિયન પેઇન્ટ્સ અડધા ટકો ઘટ્યા છે. અદાણી એન્ટરપ્રાઇસિસ બે ટકા બગડી ૨૨૧૫ નીચેના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી પોર્ટ્સનો નેટ નફો ૪ ટકા વધી ૧૭૪૮ કરોડ આવતાં શૅર ૮૨૮ની ઇન્ટ્રા-ડે હાઈથી ખરડાઈ ૭૯૮ થઈ દોઢ ટકા ઘટીને ૮૦૬ હતો. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી ટ્રાન્સ એક ટકો, અદાણી ગ્રીન એક ટકા નજીક, અદાણી ટોટલ દોઢ ટકો, અદાણી વિલ્મર ૩૦૦ના ઑલટાઇમ તળિયે જઈ ૧.૯ ટકા ગગડી ૩૦૦ની ઉપર, એસીસી અને અંબુજા સિમેન્ટ અડધા ટકા આસપાસ તો એનડીટીવી ૧.૪ ટકા માઇનસ થયા છે. એક માત્ર અદાણી પાવર બે ટકા વધી ૪૦૧ બંધ હતો. નિફ્ટી ખાતે અન્ય જાતોમાં તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દોઢ ટકો,

ઓએનજીસી ૧.૪ ટકા, યુપીએલ એક ટકો, હિન્દાલ્કો પોણો ટકો ડાઉન હતી.

અશોક લેલૅન્ડ દ્વારા ૧૮૨ ટકાના વધારામાં ૫૬૧ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર જોકે પરિણામ બાદ પોણાબે ટકા બગડી ૧૭૦ બંધ આવ્યો છે. રોકડામાં જયસિન્થ ડાયસ્ટફ ૨૦ ટકાની બીજી ઉપલી સર્કિટમાં ૧૨૩ની ટોચે જઈ ૧૬.૮ ટકા ઊછળી ૧૨૦ બંધ હતો. કેપીઆઇ ગ્રીન દસ ટકાની તેજીની સર્કિટમાં ૯૬૧ના બેસ્ટ લેવલે જઈ ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. એમટાર ટેક્નૉ દ્વારા નબળાં રિઝલ્ટ સાથે ગાઇડન્સિસ ડાઉન વર્ડ કરવામાં આવતાં ભાવ ૧૫ ગણા વૉલ્યુમે ૨૮૬ રૂપિયા કે ૧૧.૨ ટકા લથડી ૨૨૬૨ હતો. રાઇસ કંપની કેઆરબીએલ રિઝલ્ટ પાછળ પોણાનવ ટકા ગગડી છે.

ઇન્ડસઇન્ડ બૅન્કમાં નવાં શિખર જારી, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સમાં ખરાબી

ધનતેરસની પૂર્વસંધ્યાએ જ્વેલરી શૅરો બહુધા ઝંખવાયા છે. કલ્યાણ જ્વેલર્સ ૩૫૯ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી અંતે ૩.૪ ટકા ગગડી ૩૩૬ રહ્યો છે. ગોલ્ડિયમ ઇન્ટર દોઢ ટકા વધી ૧૩૩ હતો. થંગમયિલ ૧.૬ ટકા વધી ૧૩૪૯, ટીબીઝેડ અડધો ટકો ઘટીને ૧૨૯, પીસી જ્વેલર્સ દોઢ ટકા ઘટીને ૩૦, રેનેસા ગ્લોબલ અડધો ટકો ઘટી ૧૧૨, રાધિકા જ્વેલ્સ દોઢ ટકા ઘટી ૪૮, સ્કાય ગોલ્ડ ૪.૪ ટકા ગગડી ૭૧૮, ખજાનચી જ્વેલર્સ સવા ટકો ઘટી ૨૯૩, ઝોડિયાક જેઆરડી પાંચ ટકા તૂટીને ૪૯ બંધ હતા. રાજેશ એક્સપોર્ટ્સ સવા ટકો ઘટી ૪૩૦ થયો છે. એશિયન સ્ટાર ૧.૯ ટકા, નર્બદા જેમ્સ ૨.૨ ટકા, સાગર ડાયમંડ ત્રણ ટકા નરમ હતા.

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારામાં ૨૫ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી આઠ શૅરના ઘટાડે સહેજ ઘટ્યોહતો. બૅન્કિંગના ૩૮માંથી ૧૫ શૅર પ્લસ થયા છે. એયુ બૅન્ક અઢી ટકાની મજબૂતીમાં ૬૯૨ હતી. યસ બૅન્ક વધુ ૨.૩ ટકા આગળ વધી છે. ઇન્ડસઇન્ડ ૧૫૧૬ની વિક્રમી સપાટી બનાવી આગળ વધી છે. ઇન્ડસઇન્ડ ૧૫૧૬ની વિક્રમી સપાટી બનાવી સવા ટકો વધીને ૧૫૦૮ હતી. સીટી યુનિયન બૅન્ક ૩.૪ ટકા, કર્ણાટકા બૅન્ક ૧.૮ ટકા, સૂર્યોદય બૅન્ક ૧.૮ ટકા અપ હતા. સામે તામિલનાડુ બૅન્ક, જેકે બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાથી અઢી ટકા માઇનસ થઈ છે.

ન્યુલૅન્ડ લૅબ નવ માસમાં ૧૩૨૩થી ઊંચકાઈને ૫૩૦૧ની વિક્રમી સપાટીએ

હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૮,૮૫૨ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૫૫ પૉઇન્ટ કે અડધો ટકો વધી ૨૮,૮૦૧ બંધ થયો છે. અત્રે ૯૫માંથી ૫૩ શૅર પ્લસ હતા. બાયોકૉને એની સબસિડિયરીનો ટર્મેટોલૉજી અને નેક્રોલૉજી સેગમેન્ટના બ્રૅન્ડેડ ફોર્મ્યુલેશન્સનો બિઝનેસ એરિસ લાઇફ સાયન્સને વેચવાનો કરાર કર્યો છે. ડીલની વૅલ્યુ ૩૬૬ કરોડ જેવી છે. આના પગલે એરિસ લાઇફ નવ ગણા વૉલ્યુમે ૯૭૧ની ટોચે જઈ ૧.૮ ટકા ઊંચકાઈ ૯૧૩ થયો છે. બાયોકૉન ૨૨૭ ઉપર ફ્લૅટ હતો. લુપિને ૨૭૭ ટકાના વૃદ્ધિદરથી ૪૯૦ કરોડનો ત્રિમાસિક નેટ નફો હાંસલ કરતાં શૅર ૧૨૩૮ની ટોચે જઈ અડધો ટકો ઘટી ૧૨૦૪ હતો. દિશમાન કાર્બોજેન સારાં પરિણામ પાછળ ૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૬૭ થઈ આઠ ટકા વધી ૧૬૫ હતો. ન્યુલૅન્ડ લૅબ રિઝલ્ટનું જોર જાળવી રાખતાં ૫૩૦૧ની સર્વોચ્ચ સપાટી બતાવી ૩૫૪ રૂપિયા કે ૭.૨ ટકાની મજબૂતીમાં ૫૨૯૩ થયો છે. ચારેક દિવસ પૂર્વે, ૩ નવેમ્બરે ભાવ ૩૮૮૦ આસપાસ હતો. જ્યારે આ વર્ષે ૨ ફેબ્રુઆરીએ અત્રે ૧૩૨૩ની વર્ષની બૉટમ બની હતી. અરબિંદ ફાર્મા, અલ્કેમ, ઇન્ડોકો રેમેડીઝ, ઇપ્કા લૅબ, જેબી કેમિકલ્સ, ક્લીચ ડ્રગ્સ, ડૉ. લાલ પેથલૅબ્સ, સનોફી, વિનય રેમેડીઝ, સિગાચી ઇન્ડસ્ટ્રીઝ, અલ્પા લૅબ જેવા ડઝનથી વધુ અન્ય હેલ્થકૅર ફાર્મા શૅર દિવસ દરમ્યાન ઐતિહાસિક ઊંચી સપાટીએ ગયા હતા. સ્પાર્ક ૮.૪ ટકાની તેજીમાં ૨૫૭ વટાવી ગયો છે.

રિયલ્ટી ઇન્ડેક્સ ૫૨૮૩ની દોઢ ટકાની નવી ટોચે જઈ સવા ટકો વધી ૫૨૩૬ હતો. શોભા ૮૫૪ની ટૉપ બતાવી ૫ ટકા વધી ૮૨૯, પ્રેસ્ટિજ એસ્ટેટ ૮૭૭ના શિખરે જઈ ૪.૨ ટકા વધી ૮૬૮, ડીએલએફ ૬૦૬ની મલ્ટિયર ટૉપ બનાવી પોણો ટકો વધી ૬૦૨, ફિનિક્સ મિલ્સ ૨૧૨૩ના શિખર બાદ એક ટકો ઘટી ૨૦૬૮, બ્રિગેડ એન્ટર ૭૫૦ના બેસ્ટ લેવલે જઈ એક ટકો વધી ૭૦૦, ઑબેરૉય રિયલ્ટી ૧૨૬૫ની ટૉપ હાંસલ કરી ત્રણ ટકા વધી ૧૨૫૭ બંધ હતો. ગોદરેજ પ્રૉપર્ટી ૨.૩ ટકા વધ્યો છે.

વેલસ્પન કૉર્પ ૧૫ વર્ષના શિખરે, ભેલ જંગી ખોટ છતાં પ્લસમાં બંધ

પતંજલિ ફૂડ્સની ત્રિમાસિક આવક ૮ ટકા ઘટી ૭૮૨૨ કરોડ થઈ છે, પરંતુ નફો ૧૧૨ કરોડથી બેવડાઈ ૨૫૫ કરોડ નોંધાયો છે. નફો વધવાનું મુખ્ય કારણ રો-મટીરિયલ કૉસ્ટમાં થયેલો ૨૩ ટકાનો ઘટાડો છે. સાદી ભાષામાં કહીએ તો કાચા માલની પડતર ઘટવા છતાં કંપનીએ એનો કોઈ લાભ ગ્રાહકોને આપ્યો નથી. શૅર ગઈ કાલે ૧૪૭૯ની વિક્રમી સપાટી બતાવી એક ટકો ઘટીને ૧૪૩૯ બંધ રહ્યો છે. એમસીએક્સની આવક ૩૦ ટકા વધી છે, પણ કંપની ૬૩ કરોડના નફામાંથી ૧૯૬૦ લાખની નેટ લોસમાં સરી પડી છે. શૅર ૨૬૪૫ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૪૬૧ થઈ ૫.૬ ટકા તૂટી ૨૪૭૭ થયો છે. તાતા પાવરનો ત્રિમાસિક નફો ૯ ટકા વધી ૧૦૧૭ કરોડ વટાવી ગયો છે. શૅર ૨.૭ ટકાની નરમાઈમાં ૨૪૮ હતો. મઝગાંવ ડોકે ૫૬ ટકાના વધારામાં ૩૩૩ કરોડ ચોખ્ખો નફો દર્શાવતાં શૅર ઉપરમાં ૨૦૬૯ થઈ એક ટકો વધી ૨૦૦૦ રહ્યો છે. કોચીન શિપયાર્ડ ૦.૭ ટકા ઘટી ૧૦૪૦ તથા ગાર્ડનરિચ સાધારણ વધી ૭૭૯ હતો. ભેલ ૧૨ કરોડના નફામાંથી ૨૩૮ કરોડની જંગી ખોટમાં આવી છે. શૅર અઢી ગણા વૉલ્યુમે સામાન્ય વધીને ૧૨૬ થયો છે. વેલસ્પન કૉર્પ ૫૭ કરોડ નજીકની ત્રિમાસિક ખોટમાંથી ૩૮૫ કરોડના તગડા નફામાં આવતાં શૅર આઠ ગણા કામકાજે ૪૯૬ના શિખરે જઈ પાંચ ટકાના જમ્પમાં ૪૮૦ થયો છે. ગ્રુપ કંપની વેલસ્પન ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકાની ઊપલી સર્કિટે ૬૭૧ વટાવી ત્યાં જ બંધ હતી. વેલસ્પન એન્ટર નજીવો વધી ૨૮૬, વેલસ્પન સ્પેશ્યાલિટી અઢી ટકા વધી ૪૧ તથા વેલસ્પન ઇન્ડિયા અડધો ટકો વધી ૧૪૯ બંધ રહી છે. ગુજરાત આલ્કલીઝે ૬૦ કરોડના નફા સામે ૧૮ કરોડથી વધુની ચોખ્ખી ખોટ કરતાં શૅર નીચામાં ૭૦૫ થઈ ૩.૨ ટકા ગગડી ૭૧૮ હતો. જીએનએફસીનો નેટ પ્રૉફિટ ૨૩ ટકા ઘટી ૧૮૨ કરોડ રહેતાં શૅર ૬૬૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૨.૩ ટકા ઘટી ૬૭૫ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2023 06:28 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK